Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્વતંત્રતાનો પ્રતીક ‘સેંગોલ’: 1947માં નહેરૂને સોંપાયા બાદ ભુલાવી દેવાયો, હવે નવા સંસદ...

    સ્વતંત્રતાનો પ્રતીક ‘સેંગોલ’: 1947માં નહેરૂને સોંપાયા બાદ ભુલાવી દેવાયો, હવે નવા સંસદ ભવનમાં સ્થાન શોભાવશે- જાણીએ આ ઐતિહાસિક રાજદંડ અને તેના ઇતિહાસ વિશે

    જવાહરલાલ નહેરૂને જે રાજદંડ સોંપાયો તેની લંબાઈ 5 ફિટ જેટલી છે. આ દંડ ચાંદીમાં બનાવવામાં આવ્યો હતો અને જેની ઉપર સોનાની પરત ચડાવવામાં આવી છે.

    - Advertisement -

    28 મે, 2023ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આટલાં વર્ષો બાદ ભારતને નવું સંસદ ભવન મળવાનું હોવા છતાં વિપક્ષોએ તેનો પણ મુદ્દો બનાવી દીધો હોવાના કારણે ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાની વચ્ચે બુધવારે (24 મે, 2023) સરકારે એક નવી જાહેરાત કરી અને નવી ચર્ચા શરૂ થઇ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 28મીએ સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે જ લોકસભાના અધ્યક્ષના આસન પાસે એક સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. 

    સેંગોલનો અર્થ રાજદંડ થાય છે. તે તમિલ શબ્દ ‘સેમ્મઈ’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે- સદાચાર. જે સેંગોલ સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવનાર છે તે વર્ષ 1947માં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને સત્તા હસ્તાંતરણના પ્રતીક સ્વરૂપે સોંપવામાં આવ્યો હતો. ભારત જ્યારે બ્રિટિશરોની ગુલામીમાંથી સ્વતંત્ર થયું ત્યારે આ સ્વતંત્રતાના પ્રતીક તરીકે આ રાજદંડ સોંપાયો હતો અને પ્રથમ પીએમ નહેરૂએ તે સ્વીકાર્યો હતો. જોકે, પછી તેને ભુલાવી દેવામાં આવ્યો અને પ્રયાગરાજના એક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. હવે સરકાર તેને સંસદ ભવનમાં સ્થાન આપવા જઈ રહી છે. 

    સેંગોલ એક દંડ જેવી આકૃતિ ધરાવતો રાજદંડ હોય છે. ચોલ વંશમાં એવી પરંપરા હતી કે એક શાસક બીજા શાસકને સત્તા સોંપતી વખતે આ રાજદંડ પણ સોંપતા હતા. જે ન્યાય અને સુશાસનનો પ્રતીક ગણાતો અને સદાય જે-તે રાજાને તેની યાદ અપાવતો રહેતો. તે રાજાની રાજશક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. ભારતીય સનાતન સંસ્કૃતિમાં રાજદંડ સત્તા હસ્તાંતરણનું એક ઉત્કૃષ્ટ પ્રતીક છે. 

    - Advertisement -

    જવાહરલાલ નહેરૂને જે રાજદંડ સોંપાયો તેની લંબાઈ 5 ફિટ જેટલી છે. આ દંડ ચાંદીમાં બનાવવામાં આવ્યો હતો અને જેની ઉપર સોનાની પરત ચડાવવામાં આવી છે. તેના ટોચના ભાગે નંદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જે ન્યાયનું પ્રતીક છે. એનું એક કારણ એ છે કે ચોલ વંશના શાસકો ભગવાન શિવજીના ઉપાસકો હતા. 

    શું છે આ સેંગોલનો ઇતિહાસ? 

    1947માં આખરે ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવાઈ ગયા બાદ હવે સત્તા સોંપવા માટેનો દિવસ નજીક આવી રહ્યો હતો. તે સમયે તત્કાલીન વાઇસરોય માઉન્ટબેટને જવાહરલાલ નહેરૂને સત્તા હસ્તાંતરણના પ્રતીક સ્વરૂપે વિશેષ શું આયોજન કરી શકાય તેમ પૂછ્યું હતું. ત્યારે નહેરૂએ ભારતના અંતિમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીનો સંપર્ક કર્યો. તેઓ દેશના ઇતિહાસ અને સંસ્કૃતિ બાબતે ખૂબ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. 

    સી રાજગોપાલાચારીએ જવાહરલાલ નહેરૂને ચોલ રાજાઓ દ્વારા સત્તા હસ્તાંતરણ સમયે અનુસરવામાં આવતી ધાર્મિક વિધિ અને સેંગોલ વિશે જણાવ્યું હતું. જે અનુસાર, એક રાજા બીજાને સત્તા સોંપતી વખતે સંતો-મહંતોની હાજરીમાં આ રાજદંડ સોંપતા હતા. ત્યારબાદ નક્કી થયું કે 15મી ઓગસ્ટ નહેરૂને આ જ પ્રકારનો રાજદંડ સોંપવામાં આવશે, જે ભારતીય સ્વતંત્રતાનું પ્રતીક બનશે. 

    એક મહિનાથી ઓછા સમયમાં બન્યો હતો

    નક્કી થયા બાદ તેને તૈયાર કરવાનું કામ પણ સી રાજગોપાલાચારીએ જ ઉપાડી લીધું. દરમ્યાન તેમણે તમિલનાડુના સૈકાઓ જૂના મઠ તિરૂવાવદુથુરઈ અધિનમ મઠનો સંપર્ક કર્યો. અધિનમ તમિલ શૈવ મઠો પૈકીનો એક છે. તમિલ ભાષામાં અધિનમનો અર્થ ‘શૈવ મઠ’ કે ‘શૈવ મઠોનો પ્રમુખ’ વગેરે થાય છે. આ મઠ દ્વારા મદ્રાસના સ્વર્ણકારો પાસે આ વિશેષ સેંગોલ તૈયાર કરાવવામાં આવ્યો હતો. 

    આ દંડ એક મહિનાથી પણ ઓછા સમયમાં બનાવવામાં આવ્યો હતો. તેને બનાવનારા કારીગરોમાં 96 વર્ષોય વુમ્મિદી એથિરાજુલુ અને 88 વર્ષીય વુમ્મિદી સુધાકર પણ સામેલ હતા. આ બંને વ્યક્તિઓ સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ ભાગ લેશે. 

    ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ સોંપાયો હતો

    ચોલ વંશના શાસન દરમિયાન આ રાજદંડ સોંપવામાં આવતો તે પહેલાં તેને સંતો-પૂજારીઓ દ્વારા અનુષ્ઠાનથી પવિત્ર કરવામાં આવતો હતો. 1947માં નહેરૂને તે સોંપવામાં આવ્યો તે પહેલાં અધિનમ મઠના મહંતોએ આ ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી. જે માટે મઠના ત્રણ મહંતોને વિશેષરૂપે તમિલનાડુથી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તેઓ જ સેંગોલ લઈને આવ્યા હતા અને તેમની પાસેથી જ જવાહરલાલ નહેરૂએ તેને સ્વીકાર્યો હતો. 

    મઠ પ્રમુખ અને ઉપપ્રમુખ એક વિશેષ વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા હતા. 14 ઓગસ્ટ તેને માઉન્ટબેટનને સોંપવામાં આવ્યો. તેમની પાસેથી લઈને પવિત્ર કર્યા બાદ તેને જવાહરલાલ નહેરૂ પાસે લઇ જવામાં આવ્યો. જ્યાં ધાર્મિક વિધિ થકી તેમને સોંપીને વિધિવત રીતે સત્તાનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં