Thursday, April 2, 2026
More
    Home Blog Page 258

    ‘મોદીને મત એ જ અમારા માટે આપની ભેટ’: લગ્નની આમંત્રણ પત્રિકા પર છપાવ્યું તો કર્ણાટક પોલીસે દાખલ કરી દીધી FIR, હાઈકોર્ટે સ્થગિત કરી કાર્યવાહી

    કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) એક 29 વર્ષીય વ્યક્તિ સામે કરવામાં આવેલી FIR પર કાર્યવાહી સ્થગિત કરી દીધી. FIR થવાનું કારણ એ હતું કે તેમણે લગ્નના આમંત્રણ માટે છપાવેલી પત્રિકા  (Wedding Invitation) પર લખ્યું હતું, ‘નરેન્દ્ર મોદીને મત આપવો એ જ મારા લગ્ન પર આપે આપેલી ભેટ સમાન હશે.’

    FIR રદ કરતાં હાઇકોર્ટે કહ્યું કે, ફરિયાદી વ્યક્તિને અત્યંત વિચિત્ર પ્રકારના ગુના માટે આરોપી બનાવવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. ગત 11 નવેમ્બરે (સોમવાર) કર્ણાટક હાઈકોર્ટે તમામ કાર્યવાહી પર રોક લગાવી દીધી અને કર્ણાટક રાજ્ય સરકાર અને પોલિંગ ઑફિસરને નોટિસ પણ પાઠવી હતી. 

    આ મામલે પત્રિકા છપાવનાર વ્યક્તિ અને જ્યાં તે છપાઈ તે પ્રિન્ટિંગ પ્રેસના માલિક વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. બંને વિરુદ્ધ ગત એપ્રિલ મહિનામાં IPC 188 (જાહેરનામા ભંગનો ગુનો) અને રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટની કલમ 127A હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, પત્રિકા પર ‘મોદીને મત આપવો એ જ મારા લગ્નની ભેટ હશે’ લખાવીને લોકસભા ચૂંટણી માટે લાગુ આદર્શ આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. આ મામલે એક ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે FIR દાખલ કરી હતી. 

    પત્રિકા 1 માર્ચે છપાઈ, આચારસંહિતા 16 માર્ચે લાગુ થઈ, ગુનો કરી રીતે?- ફરિયાદી

    બીજી તરફ, બચાવમાં ફરિયાદીનું કહેવું છે કે તેમના લગ્નની પત્રિકા 1 માર્ચના રોજ છપાવવામાં આવી હતી, જ્યારે આચારસંહિતા લાગુ ન હતી. આચારસંહિતા 16 માર્ચના રોજ લાગુ કરવામાં આવી હતી અને જે-તે અધિકારીએ લગભગ એક મહિના પછી 19 એપ્રિલના રોજ આ બાબતે ફરિયાદ દાખલ કરાવી હતી. 

    ફરિયાદીએ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ એમ પણ દલીલ કરી હતી કે, મેજિસ્ટ્રેટ કોર્ટે પણ નિયત પ્રક્રિયા અનુસર્યા વગર અને કોઈ મગજ વાપર્યા વગર અરજદાર અને પ્રિન્ટિંગ પ્રેસના માલિક વિરુદ્ધ FIR દાખલ કરવાના આદેશ આપી દીધા હતા. કારણ કે RP એક્ટ ત્યારે જ લાગુ પાડી શકાય, જ્યારે આદર્શ આચારસંહિતા લાગુ હોય. સાથે એમ પણ કારણ આપવામાં આવ્યું કે મેજિસ્ટ્રેટ CrPCનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે, જેથી આ FIR કાયદાથી તદ્દન વિપરીત છે. 

    બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આખરે હાઈકોર્ટે તમામ કાર્યવાહી આગામી સુનાવણી સુધી સ્થગિત કરી દીધી હતી. 

    કોર્ટે કહ્યું કે, “અરજદારે કોર્ટ સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું છે કે આમંત્રણ પત્રિકા ચૂંટણી જાહેર થયા પહેલાં જ છપાવી દેવામાં આવી હતી, જેથી RP એક્ટ હેઠળ ગુનો ન ગણી શકાય, કારણ કે એક્ટ ચૂંટણી દરમિયાન જ લાગુ પાડી શકાય છે, ચૂંટણી પહેલાં નહીં. જેથી આગલી સુનાવણી ન થાય ત્યાં સુધી તમામ કાર્યવાહી સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવે છે.”

    આ મામલે 12 ડિસેમ્બરના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી હિંદુઓ પર થઇ રહેલ અત્યાચારના વિરોધમાં રેલીનું આયોજન: સુવેંદુ અધિકારીએ કહ્યું- ડૉ. યુનુસ અને મમતા બેનર્જી કરી રહ્યા છે હિંદુઓ પર અત્યાચાર

    બાંગ્લાદેશમાં ઘણા સમયથી હિંદુઓ વિરુદ્ધ અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ હિંદુઓના પવિત્ર તહેવાર દુર્ગા પૂજા દરમિયાન માતાની મૂર્તિઓ ખંડિત થઇ હોવાના મામલા સામે આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ હિંદુઓ પરના હુમલામાં ઘણો વધારો થયો હતો, ત્યાં સુધી તો હિંદુઓને તેમના ઉત્સવો ઉજવવા પર પણ પ્રતાડિત કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આ અત્યાચારના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિપક્ષના નેતા સુવેંદુ અધિકારી (Suvendu Adhikari) એક રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે મમતા સરકાર પર અને બાંગ્લાદેશ સરકાર પર ધારદાર પ્રહારો કર્યા હતા.

    ગિરી ગોવર્ધન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલ અત્યાચારનો વિરોધ નોંધવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ જ રેલીમાં પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારી પણ જોડાયા હતા. નોંધનીય છે કે હિંદુઓ પર થઇ રહેલ અત્યાચારના વિરોધમાં મમતા સરકારના નરમ વલણ પ્રત્યે સુવેંદુ અધિકારી અવારનવાર ટિપ્પણી કરતા હોય છે.

    ત્યારે આ વખતે તેમણે મમતા બેનર્જીની સરખામણી બાંગ્લાદેશના વચગાળાની સરકારના નેતા યુનુસ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ડૉ. યુનુસ અને મમતા બેનર્જી હિંદુઓ પર અત્યાચાર કરી રહ્યાં છે. હિંદુઓ હવે જાગી ચુક્યા છે. અમે તેમને છોડીશું નહીં. આ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની ભૂમિ છે. રાજ્યના મંદિરો અને મઠોમાંથી ઘણા સાધુ-સંતો વિરોધીઓ સામે અવાજ ઉઠાવવા માટે રસ્તાઓ પર આવ્યા છે.”

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગૃહમંત્રાલય દ્વારા સુવેંદુ અધિકારીને ઝેડ સિક્યુરીટી આપવામાં આવી હતી. નોંધનીય છે કે ઈન્ટેલીજન્સ બ્યુરોને સુવેંદુ અધિકારીની સુરક્ષા મામલે કોઈક મહત્વપૂર્ણ જાણકારી મળી હતી જે પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ આગાઉ તેમને માત્ર પશ્ચિમ બંગાળ પુરતી જ ઝેડ શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત થયેલી હતી. પરંતુ IBને કોઈ શંકાસ્પદ જાણકારી મળ્યા બાદ આ સુરક્ષા વધારવામાં આવી હતી.

    જે કાર્યવાહી પર ઉદ્ધવે મચાવ્યો હોબાળો, તે જ કાર્યવાહીમાં નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસે શાંતિપૂર્ણ રીતે આપ્યો સહયોગ: ભાજપે કહ્યું- બંધારણ માત્ર દેખાડા માટે નથી રાખવાનું

    મહારાષ્ટ્ર (Maharashtra) અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીને (Assembly Elections) લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. તે સાથે જ ચૂંટણી પંચ (EC) પણ સક્રિયપણે પોતાની જવાબદારીનું વહન કરી રહ્યું છે. તે જ ઘટનાક્રમ અનુસાર, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) બાદ હવે ચૂંટણી પંચના અધિકારીઓએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની (Nitin Gadkari) પણ તપાસ કરી છે. જોકે, ઉદ્ધવની તપાસ કરતાં તેમણે મોટાપાયે હોબાળો કરી દીધો હતો અને અધિકારીઓએ ગર્ભિત ધમકી પણ આપી દીધી હતી, પરંતુ ભાજપના બંને દિગ્ગજ નેતાઓએ શાંતિપૂર્વક ચૂંટણી પંચના અધિકારીઓને કાર્યવાહીમાં સહયોગ આપ્યો હતો.

    મંગળવાર (12 નવેમ્બર)ના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવારના પ્રચાર માટે પહોંચ્યા હતા. દરમ્યાન ચૂંટણી પંચની ટીમ ત્યાં પહોંચી અને તેમના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે નીતિન ગડકરી શાંતિપૂર્વક કાર્યવાહીમાં સહયોગ આપતા પણ નજરે પડી રહ્યા હતા. આ ઘટના પહેલાં શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પણ તપાસ કરવામાં આવી હતી.

    દેવેન્દ્ર ફડણવીસ-ગડકરીની તપાસ શાંતિપૂર્વક, ઉદ્ધવે કરી દીધો હોબાળો

    ઉદ્ધવ ઉસ્માનાબાદમાં ઔસા બેઠક પર પ્રચાર કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન યવતમાલના વની એરપોર્ટ પર તેમના બેગની તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન જ ઉદ્ધવ ઠાકરે ચૂંટણી પંચના અધિકારીઓ પર ભડકી ઉઠ્યા હતા અને તેમને એલફેલ બોલવા લાગ્યા હતા. તેમણે શૌચાલય સુદ્ધાંની તપાસ કરવાનું કહી દીધું હતું અને ચૂંટણી પંચના અધિકારીઓને ગર્ભિત ધમકી પણ આપી દીધી હતી. એટલું જ નહીં, પરંતુ તેમણે વિડીયો રેકોર્ડ કરીને વાયરલ પણ કર્યો હતો.

    આ ઘટના બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પણ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં ચૂંટણી પંચના અધિકારીઓ તેમના બેગની તપાસ કરતાં નજરે પડી રહ્યા છે. મહારાષ્ટ્ર ભાજપના ઓફિશિયલ X હેન્ડલ પરથી તે વિડીયોને શેર કરવામાં આવ્યો છે. તે વિડીયો 5 નવેમ્બરનો હોવાનું કહેવાય રહ્યું છે. એટલે ઉદ્ધવ ઠાકરે પહેલાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુદ્ધાંની તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં ભાજપના કોઈ નેતા કે કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી અને કોઈ હોબાળો પણ નથી થયો. પરંતુ ઉદ્ધવે હોબાળો કરતાં ભાજપે વિડીયો શેર કરીને બંને વચ્ચેનું અંતર દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

    સોશિયલ મીડિયા પર આ બંને ઘટનાઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ચૂંટણી પંચના અધિકારીઓએ એક તરફ ભાજપના બે મોટા નેતાઓની પણ તપાસ કરી છે તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની પણ તપાસ કરી છે. બંને ઘટનાઓમાં ભાજપના નેતાઓ શાંતિપૂર્વક સહયોગ આપતા દેખાઈ આવે છે અને ઉદ્ધવ ઠાકરે અધિકારીઓને ગર્ભિત ધમકી આપતા નજરે પડે છે.

    ‘બંધારણ માત્ર દેખાડા માટે નથી રાખવાનું’

    દેવેન્દ્ર ફડણવીસનો વિડીયો શેર કરીને ભાજપે લખ્યું કે, “જવા દો, કેટલાક નેતાઓને દેખાડો કરવાની આદત હોય છે. બંધારણને માત્ર દેખાડા માટે નથી રાખવાનું, તેની બંધારણીય વ્યવસ્થાઓનું પાલન પણ કરવાનું હોય છે. અમારી તો બસ એટલી જ અપીલ છે કે, તમામ લોકોને બંધારણની માહિતી હોવી જોઈએ.” આ સાથે જ તેમણે દેવેન્દ્ર ફડણવીસના ચેકિંગનો વિડીયો પણ જાહેર કર્યો હતો. ઉપરાંત બંને ઘટનાઓ વચ્ચેનો તફાવત પણ દર્શાવ્યો હતો.

    અમેરિકી અમલદારશાહીને ‘ક્લીન’ કરશે ઈલોન મસ્ક અને ભારતવંશી વિવેક રામાસ્વામી: પ્રેસિડેન્ટ ટ્રમ્પે બનાવ્યું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી- ‘DOGE’

    અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (President Donald Trump) જાહેરાત કરી હતી કે ઈલોન મસ્ક ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’નું (Department of Government Efficiency) (DOGE) નેતૃત્વ કરશે – જે પદનો ટ્રમ્પ દ્વારા તેમના પ્રચાર અભિયાન દરમિયાન સંકેત અપાયો હતો. મસ્ક ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીની સાથે વિભાગનું નેતૃત્વ કરશે.

    ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સાથે મળીને, આ બે અદ્ભુત અમેરિકનો મારા વહીવટ માટે સરકારી અમલદારશાહીને ખતમ કરવા, વધારાના નિયમોમાં ઘટાડો કરવા, નકામા ખર્ચમાં ઘટાડો કરવા અને ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન કરવાનો માર્ગ મોકળો કરશે – જે ‘સેવ અમેરિકા’ (Save America) ચળવળ માટે જરૂરી છે”

    “હું ઇલોન (Elon Musk) અને વિવેક (Vivek Ramaswamy) કાર્યક્ષમતા પર નજર રાખીને ફેડરલ બ્યુરોક્રેસીમાં ફેરફારો કરવા માટે આતુર છું જેથી તમામ અમેરિકનો માટે જીવન વધુ સારું બનાવી શકાય.” તેમણે ઉમેર્યું. ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેઓ સરકારમાંથી ‘તમામ કચરો અને ભ્રષ્ટાચાર’ દૂર કરશે.

    વિજય બાદ પ્રેસિડેન્ટ ટ્રમ્પે કર્યા હતા ઈલોનના ભરપૂર વખાણ

    ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી, ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી કમલા હેરિસને (Kamala Harris) 69 ઇલેક્ટોરલ વોટથી હરાવી હતી. તેમના વિજય ભાષણ દરમિયાન, ટ્રમ્પે મસ્કની પ્રશંસા કરી અને તેમને ‘અદ્ભુત અને સુપર જિનિયસ વ્યક્તિ’ તરીકે વર્ણવ્યા હતા. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે આ અબજોપતિએ ફિલાડેલ્ફિયા અને પેન્સિલવેનિયામાં તેમની સાથે ચૂંટણી પ્રચારમાં બે અઠવાડિયા ગાળ્યા હતા.

    “આપણી પાસે એક નવા સ્ટાર છે, એક સ્ટારનો જન્મ થયો છે: ઈલોન. તે એક અદ્ભુત વ્યક્તિ છે. અમે આજે રાત્રે સાથે બેઠા હતા. તમે જાણો છો, તેણે ફિલાડેલ્ફિયામાં, પેન્સિલવેનિયાના જુદા જુદા ભાગોમાં, ચૂંટણી પ્રચારમાં બે અઠવાડિયા ગાળ્યા,” ટ્રમ્પે તેમના સમર્થકોને કહ્યું.

    ટ્રમ્પના કટ્ટર સમર્થક રહી ચૂકેલા મસ્ક રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ કેમ્પેઈનનો મુખ્ય ભાગ હતા. ટેસ્લાના CEOએ (Tesla CEO) ટ્રમ્પની પુનઃચૂંટણીની લડાઈમાં 100 મિલિયન ડોલરથી વધુનું દાન આપ્યું અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો ઉપયોગ કરીને આક્રમક રીતે પ્રચાર કર્યો.

    9 નવેમ્બરના રોજ, ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથેના કોલમાં ઈલોનને જોડાવા કહ્યું તે બાદ વધુ સ્પષ્ટ થયું હતું કે મસ્ક તેમના વહીવટનો એક મહત્વપૂર્ણ ભાગ હશે. યુક્રેનિયન અધિકારીના જણાવ્યા અનુસાર, ઝેલેન્સકીએ સ્ટારલિંક્સ (Starlinks) માટે મસ્કનો આભાર માન્યો હતો અને તેઓએ ટૂંકમાં વાત કરી હતી, જોકે મુખ્ય વાતચીત ટ્રમ્પ સાથે હતી, એમ સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં જણાવાયું હતું.

    ‘વિભાજીત થયા તો યથાવત રહેશે ગણેશ પંડાલો પર હુમલા અને લેન્ડ જેહાદ’: અમરાવતીમાં CM યોગી, ‘બટેંગે તો કટેંગે’નો કર્યો પુનરુચ્ચાર, કહ્યું- એક રહેશો તો સેફ રહેશો

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Legislative Elections) નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણી પ્રચાર પણ પુરજોશથી ચાલી રહ્યો છે. પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath)  મહારાષ્ટ્રના અમરાવતીમાં એક જાહેરસભા સંબોધિત કરી હતી. જેમાં તેમણે ‘બટેંગે તો કટેંગે’ (Batenge toh Katenge) નારાનો પુનરુચ્ચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ‘બટેંગે તો કટેંગે’ નારો CM યોગીએ મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન જ આપ્યો હતો. ત્યારે ફરીથી આજે (12 નવેમ્બર) એ જ નારો લગાવીને યોગીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, CM યોગી આદિત્યનાથ અચલપુર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ તાયડેના પ્રચાર દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન યોગી આદિત્યનાથે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, લવ જેહાદ, લેન્ડ જેહાદ માટે મહાવિકાસ આઘાડી ગઠબંધન બનાવવામાં આવ્યું છે.

    તેમણે સભા સંબોધતા કહ્યું હતું કે, ”જ્યારે-જ્યારે આપણે વિભાજિત થઈશું ત્યારે ગણપતિ પંડાલ પર હુમલા થશે, લેન્ડ જેહાદ અંતર્ગત જમીનો છીનવી લેવામાં આવશે, આપણી દીકરીઓ મુશ્કેલીઓમાં મુકાશે. આજે UPમાં ના તો લવ જેહાદ થાય છે ના તો લેન્ડ જેહાદ.”

    આગળ તેમણે કહ્યું કે, “UPમાં પહેલાંથી જ જાહેરાત કરવામાં આવી હતી કે, જો કોઈ અમારી દીકરીઓની સુરક્ષામાં અવરોધ ઊભો કરશે, સરકારી અને ગરીબોની જમીન હડપ કરશે તો ‘યમરાજ’ ​​તેમની ટિકિટ કાપવા તૈયાર છે… UPમાં માફિયાઓ હતા અને અગાઉની સરકાર તેમને રક્ષણ આપતી હતી. ..પણ હવે એ બધા ‘જહન્નુમ’ તરફ જઈ રહ્યા છે.”

    CM યોગીએ કહ્યું હતું કે, “હરિયાણા માટે કોંગ્રેસ કહી રહી હતી કે, તે જીતશે, પરંતુ ભાજપ જીત્યું. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી છે, લોકસભામાં જે કમી રહી ગઈ હતી, તે જનતા આ ચૂંટણીઓમાં પૂર્ણ કરશે. હવે અમરાવતીની જનતા ફરીથી એવી ચૂક નહીં કરે.” તેમણે કહ્યું, “હું એ જ અપીલ કરવા આવ્યો છું કે ‘બટેંગે તો કટેંગે’ તેથી ‘એક રહો સેફ રહો’.”

    આ ઉપરાંત તેમણે કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન તેમણે કહ્યું હતું કે, “આજે કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે. આ કામ ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીએ નથી કર્યું પરંતુ મોદીજીએ કર્યું છે. 2014 પહેલાં પાકિસ્તાન અને ચીન બંને ભારતમાં ઘૂસણખોરી કરતા હતા, ત્યારે તેમને રોકનાર કોઈ હતું નહીં.” તેમણે કહ્યું કે આ નવું ભારત છે ‘છંછેડશો તો છોડશે નહીં’.”

