Wednesday, April 1, 2026
More
    હોમપેજગુજરાત‘ગાય હિંદુઓ માટે પવિત્ર તે જાણતા હોવા છતાં…’: ગૌહત્યા બદલ કાસિમ સહિત...

    ‘ગાય હિંદુઓ માટે પવિત્ર તે જાણતા હોવા છતાં…’: ગૌહત્યા બદલ કાસિમ સહિત ત્રણને આજીવન કેદની સજા સંભળાવતી વખતે અમરેલી કોર્ટે શું કહ્યું– વાંચો ચુકાદાની વિગતો

    મામલો નવેમ્બર 2023નો છે, જ્યારે અમરેલી સિટી પોલીસે બાતમીના આધારે બહારપરા ગામના મોટા ખાટકીવાડના એક ઘરે દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસને ચાળીસ (40) કિલો પશુ માંસ મળી આવ્યું હતું.

    - Advertisement -

    અમરેલી સેશન્સ કોર્ટે (Amreli Sessions Court) તાજેતરમાં એક ચુકાદો આપીને 2023ના એક ગૌહત્યાના કેસમાં (Cow Slaughter Case) ત્રણ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. ગુનેગારોની ઓળખ કાસિમ હાજી સોલંકી, સતાર ઇસ્માઇલ સોલંકી અને અકરમ હાજી સોલંકી તરીકે થઈ છે. ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે ગાય હિંદુ ધર્મનું પવિત્ર પ્રતીક હોવાનું જાણતા હોવા છતાં આ ત્રણેયે ગૌહત્યા કરીને સમુદાયની લાગણી દુભાવી હતી.

    શું છે મામલો?

    મામલો નવેમ્બર 2023નો છે, જ્યારે અમરેલી સિટી પોલીસે બાતમીના આધારે બહારપરા ગામના મોટા ખાટકીવાડના એક ઘરે દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસને ચાળીસ (40) કિલો પશુ માંસ મળી આવ્યું હતું. ઘર કાસિમ હાજી સોલંકી નામના ઈસમનું હતું, જે સ્થળ પરથી મળી આવ્યો હતો. પછીથી જ્યારે FSLને મોકલવામાં આવ્યું તો પશુ માંસ ગૌમાંસ હોવાનું જાણવા મળ્યું હતું. સાથે તેની પાસેથી વજનિયાં સહિતની ચીજો મળી આવી હતી, જેનાથી જાણવા મળ્યું કે તે ગૌમાંસનું વેચાણ પણ કરતો હતો.

    પૂછપરછમાં તેના બીજા બે સાથીઓનાં નામ ખૂલ્યાં, પરંતુ તેઓ દરોડા બાદ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા, જેમની પોલીસે પછીથી ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ ત્રણેય સામે અમરેલી સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેસ સિવિલ કોર્ટમાં ગયો, જ્યાંથી 2024માં અમરેલી સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સેશન્સ કોર્ટમાં ટ્રાયલ બાદ આખરે 11 નવેમ્બરના રોજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાના બુખારીની કોર્ટે ત્રણેય આરોપીઓને ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.

    કોર્ટે શું કહ્યું?

    ચુકાદામાં કોર્ટે ઠેરવ્યું કે ગુનેગારો પોતે જાણતા હોવા છતાં કે ગાય એ હિંદુ ધર્મનું પવિત્ર પ્રતીક ગણાય છે, સાથે મળીને ગૌવંશની કતલ કરી હતી અને તેમની પાસેથી ગૌમાંસ પણ મળી આવ્યું હતું. જેથી IPC 295 (કોઈ અન્ય ધર્મના અપમાનના ઇરાદે સમુદાય પવિત્ર માનતો હોય તેવી ચીજોનો નાશ કરવો) અને 429 (પશુ હત્યા) હેઠળ ગુનો બને છે.

    આ સિવાય કોર્ટે તમામને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, 1954ની કલમ 5, 6(c), 8(2), 8(4) અને 10 હેઠળ પણ ગુનેગાર ઠેરવ્યા છે.

    કોર્ટે તમામને પશુ સંરક્ષણ અધિનિયમ, 1954ની કલમ 8(2) અને 10ના ભંગ બદલ આજીવન કેદની સજા અને પાંચ લાખનો દંડ ફટકાર્યાં છે. આ સિવાય સજામાં IPC 295 અને 114ના ગુના બદલ ત્રણ વર્ષની કેદ અને 3 હજારનો દંડ, IPC 429ના ભંગ બદલ પાંચ વર્ષની સજા અને 5 હજારનો દંડ તેમજ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, 1954ની કલમ 5 અને 8(4)ના ભંગ બદલ સાત વર્ષની કેદ અને 1 લાખનો દંડ સામેલ છે. આ તમામ સજા એકસાથે ભોગવવાની રહેશે. ઉપરાંત તમામ હાલ જામીન પર મુક્ત હતા, જેથી ફરીથી જેલમાં મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

    પોલીસે ફસાવ્યા હોવાની દલીલો ન આવી કામ

    કોર્ટમાં ટ્રાયલ દરમિયાન આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું અને પોલીસે ખોટી રીતે ફસાવી દીધા હોવાનો દાવો કર્યો હતો. જેના માટે દલીલ આપવામાં આવી કે પોલીસે કોઈ સ્વતંત્ર સાક્ષી પાસે પંચનામું કરાવ્યું ન હતું અને માણસો પોલીસના જ હતા. પોલીસ પર એકતરફી તપાસ કરવામાં આવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

    પરંતુ કોર્ટે ચુકાદામાં ઠેરવ્યું છે કે કાયદા મુજબ પોલીસ સાક્ષીઓના પુરાવા પણ અન્ય સાક્ષીઓ જેટલું જ મહત્ત્વ ધરાવે છે અને તેને અન્ય સ્વતંત્ર સાક્ષીનું સમર્થન મળવું જ જોઈએ તેવો કોઈ નિયમ નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે આ કેસમાં પોલીસ પર અવિશ્વાસ દર્શાવવાનું કોઈ કારણ પણ નથી અને આરોપીઓ પણ એવા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી.

    આ સિવાય કોર્ટે વેટરનરી ડૉક્ટરથી માંડીને FSLના વૈજ્ઞાનિકોના રિપોર્ટ પણ ધ્યાને લીધા, જેમણે પણ પશુમાંસ ગૌમાંસ હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ આરોપીઓ તેમની પાસે ગૌમાંસ ક્યાંથી આવ્યું તે બાબતે કોઈ સંતોષકારક ખુલાસા કરી શક્યા નહીં. જ્યારે રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રી અને અન્ય સાક્ષીઓનાં નિવેદનો પરથી સ્પષ્ટ થયું કે આ ત્રણેયે મળીને ગૌવંશની કતલ કરી હતી અને ગૌમાંસ વેચવાના ઇરાદે આ કૃત્ય આચરવામાં આવ્યું હતું.

    ‘કોર્ટ જો ઉદાર વલણ અપનાવે તો સમાજ પર વિપરીત અસર પડશે’

    આજીવન કેદની સજા સંભળાવતી વખતે કોર્ટે કહ્યું કે સજાનું પ્રમાણ નક્કી કરતી વખતે કોર્ટે આકરું વલણ દાખવવું ન જોઈએ પણ સાથે જો ઉદાર વલણ અપનાવવામાં આવે તો તેની પણ સમાજ પર અને આરોપીઓની ગુનાહિત માનસિકતા પર વિપરીત અસર પડી શકે છે, એ હકીકત પણ અવગણી શકાય તેમ નથી. ત્યારબાદ તમામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં