હોમપેજગુજરાતડ્રગ્સ સામે ગુજરાતનું ‘મિશન 2028’: નશામુક્ત રાજ્ય બનાવવા સરકાર શું કરી રહી...

ડ્રગ્સ સામે ગુજરાતનું ‘મિશન 2028’: નશામુક્ત રાજ્ય બનાવવા સરકાર શું કરી રહી છે

આ અભિયાનની ખરી સફળતા માત્ર ડ્રગ્સ પકડવા કે ધરપકડ કરવા સુધી સીમિત નથી. સ્થાનિક સ્તરે વેચાણ ઘટે, યુવાનો નશાથી દૂર રહે અને પીડિતોને યોગ્ય સારવાર મળે તેના પર જ આ 2028ના લક્ષ્યાંકની સફળતાનો આધાર રહેશે.

- Advertisement -

ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીને ડામવા માટે રાજ્ય સરકારે એક મોટો રોડમેપ તૈયાર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદમાં જાહેરાત કરી છે કે સમગ્ર દેશને નશામુક્ત કરવા માટે 2029નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે, ગુજરાતે તેનાથી એક વર્ષ અગાઉ એટલે કે 31 ડિસેમ્બર, 2028 સુધીમાં રાજ્યને સંપૂર્ણપણે ડ્રગ્સ-ફ્રી બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

આ અભિયાન અંતર્ગત સરકાર માત્ર ડ્રગ્સ કે આરોપીઓને પકડવા સિવાય ડ્રગ્સનું ઉત્પાદન, હેરાફેરી, વેચાણ અને નશાની લતના સમગ્ર નેટવર્કને નેસ્તનાબૂદ કરવા પર કામ કરશે. આ લડાઈમાં પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની સાથે-સાથે શાળા-કોલેજો, માતા-પિતા અને સામાન્ય નાગરિકોને પણ સક્રિયપણે જોડવામાં આવશે.

ડ્રગ્સ-ફ્રી ગુજરાત માટે સરકારનો નવો રોડમેપ શું છે?

અમિત શાહે જાહેર કરેલા રોડમેપ હેઠળ ડ્રગ્સની માહિતી ઝડપથી મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા માટે 1 ડિસેમ્બર, 2026થી રાજ્યમાં 1033 નંબરની ટોલ-ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. જો કોઈને પોતાના વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ, હેરાફેરી કે નશાનું સેવન થતું દેખાય તો તે આ નંબર પર માહિતી આપી શકશે અને માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

- Advertisement -

આ હેલ્પલાઈન સાથે જોડાયેલા ડેડિકેટેડ કંટ્રોલ રૂમમાં મળતી ફરિયાદો પર માત્ર ત્રણ કલાકની અંદર જ કાર્યવાહી શરૂ થઈ જાય તેવી મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ત્રણ કલાકમાં કામગીરી શરૂ કરવાનો મુખ્ય હેતુ ડ્રગ્સના કિંગપિન અને તેમના મળતીયાઓને શોધીને જેલહવાલે કરવાનો છે.

સરકાર અત્યાર સુધી ડ્રગ્સ સામે શું કાર્યવાહી કરતી આવી છે?

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડ્રગ્સ સામેની કાર્યવાહી નવી નથી. રાજ્ય પોલીસ, CID ક્રાઇમ, SOG, ATS અને NCB જેવી સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે સતત કાર્યરત છે. નોંધનીય છે કે ગુજરાત દેશનો સૌથી મોટો દરિયાકિનારો ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગોની નજીકનું સ્થાન પણ છે. તેથી દરિયાઈ માર્ગેથી ગુનાખોરોની ઘૂસણખોરી રોકવી સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર રહ્યો છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ થવાના કિસ્સા પણ પ્રકાશમાં આવતા રહ્યા છે.

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં માર્ચ 2026માં આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2023માં NDPS કાયદા હેઠળ 604 કેસ નોંધાયા હતા અને 803 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2024માં 623 કેસ અને 903 ધરપકડ થઈ હતી. જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધીને 1,090 કેસ અને 1,537 ધરપકડ સુધી પહોંચ્યો હતો.

આ ત્રણ વર્ષમાં અનુક્રમે ₹1,164 કરોડ, ₹1,070 કરોડ અને ₹598 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ડ્રગ્સ સામેની પોલીસ કાર્યવાહી સતત ચાલી રહી છે. ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં દરિયાઈ માર્ગ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ મે 2026માં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત કામગીરી કરીને મુંદ્રા કિનારા નજીક દરિયામાંથી ₹1,150 કરોડની કિંમતનું 115 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આ પ્રકારની કાર્યવાહી બતાવે છે કે ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે માત્ર જમીન પર જ નહીં, પરંતુ દરિયાઈ માર્ગો પર પણ સતત દેખરેખ રાખવી જરૂરી છે.

આ પહેલાં ડ્રગ્સ વિરુદ્ધ થયેલી કામગીરી

ઉલ્લેખનીય છે કે દેશને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારની આ પ્રથમ પહેલ નથી. આ પહેલાં પણ કેન્દ્ર સરકાર ઘણા પ્રયત્નો કરી ચૂકી છે. સાથે જ ગુજરાત સરકાર પણ ઘણા વર્ષોથી રાજ્યને ડ્રગ્સમુક્ત બનાવવા માટે વિવિધ પહેલ અને કામગીરીઓ કરી છે.

2021માં જ શરૂ થઈ હતી નાર્કો રિવોર્ડ પોલિસી

ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા માટે ગુજરાત સરકારે માહિતી આપનાર લોકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી ઑક્ટોબર 2021માં ‘નાર્કો રિવોર્ડ પોલિસી’ શરૂ કરી હતી. આ નીતિ હેઠળ ડ્રગ્સની ગેરકાયદે હેરાફેરી અંગે સચોટ માહિતી આપનારા બાતમીદારો અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓને આર્થિક પુરસ્કાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

બાતમીદારે આપેલી માહિતીની સચોટતા, તેણે ઉઠાવેલું જોખમ અને તપાસમાં તેનાથી થયેલા ફાયદાને ધ્યાનમાં રાખીને આ ઇનામની રકમ નક્કી કરવામાં આવે છે. આ પોલિસીનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને ડ્રગ્સના વેપાર સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરવાનો છે, જેથી પોલીસ મોટા સપ્લાય નેટવર્ક અને મુખ્ય આરોપીઓ સુધી સરળતાથી પહોંચી શકે.

2025માં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) બનાવવામાં આવી

આ ઉપરાંત ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત અને વ્યવસ્થિત બનાવવા માટે ગુજરાત સરકારે ઑગસ્ટ 2025માં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની (ANTF) રચના કરી હતી. આ માટે અગાઉ CID ક્રાઇમ હેઠળ કામ કરતા નાર્કોટિક્સ સેલનું કદ અને સત્તા વધારવામાં આવ્યા હતા, જેમાં કર્મચારીઓની સંખ્યા 34થી વધારીને 211 કરવા માટે 177 નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી.

આ ટાસ્ક ફોર્સનો મુખ્ય હેતુ રાજ્યમાં ડ્રગ્સનું ઉત્પાદન, વેચાણ, હેરાફેરી અને તેની પાછળ રહેલા સંગઠિત નેટવર્કને તોડી પાડવાનો છે. આ કામગીરી માટે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને સરહદી વિસ્તારો સહિત 6 ઝોનમાં વિશેષ યુનિટ્સ બનાવવાની યોજના ઘડીને તેને CID ક્રાઇમની સીધી દેખરેખ હેઠળ મૂકવામાં આવ્યા છે.

હવે દરેક જિલ્લામાં બનશે ખાસ એન્ટી નાર્કોટિક્સ વિંગ

વધુમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ સામેની કાર્યવાહીને જિલ્લા સ્તર સુધી મજબૂત કરવા માટે સપ્ટેમ્બર 2026માં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. રાજ્યમાં 41 નવી એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) સ્થાપવાની યોજના ઘડવામાં આવી છે, જેમાં રાજ્યના 34 જિલ્લાઓને આવરી લેવામાં આવશે.

આ ઉપરાંત ભૌગોલિક વિસ્તાર અને સરહદી સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છમાં પૂર્વ અને પશ્ચિમ એમ 2 અલગ વિંગ બનાવવાનું નક્કી કરાયું છે. આ સિવાય અમદાવાદ અને સુરતમાં 2-2 તથા રાજકોટ અને વડોદરા કમિશનરેટમાં 1-1 વિંગ બનાવવાનું આયોજન છે, જે સ્થાનિક સ્તરે ડ્રગ્સના નેટવર્ક પર નજર રાખીને ગુનાઓની તપાસ કરશે.

આ વિંગ સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરશે અને તેનો રિપોર્ટ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને સોંપશે, જેથી કોઈ જિલ્લામાં ડ્રગ્સ પકડાય ત્યારે તપાસ માત્ર સ્થાનિક વેચાણકર્તા સુધી સીમિત ન રહેતા અન્ય જિલ્લા કે રાજ્ય સુધી ફેલાયેલા નેટવર્ક સુધી પહોંચી શકાય. આ માટે 6 ઝોનલ ANTF પોલીસ સ્ટેશન અને 41 જિલ્લા સ્તરની વિંગ વચ્ચે ખાસ સંકલન રાખવામાં આવશે.

સાથે જ તપાસમાં અધિકારીઓને કાયદાકીય અને ટેક્નિકલ મદદ પૂરી પાડવા માટે NARIT-AI નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ વિકસાવવામાં આવ્યું છે, જે NDPS કાયદા અને કોર્ટના ચુકાદાઓના આધારે માર્ગદર્શન આપે છે. સપ્ટેમ્બર 2026ના અહેવાલ મુજબ, ફિલ્ડ ટ્રાયલ હેઠળ રહેલા આ ટૂલનો ગુજરાતમાં તપાસ હેઠળના 60થી વધુ કેસોમાં ઉપયોગ કરીને સૂચનો આપવામાં આવ્યા હતા.

ડ્રગ્સની લતનો ભોગ બનેલા યુવાનો માટે પણ આયોજન ?

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ સામેની લડાઈમાં માત્ર વેચનાર અને કિનપિંગને પકડવાથી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ નહીં આવે. કારણ કે નશીલા પદાર્થોની લત લાગી હોય તેવા ઘણા યુવાનોને સારવાર અને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમિત શાહે જાહેરાત કરી હતી કે રાજ્યમાં નશાની લતમાં ફસાયેલા યુવાનો માટે ડી-એડિક્શન એટલે કે નશામુક્તિ કેન્દ્રો ઊભાં કરવામાં આવી રહ્યાં છે.

અહીં યુવાનોને નશાની લતમાંથી બહાર આવવા માટે સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા આપવામાં આવશે. સરકારનો પ્રયાસ માત્ર યુવાનોને નશો છોડાવવાનો નહીં, પરંતુ તેમને ફરી સામાન્ય જીવનમાં પરત લાવવાનો પણ છે.

આ અભિયાનમાં એક ખાસ બાબત એ છે કે નશાની લતનો ભોગ બનેલા યુવાનોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ઘણીવાર પરિવારના સભ્યો સમાજમાં બદનામી થવાના ડરથી પોતાના ઘરમાં કોઈ વ્યક્તિને નશાની લત લાગી હોવાની વાત છુપાવે છે. તેના કારણે સમયસર સારવાર મળતી નથી અને સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

અમિત શાહે માતા-પિતાને અપીલ કરી હતી કે નશાની લતને શરમ કે બદનામીનો વિષય ન બનાવવો જોઈએ. જેમ કોઈ વ્યક્તિને બીજી બીમારી થાય ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે, તેવી જ રીતે નશાની લત હોય તો પણ નિષ્ણાતોની મદદ લેવી જોઈએ. આ રીતે સરકાર ડ્રગ્સના વેપાર સામે કડક કાર્યવાહી કરવાની સાથે નશાના શિકાર બનેલા લોકોને બચાવવાનો પણ પ્રયાસ કરશે.

શાળા, માતા-પિતા અને સમાજને પણ જોડવામાં આવશે

આ સિવાય સરકારના આ અભિયાનમાં શાળા-કોલેજો અને માતા-પિતાની ભૂમિકા પણ મહત્વની રહેશે. અમિત શાહે શિક્ષકોને અપીલ કરી હતી કે તેઓ વિદ્યાર્થીઓના વર્તનમાં થતા અસામાન્ય ફેરફારો પર ધ્યાન આપે. ઉદાહરણ તરીકે, કોઈ વિદ્યાર્થી વારંવાર ઊંઘતો હોય, તેની આંખો લાલ રહેતી હોય, ભણવામાં ધ્યાન ન આપતો હોય અથવા તેના વર્તનમાં અચાનક ફેરફાર જોવા મળતો હોય તો તેની અવગણના ન કરવી.

આવા ફેરફારોના અન્ય કારણો પણ હોય શકે છે. પણ જો જરૂર જણાય તો માતા-પિતાને જાણ કરીને યોગ્ય તબીબી સલાહ અને તપાસ કરાવવી જોઈએ. તેનો હેતુ બાળકોમાં નશાની લતના સંકેતો વહેલા ઓળખીને તેમને સમયસર મદદ પહોંચાડવાનો છે.

આ ઉપરાંત સરકારે માતા-પિતાને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના કિશોરવયનાં બાળકોના મિત્રો, દિનચર્યા અને વર્તન પર ધ્યાન આપે. બીજી તરફ, સામાન્ય નાગરિકોને પણ પોતાના વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થતું હોય કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તેની જાણ પોલીસને કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ રીતે શાળા, પરિવાર અને સમાજને આ અભિયાનનો ભાગ બનાવવામાં આવશે. કારણ કે ડ્રગ્સનું નેટવર્ક ઘણીવાર સ્થાનિક સ્તરે જ પોતાની પકડ બનાવે છે અને આસપાસના લોકો પાસે તેની માહિતી હોવાની શક્યતા રહે છે. આવી માહિતી યોગ્ય એજન્સી સુધી પહોંચે તો મોટા નેટવર્ક સુધી પહોંચવામાં મદદ મળી શકે છે.

કેન્દ્ર સરકારનું નશામુક્ત ભારત અભિયાન પણ ચાલી રહ્યું છે

ગુજરાત સરકારના આ પ્રયાસોની સાથે સાથે કેન્દ્ર સરકારનું ‘નશામુક્ત ભારત અભિયાન’ (Nasha Mukt Bharat Abhiyaan) પણ દેશભરમાં ચાલી રહ્યું છે. આ મહત્વાકાંક્ષી અભિયાનની શરૂઆત 15 ઑગસ્ટ 2020ના રોજ કરવામાં આવી હતી.

શરૂઆતમાં આ ઝુંબેશ દેશના 272 સંવેદનશીલ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઑગસ્ટ 2023થી તેનો વ્યાપ વધારીને દેશના તમામ જિલ્લાઓ સુધી વિસ્તૃત કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં જાગૃતિ લાવવી, નશાની લત અટકાવવી અને પીડિતોને યોગ્ય સારવાર તથા પુનર્વસન પૂરું પાડવાનો છે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ઑગસ્ટ 2026માં આપેલી વિગતો અનુસાર આ અભિયાન હેઠળ દેશભરમાં 29.05 કરોડથી વધુ લોકોને જાગૃત કરાયા છે. આમાં 11.05 કરોડથી વધુ યુવાનો અને 7.81 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, દેશભરમાં 344 સંકલિત પુનર્વસન કેન્દ્રો (IRCAs), 145 જિલ્લા નશામુક્તિ કેન્દ્રો અને 155 વ્યસન સારવાર કેન્દ્રોને નાણાકીય અને લોજિસ્ટિક સહાય આપવામાં આવી રહી છે. વધુમાં નશાથી પીડિત લોકો અને તેમના પરિવારોની મદદ માટે કેન્દ્ર સરકારે 14446 નંબરની ટોલ-ફ્રી હેલ્પલાઈન પણ શરૂ કરી છે, જેના દ્વારા નજીકના સારવાર કેન્દ્રોની માહિતી મેળવી શકાય છે.

અંતે ગુજરાતને 31 ડિસેમ્બર 2028 સુધીમાં ડ્રગ્સ-ફ્રી બનાવવાનું લક્ષ્યાંક માત્ર પોલીસ કાર્યવાહીથી પૂરું થઈ શકે તેમ નથી. આ માટે ડ્રગ્સનું ઉત્પાદન, સપ્લાય નેટવર્ક, સ્થાનિક વેચાણ અને આ ગેરકાયદે વેપારમાં નાણાં રોકનાર તમામ કડીઓ સુધી પહોંચવું અનિવાર્ય બનશે. ખાસ કરીને દરિયાઈ માર્ગે થતી ગેરકાયદે હેરાફેરી, આંતરરાજ્ય સપ્લાય નેટવર્ક અને સ્થાનિક સ્તરે ચાલતા ડ્રગ્સના વેચાણ પર એકસાથે કડક નિયંત્રણ લાવવું જરૂરી છે, તો જ આ દૂષણને જડમૂળથી નાબૂદ કરી શકાશે.

સરકારે અત્યાર સુધી નાર્કો રિવોર્ડ પોલિસી, ANTF, જિલ્લા સ્તરની વિંગ અને ટેક્નિકલ તપાસ જેવી વ્યવસ્થાઓ ઊભી કરી છે. હવે 1033 હેલ્પલાઈન, કંટ્રોલ રૂમ અને 3 કલાકમાં ત્વરિત કાર્યવાહીના માળખા દ્વારા આ કામગીરીને વધુ વ્યાપક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ અભિયાનની ખરી સફળતા માત્ર ડ્રગ્સ પકડવા કે ધરપકડ કરવા સુધી સીમિત નથી. સ્થાનિક સ્તરે વેચાણ ઘટે, યુવાનો નશાથી દૂર રહે અને પીડિતોને યોગ્ય સારવાર મળે તેના પર જ આ 2028ના લક્ષ્યાંકની સફળતાનો આધાર રહેશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં