Tuesday, March 31, 2026
More
    Home Blog Page 407

    વતન પરત ફર્યા બાદ PM મોદીને મળવા પહોંચી વિશ્વવિજેતા ભારતીય ક્રિકેટ ટીમ, વડાપ્રધાન નિવાસસ્થાને થઈ વિશેષ મુલાકાત: સામે આવ્યો વિડીયો

    T20 વિશ્વકપ વિજેતા થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે (4 જુલાઈ) વહેલી સવારે વિશેષ વિમાન મારફતે બાર્બાડોઝથી નવી દિલ્હી આવી પહોંચી હતી. જ્યાં તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી તેઓ હોટેલ પહોંચ્યા હતા અને ત્યારબાદ સવારે 11 વાગ્યે તમામ ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. 

    વડાપ્રધાન સાથે ભારતીય ક્રિકેટ ટીમની મુલાકાત દરમિયાનની તસવીરો અને વિડીયો સામે આવ્યાં છે. જેમાં તમામ ખેલાડીઓ અને વડાપ્રધાન વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરતા જોવા મળે છે. દરમ્યાન પીએમ મોદી સાથે તેમણે વાતચીત પણ કરી હતી, જેનાં પણ દ્રશ્યો સામે આવ્યાં છે. 

    PM મોદી સાથે મુલાકાત દરમિયાન તમામ 15 ખેલાડીઓ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના હેડ કૉચ રાહુલ દ્રવિડ અને BCCI પ્રમુખ રોજર બિન્ની તેમજ સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે રાહુલ દ્રવિડ ભારતના કૉચ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. 

    PM સાથેની મુલાકાત બાદ ભારતીય ટીમના ખેલાડીઓ સુધી એરપોર્ટ જવા રવાના થયા હતા. જ્યાંથી તેઓ ફ્લાઇટ મારફતે મુંબઈ જશે. સાંજે મરીન ડ્રાઈવ પર આ ખેલાડીઓ વિજય સરઘસમાં જોડાશે. ત્યારબાદ પ્રસિદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો છે. જેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે ગત 29 જૂનના રોજ દક્ષિણ આફ્રિકાના બાર્બાડોઝમાં યોજાયેલી T20 વિશ્વકપ 2024ની ફાઇનલમાં ભારતીય ટીમે આફ્રિકાને તેના ઘરઆંગણે હરાવીને કપ પોતાને નામ કર્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું અને ટીમ એક પણ મેચ હારી ન હતી. 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યાનાં 11 વર્ષ બાદ ભારતીય ટીમ ICC ટ્રોફી જીતી હતી. 

    અંગ્રેજકાળના હોય કે આધુનિક, પુલોનું સ્મશાન બન્યું બિહાર: છેલ્લા 24 કલાકમાં 5 અને છેલ્લા 15 દિવસમાં 11 બ્રિજ થયા કકડભૂસ, વિપક્ષ થયું હમલાવર

    બિહારમાં જાણે પુલ તૂટી પડવાની હારમાળા શરૂ થઈ ગઈ છે. બિહારના વિવિધ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 11 પુલ ધરાશાયી થયા છે. કેટલીક જગ્યાએ બ્રિટિશ જમાનાનો પુલ ધોવાઈ ગયો છે તો કેટલીક જગ્યાએ 5 વર્ષ જૂનો પુલ પાણીના દબાણ સામે ટકી શક્યો નથી. બુધવાર-ગુરુવારે (3-4 જુલાઈ 2024) એકલા સિવાન અને સારણ જિલ્લામાં 5 પુલ ધરાશાયી થયા છે. પુલ તૂટી પડવાની ઘટનાઓને લઈને વિપક્ષે સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે.

    બુધવારે સિવાન જિલ્લામાં પુલ તૂટી પડવાની ત્રણ ઘટનાઓ નોંધાઈ હતી. પહેલી ઘટના મહારાજગંજ સબડિવિઝનના દેવરિયા ગામમાં બની હતી, જ્યાં ગંડક નદી પરના પુલનો એક પિલર નીચે પડી ગયો હતો અને પુલ તૂટી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ લગભગ 40 વર્ષ જૂનો હતો. પુલ તૂટી જવાની બીજી ઘટના મહારાજગંજ બ્લોકની તેવટા પંચાયતમાં બની, સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પુલ માત્ર 5 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. તે જ સમયે, પુલ તૂટી પડવાની ત્રીજી ઘટના મહારાજગંજના ધમહી ગામમાં બની હતી. લોકોનું કહેવું છે કે નદીમાં પાણીનો ઝડપી પ્રવાહ અને જળસ્તર વધવાને કારણે પુલ પ્રેશર સહન કરી શકતા નથી.

    બિહારના સારણ જિલ્લામાં પણ 2 પુલ તૂટી પડવાની માહિતી મળી રહી છે. છપરા એ સારણ જિલ્લાનું મુખ્ય મથક છે. છપરામાં ગંડક નદી પર જનતા બજાર વિસ્તારમાં પહેલો પુલ તૂટી ગયો હતો. આ જ વિસ્તારમાં બીજો પુલ પણ તૂટી ગયો હતો, જે ત્યાંથી લગભગ એક કિલોમીટર દૂર છે. આ પુલ લગભગ 100 વર્ષ જૂનો હતો અને અંગ્રેજોના સમયથી ઉભો હતો. સિવાન અને છપરામાં પાંચ પુલ ધરાશાયી થયા પહેલા છેલ્લા બે સપ્તાહમાં અરરિયા, સિવાન, મોતિહારી, કિશનગંજ અને મધુબનીમાં કુલ 6 પુલ ધરાશાયી થયા હતા.

    પુલ તૂટી પડવાની ઘટનાઓને લઈને વિપક્ષ હવે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેજસ્વી યાદવે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે બુધવારે X પર લખ્યું, “આજે બિહારમાં એક જ દિવસમાં 3થી વધુ પુલ તૂટી પડ્યા. સુશાસનના સૌજન્યથી, છેલ્લા 15 દિવસોમાં બિહારમાં કુલ 9 પુલોએ જળ સમાધિ લીધી છે. ડબલ એન્જિન સરકાર હવે તેની ફરજો, તેની કાર્યક્ષમ વસૂલી સિસ્ટમ અને તેના ડબલ એન્જિન સંચાલિત ભ્રષ્ટાચાર માટે વિપક્ષને દોષી ઠેરવી શકે છે.”

    ઉલ્લેખનીય છે કે 18 જૂનથી બિહારમાં સતત પુલ તૂટવાના અહેવાલો આવી રહ્યા છે. 18 જૂને અરરિયામાં બકરા નદી પર નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો, જ્યારે 22 જૂને સિવાનમાં ગંડક નદી પર બનેલો પુલ તૂટી પડ્યો હતો. 23 જૂને, પૂર્વ ચંપારણમાં નિર્માણાધીન એક પુલ તૂટી પડ્યો હતો, જ્યારે 27 જૂને બિહારના કિશનગંજમાં કનકાઈ અને મહાનંદા નદીઓને જોડતી નાની ઉપનદી પર બનેલો પુલ તૂટી પડ્યો હતો. તે જ દિવસે મધુબની જિલ્લામાં એક પુલ તૂટી પડ્યો હતો અને 30 જૂને કિશનગંજમાં એક પુલ ધરાશાયી થયો હતો.

    હુતાત્મા અગ્નિવીર અજય કુમારના નામે વિપક્ષે કરી રાજનીતિ: પરિવારને મળનાર વળતર બાબતે રાહુલ ગાંધીએ ફેલાવ્યું જૂઠ તો ભારતીય સેનાએ આંકડાઓ સાથે ખોલી પોલ

    હાલમાં જ ફરજ દરમિયાન જીવ ગુમાવનાર અગ્નિવીર અજય કુમારને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ વાતો વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને સેના અને સરકાર તરફથી કંઈ આપવામાં આવ્યું નથી. હવે આ મામલે સેના અને રક્ષા મંત્રાલય બંને દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. રક્ષા મંત્રાલયનું કહેવું છે કે અત્યાર સુધીમાં શહીદ અગ્નવીર અજય કુમારના પરિવારને ₹98 લાખથી વધુની રકમ આપવામાં આવી છે. કુલ મળીને તેને ₹1.65 કરોડ ચૂકવવામાં આવશે.

    ADG-PI ભારતીય સેનાના હેન્ડલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટને સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર X હેન્ડલ પરથી રીટ્વીટ કરવામાં આવી હતી.

    જેમાં કહેવામાં આવ્યું હતું કે, “અગ્નવીર અજય કુમારને આપવામાં આવેલા ભથ્થા અંગે સ્પષ્ટતા. સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટમાં સામે આવ્યું છે કે ફરજ પર જીવ ગુમાવનાર અગ્નિવીર અજય કુમારના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવ્યું નથી. એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે ભારતીય સેના અગ્નિવીર અજય કુમાર દ્વારા કરવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. અંતિમ સંસ્કાર સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવ્યા હતા. કુલ બાકી રકમમાંથી, અગ્નવીર અજયના પરિવારને ₹98.39 લાખ ચૂકવી દેવામાં આવ્યા છે.”

    આ પોસ્ટમાં, સેનાએ આગળ કહ્યું, “અગ્નવીર યોજનાની જોગવાઈઓ અનુસાર ₹67 લાખની લાગુ એક્સ-ગ્રેશિયા રકમ અને અન્ય લાભો, પોલીસ વેરિફિકેશન પછી તરત જ અંતિમ એકાઉન્ટ સેટલમેન્ટ પર ચૂકવવામાં આવશે. કુલ રકમ અંદાજે ₹1.65 કરોડ થશે.” અગ્નિવીર સહિત હુતાત્મા સૈનિકોના નજીકના સગાઓને ચૂકવવાપાત્ર ભથ્થાઓ તાત્કાલિક ચૂકવવામાં આવે તે વાત પર ફરીથી ભાર મૂકવામાં આવ્યો છે.

    રાહુલ ગાંધીએ પણ કર્યો હતો ખોટો દાવો

    કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અગ્નિવીર અજય સિંહના પરિવારને કોઈ વળતર કે રાહત રકમ મળી નથી. આ સાથે જ રાહુલ ગાંધીએ આ મુદ્દે દાવો કર્યો કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સંસદમાં ખોટું બોલ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિડીયો શેર કરતી વખતે તેમણે રાજનાથ સિંહને માફી માંગવા પણ કહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, “મેં સંસદમાં કહ્યું કે સત્યની રક્ષા દરેક ધર્મનો આધાર છે. તેના જવાબમાં રાજનાથ સિંહે વળતર અંગે શિવજીના ફોટાની સામે સમગ્ર ભારત, સેના અને ફાયર વોરિયર્સ સાથે ખોટું બોલ્યા.”

    રાહુલે કહ્યું કે, “મારું અને રક્ષા મંત્રીનું ભાષણ સાંભળ્યા બાદ અજય સિંહના પિતાએ કહ્યું કે રાજનાથ સિંહે ગૃહમાં જે કહ્યું તે મુજબ અમને ન તો પૈસા મળ્યા અને ન તો કોઈ સંદેશ મળ્યો. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે સંરક્ષણ મંત્રીએ સંસદમાં શહીદ અજય સિંહના પરિવાર, સેના અને દેશના યુવાનો સાથે ખોટું બોલ્યા છે. સંરક્ષણ મંત્રીએ આ તમામની માફી માંગવી જોઈએ.”

    માત્ર રક્ષા મંત્રી જ નહીં પરંતુ મહારાષ્ટ્રના અગ્નિવીરના પરિવારે પણ રાહુલ ગાંધીના દાવાને નકારી કાઢ્યો છે. મહારાષ્ટ્રના શહીદ અગ્નિવીર અક્ષય ગાવતેના પરિવારે કહ્યું છે કે તેમને સરકાર તરફથી ₹1.08 કરોડની સહાય મળી છે.

    મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના પિંપલગાંવ સરાયના વતની અગ્નવીર અક્ષય ગાવતે 21 ઓક્ટોબર 2023ના રોજ સિયાચીનમાં પોતાની ફરજ બજાવતા બલિદાની બન્યા હતા. અક્ષયના પિતા લક્ષ્મણ ગવતેએ સોમવારે (2 જુલાઈ, 2024) પત્રકારોને જણાવ્યું હતું કે અક્ષયના મૃત્યુ પછી પરિવારને “વીમા કવચ તરીકે ₹48 લાખ, કેન્દ્ર સરકાર તરફથી ₹50 લાખ અને રાજ્ય સરકાર તરફથી ₹10 લાખ મળ્યા છે.”

    ક્યાં છે તે પરશુરામ કુંડ, જેને મોદી સરકાર અયોધ્યાની જેમ શણગારશે? જાણો શું છે તેનું મહત્વઃ ઉત્તર-પૂર્વ ભારતના ધાર્મિક સ્થળ માટે ફાળવવામાં આવ્યા ₹37.87 કરોડ

    કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે મંગળવારે (2 જુલાઈ 2024) કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં સ્થિત પરશુરામ કુંડને દેશના મુખ્ય પ્રવાસી તીર્થ સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ વિકાસ કેન્દ્ર સરકાર અને અરુણાચલ સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભગવાને તેમને આ કાર્ય પૂર્ણ કરવા માટે સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય આપ્યું છે.

    ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે પરશુરામ કુંડને અયોધ્યા અને અન્ય દેવ સ્થાનોની જેમ વિકસાવવાનું સપનું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “મને લાગે છે કે ભગવાને તેમની આ ઈચ્છા પૂરી કરવા માટે સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની જવાબદારી આપી છે. આ વિસ્તારના દરેક સંભવિત વિકાસને સુનિશ્ચિત કરવાનો મારો પ્રયત્ન રહેશે, જેથી પરશુરામ કુંડ પણ ધાર્મિક પ્રવાસનના રૂપમાં દેશમાં એક મુખ્ય સ્થળ તરીકે ઉભરી આવે.

    પરશુરામ કુંડ અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં સ્થિત છે. તેના વિકાસ પછી, આ સ્થાન દેશના મુખ્ય ધાર્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત થશે. પરશુરામ કુંડને પ્રદેશના સૌથી મોટા તીર્થસ્થળોમાંથી એક બનાવવા માટે ₹37.87 કરોડની નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ફાળવણી પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ (PRASHAD) યોજના હેઠળ કરવામાં આવી છે.

    સ્થાપિત કરશે ભગવાન પરશુરામની 51 ફૂટની પ્રતિમા

    અહીં દર વર્ષે પરશુરામ કુંડ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અહીં યાત્રાળુઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે જે જગ્યાએ ઋષિ પરશુરામની પ્રતિમા સ્થાપિત થવાની છે ત્યાં પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રતિમાની સ્થાપનાનું કામ ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે.

    આ પ્રોજેક્ટમાં પરશુરામની 51 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપનાનો સમાવેશ થાય છે. તે વર્ષ 2021 માં એક સંસ્થા દ્વારા દાન કરવામાં આવ્યું હતું. અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન ચૌના મીને પરશુરામ કુંડના મુખ્ય તીર્થસ્થાન તરીકે વિકાસની દેખરેખમાં સક્રિય ભૂમિકા ભજવી છે. ચૌના મીન ચોંગખામ-વાક્રો મતવિસ્તારના સ્થાનિક પ્રતિનિધિ છે.

    એક અધિકારીએ જણાવ્યું કે લોહિત નદીના કિનારે મકરસંક્રાંતિ પર્વ દરમિયાન આ સ્થાન પર લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં પરશુરામ કુંડનું ખૂબ મહત્વ હોવાનું માનવામાં આવે છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન ચૌના મીન પોતે પરશુરામ કુંડ ખાતે પ્રોજેક્ટની દેખરેખ રાખી રહ્યા છે.

    શું છે પૌરાણિક મહત્વ?

    ઉલ્લેખનીય છે કે પરશુરામે પિતા જમદગ્નિના આદેશ પર માતા રેણુકાની હત્યા કરી હતી. તેમણે જે કુહાડી ચલાવી હતી તે તેના પાપને કારણે તેમના હાથમાં ફસાઈ ગઈ. કેટલાક ઋષિઓની સલાહ પર, પરશુરામ પ્રાયશ્ચિત મેળવવા સમગ્ર હિમાલયમાં ભટક્યા. આ દરમિયાન લોહિત નદીના પાણીમાં હાથ ધોતી વખતે તેમના હાથમાંથી કુહાડી પડી ગઈ હતી.

    પુરાણોમાં કહેવાયું છે કે લોહિત નદીના કિનારે જ્યાં ઋષિ પરશુરામે હાથ ધોયા હતા તે સ્થાન પરશુરામ કુંડ તરીકે ઓળખાય છે. પાછળથી, તે અહીં દર વર્ષે મકરસંક્રાંતિના અવસર પર ઉજવવાનું શરૂ થયું. આ મેળાને પરશુરામ કુંડ મેળો કહેવામાં આવે છે. હવે તેને ઉત્તર-પૂર્વ ભારતના મુખ્ય ધાર્મિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

    ભાજપ કાર્યકરો પર પથ્થરમારા મામલે કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની ધરપકડ, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર: ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ, કોંગ્રેસ કાર્યાલયે FSLની તપાસ 

    લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિંદુઓને લઈને આપેલા નિવેદનનો વિરોધ કરવા એકઠા થયેલા ભાજપ કાર્યકર્તાઓ પર પથ્થરમારો કરવાના કેસમાં ગુજરાત કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ, કોંગ્રેસ કાર્યાલયમાં FSLએ તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે તો બાકીના આરોપીઓની શોધખોળ હજુ ચાલી રહી છે. 

    ઘટનાની વધુ વિગતો જોઈએ તો, રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ ગુજરાત સહિત ઠેકઠેકાણે તેમની વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. અમદાવાદમાં પણ બજરંગ દળ કાર્યકર્તાઓએ સોમવારની રાત્રે (1 જુલાઈ) રાહુલ અને કોંગ્રેસ વિરૂદ્ધ કોંગ્રેસ કાર્યાલયની બહાર પોસ્ટરો ચોંટાડ્યાં હતાં. બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર પ્રદર્શનનું આયોજન કર્યું હતું પરંતુ તેમનો આરોપ છે કે તેઓ પહોંચ્યા ત્યારે તેમની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી. ઘટનામાં અમુક ભાજપ કાર્યકર્તાઓને ઈજા પહોંચી હતી, ઉપરાંત ફરજ પર હાજર પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.

    ઘટના બાદ અમદાવાદ શહેર ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ પોલીસ મથકે જઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર, મહિલા નેતા પ્રગતિ આહીર, શહેઝાદ પઠાણ, ઇમરાન રફીક શેઠજી, આકાશ સરકાર અને NSUI નેતા સંજય સોલંકીનો સમાવેશ થાય છે. આ સિવાય, એક ફરિયાદ પોલીસકર્મીએ પણ નોંધાવી છે, જે મામલે એલિસબ્રિજ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

    બુધવારે (3 જુલાઈ) પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 6 જુલાઈએ સાંજે 4 વાગ્યે તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ, FSLની એક ટીમ કોંગ્રેસ કાર્યાલય પહોંચી હતી અને પુરાવા એકઠા કર્યા હતા. બનાવના સ્થળે અને કાર્યાલય બંને જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી. 

    આરોપીઓમાં હર્ષ પરમાર, વિમલ કંસારા, મનીષ ઠાકોર, સંજય બારોટ અને મુકેશ દત્તાણીનો સમાવેશ થાય છે. FIRમાં અન્ય પણ આરોપીઓનાં નામ છે, જેઓ હાલ ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે. બાકીનાને શોધવા માટે CCTV ફુટેજની પણ મદદ લેવામાં આવી રહી છે. 

