ગુજરાતમાં દિવાળી પૂરી થઈ ગઈ. ઘરોમાં દીવા પ્રગટ્યા, બજારો ઝળહળ્યાં, વેપારીઓએ નવા વર્ષના ચોપડા ખોલ્યા, મંદિરોમાં ભક્તો ઉમટ્યા, પરિવારોએ સાથે બેસીને ભોજન લીધું, સગાંસંબંધીઓ મળ્યા અને ગુજરાતીઓએ વર્ષોથી ચાલતી પોતાની પરંપરા પ્રમાણે નવા વર્ષનું સ્વાગત કર્યું. શહેરોથી લઈને ગામડાં સુધી તહેવારનો પોતાનો એક લય હતો. ક્યાંક રોશની હતી, ક્યાંક રંગોળી હતી, ક્યાંક લક્ષ્મીપૂજન હતું, ક્યાંક પરિવાર સાથેનો મેળાવડો હતો અને ક્યાંક બાળકોના હાથમાં ફટાકડા હતા.
ગુજરાતની આ આખી દિવાળીને ઇન્ડિયન એક્સપ્રેસે પોતાની રીતે જોઈ. અખબારે એક રિપોર્ટ છાપ્યો, જેનું મથાળું હતું ‘‘ગુજરાતીસ સીમ ટુ બી ઇન્ક્રીઝિંગલી ઑન અ શોર્ટર ફ્યુઝ’. એટલે કે, ‘ગુજરાતીઓનો ગુસ્સો જાણે દિવસેને દિવસે વધુ ઝડપથી ભડકી રહ્યો છે’. મૂળ તો આ રિપોર્ટ દિવાળીને હિંસક ચિતરવા માટે લખાયો છે. રિપોર્ટની શરૂઆતમાં જ લખાયું કે ‘ગુજરાતીઓ દિવાળીએ વધુ ને વધુ શોર્ટ ટેમ્પર થઈ રહ્યા હોવાનું લાગે છે.’ બસ, એક વાક્યમાં આખા ગુજરાતનું મન વાંચી લેવામાં આવ્યું. 108 ઇમરજન્સી સેવામાં નોંધાયેલી ઘટનાઓના આંકડા હાથમાં આવ્યા તેવા દાવા સાથે એક્સપ્રેસે તેમાંથી ગુજરાતીઓના સ્વભાવનું પ્રમાણપત્ર તૈયાર કરી નાખ્યું. ગુજરાતની દિવાળી હવે દીવા, પૂજા, વેપાર, પરિવાર અને ઉત્સવની રહી નહીં, ઇન્ડિયન એક્સપ્રેસના ચશ્મામાં તે ‘હિંસા’ અને ‘શોર્ટ ટેમ્પર’ ગુજરાતીઓની વાર્તા બની ગઈ. આ રિપોર્ટની હલકાઈ અહીંથી શરૂ થાય છે.

આંકડો સિલેક્ટિવ અને નેરેટિવ ખોટો
ઇન્ડિયન એક્સપ્રેસે જે આંકડા આપ્યા છે, એ આંકડાઓમાં પણ ઝોલ દેખાય છે, કારણ કે એ આંકડા 108 પાસેથી લેવાયા છે તો તેનો કોઈ સોર્સ નથી અને ન તો આંકડાઓ પાછળનું બેકગ્રાઉન્ડ દર્શાવવામાં આવ્યું છે. 2024ની દિવાળીએ હુમલાના 323 કેસ માટે 108 પાસેથી આંકડા લેવાયા હતા તેવો તેનો દાવો છે, 2025માં આ સંખ્યા 391 હતી અને 2026માં 508 સુધી પહોંચી. સામાન્ય દિવસોમાં 2026 દરમિયાન આવા કેસોની સરેરાશ સંખ્યા 204 હોવાનું પણ રિપોર્ટ કહે છે. એટલે 508નો આંકડો અહીં નોંધવા જેવો છે. હુમલાની ઘટનાઓ કેમ વધી, ક્યાં વધી, કયા પ્રકારના વિવાદો થયા, પોલીસની ભૂમિકા શું રહી, ઇમરજન્સી સેવાઓ પર કેટલો ભાર પડ્યો, એ બધુ એક્સપ્રેસે દર્શાવ્યું નથી.
પ્રોપગેન્ડા ત્યાંથી શરૂ થાય છે જ્યાં અમુક સિલેક્ટિવ કેસમાંથી આખા ગુજરાતના કરોડો લોકોનો સ્વભાવ વાંચી લેવામાં આવે છે. જોકે, અગાઉ કહ્યું તેમ એ આ આંકડાનો મૂળ સોર્સ શું છે એનો કોઈ પુરાવો અખબારે આપ્યો નથી. તેમાં ચોક્કસ પ્રકારના કેસોની સંખ્યા અને આખા સમાજના સ્વભાવ વચ્ચે જેટલું મોટું અંતર હોય છે, એટલું જ અંતર ‘508 કેસ’ અને ‘ગુજરાતીઓ શોર્ટ ટેમ્પર થઈ રહ્યા છે’ વચ્ચે છે. ઇન્ડિયન એક્સપ્રેસે આ અંતર એક જ વાક્યમાં કૂદીને પાર કરી નાખ્યું. આ આંકડાનું વિશ્લેષણ નથી. આ આંકડાને સિલેક્ટિવ નેરેટિવમાં ઢાળવાની કળા છે.
અને અહીં ઇન્ડિયન એક્સપ્રેસની જૂની બીમારી દેખાય છે. આંકડો પોતાની જગ્યાએ રહે છે, પણ તેની આસપાસનું ચિત્ર બદલી નાખવામાં આવે છે. વાચકને 508 દેખાય છે અને તેની સાથે તરત ‘શોર્ટ ટેમ્પર’ શબ્દ ચોંટાડી દેવામાં આવે છે. એટલે વાચક જ્યારે આગળનો રિપોર્ટ વાંચે ત્યારે તે આંકડાને એક સામાજિક છબીના ચશ્માથી વાંચે છે. આ રીતે નેરેટિવ તૈયાર થાય છે. કોઈ એક આંકડો પકડવાનો હોય છે. કોઈ બનાવટી રીતે ઉમેરવાની જરૂર નથી પડતી. એક આંકડાને એક ચોક્કસ દિશામાં ધકેલો, તેની સાથે બે ગંભીર ઘટનાઓ જોડો અને પછી આખા રાજ્ય વિશે એક સામાન્ય વાક્ય લખી દો. ઇન્ડિયન એક્સપ્રેસે આ જ ધંધો કર્યો છે.
5,934માંથી 508ની પસંદગી પાછળની રમત
હવે આ રિપોર્ટને તેના પોતાના આંકડાથી જ વાંચીએ. દિવાળીના દિવસે ગુજરાતમાં કુલ 5,934 મેડિકલ ઇમરજન્સી નોંધાઈ હતી. આ જ રિપોર્ટમાં 1,212 વાહન અકસ્માત સંબંધિત ઇજાઓનો આંકડો છે. સામાન્ય દિવસોની 646ની સરેરાશ સામે આ સંખ્યા 87 ટકા વધારે હતી. વાહન અકસ્માત સિવાયની અન્ય ઇમરજન્સી 1,043 હતી, જ્યારે સામાન્ય દિવસોની સરેરાશ 595 હતી, એટલે તેમાં 75 ટકાનો વધારો હતો. દાઝવાના 62 કેસ નોંધાયા હતા. શ્વાસ લેવામાં તકલીફના કેસોની સંખ્યા 383 હતી, જે સામાન્ય દિવસોની 448ની સરેરાશ કરતાં ઓછી હતી. આ બધું એક જ રિપોર્ટમાં છે. એટલે ઇન્ડિયન એક્સપ્રેસ પાસે ગુજરાતની દિવાળીની એક મોટી અને બહુસ્તરીય તસવીર બનાવવા માટે પૂરતો માલ હતો.
