રશિયન ઓઇલની ખરીદી બદલ ભારત-ચીન પર 100% ટેરિફ લાગુ કરવાની સત્તા આપતા કાયદાના અમલીકરણ પર ટ્રમ્પે લગાવી રોક

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (16 ઑક્ટોબર) એક કાર્યકારી આદેશ બહાર પાડીને યુએસ કોંગ્રેસે પાસ કરેલા રશિયાના અર્થતંત્રને ટાર્ગેટ કરતા બિલના અમલીકરણ પર રોક લગાવી દીધી છે. જેના કારણે હવે ભારત અને ચીન જેવા રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદતા દેશો પર વધારાનાં નિયંત્રણો અને ટેરિફ લાગુ કરવાની વાત હતી તેની ઉપર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

અમેરિકાએ સપ્ટેમ્બર 2026માં એક કાયદો પસાર કર્યો હતો જેને ટ્રમ્પે પણ મંજૂરી આપી હતી. કાયદામાં રશિયાથી આવતા અમુક સામાન પર 500% સુધીનો ટેરિફ લાગુ કરવાની તેમજ રશિયન ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદતા ટોચના પાંચ દેશોમાંથી આવતા સામાન પર 100% ટેરિફ લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ યાદીમાં મુખ્ય બે દેશો ભારત અને ચીન હતા. રવિવારે (18 ઑક્ટોબર) આ કાયદો અમલમાં આવવાનો હતો, તેના બે દિવસ પહેલાં ટ્રમ્પે યુ-ટર્ન લઈ લીધો છે.

અમેરિકામાં નવેમ્બર મહિનામાં મધ્યકાલીન ચૂંટણી થઈ રહી છે. તે પહેલાં દેશમાં ડીઝલના ભાવો ઘટાડવા માટે અમેરિકા હવે રશિયા પાસેથી ડીઝલની ખરીદી કરવા જઈ રહ્યું છે. ટ્રમ્પના નિર્ણય પાછળ આ કારણ હોવાનું કહેવાય છે. આદેશમાં ટ્રમ્પે ‘રાષ્ટ્રીય હિત’માં બિલ રોકવાનો નિર્ણય લીધો હોવાનું કહ્યું છે.

તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વાતચીત થઈ હતી અને તેમાં નક્કી થયું હતું કે રશિયા અમેરિકાને ડીઝલનો પુરવઠો પૂરો પાડશે. ટ્રમ્પે કહ્યું હતું કે શરૂઆતમાં રશિયા 3 લાખ ટન ડીઝલ મોકલશે અને ત્યારબાદ નવેમ્બર અને આગામી મહિનાઓમાં વધુ ડીઝલ મોકલવામાં આવશે.

ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરતું રહ્યું છે. દેશની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનું લગભગ 90% ઓઇલ બહારથી જ આવે છે. જેમાંથી 45% રશિયાથી આવે છે. ઑગસ્ટમાં 2.08 મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલ આવ્યું હતું. જોકે ભારત પાસે રિફાઈન કરવાની ક્ષમતા સારી હોવાથી અહીંથી ઇંધણ બહાર પણ મોકલવામાં આવે છે, જેમાં રશિયા પણ એક છે.

ભારતે વારંવાર સ્પષ્ટતા કરી છે કે દેશની જરૂરિયાત, ગ્લોબલ માર્કેટની સ્થિતિ અને નાગરિકોના હિતમાં ભારત નિર્ણય કરશે અને જ્યાંથી સરળ પડે ત્યાંથી ઓઈલની ખરીદી કરશે, કારણ કે દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા પોતાનું હિત સાચવવાની છે.