    ‘માત્ર વોટબેંક માટે OBCનો ઉપયોગ કરે છે કોંગ્રેસ’- હરિયાણા CM સૈની: નાના પટોલેએ આપ્યું હતું ‘કુત્તે’વાળું વિવાદિત નિવેદન, રાજીવ ગાંધીનું લોકસભા ભાષણ અપાવ્યું યાદ

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Legislative Elections) 20 નવેમ્બરે યોજવા જઈ રહી છે અને 23 નવેમ્બરે તેનું પરિણામ આવવાનું છે. ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના (Congress) નેતા નાના પટોલેએ (Nana Patole) અકોલા જિલ્લામાં એક ચૂંટણી રેલી દરમિયાન એક વિવાદ ઉભો કર્યો હતો. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. પટોલેના નિવેદન પર હરિયાણાના CM નાયબ સિંઘે (Haryana CM Nayab Singh Saini) જવાબ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસે માત્ર OBCને અન્યાય જ કર્યો છે અને OBCનું શોષણ કર્યું છે.

    નોંધનીય છે કે, તેમના સંબોધન દરમિયાન પટોલેએ કહ્યું, “હું પૂછવા માંગુ છું કે, અકોલા જિલ્લાના OBC સમાજના લોકો, તમને કૂતરા કહેવાવાળી ભાજપને મત આપશો?… હવે ભાજપને કૂતરો બનાવવાનો સમય આવી ગયો છે. તેઓ ખૂબ ઘમંડી થઈ ગયા છે.” આ નિવેદનનો ઘણો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે નાના પટોલેના આ નિવેદન પર હરિયાણાના CMએ પલટવાર કર્યો હતો.

    હરિયાણાના સીએમ નાયબ સિંઘ સૈનીએ કહ્યું, “કોંગ્રેસે ન માત્ર OBC સાથે અન્યાય કર્યો છે પરંતુ કોંગ્રેસે OBCનો વોટબેંકની રાજનીતિ માટે ઉપયોગ કર્યો પણ છે. મોદીજીએ OBCને જેટલું સન્માન આપ્યું છે એટલું કદાચ ઇતિહાસમાં કોઈએ નથી આપ્યું.” પટોલેના નિવેદન બદલ તેમને કાકાસાહેબ કાલેલકરના રિપોર્ટ અંગે જાણવા કહ્યું હતું.

    નાયબ સિંઘે પૂર્વ PM રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે “તેમણે રાજીવ ગાંધીએ લોકસભામાં કરેલી ચર્ચા જોવી જોઈએ, જેમાં તેમણે 1 કલાક સુધી ઓબીસીને બંધારણીય અધિકારો અને દરજ્જો કેમ ના મળવા જોઈએ એ અંગે વાત કરી હતી. મોદીજી 2018માં OBCને બંધારણીય દરજ્જો આપવા માટે એક બિલ લાવ્યા હતા, જે લોકસભામાં પારિત થઇ ગયું પરંતુ રાજ્યસભામાં અમને જનાદેશ ન મળ્યો.”

    તેમણે આગળ કહ્યું કે, “નાના પટોલેએ જણાવવું જોઈએ કે આ મામલે કોંગ્રેસનું શું સ્ટેન્ડ હતું? કોંગ્રેસે હંમેશા OBC સાથે અન્યાય કર્યો છે. કોંગ્રેસે OBCનો ઉપયોગ વોટબેંક માટે અને રેલીઓમાં સંખ્યા વધારવા માટે કર્યો છે. જયારે પણ OBCના અધિકારોની વાતો આવી કોંગ્રેસે તેને નકાર્યું છે. નરેન્દ્ર મોદીજીએ OBC આયોગ બનાવ્યો અને તેને બંધારણીય દરજ્જો આપ્યો.”

    તેમણે OBC આરક્ષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મને આનંદ છે કે અમે OBC સમાજના બાળકોને MBBS, MDની સીટો, કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોમાં પણ 27%ની અનામત આપી છે. નોકરીઓમાં પણ મોદીજી અને OBCના આયોગના કારણે OBCને 27% અનામત મળી છે. OBC સમાજને બદલવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી માત્ર તેમનું શોષણ કર્યું છે.”

    ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના શંકાસ્પદ મોત બાદ એક્શનમાં સરકાર: સિવિલમાં થશે મૃતકોના પેનલ પોસ્ટમોર્ટમ, પહોંચી યુ.એન મહેતાની ટીમ

    અમદાવાદમાં (Ahmedabad) એસ.જી હાઇવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) દર્દીઓના અકાળે મૃત્યુ (Patient Death) થયાના મામલે સરકાર એક્શનમાં આવી છે. જે દર્દીઓના મૃત્યુ થયા છે, તેમનું પોસ્ટમોર્ટમ (Post-mortem) સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તથા ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજે ખસેડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ નિર્ણયો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના વિવાદાસ્પદ રીતે મૃત્યુ થયા બાદ લેવામાં આવ્યો છે.

    અહેવાલો અનુસાર, કડી તાલુકાના કણજરી ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 100 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. 20 જેટલા દર્દીઓને સારવાર માટે બોલાવ્યા હતા. જેમાંથી કેટલાકની હાર્ટ સંબંધિત તકલીફને પગલે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જે પછી કેટલાક દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 નવેમ્બરની રાત્રે 2 દર્દીઓના મોત થયા હતા.

    PMJY યોજનાના રૂપિયા પડાવવા ઓપરેશન કર્યા હોવાના આરોપ

    દર્દીઓના પરિવારનો આરોપ છે કે PMJY યોજના હેઠળ પૈસા પડાવવા હોસ્પિટલ દ્વારા તેમની જાણ બહાર દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ઓપરેશનના કારણે 2 દર્દીઓના મોત થતા હોબાળો મચી ગયો હતો અને લોકો વિરોધ કરવા લાગ્યા હતા. જેના કારણે ઘટના માટે જવાબદાર ડોક્ટર્સ અને અન્ય તબીબો ઘટનાસ્થળેથી ગાયબ થઇ ગયા હતા.

    તબીબો નાસી છૂટતા બાકીના દર્દીઓ રઝળી પડ્યા હતા, જેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અહેવાલો મુજબ PMJY હેલ્થ મિશનના ડિરેક્ટર ડૉ. યુ.ટી ગાંધીએ જણાવ્યું કે, “ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીથી બે દર્દીના મોતના સમાચાર અમને મળતાં જ અમારી તબીબોની ટીમને અમે ત્યાં મોકલી દીધી છે. જેમાં યુ.એન મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ પણ સામેલ છે.”

    ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચી યુ.એન મહેતાની ટીમ

    તેમણે જણાવ્યું હતું કે, “આ ટીમો દ્વારા જે દર્દીઓ તબીબો વિના રઝળી રહ્યાં છે, તેમની સારવાર કરવામાં આવશે અને જે દર્દીઓને જરૂર જણાશે તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં શિફ્ટ પણ કરવામાં આવશે. આ સિવાય અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી છે. જે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિઓગ્રાફી કરવામાં આવી છે તેમની તપાસ કરશે. જેમાંથી કેટલાંને ખરેખર તેની જરૂર હતી કે કેમ તે વિશે પણ તપાસ કરવામાં આવશે.”

    યુ.ટી. ગાંધીએ જણાવ્યું કે, PMJYના નામે કરવામાં આવેલી છેતરપિંડીના દાવા અંગે હાલ ખ્યાતિ હોસ્પિટલના તમામ પેમેન્ટ રોકવામાં આવ્યા છે. આ સિવાય તપાસ દરમિયાન જો કોઈ નક્કર પુરાવા મળશે અને આ કૌભાંડ સાચું હોવાની જાણ થશે, તો પેનલ્ટી સહિતની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.

    મૃતકને અસારવા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. વીડિઓગ્રાફીથી પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ અને એક્સપર્ટનાં રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારી ખુલશે તો ગુનો નોંધવામાં આવશે.

    ‘અમારા કાર્યકાળ દરમિયાન મુસ્લિમોને અનામત નહીં, આદિવાસીઓનો અધિકાર ક્યારેય નહીં છીનવાય’: અમિત શાહે ઝારખંડ ચૂંટણીના પ્રચાર દરમિયાન કાયદો બનાવવા આપી ખાતરી

    ઝારખંડ વિધાનસભાના (Jharkhand Legislative Election) પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સરાયકેલામાં (Saraikela) ચૂંટણી રેલી યોજી હતી. આ સભા દરમિયાન તેમણે કોંગ્રેસે (Congress) મુસ્લિમોને અનામત આપવાનું મહારાષ્ટ્રમાં (Maharashtra) આપેલા વચનની યાદ અપાવી હતી. તેમણે એવી ખાતરી આપી હતી કે જ્યાં સુધી ભાજપ છે ત્યા સુધી મુસ્લિમોએ અનામત નહીં આપવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે, જ્યારે ઘૂસણખોરો વધી રહ્યા છે. જો ભાજપની સરકાર બનશે તો અમે ઘૂસણખોરીને સંપૂર્ણપણે ખતમ કરી દઈશું”.

    અમિત શાહે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) સરકાર પર બાંગ્લાદેશી ઘૂસણખોરોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે “ઝારખંડમાં આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે અને ઘૂસણખોરો અમારી દીકરીઓના લગ્ન કરીને જમીન હડપ કરી રહ્યા છે. અમે આદિવાસી મહિલાઓના લગ્ન પર ઘૂસણખોરોને જમીન ટ્રાન્સફર રોકવા માટે કાયદો બનાવીશું.”

    અમિત શાહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઝારખંડમાં ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા બદલ ઝારખંડ મુક્તિ મોરચાના (JMM) નેતા ચંપાઈ સોરેનનું અપમાન કરવામાં આવ્યું હતું અને હેમંત સોરેને તેમને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા દબાણ કર્યું હતું. ગૃહમંત્રીએ JMM, કોંગ્રેસ અને RJD નેતાઓ પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અને માત્ર પોતાના અંગત લાભ માટે કામ કરવાનો આરોપ પણ લગાવ્યો.

    તેમણે વધુમાં કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો તેઓ (JMM)ના ભ્રષ્ટ નેતાઓને જેલમાં મોકલી દેશે. અમિત શાહે JMM સરકાર પર 300 કરોડનું જમીન કૌભાંડ, રૂ. 1,000 કરોડનું મનરેગા કૌભાંડ, રૂ. 1,000 કરોડનું ખાણ કૌભાંડ અને કરોડો રૂપિયાના દારૂ કૌભાંડનો આરોપ મૂક્યો હતો. અમિત શાહે વચન આપ્યું હતું કે જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવશે ત્યારે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે જો કેન્દ્ર એક રૂપિયો મોકલે તો રાજ્ય તેમાં 25 પૈસા ઉમેરે, જેથી કરીને 1.25 રૂપિયાનો લાભ જનતા સુધી પહોંચે.

    શાહે એવો પણ દાવો કર્યો હતો કે “અમારા કાર્યકાળ દરમિયાન મુસ્લિમોને ક્યારેય અનામત નહીં મળે. અમે આદિવાસીઓના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવા નહીં દઈએ. જો ઘુસણખોર આદિવાસી યુવતી સાથે લગ્ન કરે તો જમીન તેના નામે નહીં થાય.” તેમણે એવી પણ ખાતરી આપી હતી કે ઝારખંડમાં સરકાર બનતાની સાથે જ અમે ઘૂસણખોરોની ઓળખ કરવા માટે એક કમિટી બનાવીશું.

    તેમણે એમ પણ કહ્યું કે જો રાજ્યમાં ભાજપ સત્તામાં આવશે તો પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, “હેમંત સોરેનની સરકારમાં ભ્રષ્ટાચાર થયો હતો અને પરીક્ષાના પેપર લીક થયા હતા. ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ આ પેપર લીક કરનારાઓને અમે પાઠ ભણાવીશું.”

    કચ્છમાં ફરી ત્રાટક્યા ચોર: રાપરના કાનમેરમાં એક સાથે 8 મંદિરોમાં ચોરી, આ પહેલાં ચિત્રોડમાં ભાંગ્યા હતા 9 ધર્મસ્થાનો, ઘટના બાદ સ્થાનિકોમાં રોષ

    કચ્છના રાપર (Kutchch Rapar) તાલુકામાં થોડા દિવસ પહેલાં ચિત્રોડ ગામના અલગ-અલગ 9 મંદિરોમાં ચોરી (Theft in temples) થતા ઓહાપો મચી ગયો હતો. ત્યારે હજુ એ ઘટના પોલીસ માટે વણઉકેલાયી છે ને હવે ઘટનાના છઠ્ઠા દિવસે રાપર તાલુકાના જ કાનમેર ગામે એક સાથે 8 મંદિરોમાં ચોરી થઈ છે. ફરી પાછી થયેલી ચોરીથી આખા વાગડ (Vagad) પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફરી એક વાર ગાગોદર પોલીસ દોડી ગઈ હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ પૂર્વના રાપર તાલુકાના કાનમેર ગામના લોકો જયારે સવારે ઉઠ્યા, ત્યારે ફરી એક વાર મંદિરો ભંગાયા હોવાની જાણ થઈ હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વખતે પણ ચોર મોડી રાત્રે 1થી 2 વાગ્યાના અરસામાં ત્રાટક્યા હશે. તપાસ કરવામાં આવતા ગામમાં 1-2 નહીં, પરંતુ એક સાથે 8 મંદિરોના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું. જોત-જોતામાં સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા.

    ફરી ગાગોદર પોલીસ દોડતી થઈ

    બીજી તરફ ચિત્રોડની જેમ કાનમેર પણ ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ઘટનાની જાણ કરવામાં આવતા જ ગાગોદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વહેલી સવારે જ કાનમેર દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા 8 મંદિરોમાં ચોરી થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. મહત્વનું છે કે ચિત્રોડમાં થોડા દિવસ પહેલાં 9 મંદિરોમાં (કેટલાક અહેવાલોમાં 11) તસ્કરો ત્રાટક્યા હોવાથી પોલીસની મૂંઝવણ વધી રહી છે. હજુ સુધી પોલીસ કોઈ નક્કર પગેરું નથી શોધી શકી.

    આ મામલે ગાગોદર પોલીસ સ્ટેશનના PSIએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હાલ ચોરીની ઘટનાઓની તપાસ ચાલુ છે. કાનમેરમાં બે લોકોને રાઉન્ડ-અપ કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, પોલીસ વહેલામાં વહેલી તકે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામ કરી રહી છે. વધુ માહિતી મળ્યા બાદ જ આ મામલે કશું કહી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું.

    ચિત્રોડમાં એક જ રાતમાં 9થી વધુ મંદિરોમાં ચોરી

    નોંધનીય છે કે, ગાગોદર પોલીસ સ્ટેશનની જ હદમાં આવતા ચિત્રોડ ગામમાં થોડા દિવસ પહેલાં જ તસ્કરો ત્રાટક્યા હતા. ચિત્રોડ અને આસપાસના વિસ્તારોમાં લગભગ 9થી વધુ મંદિરોમાં એકસાથે ચોરી થઈ હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનામાં ચોરોએ ચિત્રોડ, જેઠાસરી અને મેવાસા સહિતના ગામોના હિંદુ મંદિરોને ટાર્ગેટ કર્યા હતા.

    તસ્કરોએ રાત્રે આ ગામોમાં આવેલાં રામ મંદિર, સિદ્ધયાત્રી મંદિર વગેરે નાનાંમોટાં મંદિરોને નિશાન બનાવ્યાં હતાં. જેની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગામલોકો મંદિરે દોડી ગયા હતા અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ગાગોદર પોલીસ મથકના પીઆઈ અને તેમનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક જાણકારી મેળવીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પછીથી ગામના એક નાગરિકની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

    નોંધનીય છે કે, ઘટનાની ગંભીરતા સમજતાં પોલીસ વડાએ કેસની તપાસ કરવા માટે એક SIT રચવાનો નિર્ણય લીધો હતો. જોકે, SIT કોઈ તપાસ કરે તે પહેલાં જ રાપર તાલુકાના જ કાનમેર ગામે એક સાથે 8 મંદિરોમાં ચોરી થવાની ઘટનાએ પોલીસ પ્રશાસનને દોડતું કરી દીધું છે. હાલ પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને સ્થાનિક સૂત્રોની મદદથી વધુ વિગતો મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

    ‘કોઈ કટ્ટર હિંદુ મુસ્લિમ પર હમલા કરેંગા તો બન્ના ગુપ્તા વહાઁ ખડા રહેંગા’: ઝારખંડના કોંગ્રેસ મંત્રીએ જાહેરમાં કર્યો બફાટ, ભાજપે કહ્યું- પોતાની વોટબેંકને ખુશ કરનારાઓને જનતા માફ નહીં કરે

    ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને (Jharkhand Assembly Elections) લઈને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. પ્રથમ ચરણના મતદાન પહેલાં ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી અને કોંગ્રેસી નેતા બન્ના ગુપ્તાનું (Banna Gupta) એક નિવેદન (Statement) વિરોધનું કારણ બની ગયું છે. બન્ના ગુપ્તાએ જાહેરમાં જનસભાને સંબોધિત કરતી વખતે હિંદુઓને (HIndus) કટ્ટરપંથી (Radical) ગણાવી દીધા છે. તેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, તેઓ હિંદુઓને કટ્ટરપંથી ગણાવી રહ્યા છે. તેમણે ભાષણમાં કહ્યું છે કે, જો કોઈ કટ્ટર હિંદુ મુસ્લિમ પર હુમલો કરશે તો તેઓ મુસ્લિમોની રક્ષા માટે ત્યાં ઊભા રહેશે.

    બન્ના ગુપ્તા ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી છે અને જમશેદપુર વેસ્ટથી કોંગ્રેસના ઉમેદવાર પણ છે. કોંગ્રેસી નેતાએ જમશેદપુરમાં જ જનસભાને સંબોધિત કરતી વખતે એક એવું નિવેદન આપી દીધું છે કે, હવે તેના પર રાજકારણ ગરમાયું છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં ગુપ્તા કહી રહ્યા છે કે, “તમે કહી રહ્યા છો કે, કટોગે, લડોગે તો બંટાઓગે.. તુમ કટાઓ ઔર બંટાઓ.. જો તમે તમારી માનું દૂધ પીધું છે તો કહી રહ્યો છું કે, અમારા બબલુ ભાઈ, નૌશાદ ભાઈના ઘર પર કોઈ કટ્ટર હિંદુ હુમલો કરશે તો બન્ના ગુપ્તા ત્યાં જ ઉભેલો જોવા મળશે. કોઈપણ કટ્ટર હિંદુ મુસ્લિમ પર હુમલો કરશે તો બન્ના ગુપ્તા ત્યાં જ ઉભેલો જોવા મળશે.”

    ‘હિંદુઓને કેટલા હેરાન કરશો?’- ભાજપ

    બન્ના ગુપ્તાના નિવેદનને લઈને ભાજપ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ભાજપના પ્રદેશ સહ પ્રભારી અને આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ બન્નાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે જ તેમણે કેપશનમાં લખ્યું છે કે, “ઝારખંડમાં કોંગ્રેસી મંત્રીની ભાષા જુઓ. હિંદુઓને હવે તમે કેટલા હેરાન કરશો? પોતાની વોટબેંકને ખુશ કરવા માટે તમે હિંદુઓના હિતોને દબાવવાના જેટલા પણ પ્રયાસ કરશો, પરંતુ આ વખતે જનતા માફ નહીં કરે.”

    નોંધવા જેવું છે કે, તાજેતરમાં જ કોંગ્રેસના નેતા અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાના PA પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. જમશેદપુર વેસ્ટથી NDAના ઉમેદવાર સરયૂ રાયે એક ઓડિયો ક્લિપ જારી કરીને બન્ના ગુપ્તાની ઓફિસમાં થતાં ભ્રષ્ટાચાર વિશે વાત કરી હતી. તેમણે પોતાના હરીફ બન્ના ગુપ્તાના PA ગુડ્ડુ સિંઘ પર લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો. કથિત ઓડિયો ક્લિપમાં ફાર્મસી કાઉન્સિલના રજિસ્ટ્રાર પદ પર નિયુક્તિને લઈને લાંચ માંગ્યાની વાત થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આ મુદ્દાએ ખૂબ જોર પકડયું હતું. તેવામાં હવે બન્ના ગુપ્તાએ હિંદુવિરોધી નિવેદન આપીને વિવાદને વેગ આપી દીધો છે.