    ઘટનાને લઈને ફરિયાદી ભાજપ નેતા વિનય દેસાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “અમારા કાર્યકર્તાઓ ઉભા હતા તે સમયે કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ, તેમણે બોલાવેલા ગુંડાઓએ પથ્થરો, કાંચની બોટલો, લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો લઈને અમારા કાર્યકર્તા પર હુમલો કરી દીધો હતો. તેમને ટોળામાં આવીને પોલીસ દ્વારા ગોઠવેલા બેરિકેટો તોડીને હુમલો કર્યો હતો. આ હુમલામાં અમારા અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. ઘાયલોમાં 5 લોકોને વધુ વાગી જતા તેમને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. ખાલી ભાજપ કાર્યકર્તાઓ જ નહીં, સ્થળ પર હાજર પોલીસના જવાનો પણ ઘાયલ થયા છે. યુવા મોરચાના કાર્યકર્તાઓ માત્ર ને માત્ર શાંતિથી લોકશાહી ઢબે વિરોધ કરી રહ્યા હતા. અમે શૈલેષભાઈ પરમાર, શહેઝાદ પઠાણ સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.” 

    7 વર્ષીય સગીરા સાથે પિતરાઈ ભાઇએ કર્યો હતો રેપ, 2 વર્ષમાં વડોદરાની કોર્ટે સંભળાવ્યો ચુકાદો: આરોપીને 20 વર્ષની સજા, પોલીસે 27 દિવસમાં રજૂ કરી હતી ચાર્જશીટ

    વડોદરા નજીકના એક ગામમાં એક સાત વર્ષીય બાળકી સાથે રેપના મામલામાં કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવ્યો છે અને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે પીડિતાને વળતર પેટે ₹6 લાખ ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 2 વર્ષ જૂના કેસમાં તાજેતરમાં ચુકાદો આપવામાં આવ્યો. ગુજરાત પોલીસે આ કેસમાં ત્વરિત તપાસ પૂર્ણ કરીને માત્ર 27 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. 

    બનાવની વિગતો એવી છે કે, વડોદરા નજીકના એક ગામમાં રહેતી એક 7 વર્ષીય સગીરા 8 એપ્રિલ, 2022ના રોજ ઘર નજીક મહુડો વીણવા માટે ગઈ હતી. દરમ્યાન ત્યાં તેનો પિતરાઈ ભાઈ આવી પહોંચતાં તે તેને બીજે મહુડો વીણવા લઇ જવાનું પોતાની સાથે લઇ ગયો હતો. ત્યાં ગયા બાદ તેણે બાળકીનો હાથ પકડી લઈને ચોકલેટ આપવાની લાલચ આપી બળાત્કાર કર્યો હતો. 

    ડરી ગયેલી સગીરા ત્યારબાદ ઘરે પરત ફરી હતી, પરંતુ કોઈને કશું જણાવ્યું ન હતું. આખરે તેની માતાએ પ્રેમથી પૂછતાં સમગ્ર હકીકત જણાવી હતી. પીડિત પરિવારે પછીથી આ મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પોલીસે રેપનો કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. 

    જોકે, કેસની સુનાવણી દરમિયાન ભોગ બનનાર બાળકી અને તેના માતા-પિતા હોસ્ટાઈલ જાહેર થયા હતા. પરંતુ કોર્ટે નોંધ્યું હતું કે, ભોગ બનનાર CrPC 164 હેઠળના નિવેદનમાં આરોપી વિરુદ્ધની હકીકત જણાવે છે અને મેડિકલ પુરાવા અને FSLના પુરાવા પણ આરોપી વિરુદ્ધના છે. નોંધનીય છે કે કોઇ કેસની ટ્રાયલ દરમિયાન જે પક્ષે સાક્ષીને રજૂ કર્યો હોય તેના કેસ સ્ટેન્ડથી વિરુદ્ધ જુબાની આપનાર સાક્ષીને હોસ્ટાઈલ વિટનેસ કહેવાય છે. 

    સુનાવણીને અંતે આખરે કોર્ટે પુરાવાઓ અને રેકોર્ડ પર ઉપલબ્ધ તથ્યોને ધ્યાને લેતાં આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી અને સાથે 10 હજારનો દંડ કર્યો હતો. કોર્ટે સાથે વિક્ટિમ કમ્પેન્સેશન ફંડમાંથી પીડિતાને વળતર પેટે ₹6 લાખ ચૂકવવા માટે પણ આદેશ કર્યો હતો. 

    ઘટનાને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક X પોસ્ટ કરી હતી. તેમણે આ કેસમાં માત્ર 2 વર્ષમાં ટ્રાયલ પૂર્ણ કરીને આરોપીને સજા કરવા બદલ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, આ ચુકાદાથી સમાજમાં એક દાખલો બેઠો છે. આગળ તેમણે સંવેદનશીલતા દાખવીને ઝડપી કાર્યવાહી કરી માત્ર 27 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવા બદલ પોલીસનો પણ આભાર માન્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, આવા સમાજ પર કલંક સમાન કિસ્સાઓને રોકવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આવી માનસિકતા ધરાવનારાઓને કોઇ પણ કાળે છોડવામાં આવશે નહીં. 

