હમણાં જ ગાંધીનગરની કલોલ એડિશનલ સેશન્સ કોર્ટે 2024ના એક ગૌહત્યાના કેસમાં ત્રણ આરોપીઓને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી. સાથે ત્રણેયને ₹3-3 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સજા આપતી વખતે કોર્ટે વેદો અને ધર્મગ્રંથો ટાંક્યા અને કહ્યું કે ગાય વિશ્વની માતા સમાન છે, તેનું રક્ષણ એ ધર્મ અને કરુણાની ભાવના સાથે જોડાયેલું કાર્ય છે. જો ગૌહત્યા બદલ કડક સજા કરવામાં ન આવે અને સમાજમાં દાખલો બેસાડવામાં ન આવે તો આ પ્રાણી લુપ્ત થઈ જશે. ત્રણ ગુનેગારોની ઓળખ વસીમ, મહંમદ અને અસફાક તરીકે થઈ છે.
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ સમાચાર આપતાં X પર લખ્યું, ‘ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળનો આ ચુકાદો સ્પષ્ટ સંદેશ છે કે ગુજરાતમાં ગૌહત્યા કરનારને કાયદો ક્યારેય નહીં છોડે. ગૌમાતાની રક્ષા એ ગુજરાતનો અડગ સંકલ્પ છે.’
3 ગૌહત્યારાઓને આજીવન કેદ! ગાંધીનગર જિલ્લાના જામળા ગામમાં 277 કિલો ગૌમાંસ સાથે રંગેહાથ ઝડપાયેલા ત્રણેય આરોપીઓને કલોલ સેશન્સ અદાલતે આજીવન કારાવાસ અને પ્રત્યેકને ₹3 લાખના દંડની સજા ફટકારી છે. ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળનો આ ચુકાદો સ્પષ્ટ સંદેશ છે ગુજરાતમાં ગૌહત્યા કરનારને કાયદો ક્યારેય નહીં છોડે. ગૌમાતાની રક્ષા એ ગુજરાતનો અડગ સંકલ્પ છે. સચોટ તપાસ અને મજબૂત પુરાવા રજૂ કરનાર ગાંધીનગર પોલીસ તથા સરકારી પક્ષને અભિનંદન. #ગૌરક્ષા #GujaratPolice
— Harsh Sanghavi (@sanghaviharsh) October 29, 2026
કોર્ટે આ કેસમાં દોષી ઠેરવાયેલા ત્રણેયને ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 (પશુઓ પ્રત્યે ક્રૂરતા), 54 (ગુના સમયે હાજરી), ગુજરાત પોલીસ એક્ટની કલમ 119 અને ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ, 2017ની કલમ 5, 6(ક), 6(ખ), 8(2), 8(4) અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11(1)(L) અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177 હેઠળ સજા ફટકારવામાં આવી છે.
આ અગાઉ પણ અદાલતો ગૌહત્યાના ગુનાઓમાં દોષી ઠેરવાયેલાઓને આજીવન કેદ ફટકારી ચૂકી છે. તેનું કારણ છે 2017માં ગુજરાત સરકારે સુધારેલો એક કાયદો. કારણ કે કોર્ટ કાયદા પ્રમાણે ચાલે છે. કાયદામાં જોગવાઈ ન હોય ત્યાં સુધી કોર્ટ આજીવન કેદ જેવી કડક સજા ન કરી શકે.
ગૌહત્યા બદલ આજીવન કેદની સજાની જોગવાઈ ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય
દેશનાં ઘણાં ખરાં રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે અને કાયદા પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં ગૌહત્યા બદલ આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ જોગવાઈ વર્ષ 2017માં ઉમેરવામાં આવી હતી.
એપ્રિલ 2017માં ગુજરાત સરકાર એક બિલ લાવી હતી, ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ. આ બિલથી મૂળ 1954ના ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો હતો. એ પહેલાં પણ 2011થી માંડીને ભૂતકાળમાં ઘણા સુધારાઓ થયા હતા, એ પાછળથી જોઈએ.
2017માં વિજય રૂપાણી સરકારમાં પશુ સંરક્ષણ અધિનિયમમાં નવો એક સુધારો કરવામાં આવ્યો, જેમાં ગૌહત્યા બદલ આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી.
આ સુધારા પહેલાં પણ ગુજરાતમાં ગૌહત્યા અને ગૌમાંસના વેચાણ-સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ લાગુ જ હતો પરંતુ સજા પ્રમાણમાં ઓછી હતી.
અગાઉના કાયદા અનુસાર ગૌહત્યા બદલ ત્રણથી સાત વર્ષની જેલની સજાની જોગવાઈ હતી અને દંડ પચાસ હજાર જેટલો હતો. અર્થાત્ ગૌહત્યા બદલ કોઈ પકડાય, મામલો કોર્ટમાં જાય અને દોષ સાબિત થાય તોપણ તેને વધુમાં વધુ સાત વર્ષની સજા થઈ શકતી. ઓછામાં ઓછી ત્રણ વર્ષની. કોર્ટ દંડ ફટકારવા માગતી હોય તો તેની મર્યાદા પચાસ હજાર રૂપિયા સુધીની હતી.
એ જ રીતે ગૌમાંસ કે ગૌમાંસ સંબંધિત વસ્તુઓના વેચાણ, સંગ્રહ કે પરિવહન બદલ અગાઉ ત્રણ વર્ષ સુધીની સજા અને ₹25,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. ઉપરાંત આ વસ્તુઓ જે વાહનમાં લાવવા-લઈ જવામાં આવી રહી હોય તે વાહન જપ્ત કરી લેવામાં આવતું. પરંતુ જોગવાઈ એ હતી કે કોર્ટનો આદેશ આપવામાં આવે કે છ મહિના પૂર્ણ થાય, બેમાંથી જે વહેલું આવે ત્યાં સુધી તેને રિલીઝ ન કરી શકાય. એટલે કે કોર્ટના આદેશથી વાહન છોડાવી શકાતું કે છ મહિના પછી પરત મેળવી શકાતું હતું.
2017માં ગુજરાત સરકારે આ તમામ જોગવાઈઓ કડક બનાવી દીધી.
સરકારે ગૌહત્યા બદલ સાત વર્ષ સુધીની સજાને આજીવન કેદમાં તબદીલ કરી દીધી હતી અને ઓછામાં ઓછી સજા ત્રણ વર્ષથી વધારીને 10 વર્ષ કરી દેવામાં આવી હતી. જ્યારે દંડની રકમ વધુમાં વધુ પાંચ લાખ અને ઓછામાં ઓછી એક લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી હતી.

આ જ રીતે ગૌમાંસના વેચાણ-સંગ્રહ અને પરિવહન પર સરકારે સજા ત્રણ વર્ષથી વધારીને દસ વર્ષ સુધીની અને ઓછામાં ઓછી સાત વર્ષ સુધીની સજા કરી દીધી હતી. જ્યારે દંડની રકમ ₹1 લાખથી ₹5 લાખ સુધીની કરવામાં આવી હતી.
આ ઉપરાંત અગાઉ વાહનને છ મહિનામાં રિલીઝ કરવાની જોગવાઈ હતી તેમાં સુધારો કરીને એ વ્યવસ્થા કરવામાં આવી હતી કે જપ્ત કરવામાં આવેલું વાહન કાયમ માટે સરકારના કબજામાં જ રહે અને તેને મુક્ત કરી શકાય નહીં.
પશુ સંરક્ષણ અધિનિયમ: ઇતિહાસ અને સુધારા
પશુ સંરક્ષણ અધિનિયમ મૂળ 1948માં સ્વતંત્રતા પછી બનેલા બૉમ્બે સ્ટેટ માટે લાવવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ન હતું એટલે અત્યારના ગુજરાતમાં પણ બૉમ્બેના જ કાયદાઓ લાગુ પડતા.
1954માં સરકારે એક નવો કાયદો લાવીને અમલમાં મૂક્યો. ત્યારે ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ ન હતો પણ ગૌવંશ (ગાય, ભેંસ, વાછરડાં, બળદ) વગેરેની તંત્રની અધિકૃત પરવાનગી વગર કતલ ન કરી શકાય એવી જોગવાઈ હતી.
પરવાનગી આપવા માટેના પણ નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. જે અનુસાર, કોઈ પણ ગૌવંશ ખેતી પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય, બ્રીડિંગ માટે જરૂરી હોય કે દુધાળું પશુ હોય તો તેની કતલ માટે પરવાનગી આપી શકાતી ન હતી. અર્થાત્, આ સિવાયનાં પશુની કતલ માટે પરવાનગી આપવામાં આવતી.
આ કાયદામાં મજહબી કારણોસર એક લૂપહોલ પણ રાખવામાં આવ્યો હતો. જે અનુસાર 15 વર્ષથી ઉપરનું કોઈ પશુ હોય તો મજહબી કારણોસર તેને પરવાનગી આપી શકાતી હતી, તેના માટે પછીથી તે ખેતી કે બ્રીડિંગ માટે જરૂરી છે કે નહીં એ કારણો તપાસવાનાં નહતાં રહેતાં.
1961માં ગુજરાત સરકારે ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો
1960માં ગુજરાત છૂટું પડ્યું પરંતુ ઘણાખરા કાયદાઓની જેમ આ કાયદો પણ યથાવત જ રહ્યો. બીજા વર્ષે 1961માં ગુજરાત સરકારે એક કાયદો લાવીને એક સુધારો કર્યો અને ગાયની કતલ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી.
1961માં ગુજરાત વિધાનસભાએ 1954ના બૉમ્બે એકટમાં એક કલમ ઉમેરી, જેમાં જણાવવામાં આવ્યું કે ગાયના કિસ્સામાં કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. ઉપરાંત મજહબી કારણોસર પણ ગાયની કતલ પર રોક લગાવી દેવામાં આવી.
નવી કલમમાં ઉમેરવામાં આવ્યું કે મજહબી કારણોસર જો તે પશુ ગાય ન હોય તો જ પરવાનગીની પ્રક્રિયામાં આગળ વધવાનું રહેશે.
1979નો સુધારો
1979માં ગુજરાત સરકારે પશુ સંરક્ષણ અધિનિયમમાં વધુ એક સુધારો કર્યો અને જે પશુની કતલ ન થઈ શકે તે જણાવતી જોગવાઈનો વ્યાપ વધારીને તેમાં વાછરડાં (ગાયનાં બચ્ચાં) પણ સામેલ કર્યાં. સાથે બળદ માટે એ વ્યવસ્થા કરવામાં આવી કે 16 વર્ષથી નીચેના બળદની કતલ ન થઈ શકે. એટલે 16 ઉપરના બળદની કતલ માટે પરવાનગી આપી શકાય.
આ જ વ્યવસ્થા મજહબી કારણોસર કતલ માટે આપવામાં આવતી પરવાનગી માટે કરવામાં આવી. જે અનુસાર ગાય કે વાછરડાની કતલ માટે મજહબી કારણોસર પણ પરવાનગી ન આપી શકાય પણ બળદ માટે 15 વર્ષની મર્યાદા રાખવામાં આવી, એટલે કે 15 વર્ષથી ઉપરના બળદની મજહબી કારણોસર કતલ કરી શકાય.
1994માં બળદને પણ રક્ષણ મળ્યું, 2005માં સુપ્રીમ કોર્ટે સુધારો માન્ય રાખ્યો
પછીથી 1994માં સરકારે વધુ એક સુધારો કરીને બળદને પણ આ શ્રેણીમાં ઉમેરી દીધા અને તેમની કતલ પર પણ સંપૂર્ણપણે રોક લગાવી દીધી. જેના માટે કારણ આપવામાં આવ્યું કે આ પ્રાણીઓ ખેતીમાં જરૂરી છે અને પરિવહનમાં પણ એટલાં જ ઉપયોગી થાય છે. તેમના છાણનું ખાતર બને છે, જેનો બાયોગેસ વગેરે માટે પણ ઉપયોગ થાય છે. આ પ્રાણીઓ ભારતીય કૃષિનાં આધાર જેવાં છે અને અર્થતંત્ર આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે.
આ સુધારાને પછીથી કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં ખાસ તો બળદની કતલ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ અમે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે શરૂઆતમાં કહ્યું હતું કે વૃદ્ધ થઈ ગયેલાં હોય તેવાં પ્રાણીઓની કતલની પરવાનગી આપી શકાય તેમ છે અને સંપૂર્ણ પ્રતિબંધ એ વેપારીઓના વ્યવસાય કરવાના અધિકાર પર તરાપ મારવા સમાન છે. આ ચુકાદો પછીથી ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય બેન્ચે 2005માં ચુકાદો આપીને સરકારને લીલી ઝંડી આપી હતી અને 1994ના સુધારાને માન્ય રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ગૌવંશની રક્ષા કરવી એ જાહેરહિતનો વિષય છે અને આર્ટિકલ 19(6) હેઠળ પ્રતિબંધો લાગુ કરવા એ યોગ્ય નિર્ણય છે. ઉપરાંત મજહબી કારણોસર પણ કતલ ન કરવા દેવાના નિર્ણયને પણ કોર્ટે માન્ય રાખ્યો અને કહ્યું કે ગૌવંશની કતલ કરવી એ કોઈ પણ ધાર્મિક-મજહબી પરંપરાનો મૂળ ભાગ નથી અને તેનાથી ધાર્મિક સ્વતંત્રતા પણ જોખમાતી નથી.
કોર્ટે કહ્યું હતું કે માંસનો વેપાર કરનારાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો અને ગૌવંશ સંબંધિત અમુક પશુઓને જ યોગ્ય કારણોસર બાકાત રાખવામાં આવ્યાં છે, જેથી સરકાર પોતાની રીતે યોગ્ય છે.
ગૌમાંસના વેચાણ-સંગ્રહ-પરિવહન સંબંધિત જોગવાઈ 2011માં આવી, સજા વધારાઈ
હજુ સુધી ગૌમાંસના વેચાણ-સંગ્રહ કે પરિવહન પર રોક લગાવતું યોગ્ય માળખું બન્યું ન હતું. તે કામ આખરે 2011માં થયું. સરકારે ગૌમાંસના વેચાણ, સંગ્રહ અને પરિવહન કરવા પર પણ સંપૂર્ણ રોક લગાવી દીધી અને આ પ્રવૃત્તિને સજાપાત્ર ગુનાની શ્રેણીમાં નાખવામાં આવી. આ સાથે નિયમો બનાવવામાં આવ્યા તેમાં રાત્રિ દરમ્યાન ખેતી કે અન્ય માન્ય હેતુ માટે ગૌવંશના પરિવહન પર સંપૂર્ણ રોક લગાવી દીધી.
આ સાથે 2011માં ગુજરાત સરકારે સજામાં પણ વધારો કર્યો હતો. છેક 1954થી કાયદાના ઉલ્લંઘન બદલ માત્ર 1 વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી. 2011માં સરકારે ગૌવંશની કતલ માટે 3થી 7 વર્ષની સજાની જોગવાઈ કરી અને ગોમાંસના વેચાણ-સંગ્રહ અને પરિવહન બદલ 1થી ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી.
આખરે 2017ના સુધારાથી ગૌહત્યા બદલ આજીવન કેદની સજાની જોગવાઈ અમલમાં આવી અને ગૌમાંસ મામલે 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ થઈ. આજે 2017નો આ કાયદો અમલમાં છે અને અદાલતો તેના આધારે ગૌહત્યારાઓને આજીવન કેદ ફટકારતી રહે છે.
ભૂતકાળના કેસ અને અદાલતોના ચુકાદા
નવેમ્બર 2025માં અમરેલી સેશન્સ કોર્ટે એક ગૌહત્યાના કેસમાં કાસિમ, સતાર અને અકરમ એમ ત્રણ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ચુકાદો આપતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે ગાય હિંદુ ધર્મનું પવિત્ર પ્રતીક હોવાનું જાણતા હોવા છતાં ત્રણેયે ગૌહત્યા કરીને હિંદુ સમુદાયની લાગણી દુભાવી હતી.
મામલો નવેમ્બર 2023નો હતો. અમરેલી શહેર પોલીસે કાસિમના ઘરે દરોડા પાડીને ગૌમાંસ પકડી પાડ્યું હતું. ત્યારબાદ આરોપીઓને ધરપકડ કરવામાં આવી. આખરે કેસ કોર્ટમાં ગયો અને સાબિત થયો.
કોર્ટે ત્રણેયને આજીવન કેદની સજા ફટકારતી વખતે કહ્યું હતું કે જો ઉદાર વલણ અપનાવવામાં આવશે તો તેની સમજ પર અને આરોપીઓની ગુનાહિત માનસિકતા પર વિપરીત અસર પડી શકે છે.
સપ્ટેમ્બર 2024માં દેવગઢ બારિયાના એક અફઝલ હબીબ નામના શખ્સને ગૌમાંસના વેચાણ બદલ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
સપ્ટેમ્બર 2022માં પોલીસે અફઝલ હબીબ મિરઝા અને હુસૈન ઘાંચીને ત્યાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં બંને ઈસમો ગૌમાંસનો વેપલો કરતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસને તેમના કબજામાંથી 9 જેટલા જીવિત ગૌવંશ અને 50 કિલો જેટલું ગૌમાંસ તેમજ અન્ય અબોલ પશુ મળી આવ્યાં હતાં. પોલીસે તમામ જીવ સાથેનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. 2024માં આ કેસમાં ચુકાદો આવ્યો હતો.
ઑગસ્ટ 2024માં અમરેલીની કોર્ટે એક આસિફ નામના શખ્સને 10 વર્ષની સજા ફટકારી હતી. તે 50 કિલો ગૌમાંસ સાથે પકડાયો હતો. પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા આસિફના ઘરેથી 50 કિલો ગૌમાંસ અને કતલનાં સાધનો મળી આવ્યાં હતાં.
મામલો કોર્ટમાં ગયા બાદ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી જાણતો હતો કે ગાય હિંદુ ધર્મ માટે પવિત્ર છે તેમ છતાં તેની કતલ કરીને ધાર્મિક લાગણીઓ દુભાવી હતી.
કોર્ટે આસિફને IPCની કલમ 295 અને 429 તેમજ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5(1-C) અને કલમ 6(b)ના ભંગ બદલ કલમ 8 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 119 હેઠળ ગુનેગાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને IPC કલમ 295 હેઠળ 2 વર્ષની સજા અને 2 હજારનો દંડ, IPC 429 હેઠળ 3 વર્ષની સજા અને 3 હજારનો દંડ, ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ 10 વર્ષની સજા અને 2 લાખનો દંડ અને GPAની કલમ 119 હેઠળ 2 માસની સજા ફટકારી હતી.
ફેબ્રુઆરી 2026માં ગોધરાની એક કોર્ટે ગૌમાંસની હેરફેર કરવા બદલ બાપ-દીકરા મહેબૂબ અને ફરહાનને 10-10 વર્ષની સજા ફટકારી હતી.
સજા આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે, ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતો કાયદો અસ્તિત્વમાં હોવા છતાં ગુનેગાર બાપ-દીકરાએ આટલા મોટા જથ્થામાં ઘરે છૂટક વેચાણ કરવાના ઇરાદે ગૌમાંસ ખરીદીને હેરાફેરી કરી હતી. વર્ષ 2017માં સરકારે કાયદામાં કરેલો સુધારો ધ્યાને રાખીને સજા સંભળાવવામાં આવે તો કાયદાનો મૂળભૂત હેતુ પણ જળવાય રહેશે અને સમાજમાં આવા ગુનાઓ પર કાબૂ પણ આવશે અને આ પ્રકારના ગુના કરતા ઇસમો પર કાયદાકીય અંકુશ પણ આવશે.