તહેવારના દિવસે ઇમરજન્સી સેવાઓ પર વધેલો ભાર, વાહન અકસ્માતો, દાઝવાના બનાવો, અન્ય તબીબી ઇમરજન્સી, ભીડના કારણે સર્જાતી સમસ્યાઓ, આ બધાથી એક સારો રિપોર્ટ બની શકે. પણ આખા ચિત્રમાંથી નજર અટકી 508 પર. કારણ કે 508માંથી ‘ગુજરાતીઓ શોર્ટ ટેમ્પર’ની વાર્તા બનાવી શકાય તેમ હતી અને આ જ આંકડામાં એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે તમામ કેસો દિવાળી સાથે સંબંધ ધરાવતા હતા કે અન્ય નાનામોટા સ્વતંત્ર બનાવો હતા. 1,212 વાહન અકસ્માતોમાંથી ગુજરાતીઓનો સ્વભાવ નક્કી કરી શકાતો નથી. 1,043 અન્ય ઇમરજન્સીમાંથી ગુજરાતની સામાજિક છબી પર કોઈ નિષ્કર્ષ કાઢી શકાતો નથી. 62 દાઝવાના કેસથી આખા ગુજરાતને હિંસક કહી શકાય નહીં. એટલે આખી થાળીમાંથી એક વાનગી ઉઠાવવામાં આવી અને એ જ વાનગીથી આખા ભોજનનો સ્વાદ જાહેર કરી દેવામાં આવ્યો.
આંકડાઓ સાથેની આવી રમતને જ નેરેટિવબાજી કહેવાય છે. રમત એની પસંદગી અને રજૂઆતમાં છે. પાંચ હજારથી વધુ ઇમરજન્સીના આખા ચિત્રમાં એક ચોક્કસ કેટેગરી પસંદ કરો, તેને હેડલાઇનમાં બેસાડો, શરૂઆતમાં બે ગંભીર બનાવો મૂકો અને પછી એક એવું વાક્ય લખો જે આખા સમાજને એક જ રંગે રંગી દે. હવે વાચકના મનમાં શું બેસશે? દિવાળી એટલે ગુજરાતમાં ઝઘડા અને હિંસા અને ગુજરાતીઓ એટલે ગુસ્સાવાળા લોકો. આ છબી એકવાર બેસી જાય પછી રિપોર્ટની અંદરનો બાકીનો ડેટા ગૌણ બની જાય છે. આંકડો પછી સમાચાર રહેતો નથી, નેરેટિવનો માલ બની જાય છે.
બે ગંભીર બનાવો, પછી આખા ગુજરાતનો સ્વભાવ
ઇન્ડિયન એક્સપ્રેસે રિપોર્ટની શરૂઆતમાં રાજકોટ અને અમદાવાદની બે ઘટનાઓ મૂકી છે. રાજકોટમાં ફટાકડા અંગેના વિવાદ બાદ એક વ્યક્તિની હત્યા થઈ અને તેના પુત્રને પણ ગંભીર ઇજા થઈ. અમદાવાદમાં ફટાકડા અંગેના વિવાદ પછી હથિયારથી ફાયરિંગ થયું. આ બંને ઘટનાઓ ગંભીર છે. તેમાં કોઈ મજાક નથી. ગુનો થયો હોય ત્યાં ગુનેગાર સામે કાયદો કડક રીતે ચાલવો જોઈએ. કોઈએ ફટાકડા અંગેના વિવાદને હિંસામાં ફેરવ્યો હોય તો તેની જવાબદારી એ વ્યક્તિની છે. હત્યા કરનાર હત્યારો છે, ફાયરિંગ કરનાર ગુનેગાર છે અને આવા લોકોને કાયદાની ભાષામાં જ જવાબ મળવો જોઈએ. આટલી સીધી વાતમાં કોઈને મુશ્કેલી હોવી જોઈએ નહીં. મુશ્કેલી ત્યાં ઊભી થાય છે જ્યાં આ બે બનાવોને આખા ગુજરાતની દિવાળી સાથે ચોંટાડીને પછી આખા ગુજરાતીઓના સ્વભાવ સુધી પહોંચી જવાય છે.
ગુજરાતમાં દિવાળી દરમિયાન લાખો પરિવારો બહાર નીકળે છે. બજારોમાં ભીડ હોય છે. રસ્તાઓ પર વાહનવ્યવહાર વધે છે. બાળકો ફટાકડા ફોડે છે. સોસાયટીઓમાં લોકો ભેગા થાય છે. કરોડો લોકો એકસાથે તહેવાર ઉજવે ત્યારે ક્યાંક અકસ્માત થાય, ક્યાંક ઝઘડો થાય, ક્યાંક ગુનો બને, પણ આ આખી પ્રક્રિયામાં ‘ગુજરાતીઓનો સ્વભાવ જ શોર્ટ ટેમ્પર થઈ રહ્યો છે’ એવું લખવા માટે જે ઉછાળો મારવો પડે છે, એ ઉછાળો ઇન્ડિયન એક્સપ્રેસે બેધડક મારી દીધો. ગુનેગારના વર્તનને સમાજના સ્વભાવમાં ફેરવવાની આ રીત જૂની છે. અહીં પણ એ જ જૂનો ખેલ છે. એક વ્યક્તિનું કૃત્ય, બે ઘટનાઓનો આઘાત, થોડા આંકડા અને પછી આખા સમાજ પર એક લેબલ.
અધૂરો ડેટા, આખું પ્રમાણપત્ર
રિપોર્ટની સૌથી રસપ્રદ વાત એ છે કે ઇન્ડિયન એક્સપ્રેસ પોતે જ સ્વીકારે છે કે આ ડેટા સંપૂર્ણ નથી. એટલે જે માહિતીના આધારે ગુજરાતીઓના માનસપટ પર કૂદાકૂદ કરવામાં આવી છે, એ માહિતી પોતે જ સંપૂર્ણ નથી. રિપોર્ટ કહે છે કે આ આંકડા આવા બનાવોની કુલ સંખ્યાનું સંપૂર્ણ ચિત્ર આપતા નથી અને માત્ર સ્થિતિનો એક સંકેત આપી શકે છે. હવે અહીં આખી હલકાઈ ખુલ્લી પડી જાય છે. માહિતી મર્યાદિત છે, ડેટા સંપૂર્ણ નથી, નોંધાયેલા કેસો કુલ ઘટનાઓનું સંપૂર્ણ પ્રતિબિંબ નથી, છતાં નિષ્કર્ષ એવો લખાયો છે જાણે ગુજરાતના કરોડો લોકોના સ્વભાવનો આખો અભ્યાસ થઈ ગયો હોય. ડેટા અધૂરો રાખીને નિષ્કર્ષ પૂર્ણ.
નોંધાયેલા કેસોનો અર્થ જ એટલો છે કે ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસ લોકોને ઇમરજન્સી મદદની જરૂર પડી. તેમાં કેસની ગંભીરતા, કારણો, વ્યક્તિગત પૃષ્ઠભૂમિ, ઝઘડાની શરૂઆત, સ્થળ, સામેલ લોકોની સંખ્યા અને અન્ય અનેક બાબતો અલગથી સમજવાની હોય છે. આ બધું સમજ્યા વિના ‘ગુજરાતીઓ શોર્ટ ટેમ્પર થઈ રહ્યા છે’ અને ‘ગુજરાતમાં દિવાળી હિંસક હોય છે’ એવું લખવું એ આંકડાને તેની ક્ષમતા કરતાં વધારે આંકવો છે. આંકડો જેટલું કહે છે એટલું લખવાની જગ્યાએ આંકડામાંથી પોતાની પસંદગીનો નેરેટિવ કાઢવામાં આવે છે અને એક્સપ્રેસે એ જ કર્યું છે.
શહેરવાર આંકડા પણ આ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે. અમદાવાદમાં 90 કેસ, સુરતમાં 45 અને દાહોદમાં 32 કેસ નોંધાયા. દ્વારકામાં એક અને તાપી તથા ડાંગમાં બે-બે કેસ હતા. એટલે રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં સંખ્યા એકસરખી નથી. ક્યાંક વધુ છે, ક્યાંક ઘણી ઓછી છે. છતાં આખા ગુજરાત માટે એક જ લેબલ તૈયાર છે. અમદાવાદમાં બનેલી ઘટનાઓનો પડઘો ડાંગના ગામડામાં બેઠેલા માણસ સુધી પહોંચાડી દેવામાં આવ્યો. સુરતનો આંકડો કચ્છના માણસના સ્વભાવનો પુરાવો બની ગયો. ટૂંકમાં એક્સપ્રેસને કોઈપણ ભોગે ગુજરાતની દિવાળીને હિંસક ચિતરવાનો ભારે અભરખો હતો.
દિવાળી કરતાં ઇન્ડિયન એક્સપ્રેસને ગુજરાત વધુ દેખાયું
આ આખી ચર્ચામાં સૌથી વિડંબના એ છે કે રિપોર્ટને જોતા એ સ્પષ્ટ સમજાય છે કે ઇન્ડિયન એક્સપ્રેસને દિવાળી કરતાં ગુજરાત દેખાયું છે. તહેવારની ઉજવણી પાછળનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન તેની નજરે આવ્યું નહીં. કરોડો લોકો શાંતિથી તહેવાર ઉજવે છે, એ સામાન્ય દૃશ્ય સમાચાર બનતું નથી. કોઈ પરિવાર ઘરમાં લક્ષ્મીપૂજન કરે, કોઈ વેપારી નવા ચોપડા ખોલે, કોઈ બાળક દાદા સાથે ફટાકડા ફોડે, કોઈ સોસાયટીમાં લોકો સાથે મળીને તહેવાર ઉજવે, આ બધું ‘ગુજરાતી સમાજ’ની વાસ્તવિક તસવીર છે. પણ આમાંથી નકારાત્મક નેરેટિવ તૈયાર થતો નથી. નેરેટિવ માટે જોઈએ એકાદ ગંભીર ગુનો, થોડા આંકડા અને એવો શબ્દ જે આખા સમાજને એક જ રંગમાં રંગી શકે. ‘શોર્ટ ટેમ્પર’ અને ‘હિંસા’ એ કામ માટે એકદમ તૈયાર શબ્દો હતા.
અહીં ઇન્ડિયન એક્સપ્રેસની ભાષા માત્ર સમાચારની ભાષા રહેતી નથી. ‘ગુજરાતીઓ વધુ ને વધુ શોર્ટ ટેમ્પર થઈ રહ્યા હોવાનું લાગે છે’ અને ‘હિંસક’ લખવું એટલે વાચકને માત્ર કેસોની સંખ્યા જણાવવી નહીં, પણ ગુજરાતીઓ વિશે એક માનસિક છબી આપવી. ‘વધુ ને વધુ’ શબ્દો તો વધુ રસપ્રદ છે. 2024માં 323, 2025માં 391 અને 2026માં 508, આ ત્રણ આંકડા બતાવીને વર્ષદરવર્ષે વધતી સંખ્યા સામે રાખી શકાય. પણ એ સંખ્યાઓના વધારા પાછળનાં કારણો શોધ્યાં વિના તેને ગુજરાતીઓના સ્વભાવમાં ફેરવવો એ અલગ બાબત છે. ગુનાના આંકડામાં વધારો અને સમાજના સ્વભાવમાં પરિવર્તન એક જ વસ્તુ નથી.
ગુજરાતને સમજવાની જગ્યાએ ગુજરાતને ચીતરવાની ઉતાવળ
ઇન્ડિયન એક્સપ્રેસે જે કર્યું છે તેમાં સૌથી મોટો દોષ આંકડાનો નથી, દૃષ્ટિનો છે અને આવા પ્રોપગેન્ડાબાજોના નેરેટિવનો છે. ગુજરાતમાં કોઈ ગંભીર ઘટના બને ત્યારે તેને ગંભીરતાથી રિપોર્ટ કરો. ગુજરાતમાં ગુનાખોરીનો કોઈ ચોક્કસ પ્રકાર વધી રહ્યો હોય તો પોલીસના આંકડા સાથે તેની તપાસ કરો. તહેવારો દરમિયાન ઝઘડા કેમ થાય છે, સામાજિક કારણો શું છે, પોલીસની હાજરી કેવી છે, ઇમરજન્સી સેવાઓ પર કેટલો ભાર પડે છે, આ બધું ખોદો. આ કામમાં મહેનત લાગે છે. શહેરવાર અને વર્ષવાર આંકડા તપાસવા પડે. પોલીસ અને હોસ્પિટલના રેકોર્ડ જોવા પડે. સંબંધિત અધિકારીઓ સાથે વાત કરવી પડે. ઘટનાના કારણો સમજવા પડે.
તેના બદલે એક તૈયાર આંકડો હાથમાં હોય અને એમાંથી આખા ગુજરાતીઓનો સ્વભાવ કાઢી શકાય તો મહેનત ઓછી પડે છે અને નેરેટિવ તૈયાર ઝડપથી થઈ જાય છે. આવા લેખોમાં જ ‘ગુજરાત’ એક પ્રદેશમાંથી એક પાત્ર બની જાય છે. એક એવું પાત્ર જેને દરેક નકારાત્મક ઘટનાથી જોડવામાં આવે. એક બનાવ બન્યો એટલે ગુજરાત. એક આંકડો વધ્યો એટલે ગુજરાતીઓ. એક ઝઘડો થયો એટલે ગુજરાતીઓનો સ્વભાવ. આ રીતે સમાજને વ્યક્તિમાં અને વ્યક્તિના ગુનાને સમાજમાં ફેરવી દેવાની રીત બહુ જૂની છે. અહીં પણ એ જ સૂત્ર ચલાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં દિવાળી ઉજવાઈ. કેટલાક બનાવો થયા. આ સંખ્યા સામાન્ય દિવસોની સરેરાશ કરતાં વધારે હશે. આ ત્રણેય વાતો સાચી હોય શકે છે. આ ત્રણેય વાતો લખી શકાય છે. પણ ચોથી વાત, ‘ગુજરાતીઓ શોર્ટ ટેમ્પર થઈ રહ્યા છે’ અને ‘હિંસક છે’, એ ત્રણ આંકડાઓમાંથી આપમેળે નીકળતી હકીકત નથી. એ આવા એજન્ડાબાજોનું બનાવેલું અર્થઘટન છે. અને પાંચમી વાત, ‘ગુજરાતની દિવાળી હિંસક છે’, એ તો આખી વાતને એક નકારાત્મક ફ્રેમમાં બંધ કરી દેવાનો સીધો પ્રયાસ છે. કારણ કે એક્સપ્રેસને પોતાને પણ ખબર નથી તેણે જે ઘટનાના આંકડા આપ્યા હતા તેમાંથી દિવાળી સાથે કેટલી ઘટનાઓને સંબંધ હતો.
સિલેક્ટિવ કેસોને 7 કરોડ ગુજરાતીઓની ઓળખ બનાવી દેવી
508 કેસનો આંકડો આમ તો ઝોલ જ છે, પણ જો સાચો હોય તો તેની નોંધ લો. દિવાળીના દિવસે ઝઘડા થયા હોય, મારામારી થઈ હોય અને લોકો હોસ્પિટલ સુધી પહોંચ્યા હોય તો એ એક અલગ બાબત છે. આ કેસોમાં શું બન્યું, કયા કારણસર બન્યું અને ક્યાં કેટલા કેસ નોંધાયા એના આધારે આખી સ્થિતિ સમજવાનો પ્રયાસ કરી શકાય. અહીં સુધી રિપોર્ટિંગમાં કોઈ વાંધો નથી. ગડબડ ત્યાં શરૂ થાય છે જ્યાં 108ના આ આંકડાને ઉઠાવીને આખા ગુજરાતીના સ્વભાવનું પ્રમાણપત્ર બનાવી દેવામાં આવે છે અને હિંદુ તહેવાર સાથે જોડી દેવામાં આવે છે. અમુક લોકોના ઝઘડાને કારણે આખું ગુજરાત ‘હિંસક’ અને ‘શોર્ટ ટેમ્પર’ બની જતું નથી. જે દિવસે લાખો-કરોડો લોકો પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી રહ્યા હતા, તેમની વચ્ચે 108 પર નોંધાયેલા આ 508 કેસ એક અલગ આંકડો છે. એને આખા સમાજના સ્વભાવ સાથે જોડી દેવાનો પ્રયાસ ન કરી શકાય.
પત્રકારિતાની પહેલી જવાબદારી જ સાચા આંકડા અને નિષ્કર્ષ વચ્ચેની રેખા ઓળખવાની છે. અહીં એ રેખા ચોળી નાખવામાં આવી છે. કથિત આંકડામાંથી હુમલાની સંખ્યા મળી. હુમલાની સંખ્યામાંથી ‘ગુજરાતીઓ શોર્ટ ટેમ્પર’ અને ‘હિંસક’ જેવા શબ્દો મળ્યા. બે ગંભીર ઘટનાઓમાંથી ‘ગુજરાતની દિવાળી હિંસક’ બની અને આખરે એક આખા રાજ્યની છબી તૈયાર થઈ ગઈ. આટલું બધું એક જ રિપોર્ટમાં ગોઠવાઈ ગયું.
ઇન્ડિયન એક્સપ્રેસે આ રીતે ગુજરાતની દિવાળી વિશે લખીને વાચકને આંકડો નથી આપ્યો, એક દૃશ્ય આપ્યું છે. એ દૃશ્યમાં ગુજરાતીઓ દીવા પ્રગટાવતા દેખાતા નથી. તેઓ ગુસ્સે દેખાય છે. પરિવારો સાથે બેસેલા દેખાતા નથી. ઝઘડતા દેખાય છે. તહેવારની ઉજવણી કરતા દેખાતા નથી. ‘શોર્ટ ટેમ્પર’ અને ‘હિંસક’ દેખાય છે. આ દૃશ્ય હકીકતનો આખો ભાગ નથી. આ સિલેક્ટિવ આંકડા અને સિલેક્ટિવ શબ્દોથી બનાવેલું દૃશ્ય છે.
અને એ જ એક્સપ્રેસની સ્પષ્ટ બદમાશી છે. ગુજરાતમાં બનેલા ગુનાઓ પર કોઈ પડદો નાખવાની જરૂર નથી. ગુનેગારને બચાવવાની જરૂર નથી. 108ના આંકડા સાચા હોય તો છુપાવવાની જરૂર નથી. આંકડો મોટો હોય તો મોટો કહો. ચિંતા હોય તો ચિંતા કહો. પોલીસને સવાલ હોય તો પોલીસને સવાલ કરો. પણ સોર્સ ઓ આપો. અમુક સિલેક્ટિવ કેસને લઈને ગુજરાતના કરોડો લોકોના સ્વભાવ પર થપ્પો મારવાની ચરબી ક્યાંથી આવી? ગુજરાતની દિવાળીને ‘હિંસક’ ચીતરવાની જરૂર શા માટે પડી? એ આખી હલકાઈ હવે રિપોર્ટની અંદર જ દેખાઈ રહી છે. ઇન્ડિયન એક્સપ્રેસે કથિત 108નો આંકડો લીધો. ગુજરાતની દિવાળીનું ચિત્ર દોર્યું. ચિત્રમાં રંગ તેણે પસંદ કર્યા. હવે વાચક એટલું તો જોઈ જ શકે છે કે આ ચિત્રમાં આંકડાના રંગ કરતાં ફ્રેમિંગ વધારે ઘાટું છે.