    કંગના રણૌતને થપ્પડ મારનાર CISF મહિલાકર્મી ફરી ફરજ પર હાજર? સમાચાર વહેતા થયા બાદ CISFની સ્પષ્ટતા

    તાજેતરમાં અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ ઉપર એક CISF મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. બુધવારે (3 જુલાઈ) સમાચાર સામે આવ્યા, જેમાં દાવો કરવામાં આવ્યો કે તેને ફરી નોકરીમાં લઇ લેવામાં આવી છે અને બેંગ્લોર બદલી કરવામાં આવી છે. પરંતુ હવે તેને લઈને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. 

    CISFએ જણાવ્યું કે, કુલવિન્દર કૌર હજુ પણ સસ્પેન્ડ જ છે અને તેની વિરુદ્ધ વિભાગીય તપાસ ચલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં તેને ફરીથી નોકરીમાં બહાલ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા બાદ આ પ્રકારના સમાચાર વહેતા થયા હતા, જેને લઈને આ સ્પષ્ટતા કરવાની CISFએ ફરજ પડી હતી. 

    જોકે, અમુક મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે કુલવિન્દર કૌરની બદલી બેંગ્લોરમાં કરવામાં આવી છે, પરંતુ તે નોકરીમાં બહાલ થઈ શકશે નહીં અને સસ્પેન્ડ જ રહેશે. રિપોર્ટ અનુસાર, તેની બેંગ્લોરમાં રિઝર્વ બટાલિયનમાં બદલી કરવામાં આવી છે, પરંતુ તપાસ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તે સસ્પેન્ડ જ રહેશે. જાણવા મળ્યા અનુસાર, તેનો પતિ પણ CISFમાં જ નોકરી કરે છે અને હાલ બેંગ્લોરમાં ફરજ બજાવે છે. 

    ઉલ્લેખનીય છે કે ગત 6 જૂનના રોજ કુલવિન્દર કૌર જ્યારે ચંદીગઢ એરપોર્ટ ઉપર ફરજ પર હાજર હતી ત્યારે તેણે ત્યાં વિમાનમાં બેસવા જતાં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ કંગના રણૌતને થપ્પડ મારી દીધી હતી. કંગના હિમાચલ પ્રદેશથી ચંદીગઢ થઈને દિલ્હી જઈ રહ્યાં હતાં, જ્યાં તેમણે લોકસભા ચૂંટણી બાદ યોજાનારી NDAની સંસદીય દળની બેઠકમાં ભાગ લેવાનો હતો. 

    પછીથી કૌરે કારણ આપ્યું હતું કે તેણે કંગના રણોતની ખેડૂત આંદોલન પરની ટિપ્પણીથી ગુસ્સે થઈને આવુ કૃત્ય કર્યું હતું. પરંતુ એક સરકારી કર્મચારી અને એ પણ સુરક્ષાકર્મી થઈને આ પ્રકારનું બિનજવાબદારીભર્યું વર્તન કરવા બદલ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી અને પછીથી તેની સામે FIR પણ નોંધાઈ હતી. 

    હાલ તે નોકરીમાંથી બહાર છે અને તેની સામે પોલીસ તેમજ વિભાગીય તપાસ ચલાવવામાં આવી રહી છે. જેથી તે નોકરીમાં ફરીથી લેવામાં આવી હોવાના સમાચાર ખોટા છે. તેની બદલી બેંગલોરમાં કરવામાં આવી છે, તે પણ રિઝર્વ બટાલિયનમાં. 

    ગુજરાત સરકાર કરશે 24,700થી વધુ કાયમી શિક્ષકોની ભરતી: ટેટ અને ટાટ પાસ ઉમેદવારોમાં આનંદ, કેબિનેટે આપી મંજૂરી

    ગુજરાતના ટેટ અને ટાટ (TET TAT) પાસ કરેલ ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મળેલ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આ બાબતે મોટો નિર્ણય લેવાયો છે. અહેવાલો અનુસાર આ બેઠકમાં રાજ્યમાં ખાલી પડેલ 24,700 બેઠકો પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે.

    સમાચાર સામે આવતા જ ગુજરાતના ટેટ અને ટાટ પાસ કરેલ છે ઉમેદવારોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે આ પહેલા જુન માસમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં 7500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ભરતી આગામી 3 મહિનામાં થવાની છે.

    ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બાબતે માહિતી આપતી પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે આગામી ઓગસ્ટથી લઈને ડિસેમ્બર 2024 દરમિયાન આ ભરતીઓની જાહેરાત પ્રસિદ્ધ કરીને તેમને ભરવાની કાર્યવાહી કરવામાં આવશે.

    આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT Secondary અને TAT Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે.

    નોંધનીય છે કે ગુજરાતમાં ઘણા લાંબા સમયથી યુવાનો કાયમી શિક્ષકોની ભરતી માટે આંદોલનો કરી રહ્યા હતા. પોતાના આ નિર્ણયથી ગુજરાત સરકારે આ યુવાનોને વાચા આપી છે અને તેમની માંગણીઓની પૂર્તિ કરી છે. ટૂંક જ સમયમાં સરકાર તરફથી આ બાબતે સર્ક્યુલર રજૂ કરશે.

    ‘ઘણા લોકો દુર્ઘટના પર રાજકારણ રમી રહ્યા છે’: હાથરસ કાંડ મામલે યોગી આદિત્યનાથ, કહ્યું- ઉપદેશ આપનારા સજ્જનના રાજકીય સંબંધો કોની સાથે છે તે દરેક જાણે છે

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાથરસ કાંડના ઘાયલોની મુલાકાત માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઇજાગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી હતી. આ સાથે તેમણે ઘટનાસ્થળની પણ તપાસ કરી હતી. ઉપરાંત પત્રકાર પરિષદને પણ સંબોધિત કરી હતી. દરમિયાન તેમણે દુર્ઘટના વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ દુર્ઘટના એટલા માટે સર્જાઇ કે, સેવાદાર (સત્સંગના સ્વયંસેવકો) માણસોએ પણ લોકોને ધક્કા મારવાના ચાલુ કર્યા હતા. એક ભીડ દ્વારા ભારે ધક્કામુક્કીના કારણે આ દુર્ઘટના ઘટી છે. આ સાથે તેમણે આ ઘટના પર રાજકારણ રમનારા લોકોને પણ અરીસો બતાવ્યો છે.

    બુધવારે (3 જુલાઇ) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, “આ કાર્યક્રમમાં જે સજ્જન પોતાનો ઉપદેશ આપવા આવ્યા હતા, તેમની કથા સંપન્ન થયા બાદ, તેઓ મંચ પરથી ઉતરી રહ્યા હતા. ત્યારે તેમને સ્પર્શવા માટે મહિલાઓનું એક જુથ આગળ વધ્યું હતું, ત્યારે જ તેમની પાછળ પણ એક ટોળું ઘસી આવ્યું હતું. આ દરમિયાન જ તેઓ એકબીજાને કચડતા રહ્યા હતા. સેવાદાર પણ લોકોને ધક્કા મારી રહ્યા હતા. સેવાદારોએ પ્રશાસનને પણ અંદર ઘૂસવા માટેની પરવાનગી આપી નહોતી. જેના કારણે આ દુર્ઘટના થઈ છે. આ આખા ઘટનાક્રમ માટે ADG આગ્રાની અધ્યક્ષતામાં એક SITની રચના કરવામાં આવી છે, જેણે પ્રારંભિક રિપોર્ટ સોંપ્યો છે. ઘણા પાસાઓ છે, જેના પર તપાસ થવી જરૂરી છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “રાજ્ય સરકારે ન્યાયિક તપાસ કરવાનો નિર્ણય લીધો છે. જેનું નેતૃત્વ એક સેવાનિવૃત્ત હાઈકોર્ટના જજ કરશે. પ્રશાસન અને પોલીસના સેવાનિવૃત્ત અધિકારીઓ પણ તેમાં સામેલ હશે. ઘટના સમયે અમારી પ્રાથમિકતા રેસ્ક્યૂ ઓપરેશન પર ધ્યાન કેન્દ્રિત કરવાની હતી. પીડિતો યુપી, હરિયાણા, એમપી અને રાજસ્થાનથી પણ આવ્યા હતા. ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે. લગભગ તમામ લોકો જોખમની બહાર છે.” આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, જે આ ઘટના માટે જવાબદાર છે, તેને કોઈપણ ભોગે છોડવામાં આવશે નહીં.

    તેમણે વધુંમાં કહ્યું કે, “રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આર્થિક વળતરની પણ ઘોષણા કરી છે. આ ઘટનાનો ભોગ બનેલા નિર્દોષ લોકોના બાળકો, જેઓ સ્કૂલના વિદ્યાર્થી છે. ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ અભ્યાસની સુવિધા આપવામાં આવશે. પ્રત્યેક મૃતકના વ્યક્તિને 4 લાખ સુધીની સહાય આપવામાં આવશે. તે સિવાય ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.”

    આ સાથે તેમણે અખિલેશ યાદવ સહિત વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “કેટલાક લોકોનો સ્વભાવ હોય છે કે, આવી દુઃખદ અને પીડાદાયક ઘટનાઓમાં પણ તેઓ રાજકારણ રમે છે અને આવા લોકોનો સ્વભાવ છે- ચોરી પણ અને સીનાચોરી પણ.. દરેક વ્યક્તિ જાણે છે કે, તે સજ્જન (ભોલે બાબા)નો ફોટો કોની સાથે છે. તેમના રાજકીય સંબંધો કોની સાથે જોડાયેલા છે. તમે જોયું હશે કે, છેલ્લા કેટલાક દિવસોમાં રેલીઓ દરમિયાન આ રીતની ઘટનાઓ કયા બનતી હતી અને તેના પાછળ કોણ હતું.” નોંધનીય છે કે, ભોલે બાબાના સમાજવાદી પાર્ટી સાથે રાજકીય સંબંધો ઘણા સારા છે. અખિલેશ યાદવની સાથે તેમના ફોટો પણ જોવા મળે છે.

    શું હતી ઘટના?

    નોંધનીય છે કે, મંગળવારે (2 જુલાઈ, 2024) હાથરસના સિકંદરારાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના એટા રોડના ફૂલરઈ ગામમાં એક ‘ભોલે બાબા’ના મોટા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા. સત્સંગ પૂરો થયા પછી ટોળું પોતપોતાના ઘેર જવા નીકળી રહ્યું હતું. આ દરમિયાન કથાકાર ભોલે બાબા પણ બહાર આવવા લાગ્યા હતા. તેમને રસ્તો આપવા માટે એક તરફના ટોળાને રોકવામાં આવ્યું હતું. જે તરફ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે બાજુ પાછળથી લોકોના ધક્કા આગળ ઉભેલા ભક્તો પર વધવા લાગ્યા હતા.

    થોડી જ વારમાં ત્યાં ભાગદોડમાં મચી ગઈ હતી. હજારો લોકોની ભીડને ત્યાં હાજર પ્રશાસન અને સુરક્ષાતંત્ર પણ સંભાળી શકી ન હતી. ભીડમાં રહેલા લોકો એકબીજાને કચડવા લાગ્યા. આ ભાગદોડના કારણે સ્થળ પર ગુંગળામણ અને બફારો વધી ગયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકો આ ભાગદોડનો પહેલો શિકાર બન્યા હતા. પરિસ્થિતિને સંભાળવા માટે વહીવટીતંત્ર ભારે ફોર્સ સાથે પહોંચ્યું હતું. જોકે, ત્યાં સુધીમાં લગભગ 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલ 130થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

    તમિલનાડુ ભાજપ અધ્યક્ષ કે અન્નામલાઈ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણવા માટે લેશે 3 મહિનાનું વેકેશન: લીડરશીપ એન્ડ એક્સેલન્સ પ્રોગ્રામ માટે દેશમાંથી માત્ર 12 વ્યક્તિઓની પસંદગી

    તમિલનાડુના ભાજપ પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઈ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એક લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. આ વિશેની અધિકારિક જાણકારી તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ કારુ નાગરાજન દ્વારા આપવામાં આવી છે. તેમણે મંગળવારે (2 જુલાઇ) આ વિશેની જાણકારી આપતાં મીડિયાને કહ્યું હતું કે, અન્નામલાઈ બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં લીડરશીપ સંબંધિત ફેલોશિપ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે જશે.

    તમિલનાડુના ભાજપ ઉપાધ્યક્ષ નાગરાજને કહ્યું કે, અન્નામલાઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા લીડરશીપ એન્ડ એક્સેલન્સ પ્રોગ્રામ માટે ચેનિંગ ગુરુકુલ ફેલોશિપ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેથી અન્નામલાઈ 3 મહિના સુધી ઓક્સફોર્ડમાં રહેશે. તેઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના સુધી તે પ્રોગ્રામમાં ભાગ લેશે. સાથે તેમણે એવું પણ કહ્યું કે, આ પ્રોગ્રામ માટે ભારતમાંથી માત્ર 12 લોકોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાંના એક તમિલનાડુ ભાજપ પ્રમુખ છે.

    નાગરાજને મીડિયા સાથે વાત કરતાં સમયે કહ્યું કે, “અમને ખૂબ ખુશી અને ગર્વ છે કે, અમારા રાજ્ય અધ્યક્ષને આ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવ્યા છે.” આ સાથે તેમણે સ્ટેટ ઇન્ચાર્જને (પ્રભારી)ને લઈને પણ કહ્યું હતું કે, જ્યાં સુધી અન્નામલાઈ વિદેશ પ્રવાસ પર રહેશે ત્યાં સુધી રાજ્ય ભાજપ સંગઠનનું નેતૃત્વ પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલા કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવશે. આ અંગે દિલ્હી હાઇકમાન્ડથી નિર્ણય આવશે.

    નોંધનીય છે કે, તમિલનાડુના ભાજપ પ્રમુખ કે અન્નામલાઈએ લોકસભા ચૂંટણી પહેલાં જ આ પ્રોગ્રામ માટે અરજી દીધી હતી. તેથી તમિલનાડુ ભાજપ તે વાતનું ખંડન કરે છે કે, લોકસભા ચૂંટણીમાં હાર બાદ અન્નામલાઈ લીડરશીપ પ્રોગ્રામમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ પ્રોગ્રામ માટે દેશમાંથી પણ ઘણા લોકોએ અરજી કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના માપદંડ અનુસાર, 12 લોકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાંના એક અન્નામલાઈ પણ છે. તેથી તે 12 લોકોને આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.