Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યઆર્થિક વિકાસ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, વૈશ્વિક સ્તરે વધતું કદ..: મોદી સરકાર 2.0નાં ચાર...

    આર્થિક વિકાસ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, વૈશ્વિક સ્તરે વધતું કદ..: મોદી સરકાર 2.0નાં ચાર વર્ષ અને બદલાતા ભારતની તસ્વીર

    મોદીના નેતૃત્વમાં, મોદીના માર્ગદર્શનમાં અને મોદીના વડપણ હેઠળ સરકારે સ્થાનિક સ્તરેથી લઈને વૈશ્વિક સ્તર સુધી અનેક કામો કરીને ઉપલબ્ધિઓ મેળવી જેના કારણે આજે ભારત તમામ મોરચે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે.

    - Advertisement -

    આજે 30 મે, 2023. બરાબર ચાર વર્ષ પહેલાં આજના દિવસે નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત જંગી બહુમતીએ લોકસભા ચૂંટણી જીતીને ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા હતા અને તેમની સરકાર અસ્તિત્વમાં આવી હતી. તેમની આ બીજી ટર્મને સામાન્ય રીતે મોદી સરકાર 2.0 તરીકે ઓળખવામાં આવે છે. આ સરકાર ચાર વર્ષ પૂર્ણ કરીને હવે પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. 

    છેલ્લાં ચાર વર્ષમાં અઢળક કામો થયાં. મોદીના નેતૃત્વમાં, મોદીના માર્ગદર્શનમાં અને મોદીના વડપણ હેઠળ સરકારે સ્થાનિક સ્તરેથી લઈને વૈશ્વિક સ્તર સુધી અનેક કામો કરીને ઉપલબ્ધિઓ મેળવી જેના કારણે આજે ભારત તમામ મોરચે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. અર્થવ્યવસ્થા ક્ષેત્રે ભારત દુનિયાભરના અન્ય મોટા દેશો કરતાં ખૂબ ઝડપથી આગળ વધતું જાય છે, વૈશ્વિક માનચિત્ર પર 10 વર્ષ પહેલાં ભારતનું સ્થાન ક્યાં હતું અને આજે ક્યાં છે એ કોઈનાથી છૂપું નથી, દુનિયા ભારત તરફ જોતી થઇ છે અને ભારત સતત આગળ વધી રહ્યું છે. 

    કોરોના સમયે પણ પાછળ ન પડ્યું

    આ ઉપલબ્ધિઓ અને આ કામો પણ એ સમયગાળામાં થયાં જ્યારે આખી દુનિયા કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહી હતી. ભારતે આ ચારમાંથી બે વર્ષ કરતાં વધુ સમય તો મહામારીમાં કાઢ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ હોવા છતાં (ત્યારે બીજો હતો, હવે પહેલો આવી ગયો છે) ભારતે જે રીતે કોરોના સામે લડાઈ લડી એ કોઈ નાની ઉપલબ્ધિ નથી. 

    - Advertisement -

    કોરોનાની શરૂઆતમાં ભારત વિશે પશ્ચિમી દેશોમાં એવી માન્યતા હતી કે તેને સૌથી વધુ નુકસાન થશે, કારણ કે વસ્તીની દ્રષ્ટિએ દેશ બહુ મોટો છે. ભારત રસી શોધી શકે એ તો તેમની કલ્પનામાં જ નહીં હોય. પણ પીએમ મોદીની આગેવાનીમાં ભારતે આ લડાઈ લડી અને માત્ર લડી જ નહીં પણ અનેક પડકારો પાર કરીને આપણે બહાર આવ્યા, કોરોનાની રસી શોધી, દરેક ભારતીયને બબ્બે ડોઝ નિઃશુલ્ક અપાયા અને વાત અહીં અટકતી નથી, સંખ્યાબંધ નાના-મોટા દેશોને આ રસી આપી અને તેમના લોકોના પણ જીવ બચાવ્યા. આ કોઈ નાનીસૂની વાત નથી, આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. 

    આર્થિક મોરચે ભારતની હરણફાળ

    કોરોના વખતે આખી દુનિયાનું અર્થતંત્ર ભાગી પડ્યું હતું, ભલભલા દેશોએ પીછેહઠ કરવી પડી, નુકસાન વેઠવાં પડ્યાં, પણ ભારત એમાંથી બાકાત રહ્યું. કોરોનાના સમય દરમિયાન પણ ભારતમાં વિકાસનું એકેય કામ અટક્યું નથી. એનું ઉદાહરણ સંસદ ભવનનું નિર્માણ છે. સંસદનું બાંધકામ 2021માં શરૂ થયું હતું અને 2023માં પૂરું થયું. બીજા અનેક પ્રોજેક્ટ્સ પણ સતત ચાલતા રહ્યા. 

    ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. રેલ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એમાં જ આવી જાય. બુલેટ ટ્રેન બની રહી છે, ઠેરઠેર હાઈ-વે બની રહ્યા છે. અન્ય પ્રવાસન ધામોને વિકસાવવામાં આવી રહ્યાં છે. મોદી સરકાર પૈસા પણ ખૂબ ખર્ચી રહી છે અને બીજી તરફ કામો પણ થતાં જોવા મળી રહ્યાં છે. 

    આજે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ભારત દુનિયાના તમામ દેશોમાં સૌથી વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે. વિદેશી રોકાણ હોય કે ‘વૉકલ ફોર લોકલ’ની પહેલ મોદી સરકાર આર્થિક બાબતો પર પૂરતું ધ્યાન આપી રહી છે અને એનાં જ પરિણામો અત્યારે જોવા મળી રહ્યાં છે. હમણાં જ એક રિપોર્ટ આવ્યો જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિતના દુનિયાભરના મોટા દેશોમાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી, પણ ભારત એકમાત્ર દેશ છે જ્યાં મંદીની કોઈ શક્યતા નથી. આજે દુનિયાભરના રોકાણકારો ભારત તરફ નજર માંડીને બેઠા છે, ભારત એક ગ્લોબલ માર્કેટ બની રહ્યું છે. 

    સાંસ્કૃતિક ઓળખ પરત મેળવી રહ્યું છે ભારત

    સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને હિંદુત્વને આ સરકારે જેટલું મહત્વ આપ્યું તેટલી પાછલી કોઈ સરકારે આપ્યું નથી. સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ રામમંદિરનું નિર્માણ છે. વર્ષોથી તે ભાજપના એજન્ડામાં હતું અને આખરે તે વાયદો પૂરો કર્યો. આજે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોર બનીને તૈયાર થઇ ગયો, મધ્ય પ્રદેશમાં મહાકાલ કોરિડોર બન્યો. અન્ય અનેક તીર્થધામોનો વિકાસ થઇ રહ્યો છે. 

    પહેલાં નેતાઓ માથે ટોપી પહેરીને ઈફ્તાર પાર્ટીઓ કરતા હવે ભારતના વડાપ્રધાન ધોતી પહેરીને મંદિરોમાં શિવલિંગની પૂજા કરતા જોવા મળે છે. હવે હિંદુત્વ, સનાતન, સંસ્કૃતિ વિશે વાતો થવા માંડી છે, લોકો ચર્ચા કરતા થયા છે, તેનું મહત્વ સમજતા થયા છે. ભારત હવે પોતાની એક સાંસ્કૃતિક ઓળખ બનાવતું થયું છે. જે સાંસ્કૃતિક વારસો ભુલાઈ ગયો હતો તે ફરીથી મેળવાઈ રહ્યો છે. સૌથી મોટું ઉદાહરણ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન વખતે જોવા મળ્યું. જે ઐતિહાસિક રાજદંડને નહેરૂની વૉકિંગ સ્ટિક તરીકે મ્યુઝિયમમાં મૂકી રખાયો હતો તેને મોદીએ લોકસભામાં સ્થાન આપ્યું. આવી બાબતો આમ નાની લાગે, પણ તેનું મહત્વ અનેકગણું છે. 

    વિદેશ નીતિ ઘણી બદલાઈ છે, ભારત હવે દુશમનો સાથે આંખમાં આંખ નાંખીને વાત કરતું થયું છે. સુરક્ષા ક્ષેત્રે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. એવી અનેક યોજનાઓ છે જેના થકી ગ્રામીણ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો છે. હવે દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચતો થયો છે. 

    મોદીની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ?

    આ બધા કરતાં પણ મોદી કે તેમની સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ કોઈ હોય તો એ છે- તેમણે લોકોનાં જનમાનસ બદલી નાંખ્યાં છે. કોઈ પણ દેશના વિકાસ માટે સરકાર એકલી કશું કરી શકતી નથી. એમાં જનભાગીદારી પણ એટલી જ જરૂરી અને મહત્વની છે. મોદીએ પોતાનાં કામ થકી લોકોમાં એવો વિશ્વાસ બેસાડી દીધો છે કે આજે લોકોને પણ રાષ્ટ્રના વિકાસમાં એટલો રસ પડતો થયો છે અને તેઓ ઉત્સાહથી જોડાય છે.  

    ચાર વર્ષમાં ભારત ઘણું બદલાયું છે. સરકારનું હજુ એક વર્ષ બાકી છે. આમાં ઉમેરો કરીને પાંચમા વર્ષે જ્યારે મોદી જનતાની વચ્ચે જશે ત્યારે તેમણે ઘણું ઓછું બોલવાનું થશે અને તેમનું કામ વધુ બોલશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં