Thursday, April 2, 2026
More
    Home Blog Page 259

    ‘મારી બેગ ખોલો, પછી હું તમને લોકોને ખોલીશ… મુતરડી પણ જોઈ લો…’: મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રોટોકોલને લઈને ECIએ સામાન ચેક કરતા ઉદ્ધવ ઠાકરેએ આપી દીધી ધમકી

    શિવસેના (Shivsena-UBT)ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે ફરી એક વાર ચર્ચામાં છે. વિધાસભા ચૂંટણીઓને (Maharashtra Assembly Elections) લઈને તેઓ વની એર પોર્ટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ચૂંટણી પંચના (Election Commission) અધિકારીઓએ ઉદ્ધવ ઠાકરેનું (Uddhav Thackeray) બેગ અને હેલિકોપ્ટર ચેક કરતા તેમને કઠી ગયું હતું. તેમણે અધિકારીઓનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર ફરતો કરી દીધો. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે આયોગ ભેદભાવ કરે છે અને માત્ર વિપક્ષ અને તેની સહયોગી પાર્ટીઓના નેતાઓની જ તપાસ કરવામાં આવે છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઉદ્ધવ ઠાકરે સોમવારે (11 નવેમ્બર 2024) યવતમાલના વની એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં જેવું તેમનું હેલિકોપ્ટર લેન્ડ થયું કે ચૂંટણી પંચના અધિકારીઓ તેમની તપાસ કરવા પહોંચ્યા હતા. પોતાની તપાસ થવાની છે તે જાણીને ઉદ્ધવ ઠાકરે અકળાઈ ગયા હતા. તેમણે તપાસ કરના અધિકારીઓના આઈ-કાર્ડ તપાસ્યા અને તેમની ઓળખ પૂછી હતી. ઉદ્ધવે અધિકારીઓને પૂછ્યું હતું કે શું તેમણે ક્યારેય એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ કે પછી નરેન્દ્ર મોદી કે અમિત શાહના થેલા ચેક કર્યા છે?

    મારું યુરીન પોટ જોઇલો… થેલો ખોલો પાછું હું તમને ખોલીશ: ઉદ્ધવ ઠાકરે

    પ્રોટોકોલને લઈને પોતાનું નહીં ચાલે તેમ જાણી જતા ઉદ્ધવે અધિકારીઓનો વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે તપાસ દરમિયાન અધિકારીઓને કહ્યું કે, “જોઈ લો, મારું બેગ ખોલી દો… પછી હું તમને લોકોને ખોલીશ. મારું યુરીન પોટ પણ ચેક કરી લો.” આ દરમિયાન તેમણે અધિકારીઓને એમ પણ કહ્યું કે તેમને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના થેલા ચેક કરતો વિડીયો પણ જોઇશે. તેમણે કહ્યું કે, તેઓ આ વિડીયો જાહેર કરી દેશે. “તમે થેલા ખોલો બાદમાં હું તમને ખોલી દઈશ.” એમ પણ કહેતા સંભળાયા.

    તેમણે ચૂંટણી પંચના અધિકારીને પૂછ્યું કે, “ખાલી અમારા થેલા જ કેમ તપાસી રહ્યા છો? શું મોદી, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદેના થેલા તપસ્યા છે ક્યારેય?” તેમના આ સવાલ પર ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે તેઓ હજુ સુધી ચૂંટણી પ્રચાર માટે નથી આવ્યા, જો તેઓ આવશે તો તેમને પણ તપાસવામાં આવશે તેમ ચૂંટણી પંચના અધિકારીએ ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું હતું.

    જોકે આટલી ચર્ચાઓ પછી પણ ઠાકરેનો ગુસ્સો શાંત ન થયો. તેમણે અધિકારીને ફરી પાછું કહ્યું કે, “એતો જોઈશું, હું આ વિડીયો જાહેર કરવાનો છું. પરંતુ પછી તમારે પણ મેં કહ્યું એટલા નેતાના થેલા તપાસતો વિડીયો જાહેર કરવો પડશે. તમે મારો થેલો તપાસી શકો છો, હું સહયોગ આપીશ. મારું યુરીન પોટ પણ જોઇલો જો કશું મળે તો.”

    શિવસેનાએ (UBT) ચૂંટણી પંચ પર પક્ષપાતના આરોપ લગાવ્યા

    બીજી તરફ ઉદ્ધવ ઠાકરે સાથે બનેલી આ ઘટનાને લઈને ઉદ્ધવ ઠાકરેના નેતા સંજય રાઉતે પણ પ્રેસને સંબોધતા ચૂંટણી પાંચ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. રાઉતે કહ્યું કે જો ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ કરતું હોય તો તેમને કે તેમની પાર્ટીને કોઈ જ વાંધો નથી. તેમનો આરોપ છે કે આયોગ માત્ર વિપક્ષ અને તેના સહયોગી દળોને જ ટાર્ગેટ કરી રહ્યું છે. રાઉતે તેમ પણ કહ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી સત્તાપક્ષ સાથે નથી કરવામાં આવતી.

    સંજય રાઉતે મીડિયાને સંબોધતા કહ્યું કે, “ચૂંટણી પંચ પોતાનું કામ ચાલુ રાખી શકે છે. ચાહે મહારાષ્ટ્ર હોય, ઝારખંડ હોય, હરિયાણા હોય કે પછી જમ્મુ-કાશ્મીર હોય, તમે અમારો સામાન, અમારા હેલિકોપ્ટર, અમારા પ્રાઈવેટ જેટ અને ગાડીઓની તપાસ કરી શકો છો. તમે અમારા ઘર સુધી પણ આવી શકો છો, અમને તેનાથી કોઈ જ વાંધો નથી. પરંતુ તમારે નિષ્પક્ષતાથી આ કામ કરવું જોઈએ. તમારે સત્તા પક્ષના હેલિકોપ્ટર, ગાડીઓના કાફલા અને અને થેલા ચેક કરવા જોઈએ.”

    ખેડૂતો કરી રહ્યા હતા પ્રદર્શન, પંજાબ પોલીસે કરી દીધો લાઠીચાર્જ, 8 ઘાયલ: સમયસર અનાજની ખરીદી ન થતા નોંધાવી રહ્યા હતા વિરોધ

    પંજાબના (Punjab) ભટિંડા (Bathinda) જિલ્લાના રાયકે કલાં (Raike Kalan) ગામમાં અનાજની ખરીદીમાં મોડું થવા અને અન્ય સમસ્યાઓના પગલે સોમવારે (11 નવેમ્બર) મોડી સાંજે પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી. ખેડૂતોએ તાલુકાના મામલતદાર અને ખરીદ નિરીક્ષકને ઘેરી લીધા હતા. આ મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસ (Punjab Police) ઘટનાસ્થળે પહોંચી લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીઓ અને ખેડૂતો ઘાયલ થયા હતા. ત્યારે પોલીસે ભારતીય કિસાન યુનિયનના નેતાઓ વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે.

    અહેવાલો અનુસાર વહીવટીતંત્રે ભેજનું પરીક્ષણ કર્યા વિના ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની ના પાડી દીધી હતી. જે બાદ ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. બપોરે 3:30 વાગ્યાની આસપાસ, ભારતીય કિસાન યુનિયનના લગભગ 20-25 કાર્યકરો રાયકે કલાં ગામમાં સ્થિત બજારમાં એકઠા થયા હતા. બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ હાજર તાલુકા મામલતદાર અને ખરીદ નિરીક્ષકને ટોળાએ ઘેરી લીધા અને પંજાબ સરકારના વિરોધમાં નારા લગાવવા લાગ્યા હતા.

    ભટિંડા ખાતેના રાયકે કલાં ગામમાં જ પહોંચતા લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. આ અથડામણમાં પોલીસના 2 વાહનો એક પોલીસકર્મી અને 8 ખેડૂતો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું. અહેવાલો અનુસાર એક ખેડૂતના માથામાંથી લોહી ફૂટતું જોવા મળ્યું હતું.

    સરકાર પાક ખરીદવામાં કરી રહી છે વિલંબ

    આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમનું અનાજ બજારમાં મૂક્યાને ઘણા દિવસો થઈ ગયા હતા, પરંતુ સરકાર બજારમાં પડેલો ખેડૂતોનો પાક ખરીદી રહી નહોતી. જેના વિરોધમાં સોમવારે ખેડૂતોએ પાક ખરીદ નિરીક્ષકનો ઘેરાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો. BKUના નેતા અને ખેડૂત જગસીર સિંઘ ઝુંબાએ જણાવ્યું કે સોમવારે મોડી સાંજે ભારે પોલીસ દળ રાયકે કલાં ગામના અનાજ બજારમાં પહોંચી અને ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો.

    ‘લાઠીચાર્જ કરી દબાવવામાં આવી રહ્યો છે અવાજ’

    આ ઉપરાંત ખેડૂતોએ એવો આરોપ પણ લગાવ્યો કે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દળ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરીને તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ખેડૂત આગેવાને આક્ષેપ કર્યો હતો કે દલાલ સુભાષ જૈન પણ ગેરકાયદેસર રીતે ખેડૂતોનો પાક લઇ જઈ રહ્યો છે અને ખેડૂતોને હેરાન કરી રહ્યો છે. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતા સર્વન સિંઘે પંઢેરે આ ઘટનાનો વિરોધ કરતા કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્ર સરકાર સાથે મળીને મોટા ગૃહો ખેડૂતોના બજારો પર કબજો કરવા ઈચ્છે છે.

    ખેડૂતોએ પંજાબ સરકાર પર પણ આરોપ લગાવતા કહ્યું કે સરકાર જાણીજોઈને તેમનું અનાજ ખરીદવામાં મોડું કરી રહી છે. જેના કારણે તેઓને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર અનાજની ખરીદી પારદર્શક બનાવે અને ભેજની ચકાસણી કર્યા વિના પણ ખરીદીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે. તેઓનો આરોપ છે કે ભેજ પરીક્ષણના નામે ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે તેમના પાકને નુકસાન થઈ શકે છે.

    આ મામલે પોલીસ નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે કહ્યું કે જ્યારે ખેડૂતોએ ઈન્સ્પેક્ટરને ઘેરી લીધા હતા ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસકર્મીઓએ ખેડૂતો સાથે વાત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ખેડૂતોએ પોલીસના વાહનોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું.

    પોલીસે કહ્યું કે ખેડૂતોએ સરકારી અને ખાનગી પોલીસના વાહનમાં તોડફોડ કરી અને એક પોલીસકર્મી પણ ઘાયલ થયો. SSP અમ્નીત કોંડલે કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. તથા પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે તથા દોષિતો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.

    ખેડૂતોની સરકાર સમક્ષ માંગ

    બીજીતરફ ખેડૂત નેતા જગસીર સિંહે મુખ્યમંત્રી માન પાસે માંગ કરી છે કે ખેડૂતો પર લાઠીચાર્જ કરનાર પોલીસ દળ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને મંડીઓમાં આવેલ ડાંગરનો પાક તાત્કાલિક ખરીદવો જોઈએ. આ ઉપરાંત ખેડૂતો સાથે દાદાગીરી કરનારા દલાલ સુભાષ જૈન સામે પગલાં લેવા જોઈએ. ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે જો ખેડૂતોને હેરાન કરવામાં આવશે તો તેઓ ચૂપ નહીં રહે અને જિલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર સામે મોટા પાયે ઉગ્ર પ્રદર્શન કરશે.

    ‘વૃદ્ધાવસ્થામાં ભાન ભૂલ્યા ખડગે, નથી લાગતાં હિંદુ’- આચાર્ય પ્રમોદ કૃષ્ણમ: કોંગ્રેસ અધ્યક્ષે આતંકવાદી સાથે કરી હતી સીએમ યોગીની તુલના, ભગવા વસ્ત્રો પર કરી હતી ટિપ્પણી

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Congress president Mallikarjun Kharge) તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) વિશે ખૂબ જ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેમણે યોગી આદિત્યનાથની તુલના ‘આતંકવાદી’ સાથે કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ (BJP) આ મામલે ખૂબ જ વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ આ સમગ્ર મામલાને લઈને કોંગ્રેસના પૂર્વ નેતા અને સંભલના કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ (Acharya Pramod Krushnam) પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, ખડગે હિંદુ નથી લાગી રહ્યા, સાચો હિંદુ ક્યારેય સંતનું અપમાન ન કરે.

    સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર વરસી પડ્યા હતા. તેમણે કહ્યું કે, “મલ્લિકાર્જુન ખડગે નામથી તો હિંદુ લાગી રહ્યા છે, પરંતુ તેમના કર્મો હિંદુ જેવા નથી. તેમનું કામ જોઈને લાગી નથી રહ્યું કે, તેઓ હિંદુ હોય. તેમણે તે સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ કોણ છે. કોઈ પણ હિંદુ સંત-મહાત્માનું અપમાન ન કરી શકે. જે રીતે તેઓ નિવેદનો આપી રહ્યા છે, તેનાથી તેમ લાગી રહ્યું છે કે તેમને સનાતનથી ચીડ ચડી રહી છે. મને નથી લાગતું કે, સનાતનથી ચીડ કે વેર રાખનાર કોઈ પણ વ્યક્તિને ભારતમાં રાજકારણ કરવાનો કોઈ અધિકાર હોવો જોઈએ.”

    યોગી આદિત્યનાથ નેતાની સાથે-સાથે સંત છે, ખડગે રાવણ તરફ જઈ રહ્યા છે: આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

    આચાર્યએ આગળ કહ્યું કે, “જે સનાતનની વિરુદ્ધ છે , તે ભારત વિરુદ્ધ છે અને જે ભારત વિરુદ્ધ છે તે સનાતનની વિરુદ્ધ છે. તેઓ આવડા મોટા અને વરિષ્ઠ નેતા છે, સનાતન અને ભગવાનું અપમાન કરવું તેમને શોભા નથી દેતું. ભારત એક ઋષિપ્રધાન દેશ છે. હિંદુ સંતોનું અપમાન ન કરે. ભારતના ઋષિમુનીઓ, સાધુઓ, તપસ્વીઓ અને સંતોએ આ દેશના નિર્માણમાં ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. તો જે હિંદુ હશે તે હિંદુ સંતોનું અપમાન નહીં કરે. યોગી આદિત્યનાથ એક નેતા તો છે જ, સાથે જ તેઓ એક સાધુ છે, સંન્યાસી છે. એમના વિષયમાં આવી હલકી ટીપ્પણી કરવી ખડગેજીને શોભા નથી દેતી.”

    તેમણે આગળ જણાવ્યું કે, “અમે સાંભળ્યું છે કે જેમ-જેમ મનુષ્યની ઉમર વધે છે, તેમ-તેમ વ્યક્તિ રામ તરફ આવે છે. ખડગેજીની જેમ-જેમ ઉમર વધી રહી છે, તેઓ રાવણની દિશા તરફ જઈ રહ્યા છે. આ વિપક્ષનું દુર્ભાગ્ય છે. હવે ખબર નહીં આવું તે લોકો શા માટે કરી રહ્યા છે, પરંતુ તેઓ કરી રહ્યા છે. ઉમરના આ પડાવમાં તેમણે સનાતનનો વિરોધ ન કરવો જોઈએ.”

    મલ્લિકાર્જુન ખડગેએ સીએમ યોગિની તુલના કરી હતી આતંકી સાથે

    નોંધનીય છે કે, ગત 10 નવેમ્બર 2024ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઝારખંડના રાંચીમાં હતા. અહીં ચૂંટણી માટે યોજાયેલી કોંગ્રેસની એક જાહેરસભામાં તેમણે સંબોધન આપ્યું હતું. તેમના આ સંબોધનમાં જ તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ખડગેએ કહ્યું હતું કે, “એક સાચો યોગી ‘કટેગેં તો બટેગેં’ જેવી ભાષાનો ઉપયોગ ન કરી શકે.” તેમણે યોગી આદિત્યનાથને આતંકવાદી સાથે સરખાવતા કહ્યું કે, “આવી ભાષાનો ઉપયોગ આતંકવાદીક કરે.”

    તેમણે કહ્યું કે, “યોગી મઠ પ્રમુખ છે, ભગવા વસ્ત્રો પહેરે છે, પરંતુ તેનું માનવું ‘મુખમાં રામ, બગલમાં છૂરી’ જેવું છે.” ખડગે આટલે જ ન અટક્યા, તેમણે કહ્યું કે, ભાજપ નક્કી કરી લે કે તેમને યોગીના ‘કટેગેં તો બટેગેં’ અને પીએમ નરેન્દ્ર મોદીના ‘એક હૈ તો સેફ હૈ’ તે બેમાંથી કયું સૂત્ર અપનાવવું છે.” તેમણે એમ પણ કહ્યું કે, જે લોકો ઈચ્છે છે કે દેશ એક થઈને રહે, તેઓ ક્યારેય વિભાજનકારી ટિપ્પણીઓ ન જ કરી શકે.

    હિંદુ અને શીખ યાત્રિકોને હવે નહીં પીરસવામાં આવે ‘હલાલ ફૂડ’: એર ઇન્ડિયાએ કર્યું એલાન, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

    ‘હલાલ સર્ટિફાઇડ’ (Halal Certified) પ્રોડક્ટને લઈને ટાટાના (TATA) આધિપત્ય હેઠળની એર ઇન્ડિયાએ (Air India) મહત્વપૂર્ણ એલાન કર્યું છે. યાત્રિકોની સુવિધાને ધ્યાને રાખીને એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે, હવે હિંદુ (Hindu) અને શીખ (Sikh) સમુદાયના યાત્રિકોને ‘હલાલ ફૂડ’ (Halal Food) પીરસવામાં આવશે નહીં. વિસ્તારાના (Vistara) એર ઇન્ડિયા સાથે વિલીનીકરણ અને તેની કામગીરીમાં અનેક ગણો વધારો થવાથી હવે એરલાઇન કંપનીએ મુસાફરો માટે ભોજનનું પ્રી-બુકિંગ ફરજિયાત કરી દીધું છે. હલાલ ફૂડ હિંદુ અને શીખ સમુદાયને નહીં પીરસવાના એર ઇન્ડિયાના નિર્ણયને હિંદુ અને શીખ સમુદાયના લોકોએ વધાવી લીધો છે.

    એર ઇન્ડિયાના નવા આદેશ અનુસાર, હલાલ સર્ટિફિકેટ હવે માત્ર ‘મુસ્લિમ ફૂડ’ (MOML) માટે જ માન્ય રહેશે અને તેને પણ અગાઉથી બુક કરવામાં આવશે. માત્ર સાઉદી આરબ અને હજ જેવી ફ્લાઇટ્સમાં જ ‘હલાલ ફૂડ’ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે, “MOML સ્ટીકર લેબલવાળું ભોજન પણ પ્રી-બુકિંગ બાદ જ આપવામાં આવશે. આ સાથે સાઉદી સેક્ટર માટે નોનવેજ ભોજન હલાલ હશે. તે સિવાય હજ ફ્લાઇટ્સની સાથે જેદા, દમ્મ્મ, રિયાદ અને મદીના સેક્ટર્સ માટે જ હલાલ સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવશે.”

    મુસ્લિમ મીલનું પણ બદલાઈ જશે નામ

    થોડા દિવસો પહેલાં હલાલ સર્ટિફાઇડ ફૂડને ‘મુસ્લિમ મીલ’ નામ આપવામાં આવ્યું હતું. જેના કારણે એર ઇન્ડિયાની ખૂબ ટીકા પણ કરવામાં આવી હતી. જ્યારે હવે કંપનીએ નિર્ણય લીધો છે કે, મુસ્લિમ મીલ’નું નામ બદલીને ‘સ્પેશ્યલ મીલ’ કરી દેવામાં આવશે. આ માટેની એડવાઇઝરી પણ જારી કરી દેવામાં આવી છે. ‘મુસ્લિમ મીલ’ શબ્દને લઈને રાજકારણ પણ ગરમાયું હતું. રાજકીય પાર્ટીઓએ પણ તેનો વિરોધ કર્યો હતો. જે બાદ હવે તે નામ બદલી નાખવામાં આવ્યું છે.

    આ બધા પરિવર્તનને લઈને એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું છે કે, “અમે હંમેશા યાત્રિકોની સુવિધા માટે ફૂડ ઓપ્શન આપ્યા છે. હવે ફૂડ સર્વિસને સુવ્યવસ્થિત અને સુચારું કરવામાં આવી છે. આ હેઠળ ભોજનનું બુકિંગ પહેલાં કરવાનું રહેશે.” નોંધવા જેવું છે કે, વિસ્તારા એરલાઇન્સના વિલય પહેલાં એર ઇન્ડિયા પ્રમાણે નાની કંપની ગણવામાં આવતી હતી, પરંતુ હવે એર ઇન્ડિયાના વિશાળ આકારને લઈને જરૂરી તમામ બદલાવ કરવામાં આવી રહ્યા છે.

    ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકીના પગલે બ્રેમ્પ્ટન મંદિરના ઘણા કાર્યક્રમો રદ્દ: ભારતે કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે થઇ રહ્યા છે ‘આતંકી કૃત્યો’

    કેનેડામાં બ્રેમ્પ્ટન ત્રિવેણી સામુદાયિક કેન્દ્રએ (Brampton Triveni Community Centre) રવિવારે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આયોજિત જીવન પ્રમાણપત્ર વિતરણ સમારોહ રદ્દ (Life Certificate Event Cancel) કર્યો હતો. ખાલિસ્તાની તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) એ કેનેડામાં હિંદુ મંદિરોની બહાર ‘હિંસક વિરોધ’ પ્રદર્શન કરવાની ધમકી (Treat) આપી હતી જેના પગલે મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમો અંતર્ગત ભારતીય મૂળના હિંદુઓ અને શીખો માટે જરૂરી જીવન પ્રમાણપત્ર રિન્યુઅલ મેળવવા માટે 17 નવેમ્બરના રોજ કોન્સ્યુલર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ખાલિસ્તાની ધમકીના પગલે આ કાર્યક્રમો રદ્દ કર્યા મામલે બ્રેમ્પ્ટન ત્રિવેણી સામુદાયિક કેન્દ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કૃપા કરીને નોંધ કરો કે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા બ્રેમ્પટન ત્રિવેણી મંદિર ખાતે નવેમ્બર 17, 2024 ના રોજ નિર્ધારિત જીવન પ્રમાણપત્ર કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.” બ્રેમ્પટન ત્રિવેણી સામુદાયિક કેન્દ્રએ એમ પણ જણાવ્યું હતું કે સ્થાનિક પીલ પોલીસ સ્ટેશને એવી ગુપ્ત માહિતી આપી હતી કે કાર્યક્રમ દરમિયાન ‘હિંસક વિરોધ’ થવાનું જોખમ છે.

    પોલીસને સુરક્ષા સુનિશ્ચિત કરવા કરી હાકલ

    મંદિર પ્રશાસને કહ્યું, “અમે સમુદાયના તમામ સભ્યોની માફી માંગીએ છીએ જેઓ આ ઘટના પર નિર્ભર હતા. અમે ખૂબ જ દુઃખી છીએ કે કેનેડાના લોકો હવે કેનેડાના હિંદુ મંદિરોની મુલાકાત લેવા માટે અસુરક્ષા અનુભવે છે. અમે પીલ પોલીસને બ્રેમ્પટન ત્રિવેણી મંદિરને આપવામાં આવી રહેલી ધમકીઓનો જવાબ આપવા અને કેનેડિયન હિંદુ સમુદાય તથા સામાન્ય જનતાને સુરક્ષાની બાંયધરી આપવા માટે હાકલ કરીએ છીએ.”

    વિડીયો બહાર પાડી આપી હતી ધમકી

    નોંધનીય છે કે કેનેડાના બ્રેમ્પ્ટનમાં 16 અને 17 નવેમ્બરે ભારતીય રાજદ્વારીઓ અને મોદી સરકારના સમર્થકો વિરુદ્ધ હિંદુ મંદિરોની બહાર દેખાવો થવાની આશંકાઓ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ SFJના ચીફ ગુરપતવંત સિંઘ પન્નુએ એક વિડીયો બહાર પાડીને એવી ધમકી આપી હતી કે 16, 17 નવેમ્બરે ખાલિસ્તાનીઓ અયોધ્યા રામ મંદિર સહિત ઘણા હિંદુ મંદિરોને નિશાનો બનાવશે.

    આ મામલો સામે આવ્યા બાદ જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની સરકાર પર નિશાન સાધતા, ભારતે કહ્યું હતું કે “કેનેડા સરકાર આ ધમકીઓને અવગણીને આરામ ન કરી શકે. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આ તમામ પ્રવૃત્તિઓ બીજું કઈ નહીં પરંતુ ‘આતંકી કૃત્યો’ છે. કેનેડાની સરકાર અગાઉના હુમલાઓની તપાસ છુપાવી રહી છે. આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં ઇરાદાપૂર્વકની રાજદ્વારી નિષ્ફળતા રહી છે.”

    ઉલ્લેખનીય છે કે આ ધમકીઓ પહેલા પણ 3 નવેમ્બરે ખાલિસ્તાની સમર્થકોએ બ્રેમ્પ્ટનમાં હિંદુ સભા મંદિરમાં કોન્સ્યુલર કેમ્પ પર હુમલો કર્યો હતો, જેના કારણે ત્યાં હિંસા થઈ હતી. આ હિંસક અથડામણ સામે પીલ પોલીસે કાર્યવાહી કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હિંસક અથડામણની નિંદા કરીને ઘટનાને ભારતીય રાજદ્વારીઓને ડરાવવાનો કાયર પ્રયાસ ગણાવ્યો હતો. તથા કેનેડિયન સત્તાધીશોને સુરક્ષા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે ઝડપી પગલાં લેવાની અપીલ કરી હતી.

    ડોનાલ્ડ ટ્રમ્પે ‘ઇન્ડિયા કોક્સ’ના વડાની અમેરિકાના NSA તરીકે કરી પસંદગી: માઈક વોલ્ટ્ઝ હંમેશાથી ચીન અને પાકિસ્તાન પર કડકાઈના છે પક્ષધર

    કમલા હેરિસને (Kamala Harris) ઐતિહાસિક રીતે હરાવ્યા બાદ હવે અમેરિકાની (USA) કમાન ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) હાથમાં આવી છે. વિશ્વભરમાં આ પરિવર્તનની ચર્ચા ચાલી રહી છે. તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં થઈ રહેલી નવી નિયુક્તિઓ પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની રહી છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી, 2025માં પોતાનો પદભાર સાંભળવાં જઈ રહ્યા છે. તે પહેલાં તેમણે નિયુક્તિ પણ શરૂ કરી દીધી છે. ટ્રમ્પે ફ્લોરિડાથી સાંસદ તરીકે ચૂંટાયેલા માઈક વોલ્ટ્ઝને (Mike Waltz) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) નિયુક્ત કર્યા છે. નોંધવા જેવું છે કે, વોલ્ટ્ઝ અમેરિકી સેનામાં કર્નલ તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેમની નીતિ પણ ભારત તરફી છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના NSA (National Security Advisor) તરીકે માઈક વોલ્ટ્ઝને નિયુક્ત કર્યા બાદ ચર્ચાએ જોર પકડયું છે. વોલ્ટ્ઝ ‘ઇન્ડિયા કોક્સ’ના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. સાથે એ નોંધવું પણ જરૂરી છે કે, ‘ઇન્ડિયા કોક્સ’ એક એવું ગ્રુપ છે, જે ભારત અને અમેરિકાના સંબંધોને ખૂબ મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. ઉપરાંત સૌથી મહત્વની બાબત તે છે કે, વોલ્ટ્ઝ સ્પષ્ટ દક્ષિણપંથી નેતા ગણવામાં આવે છે.

    માઈક વોલ્ટ્ઝ 2019થી અમેરિકી પ્રતિનિધિ સભાના સભ્ય રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ જો બાયડનની વિદેશનીતિના પ્રબળ ટીકાકાર પણ રહ્યા છે. તેઓ 2021માં બાયડન સરકારની અફઘાનિસ્તાનથી વાપસીની નીતિની પણ ખૂબ ટીકા કરી ચૂક્યા છે. તેઓ પહેલાંથી ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના પ્રશંસક રહ્યા છે. ગયા અઠવાડિયે ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વાઇટ હાઉસ સ્ટાફની નિયુક્તિ ઝડપથી કરી રહ્યા છે. જેમાં માઈક વોલ્ટ્ઝને NSA તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

    ચીન અને પાકિસ્તાન પર કડકાઈના રહ્યા છે પક્ષધર

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, માઈક વોલ્ટ્ઝ ચીન અને પાકિસ્તાન પ્રત્યે કડક વલણ અપનાવવા માટે પણ જાણીતા છે. તેમણે વર્ષ 2023માં એક ઇન્ટરવ્યુ દરમિયાન પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પાકિસ્તાનની આતંકને વિદેશનીતિ તરીકે પ્રોત્સાહિત કરવાની પદ્ધતિની જાહેરમાં ટીકા પણ કરી હતી. આ ઉપરાંત તેઓ ચીનની તાનાશાહ કોમ્યુનિસ્ટ પાર્ટી પર પણ વારંવાર પ્રહાર કરતાં રહ્યા છે. તેવામાં NSA તરીકેની તેમની નિયુક્તિ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

    વર્ષ 2023માં જ માઈક વોલ્ટ્ઝે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના પીડિત તરીકે ભારતને ગણાવ્યું હતું. તેઓ 2023માં સ્વતંત્રતા દિવસ સમારોહ માટે ભારત આવ્યા હતા. તેઓ દેશમાં આવી રહેલા અમેરિકી ગ્રુપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ઉપરાંત મહત્વની વાત એ છે કે, ભારત સતત તેમના સંપર્કમાં રહ્યું હતું.

    દેશમાં ₹111 કરોડનું સાયબર ફ્રોડ કરનાર ચાઈના ગેંગના ઠગ સુરતથી ઝડપાયા: 8-10 ચોપડી ભણેલા આરોપીઓ 250થી વધુ બેંક એકાઉન્ટ કરતા હતા ઓપરેટ

    દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજીટલ ફ્રોડ (Digital Fraud) ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઠગ ટોળકીઓ ભોળા લોકો પાસેથી આધુનિક રીતે છેતરપીંડી કરી લાખો-કરોડો પડાવી રહી છે. મહત્વનું છે કે આ રૂપિયાના આદાન-પ્રદાન માટે બેંક ખાતાઓની પણ જરૂર પડે, ત્યારે સવાલ તે ઉભો થાય કે તેમની પાસે બેંક ખાતા આવતા ક્યાંથી હશે? ત્યારે સુરતથી (Surat) આ પ્રકારે જ ડિજીટલ ફ્રોડથી લોકોને ઠગતી એક ચાઇનીઝ ગેંગ (Chinese gang) માટે કામ કરતા ચાર એજન્ટો ઝડપાયા છે. આ ઠગ ટોળકીએ ₹111 કરોડના સાયબર ફ્રોડમાં ગેંગને બેંક એકાઉન્ટ પુરા પાડ્યા હોવાનું સામે આવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે ફરિયાદ જૂન 2024માં દાખલ થઇ હતી અને તે સમયે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ ખુલાસો થયો હતો કે તેઓ માત્ર 8-10 ધોરણ જ ભણેલા છે અને સાયબર ફ્રોડ કરતી ટોળકીઓ માટે બેંક ખાતા પ્રોવાઈડ કરતા હતા. તપાસમાં ખુલ્યું હતું કે તેઓ જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમના પુરાવા મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક કીટ દુબઈ મોકલતા હતા. કીટ દુબઈ પહોંચ્યા બાદ દેશભરમાં જે પણ સાયબર ફ્રોડની ઘટના બનતી હતી, તેના પૈસા આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા.

    દેશ ભરમાં 200થી વધુ FIR, સુરતમાં જ 250 એકાઉન્ટ ઓપરેટ થતા

    બીજી તરફ આ એજન્ટ ટોળકીમાં અનેક લોકો સામેલ હોવાનું પણ ખૂલ્યું હતું. જેમાંથી ત્રણની પહેલા જ ધરપકડ થઈ ગઈ હતી. તે સિવાય દુબાઈ રહેતો એક આરોપી સુરત આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી હતી. ચારેયની ધરપકડ બાદ તેઓ દેશમાં ₹111 કરોડનું સાયબર ફ્રોડ આચરનાર ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. તેમની વિરુદ્ધ કુલ 866થી વધુ અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી દેશભરમાં 200થી વધુ FIR નોંધાઈ છે. આરોપીઓમાં અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મરની જૂન મહિનામાં અને હિરેનકુમાર ભરવાડીયા કે જે દુબાઈ ભાગવાની ફિરાકમાં હતો તેની હમણાં ધરપકડ થઈ છે.

    નોંધનીય છે કે ડિજીટલ ફ્રોડથી લોકોને ઠગતી એક ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા ચાર એજન્ટો સુરતથી ઝડપાયા તે ઉપરાંત અન્ય મિલન વાઘેલા, કેતન વેકરીયા, દશરથ ધાંધલીયા અને જગદીશ અજુડીયા નામના આરોપીઓ હજુ ફરાર છે અને તેમને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકના કુલ 86 જેટલા ડેબિટ કાર્ડ, 28 મોબાઈલ ફોન, 180 બેંક પાસબુક, 30 ચેકબુક, 258 સીમકાર્ડ, એક કમ્પ્યુટર, એક સીપીયુ અને એક લેપટોપ જપ્ત કર્યા છે. કેસમાં ચોંકાવનારી બાબત તે છે કે તેઓ માત્ર સુરતમાં જ 250થી વધુ બેંક એકાઉન્ટ ઓપરેટ કરી રહ્યા હતા. આગળ તપાસમાં આ આંકડો વધે અને સુરત બહાર પણ તેના છેડા નીકળે તેવી સંભાવનાઓ નકારી શકાય નહીં.

    દેશમાં સતત વધી રહ્યા છે સાયબર ફ્રોડના કિસ્સા

    નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઠગ ટોળકીઓ ડિજીટલ એરેસ્ટ (Digital Arrest), ઓટીપી સ્કેમ (OTP Scam), સીમકાર્ડ/એટીએમ કાર્ડ બંધ થવાના નામે નાણાકીય છેતરપીંડી, ભૂલથી રૂપિયા UPI ટ્રાન્સફર થઈ જવા જેવી વાતોમાં ઓછી માહિતી ધરાવતા લોકોના એક ખાસ વર્ગને ટાર્ગેટ કરીને લાખો કરોડો રૂપિયા પડાવી લેવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ પ્રકારની ઠગ ટોળકીઓ ખાસ કરીને મહિલાઓ અને વૃધ્ધોને વધુ ટાર્ગેટ કરતા હોય છે. આવા સમયમાં લોકોમાં સાયબર ફ્રોડને લઈને જાગરૂકતા આવે અને લોકો તેનાથી બચે તે ખૂબ મહત્વનું બની જાય છે. સરકાર અને પોલીસ પણ તે દિશામાં કાર કરી રહી છે.

    રાયગઢમાં 100થી વધુ લોકોને લાલચ આપીને બનાવવામાં આવી રહ્યા હતા ખ્રિસ્તી: હિંદુ સંગઠનોના વિરોધ બાદ 2ની ધરપકડ, 10ની અટકાયત

    રવિવારે (10 નવેમ્બર 2024) છત્તીસગઢના રાયગઢમાં કથિત રીતે બળજબરીથી ખ્રિસ્તી ધર્માંતરણની ઘટના સામે આવ્યા બાદ હોબાળો થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોના સભ્યો એક ઘરની બહાર એકઠા થયા હતા, જ્યાં સામૂહિક પ્રેયરના નામે કથિત ધર્માંતરણ થઈ રહ્યું હતું. સંગઠનોએ આ મામલે સંડોવાયેલા લોકોનો વિરોધ કરીને તેમની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાને લઈને પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી.

    નોંધનીય છે કે, જે ઘરમાં આ પ્રકાની ગતિવિધિ થતી હોવાના હોવાના આરોપો લાગ્યા છે, તે ત્રણ માળની ઇમારતમાંથી મહિલાઓ અને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ પણ કરી છે, જેમની ઓળખ શાઉલ નાગા અને ઇન્દ્રજીત ખરે તરીકે સામે આવી છે. આ કેસમાં અન્ય દસ લોકોને બળજબરીથી ધર્માંતરણ કરાવવાના રેકેટમાં સંડોવણી બદલ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

    ધર્માંતરણ કરાવવા લાલચ અપાતી હોવાના આરોપ

    ઉલ્લેખનીય છે કે, સ્થાનિક હિંદુ સંગઠનોના કાર્યકરોએ આ કાર્યક્રમના આયોજકો પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ આર્થિક લાલચ અને સ્વાસ્થ્ય લાભના વાયદાઓ કરીને હિંદુ પુરુષો અને મહિલાઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મહિલાઓ અને બાળકો સહિત 100થી વધુ લોકો હાજર રહ્યા હતા. હિંદુ સંગઠનો દ્વારા ‘પ્રાર્થના સભા’ રોકવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઇન્ચાર્જ સીએસપી અને એસડીએમ 30 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

    પોલીસે કાર્યવાહી અને તપાસ શરૂ કરી

    પોલીસે આવીને તરત જ બિલ્ડિંગમાં આયોજિત કાર્યક્રમમાં હાજર તમામ મહિલાઓ અને બાળકોને બહાર કાઢ્યા હતા. ઇન્ચાર્જ સીએસપી અખિલેશ કૌશિકે મીડિયાને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પોલીસને અગાઉ પણ આ પ્રકારની ફરિયાદો મળી હતી. આ મામલાની તપાસ ચાલી રહી છે અને અનેક વ્યક્તિઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

    પહેલાં પણ નોંધાઈ ચૂકી છે આ પ્રકારની ફરિયાદો

    નોંધવું જોઈએ કે, રાયગઢ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 15 દિવસથી બળજબરીથી ધર્માંતરણ થતું હોવાની ફરિયાદો મળી રહી હતી. તેવામાં જુટમિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરની ઘટનાએ સ્થાનિક હિંદુઓના આક્રોશને વધુ તીવ્ર બનાવ્યો હતો. સ્થાનિક હિંદુ રહેવાસીઓએ જણાવ્યું છે કે, અઠવાડિયામાં ચાર વખત ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા નિયમિત પ્રાર્થના સભાઓ યોજવામાં આવે છે અને દૂર-દૂરથી લોકો તેમાં ભાગ લેવા આવી રહ્યા છે. વારંવાર ફરિયાદો કરવા છતાં પોલીસની કથિત નિષ્ક્રિયતા અંગે સ્થાનિકોએ હતાશા વ્યક્ત કરી હતી.

    બળજબરીથી ધર્માંતરણ માટે છે કડક જોગવાઈઓ

    ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 1968 હેઠળ બળજબરીથી કે કપટથી કોઇનું ધર્માંતરણ કરાવવું, અથવા પ્રલોભન દ્વારા કરાવવું પણ ફોજદારી ગુનો બને છે, જેમાં એક વર્ષ સુધીની જેલ, ₹5,000 સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. સગીર, સ્ત્રીઓ અથવા અનુસૂચિત જાતિ કે જનજાતિના લોકોને લાલચ આપવામાં આવે તેવા કિસ્સાઓમાં સજા બમણી થઈને બે વર્ષની કેદની સજા અને ₹10,000નો દંડ થાય તેવી જોગવાઈ છે. ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 298થી 302, ધાર્મિક ભાવનાઓને અસર કરતા ગુનાઓની રૂપરેખા તૈયાર કરે છે. બળજબથી ધર્માંતરણ એ બિન-જામીનપાત્ર અને બિન-કમ્પાઉન્ડેબલ ગુનો છે, જેમાં કડક દંડ કરવામાં આવે છે.

    ભૂત-પ્રેતનો ડર બતાવીને રફીક કરતો હતો મહિલાઓનું યૌન શોષણ: પોલીસે કરી ધરપકડ, મીડિયા ‘તાંત્રિક’ લખીને કરી રહ્યું છે હિંદુઓને બદનામ

    રાજસ્થાનના ઝુંઝુનુમાં રફીક ઉર્ફે અલી ખાન નામના મુસ્લિમ ‘આલિમ’ની ધરપકડ કરવામાં આવી છે. તેના પર મહિલાઓને ફસાવીને તેનું શારીરિક શોષણ કરવાનો આરોપ છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, રફીક પહેલાં લોકોને ભૂતનો ડર બતાવીને છેતરતો હતો અને પછી તેમને નિશાન બનાવતો હતો. એક પીડિતાની ફરિયાદ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. બધી સ્પષ્ટતા છતાં મીડિયા તેને ‘તાંત્રિક’ ગણાવી રહ્યું છે.

    તપાસમાં ખુલાસો થયો છે કે, બંગાળનો રહેવાસી રફીક પહેલાં યુવતીઓને ફોસલાવીને તેમની પાસેથી તેમની તમામ માહિતી લેતો અને પછી તેમનું શારીરિક શોષણ કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, યુવતીઓ અને મહિલાઓને નિશાન બનાવનાર રફીકની પહેલાંથી જ બે પત્નીઓ છે. તે હંમેશા પોતાની સાથે હાડકા રાખતો, જેથી તે કોઈને પણ મૂર્ખ બનાવી શકે.

    નોંધનીય છે કે, આ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહિલાઓનું શોષણ કરનાર વ્યક્તિનું નામ રફીક ઉર્ફે અલી ખાન છે. છતાં આ કેસનું રિપોર્ટિંગ કરતી વખતે મીડિયા તેને ‘તાંત્રિક’ કહી રહ્યું છે અને હજુ પણ તંત્ર-મંત્ર જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત હેડલાઇનમાં પણ તેનો ઉલ્લેખ બંગાળી બાબા તરીકે કરવામાં આવી રહ્યો છે.

    નવભારત ટાઈમ્સનો સ્ક્રીનશોટ

    મહત્વપૂર્ણ બાબત છે કે, તાંત્રિક, તંત્ર-મંત્ર, બાબા… આ બધા એવા શબ્દો છે જે હિંદુ ધર્મ સાથે જોડાયેલા છે. અન્ય ધર્મોમાં, આવા લોકો માટે જુદા-જુદા શબ્દો છે અને તેથી જ વર્ષોથી દક્ષિણપંથીઓ કોઈ મુસ્લિમ ‘આલિમ’ના અપરાધી હોવા પર તાંત્રિક શબ્દનો ઉપયોગ કરવાનો વિરોધ કરે છે. આ વિરોધ છતાં પણ મીડિયા તેની હરકતોમાંથી ઉપર ઉઠી શકતું નથી.

    પત્રિકા ન્યુઝનો સ્ક્રીનશોટ

    અત્યારે પણ અન્ય ધર્મના લોકોના ગુનાઓનું વર્ણન કરવા માટે હિંદુ ધર્મ સાથે જોડાયેલા શબ્દોનો ઉપયોગ થાય છે. આ પહેલીવાર નથી જ્યારે મીડિયાએ આવું કર્યું હોય. ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ છે જે સમયાંતરે ઑપઇન્ડિયા દ્વારા નોંધવામાં આવ્યા છે.

    ‘માત્ર બે-ચાર મહિના જ વધે છે પ્રદૂષણ’?: તહેવાર દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ મામલે સુપ્રીમ કોર્ટે લીધો દિલ્હીની AAP સરકારનો ઉધડો, પગલાં લેવા આપ્યા નિર્દેશ

    દિલ્હીમાં (Delhi) વધી રહેલા પ્રદૂષણને (Polution) લઈને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફટાકડા મુદ્દે દિલ્હીની AAP સરકારનો ઉધડો લીધો હતો. સોમવારે (11 નવેમ્બર, 2024) જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ એજી મસીહની ખંડપીઠે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, શુદ્ધ વાતાવરણમાં રહેવાનો અધિકાર તમામ નાગરિકોને છે. કોઈ પણ ધર્મ એવી કોઈ જ ગતિવિધિ કરવા આદેશ ન આપે જેનાથી પ્રદૂષણ ફેલાય. ખંડપીઠે દિલ્હી સરકારના ફટાકડા પરના આંશિક પ્રતિબંધને લઈને સરકારને ફટકારતા કહ્યું કે, પ્રદૂષણ માત્ર બે-ચાર મહિના જ વધે છે?

    પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને આકરા સવાલ કર્યા હતા. કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં ફટાકડા નિર્માણ, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી જ શા માટે છે? કોર્ટે કડક શબ્દોમાં પૂછ્યું કે, શું આ મહિનાઓમાં જ દિલ્હીમાં પ્રદૂષણ ફેલાય છે? કોર્ટે આમ આદમી પાર્ટીની સરકારને સવાલ પૂછ્યો હતો કે, દિલ્હીમાં આખરે આખા વર્ષ દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ શા માટે નથી? જ્યારે વાયુ પ્રદૂષણની સમસ્યા તો આખું વર્ષ ચાલતી રહે છે.

    માત્ર તહેવારો પર જ કેમ? ચૂંટણીઓ અને લગ્નોમાં ફટાકડા પર પ્રતિબંધ કેમ નહીં?

    કોર્ટના આ પ્રશ્ન પર સરકાર પક્ષે હાજર એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્ય ભાટીએ દલીલ આપી હતી કે, વર્તમાન આદેશ તહેવારના દિવસો અને તે મહિનામાં થતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમની આ દલીલ પર કોર્ટે અસહમતી દર્શાવીને સ્થાયી પ્રતિબંધ લાવવા પર કામ કરવા જણાવ્યું હતું. બીજી તરફ કોર્ટે દિલ્હીરના 14 ઑક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલા આદેશોની પણ તપાસ કરી જેમાં ફટાકડા નિર્માણથી લઈને વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ આદેશમાં ચૂંટણીઓ અને લગ્નોમાં ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી હતી.

    દિલ્હી સરકારના આદેશને વાંચ્યા બાદ સુપ્રીમ કોર્ટે આદેશ લાગુ કરવા પર અને તેમાં કરવામાં આવેલા પ્રતિબંધના ઉલ્લેખો પર પણ સવાલો કર્યા હતા. કોર્ટે પૂછ્યું કે, “તમારા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી અને લગ્નો દરમિયાન ફટાકડા ફોડી શકાય છે? તેમાં કોનો ફાયદો? શું માત્ર તહેવારો દરમિયાન જ પ્રદૂષણ ફેલાય છે?” આ સવાલ પર દિલ્હી સરકારે ઓર્ડર પાસ ન થવાનું ઠીકરું દિલ્હી પોલીસ પર ફોડ્યું અને લાયસન્સ આપી દેવામાં આવ્યા હોવાની દલીલ આપી હતી.

    25 ઑક્ટોબર સુધીમાં પગલાં લેવા નિર્દેશ

    કોર્ટે પોલીસ વિભાગનો ઉધડો લેતા કહ્યું હતું કે, દિલ્હી સરકારે 14 ઑક્ટોબરના રોજ પ્રતિબંધના આદેશ આપ્યા હતા. આદેશો આવ્યા તે પહેલાં અનેક લાયસન્સ ઇશ્યૂ કરી દેવામાં અવાય હતા. આદેશ આવ્યા બાદ કોઈને જ પરવાનગી નહોતી આપવામાં આવી. બંને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે કહ્યું હતું કે દિલ્હીની સીમાની અંદર કોઈ પણ પ્રકારના ફટાકડાનું નિર્માણ, વેચાણ કે સંગ્રહ ન થાય તે પ્રકારના પગલાં લેવામાં આવે. ઓનલાઈન ફટાકડા ન વેચાય તેની પણ તકેદારી રાખવામાં આવે.

    નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ફટાકડા મુદ્દે દિલ્હીની AAP સરકારને સમય મર્યાદા પણ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને 25 નવેમ્બર સુધીમાં દિલ્હીમાં ફટાકડાઓ પર ‘સ્થાયી પ્રતિબંધ’ લગાવવા નક્કર પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “ફટાકડા માત્ર તહેવાર દરમિયાન નહીં, પરંતુ આખું વર્ષ પ્રતિબંધિત હોવા જોઈએ. જો કોઈ ફટાકડા ફોડવાને પોતાના મૌલિક અધિકાર ગણતું હોય તો તેણે કોર્ટ આવવું જોઈએ.” નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે NCRની સરહદમાં આવતા રાજ્યો પાસેથી પણ આ મામલે જવાબ માંગ્યા છે.