પાકિસ્તાનના લ્યારીએ ‘ધુરંધર-2’ની કમાણીમાં માંગ્યો 80% ભાગ, સ્થાનિકોએ કહ્યું- ભારતવાળા પૈસા આપે તો રોડ-રસ્તાનું વિચારીએ

પાકિસ્તાનના કરાચીના લ્યારી વિસ્તારમાંથી એક વિચિત્ર માંગ સામે આવી છે. અહીંના સ્થાનિક લોકોએ બોલીવુડ ફિલ્મ ‘ધુરંધર- ધ રિવેન્જ’ની કુલ કમાણીમાં મોટો હિસ્સો માંગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં કેટલાક લોકો ફિલ્મની કુલ કમાણીના 70%થી 80% સુધીનો હિસ્સો લ્યારીને આપવાની વાત કરતા જોવા મળે છે.

સ્થાનિક લોકોનો દાવો છે કે ફિલ્મ લ્યારી તેમના વિસ્તારથી પ્રેરિત છે અથવા તેની કથા આ વિસ્તાર સાથે જોડાયેલી છે, તેથી આ વિસ્તારને પણ તેનો આર્થિક લાભ મળવો જોઈએ. તેમનું કહેવું છે કે જો આ પૈસા તેમને આપવામાં આવશે તો તેનો ઉપયોગ રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓના વિકાસમાં કરી શકાશે.

વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ કહેતો સંભળાય છે કે, “ભારતવાળા આપશે તો રસ્તા બનશે.” આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તેના પર ભારે ચર્ચા થઈ રહી છે. તેને પાકિસ્તાનમાં સ્થાનિક વહીવટીતંત્ર અને સરકાર પ્રત્યે અસંતોષના રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે વૈશ્વિક સ્તરે ₹1000 કરોડથી વધુની કમાણી કરી લીધી છે, જેના પછી આ માંગ સામે આવી છે. જોકે અત્યાર સુધીમાં ફિલ્મના નિર્માતાઓ કે કોઈ સત્તાવાર પક્ષ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

નોંધનીય છે કે આ માંગ કોઈ સત્તાવાર સ્તરે કરવામાં આવી નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં વ્યક્ત થયેલી સ્થાનિક પ્રતિક્રિયા છે. તેમ છતાં આ મુદ્દો હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે.