બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર માર્વેલ સ્ટુડિયોની પહેલી મુસ્લિમ સુપરહીરો સિરીઝ ‘મિસ માર્વેલ’માં જોવા મળશે. આ ફિલ્મ કમલા ખાન ઉર્ફે મિસ માર્વેલની વાર્તાને રજૂ કરશે, જે જર્સી શહેરમાં ઉછરેલી મુસ્લિમ અમેરિકન કિશોરી છે. આ પાત્ર ઈમાન વેલાની ભજવશે. ફરહાન અખ્તર આ ફિલ્મમાં ક્યા રોલમાં હશે, તે હજુ નક્કી થયું નથી. પરંતુ તે આ ડિઝની પ્લસ સિરીઝથી હોલીવુડમાં પદાર્પણ કરશે. કેટલાક અહેવાલો જણાવે છે કે તે આ શ્રેણીમાં અતિથિ ભૂમિકામાં જોવા મળશે.
ડિઝની+ સિરીઝ એ અભિનેતાનો પહેલો હોલીવુડ પ્રોજેક્ટ હશે. 48 વર્ષીય અભિનેતાએ પોતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “હું ભાગ્યશાળી છું, બ્રહ્માંડ તમને વિકાસ કરવાની અને શીખવાની આવી તકો આપે છે અને મને આ કિસ્સામાં આ ભૂમિકા ભજવવામાં ખરેખર આનંદ આવ્યો.”
ડેડલાઈન 6 મેના રિપોર્ટમાં પણ આ મુસ્લિમ સુપરહીરો સિરીઝ વિષે પુષ્ટિ કરવામાં આવી હતી. આ મુજબ, કમલા ખાન શોમાં ગેમર અને ફેન ફિક્શન રાઈટર છે, જે કેપ્ટન માર્વેલની ફેન છે. જ્યાં સુધી તેને તેના મનપસંદ પાત્રની જેમ સુપરપાવર ન મળ્યા ત્યાં સુધી તેને પોતાના ઘર અને શાળામાં પોતાને બહારની વ્યક્તિ હોય એવો અનુભવ થાય છે.
નોંધનીય છે કે ગયા વર્ષની શરૂઆતમાં પણ એવી ચર્ચાઓ સામે આવી હતી કે અભિનેતા બેંગકોક માર્વેલ સ્ટુડિયોના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે. આ શ્રેણી 8 જૂન 2022 ના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની + હોટ સ્ટાર પર રિલીઝ થશે. અહીં તે અંગ્રેજી, તમિલ, તેલુગુ, હિન્દી અને મલયાલમ ભાષાઓમાં ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે આ પહેલા અખ્તરે ‘રોક ઓન!’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘દિલ ધડકને દો’ જેવી હિટ ફિલ્મો આપી છે.
ફરહાન અને વેલાની ઉપરાંત, મિસ માર્વેલ શ્રેણીમાં અરામિસ નાઈટ, ઝેનોબિયા શ્રોફ, મોહન કપૂર, સાગર શેખ, રિશ્યા શાહ, મેટ લિન્ટ્ઝ, અઝહર ઉસ્માન, યાસ્મીન ફ્લેચર, લેથ નક્લી, ટ્રવિના સ્પ્રિંગર અને નિમરા બુકા પણ જોવા મળશે. આ સિવાય અભિનેતા ફવાદ ખાને પણ અગાઉ પુષ્ટિ કરી છે કે તે પણ આ શ્રેણીમાં સામેલ છે. અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હા, હું પણ આ સિરીઝનો એક ભાગ છું. હું હવે તેનો ઇનકાર પણ કરી શકતો નથી, હું હવે જૂઠું બોલી શકતો નથી, તેમણે (માર્વેલે) પોતે જ આ સમાચાર આપ્યા છે.”