મુંબઈમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં ભાગ લેનારા અભિનેતા ઇમરાન ખાનને મુંબઈ પોલીસે એક નોટિસ મોકલીને 28 ઑક્ટોબર સુધીમાં દેશ છોડવા માટેનો આદેશ આપ્યો છે. કારણ એ છે કે ઇમરાન પાસે અમેરિકાનું નાગરિકત્વ છે અને ભારતમાં તે ઓવરસીઝ સિટીઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડ પર રહે છે. 10 ઑક્ટોબર, 2026ના રોજ મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં યોજાયેલા આ પ્રદર્શનમાં તે સામેલ થયો હતો. આ દરમિયાન મુંબઈ પોલીસે અન્ય પ્રદર્શનકારીઓ સાથે તેને પણ અટકાયતમાં લીધો હતો.
આ ઘટના બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પોલીસને ફરિયાદ કરીને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વિદેશી નાગરિક હોવા છતાં અને OCI કાર્ડધારક હોવા છતાં ઈમરાન ખાન રાજકીય પ્રદર્શનમાં શા માટે સામેલ થયો? આ ફરિયાદ બાદ વિદેશી નાગરિકોની નોંધણી અને તેમની સાથે સંબંધિત બાબતો સંભાળતી ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO) દ્વારા તેને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનનો જન્મ જ અમેરિકામાં થયો હતો. તેની માતા નુઝહત ખાન ફિલ્મ નિર્માતા નાસિર હુસૈનની પુત્રી અને આમિર ખાનના પરિવારની સભ્ય છે.
ઈમરાન ખાનને નોટિસ આપવામાં આવ્યા બાદ એવા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે કે માત્ર પ્રદર્શનમાં સામેલ થવાના કારણે તેને નોટિસ શું કામ આપવામાં આવી અને આ તો અધિકાર છે. પરંતુ હકીકત એ છે કે ભારતમાં વિદેશી નાગરિકો રાજકીય પ્રવૃત્તિઓ કે પ્રદર્શનોમાં ભાગ લઈ શકતા નથી. આ નિયમ ‘ફોરેનર્સ એક્ટ’ હેઠળ વર્ષોથી બન્યો છે. જેઓ મૂળ ભારતીય હોય પણ અન્ય દેશનું નાગરિકત્વ મેળવવાના કારણે ભારતનું નાગરિકત્વ ગુમાવી ચૂક્યા હોય તેવા OCI કાર્ડધારકોને અમુક રાજકીય-સામાજિક સવલતો મળે છે પરંતુ રાજકીય પ્રવૃત્તિઓમાં તેઓ પણ ભાગ લઈ શકતા નથી કારણ કે તેઓ ભારતના નાગરિક ગણાતા નથી.
OCI કાર્ડ શું છે અને કોને મળે છે?
OCI એટલે ‘ઓવરસીઝ સિટીઝન ઑફ ઇન્ડિયા’, જે ભારત સરકારે વર્ષ 2005માં શરૂ કર્યું હતું. આ કાર્ડ વિદેશી નાગરિકતા ધરાવતા ભારતીય મૂળના લોકોને અથવા તેમના પરિવારજનોને આપવામાં આવે છે, જેથી તેઓ ભારત સાથે પોતાનો સંબંધ જાળવી શકે. OCI કાર્ડના કારણે પાત્ર વ્યક્તિઓને ભારતમાં મલ્ટીપલ એન્ટ્રી વિઝા મળે છે, એટલે ભારત આવવા માટે તેમણે વારંવાર વિઝા મેળવવા કે રિન્યુ કરવા પડતા નથી. આ સુવિધા આજીવન હોય છે.
OCI શબ્દમાં ‘સિટીઝન’ આવતો હોવા છતાં આ કાર્ડધારકો ભારતના નાગરિક ગણાતા નથી. વિદેશ મંત્રાલય અનુસાર, આ યોજના બેવડી નાગરિકતા નથી આપતી. ભારતમાં બેવડી નાગરિકતાની કોઈ જોગવાઈ પણ નથી. OCI કાર્ડ ભારત સાથે જોડાયેલી કેટલીક સુવિધાઓ ચોક્કસ આપે છે, પરંતુ તેનાથી ભારતીય નાગરિકો જેવા તમામ અધિકારો નથી મળતા.
OCI કાર્ડધારકોને ભારતમાં આવવા-જવા માટે આજીવન મલ્ટિપલ-એન્ટ્રી વિઝા મળે છે, જેથી તેઓ વારંવાર ભારત આવી શકે છે. આ ઉપરાંત તેમને શિક્ષણ, વ્યાપાર, આર્થિક પ્રવૃત્તિઓ અને નિર્ધારિત શરતો હેઠળ બિનખેતીની મિલકત ખરીદવા-વેચવાની સુવિધા મળે છે. જોકે, સંશોધન, પત્રકારત્વ કે પ્રતિબંધિત વિસ્તારોની મુલાકાત જેવી પ્રવૃત્તિઓ માટે તેમણે અલગથી મંજૂરી લેવી પડે છે.
નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 7B મુજબ OCI કાર્ડધારકોને ભારતમાં કેન્દ્ર કે રાજ્યની ચૂંટણીઓમાં મતદાન કરવાનો કે ચૂંટણી લડવાનો અધિકાર નથી હોતો. ટૂંકમાં, OCI કાર્ડધારકો ભારતમાં રહીને સામાન્ય પ્રવૃત્તિઓ કરી શકે છે, પરંતુ દેશના રાજકીય નિર્ણયોમાં ભાગ લેવાનો કે રાજકીય અધિકારો ભોગવવાનો તેમને કોઈ હક નથી.
OCI કાર્ડધારકો અને જાહેર પ્રદર્શનના નિયમો
ભારતમાં રહેતા OCI કાર્ડધારકો માટે દરેક વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવો સ્પષ્ટ રીતે પ્રતિબંધિત છે કે કેમ, તે અંગેનો નિર્ણય તેમની પ્રવૃત્તિ અને વિઝા શરતોના આધારે લેવાય છે. ભારતીય બંધારણની કલમ 19 હેઠળ મળતી વાણી, અભિવ્યક્તિ અને શાંતિપૂર્ણ ભેગા થવાની સ્વતંત્રતા મૂળભૂત રીતે ભારતીય નાગરિકો માટે છે, વિદેશી નાગરિકો કે OCI કાર્ડધારકો આ અધિકારોનો ઉપયોગ ભારતીય નાગરિકોની જેમ કરી શકતા નથી.
ભારતમાં વિદેશી નાગરિકોના પ્રવેશ, રોકાણ અને તેમની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે ‘ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025’ લાગુ કરવામાં આવ્યો છે, જેણે 1946ના જૂના કાયદાનું સ્થાન લીધું છે. આ નવા કાયદા હેઠળ કેન્દ્ર સરકાર અને સંબંધિત અધિકારીઓને વિદેશી નાગરિકોની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાની અને જરૂરી પગલાં લેવાની પૂર્ણ સત્તા આપવામાં આવી છે. તેથી OCI કાર્ડધારક હોવા છતાં કોઈપણ વિદેશી નાગરિકે ભારતના ઇમિગ્રેશન કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે.
ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025ની કલમ 7 મુજબ, ભારત સરકાર પાસે દેશમાં આવતા કે રહેતા વિદેશી નાગરિકોની હિલચાલ અને તેમની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાની પૂરી સત્તા છે. OCI કાર્ડ ધરાવતી વ્યક્તિ પણ કાયદાથી ઉપર નથી; તેમણે ભારતમાં રહેતી વખતે દેશના તમામ નિયમો અને કાયદાઓનું ફરજિયાતપણે પાલન કરવું પડે છે.
જો કોઈ વિદેશી નાગરિક વિઝાની શરતો કે સરકારી આદેશોનો ભંગ કરે અથવા દેશની સુરક્ષા માટે જોખમી જણાય, તો કલમ 29 હેઠળ તેને તાત્કાલિક ભારત છોડીને જવાનો આદેશ આપી શકાય છે. આ ઉપરાંત, વિઝા વિના કે શરતોનો અનાદર કરીને ભારતમાં રોકાવા બદલ કલમ 23 મુજબ 3 વર્ષ સુધીની જેલ, 3 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
કેન્દ્ર સરકાર પાસે OCI કાર્ડ રદ કરવાની સત્તા
નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 7D હેઠળ કેન્દ્ર સરકારને OCI કાર્ડ રદ કરવાની સત્તા મળે છે. જો કોઈ વ્યક્તિએ છેતરપિંડીથી કાર્ડ મેળવ્યું હોય, બંધારણ પ્રત્યે અણગમો દર્શાવ્યો હોય અથવા દેશની સુરક્ષા કે અખંડિતતા સામે જોખમ ઊભું કર્યું હોય તો તેનું કાર્ડ રદ થઈ શકે છે. જોકે, OCI કાર્ડ રદ કરવું અને વિદેશી નાગરિકને ભારત છોડવાનો આદેશ આપવો એ બંને અલગ કાનૂની પ્રક્રિયાઓ છે.
માત્ર કોઈ વિરોધ-પ્રદર્શનમાં હાજર રહેવાથી કે તેમાં ભાગ લેવાથી આપમેળે OCI કાર્ડ રદ થઈ જતું નથી. કલમ 7Dના નિયમો મુજબ કોઈ ચોક્કસ આધાર લાગુ પડતો હોય તો જ સરકાર કાર્યવાહી કરી શકે છે. આ પ્રક્રિયામાં પણ સંબંધિત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે છે. તેથી પોલીસ ફરિયાદ થવી, નોટિસ મળવી અને OCI કાર્ડ રદ થવું– આ ત્રણેય બાબતો તદ્દન અલગ તબક્કા છે.
ઈમરાન ખાનના મામલામાં તે 10 ઑક્ટોબરે મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં એક પ્રદર્શનમાં સામેલ હતો, જ્યાં પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારબાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાની ફરિયાદના આધારે FRROએ તેને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપઇ છે, જેમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે વિદેશી નાગરિકો માટે આ નિયમો એટલા માટે આવશ્યક છે કારણ કે ભારતમાં તેમની હાજરી અને પ્રવૃત્તિઓ દેશના ઇમિગ્રેશન કાયદાઓ તથા નક્કી કરેલી શરતોને આધીન હોય છે. ભારત સરકાર પાસે વિદેશી નાગરિકોના પ્રવેશ અને રોક પર નિયંત્રણ રાખવાની સંપૂર્ણ સત્તા છે.


