રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક પારદર્શિતાને મજબૂત કરવાના હેતુથી કેન્દ્રની મોદી સરકારે ચાલુ સંસદ સત્રમાં ‘ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ’માં (FCRA) વ્યાપક ફેરફારો સૂચવતું નવું બિલ લોકસભામાં રજૂ કર્યું છે. 25 માર્ચ, બુધવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આ વિધેયક રજૂ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે વિદેશી ભંડોળનો ઉપયોગ માત્ર અને માત્ર નિર્ધારિત સામાજિક કાર્યો માટે જ થવો જોઈએ અને સરકાર વિદેશી ભંડોળના થતા દુરુપયોગને સાંખી લેશે નહીં અને આવાં તત્ત્વો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
વિદેશથી આર્થિક સહાય મેળવવા માટે કોઈપણ બિન-સરકારી સંસ્થા (NGO) એ FCRA હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે. 2010ના મૂળ કાયદામાં વિદેશી સંસાધનો દ્વારા ઊભી કરાયેલી અસ્કયામતોને સંભાળવા માટે કોઈ વૈધાનિક માળખું નહોતું, તેમાં માત્ર ભંડોળના પ્રવાહને નિયંત્રિત કરવા માટેની જ જોગવાઈ હતી.
ભારતમાં હાલમાં અંદાજે 16,000 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) નોંધાયેલી છે, જે દર વર્ષે આશરે ₹22,000 કરોડ જેટલું જંગી વિદેશી ભંડોળ મેળવે છે. 2010માં બનેલા મૂળ FCRA કાયદામાં 2016, 2018 અને 2020માં પણ સુધારા કરવામાં આવ્યા હતા. જોકે સરકારના અવલોકનમાં આવ્યું કે ઘણી સંસ્થાઓ દ્વારા આ નાણાંનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે, ભારતની આંતરિક સુરક્ષા, જાહેર વ્યવસ્થા અથવા ધાર્મિક સૌહાર્દ બગાડવા માટે થતો હતો. ખાસ કરીને ‘ધર્માંતરણ’ અને ‘રાષ્ટ્રવિરોધી એજન્ડા’ ચલાવતી સંસ્થાઓ પર લગામ કસવી એ સરકારની પ્રાથમિકતા છે.

નિત્યાનંદ રાયે સંસદમાં વિપક્ષના વિરોધ વચ્ચે જણાવ્યું હતું કે, “જે લોકો વિદેશી નાણાંનો દુરુપયોગ કરીને ભારતની સંસ્કૃતિ અને સુરક્ષા સાથે રમત રમે છે તેમના માટે આ કાયદો ખરેખર ‘ખતરનાક’ સાબિત થશે.”
‘કી ફંક્શનરી’ની બદલાયેલી વ્યાખ્યા
નવા સુધારા મુજબ, હવે NGO કે કોઈપણ સંસ્થામાં માત્ર તેના પ્રમુખ કે મંત્રી જ નહીં પરંતુ સંસ્થા સાથે જોડાયેલી તમામ જવાબદાર વ્યક્તિઓ કાયદાના દાયરામાં આવશે. આમાં ટ્રસ્ટીઓ, ડાયરેક્ટરો, ભાગીદારો અને વહીવટ પર સીધું કે આડકતરી રીતે નિયંત્રણ ધરાવતા તમામ સભ્યોનો સમાવેશ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો હવે સંસ્થાના નિર્ણયોમાં સામેલ આખું બોર્ડ કે મેનેજિંગ કમિટી ‘મુખ્ય કાર્યકર્તા’ (Key Functionary) ગણાશે અને દરેક વ્યક્તિ સંસ્થાના કામકાજ માટે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે.

આ ફેરફારનો મુખ્ય હેતુ પારદર્શિતા લાવવાનો અને છટકબારીઓ બંધ કરવાનો છે. અગાઉ કોઈ ભૂલ કે ગેરરીતિ થાય ત્યારે માત્ર એક-બે મુખ્ય વ્યક્તિઓ જ જવાબદાર ઠરતી હતી, પરંતુ હવે સમગ્ર મેનેજમેન્ટની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આનાથી સંસ્થા ચલાવતા તમામ લોકોએ વધુ સતર્ક રહેવું પડશે, કારણ કે જો વિદેશી ભંડોળના ઉપયોગમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતા જણાશે તો સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ કે ડાયરેક્ટરો કાયદાકીય કાર્યવાહીમાંથી બચી શકશે નહીં.

સંપત્તિના વ્યવહાર પર કડક નિયંત્રણો
નવા સુધારા મુજબ જો કોઈ NGO વિદેશી ભંડોળમાંથી જમીન, વાહન, ઓફિસ કે અન્ય કોઈ પણ પ્રકારની સંપત્તિ ખરીદે તો તે સંપત્તિ પરનો માલિકી હક હવે સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે નહીં. આવી સંપત્તિને વેચવા, કોઈની પાસે ગીરો મૂકવા કે તેના પર લૉન લેવા માટે હવે કેન્દ્ર સરકારની પૂર્વમંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. એટલે કે સંસ્થા પોતાની મરજીથી આ સંપત્તિનો સોદો કરી શકશે નહીં.
આ નિયમ પાછળનો મુખ્ય તર્ક એ છે કે વિદેશી નાણાં જે સામાજિક કે સેવાકીય હેતુ માટે આવ્યા હોય તેનો ઉપયોગ ફક્ત તે જ કામ માટે થાય. ઘણીવાર એવું બને છે કે વિદેશી પૈસાથી મોંઘી મિલકતો ખરીદવામાં આવે અને પછી તેને વેચીને પૈસા અંગત સ્વાર્થ કે અન્ય અઘોષિત પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવે. આ સુધારો આવી શંકાસ્પદ લેવડદેવડ પર લગામ કસશે, કારણ કે દરેક વ્યવહાર પહેલાં સરકારી ચકાસણીમાંથી પસાર થવું પડશે. જો સરકારને તપાસ દરમિયાન એવું લાગશે કે સંપત્તિનો વ્યવહાર શંકાસ્પદ છે અથવા જે-તે NGOના કાયદાકીય હેતુઓ સાથે સુસંગત નથી, તો સરકાર મંજૂરી આપવાનો ઈનકાર કરી શકે છે.
રજિસ્ટ્રેશન અને રિન્યુઅલના કડક નિયમો
નવા સુધારા મુજબ NGO માટે વિદેશી ભંડોળ મેળવવા માટેનું FCRA રજિસ્ટ્રેશન અને તેનું સમયસર રિન્યુઅલ અત્યંત અનિવાર્ય બની ગયું છે. જો કોઈ સંસ્થા રિન્યુઅલની પ્રક્રિયામાં ચૂકી જાય અથવા સરકાર દ્વારા તેની અરજી ફગાવી દેવામાં આવે તો તે સંસ્થાનું પ્રમાણપત્ર તાત્કાલિક અસરથી રદ (Ceased) થયેલું ગણાશે. આનો સીધો અર્થ એ છે કે એકવાર રજીસ્ટ્રેશન સમાપ્ત થઈ જાય પછી સંસ્થા નવું વિદેશી ભંડોળ તો મેળવી જ શકશે નહીં, પરંતુ તેની પાસે બેંક ખાતામાં પડેલા અગાઉના બાકી નાણાંનો ઉપયોગ કરવાની સત્તા પણ ગુમાવી દેશે, જેનાથી સંસ્થાના વિદેશી ફંડ આધારિત તમામ કામકાજ પર સંપૂર્ણપણે રોક લાગી જશે.
નિયુક્ત સત્તાધિકારીની ભૂમિકા
જ્યારે કોઈ NGOનું FCRA લાયસન્સ રદ થાય, સંસ્થા પોતે લાયસન્સ છોડી દે અથવા રિન્યુઅલ ન થવાને કારણે લાયસન્સ રદ થઈ જાય, ત્યારે તે સંસ્થાની વિદેશી ફંડમાંથી બનેલી તમામ સંપત્તિઓ પરથી NGOનો હક મટી જાય છે. કાયદા મુજબ જે ક્ષણે લાયસન્સ રદ થાય તે જ ક્ષણે આ બધી મિલકતો ‘નિયુક્ત સત્તાધિકારી’ના તાબામાં એટલે કે સરકારના વચગાળાના કબજામાં આવી જાય છે.

ડેઝિગ્નેટેડ ઓથોરિટી’ કે ‘નિયુક્ત સત્તાધિકારી’ એક એવી સત્તા છે જે સરકાર દ્વારા ખાસ આ કામ માટે નિમવામાં આવશે. તેમનું કામ માત્ર મિલકત જપ્ત કરવાનું નથી પણ તેના દસ્તાવેજો ચકાસવાનું, મિલકતની જાળવણી કરવાનું અને જો તે મિલકત ભાડે આપેલી હોય તો તેનું ભાડું ઉઘરાવવાનું પણ છે. NGOના સંચાલકોએ હવે આ અધિકારીને તમામ હિસાબો અને ચાવીઓ સોંપી દેવી પડશે. જો સંસ્થા બંધ થઈ જાય, તો તેના છેલ્લા જવાબદાર હોદ્દેદારોએ સરકારને આ વિશે રિપોર્ટ કરવો ફરજિયાત છે.

નવા સુધારા બાદ સરકાર પાસે હવે બે વિકલ્પો છે. પહેલો વિકલ્પ એ કે જો તે સંપત્તિ કોઈ સામાજિક કામ માટે ઉપયોગી હોય (જેમ કે હોસ્પિટલ કે સ્કૂલ) તો સરકાર તેને કોઈ બીજા સરકારી મંત્રાલય કે વિભાગને સોંપી શકે છે. બીજો વિકલ્પ એ છે કે જો સરકારને તે રાખવી ન હોય, તો તે સંપત્તિને વેચી શકે છે. આ વેચાણથી જે પૈસા ઉપજે, તે સીધા ભારત સરકારની મુખ્ય તિજોરીમાં જમા થાય છે, જેનો ઉપયોગ દેશનાં અન્ય કામોમાં થાય છે.

આ કાયદામાં એક મહત્વની છૂટછાટ એ છે કે જો જપ્ત થયેલી સંપત્તિ કોઈ મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા હોય તો સરકાર તેને તોડી શકશે નહીં કે તેનો વ્યવસાયિક ઉપયોગ કરી શકશે નહીં. કાયદો કહે છે કે તે સ્થળનું ‘ધાર્મિક કેરેક્ટર’ (Religious Character) જળવાઈ રહેવું જોઈએ. સરકાર આવા કિસ્સામાં તે પૂજાસ્થળનો વહીવટ કોઈ યોગ્ય વ્યક્તિ કે ટ્રસ્ટને સોંપશે, જેથી ત્યાં થતી પૂજા-અર્ચના કે ધાર્મિક વિધિઓ પર કોઈ અસર ન પડે.

સિવિલ કોર્ટની સત્તાઓ અને ન્યાયિક પ્રક્રિયા
ડેઝિગ્નેટેડ ઓથોરિટી પાસે સિવિલ પ્રોસિજર કોડ, 1908 હેઠળ સિવિલ કોર્ટની તમામ સત્તાઓ હશે. તે ગમે તેને સમન્સ પાઠવી શકે છે, સોગંદ પર તપાસ કરી શકે છે અને ગુપ્ત દસ્તાવેજોની માંગણી કરી શકે છે. જો કોઈ સંસ્થાને ઓથોરિટીના નિર્ણય સામે વાંધો હોય તો તેને 90 દિવસની અંદર જિલ્લા અદાલતમાં અપીલ કરવાની તક આપવામાં આવશે.
સજામાં ઘટાડો પણ તપાસમાં મજબૂતી
નવા સુધારામાં સૌથી મોટો ફેરફાર સજાના ગાળામાં કરવામાં આવ્યો છે. અગાઉ વિદેશી ભંડોળના કાયદાનો ભંગ કરવા બદલ મહત્તમ 5 વર્ષની જેલની સજા થઈ શકતી હતી, જેને હવે ઘટાડીને 1 વર્ષની જેલ અથવા દંડ (અથવા બંને) કરવામાં આવી છે. આ ફેરફાર પાછળનો તર્ક એ છે કે નાની ટેકનિકલ ભૂલો માટે NGOના સંચાલકોને બિનજરૂરી લાંબી સજા ભોગવવી ન પડે અને કાયદાકીય પ્રક્રિયા વધુ વ્યવહારુ બને.

જોકે, સજા ઓછી કરવાની સાથે જવાબદારીનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સેક્શન 39 મુજબ જો કોઈ સંસ્થા દ્વારા ગુનો કરવામાં આવે તો તે સમયે સંસ્થાના વહીવટ અને કામકાજ માટે જવાબદાર એવા તમામ ‘મુખ્ય કાર્યકર્તાઓ’ને (Key Functionaries) ગુનેગાર માનવામાં આવશે. એટલે કે હવે સંસ્થાના નિર્ણયોમાં સામેલ દરેક વ્યક્તિ કાયદાની નજરમાં સમાન રીતે જવાબદાર ગણાશે અને તેમની સામે કાર્યવાહી થઈ શકશે.

તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા અને કેન્દ્રીય નિયંત્રણ લાવવા માટે સેક્શન 43(2) ઉમેરવામાં આવ્યો છે. હવે કોઈપણ એજન્સી કે પોલીસ અધિકારી કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી (Prior Approval) વગર FCRA હેઠળ કોઈ પણ ગુનાની તપાસ શરૂ કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે સ્થાનિક સ્તરે થતી હેરાનગતિ અટકશ પરંતુ સાથે જ બધી તપાસની લગામ હવે સીધી કેન્દ્ર સરકારના હાથમાં રહેશે, જે ‘સેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટી’ દર્શાવે છે.

અત્યાર સુધીના કાયદામાં ઘણી અસ્પષ્ટતાઓ હતી. જેમ કે જો કોઈ સંસ્થા બંધ થઈ જાય તો તેના વિદેશી ભંડોળનું શું કરવું? અથવા જો રજિસ્ટ્રેશન સસ્પેન્ડ હોય તે ગાળામાં પગાર ચૂકવી શકાય કે નહીં? આ નવું બિલ આ તમામ પ્રશ્નોના સમયબદ્ધ જવાબો આપે છે. તે એક વ્યાપક ફ્રેમવર્ક પૂરું પાડે છે જે વહીવટી કારણોસર થતા વિલંબને દૂર કરશે.
આ સુધારો માત્ર નિયંત્રણ માટે નથી, પરંતુ તે ભારતના લોકશાહી માળખાને સુરક્ષિત કરવા માટે છે. વિદેશી હસ્તક્ષેપ ઘટાડવા અને NGO ક્ષેત્રમાં જવાબદારી નક્કી કરવા માટે આ બિલ સીમાચિહ્નરૂપ સાબિત થશે.


