Friday, March 27, 2026
More
    હોમપેજગુજરાતગૌમાંસની હેરાફેરી બદલ ગોધરા કોર્ટે બાપ-દીકરા મહેબુબ અને ફરહાનને ફટકારી 10 વર્ષની...

    ગૌમાંસની હેરાફેરી બદલ ગોધરા કોર્ટે બાપ-દીકરા મહેબુબ અને ફરહાનને ફટકારી 10 વર્ષની સજા: વાંચો કેસની વિગતો

    કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે વેટરનરી અને FSL બંને રિપોર્ટ સ્પષ્ટપણે એ પુરવાર કરે છે કે જપ્ત કરવામાં આવેલું માંસ ગાયનું માંસ હતું. ગુજરાતમાં ગૌહત્યા, ગાયના માંસનો સંગ્રહ, હેરફેર અને વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

    - Advertisement -

    તાજેતરમાં ગોધરાની સેશન્સ કોર્ટે 2024ના એક ગૌહત્યા અને ગૌમાંસની હેરાફેરીના કેસમાં બે શખ્સોને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આરોપીઓની ઓળખ મહેબુબ અબ્દુલ્લા સબુરિયા અને ફરહાન મહેબુબ સબુરિયા તરીકે થઈ છે. બંને સંબંધે બાપ-દીકરા છે. જ્યારે અન્ય એક આરોપી સલીમ સિદ્દીકને શંકાનો લાભ આપીને દોષમુક્ત કરવામાં આવ્યો છે.

    મામલો 9 જુલાઈ 2024નો છે, જે મામલે 2 ફેબ્રુઆરીના રોજ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીઓને ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ 5(A), 6(B), 8(4) અને 10 હેઠળ ગુનેગાર ઠેરવીને 10-10 વર્ષની સજા અને ₹2 લાખ દંડ ફટકાર્યાં છે.

    ઘટનાની વિગતો એવી છે કે 9 જુલાઈ 2024ના રોજ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ રૂટિન પેટ્રોલિંગ પર હતા તે દરમ્યાન ગોધરા-હમીરપુર રોડ પર આવેલી અલી મસ્જિદ નજીક એક શંકાસ્પદ વાહન જોવા મળ્યું હતું. તેને રોકીને પૂછપરછ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા તો અમુક ભાગી છૂટ્યા હતા. જેમાંથી પછી બે ઇસમોને પકડી લેવામાં આવ્યા.

    - Advertisement -

    બંનેને પકડીને કાર ચેક કરતાં તેમાંથી માંસ મળી આવ્યું હતું. સાથે અમુક હથિયારો પણ મળ્યાં હતાં. બંનેની પૂછપરછ કરતાં તેમણે પોતાની ઓળખ મહેબુબ અબ્દુલ્લા સબુરિયા અને ફરહાન મહેબુબ સબુરિયા તરીકે આપી હતી. પોલીસને તેમણે જણાવ્યું હતું કે સલીમ સિદ્દીક અને ફૈસલ મકસૂદ નામના શખ્સોએ તેમને હમીરપુર બોલાવ્યા હતા અને ત્યાંથી બંનેને આ માંસનો જથ્થો ભરી આપ્યો હતો અને તેને ઘરે વેચાણ કરવા માટે લઈ જતા હતા.

    પછીથી પોલીસે વેટરનરી ડૉક્ટરને સ્થળ પર બોલાવીને ચેક કરાવતાં માંસનું વજન 53 કિલો જેટલું થયું હતું. પછીથી આ માંસનાં સેમ્પલ સુરત FSL ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં, જેનો રિપોર્ટ બીજા દિવસે આવતાં માંસ ગૌમાંસ હોવાનું ફલિત થયું હતું. ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી.

    પોલીસે કુલ ત્રણ શખ્સો સામે FIR નોંધી હતી. જેમાં મહેબુબ અને ફરહાન ગૌમાંસ સાથે સ્થળ પરથી પકડાયા હતા, જ્યારે ત્રીજા શખ્સ સલીમ વિરુદ્ધ આ બંને આરોપીઓને ગૌમાંસ સપ્લાય કરવાનો આરોપ લાગ્યો હતો. પછીથી કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યો ગયો, જ્યાં 19 નવેમ્બર 2024ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે 20 ફેબ્રુઆરી 2025ના રોજ ચાર્જફ્રેમ કર્યા અને આગળ ટ્રાયલ ચલાવી. એક વર્ષ બાદ 2 ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપવામાં આવ્યો.

    ટ્રાયલ દરમ્યાન કોર્ટે પોલીસ અધિકારીઓ, પંચ સાક્ષીઓ, વેટરનરી ડોક્ટર, અધિકારીઓ સહિત અનેક સાક્ષીઓની જુબાની નોંધી હતી. ઉપરાંત પ્રોસિક્યુશન તરફથી પંચનામા, વેટરનરી ડોક્ટરનો રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ વગેરે પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

    કોર્ટે ચુકાદામાં શું કહ્યું?

    કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે વેટરનરી અને FSL બંને રિપોર્ટ સ્પષ્ટપણે એ પુરવાર કરે છે કે જપ્ત કરવામાં આવેલું માંસ ગાયનું માંસ હતું. ગુજરાતમાં ગૌહત્યા, ગાયના માંસનો સંગ્રહ, હેરફેર અને વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

    કોર્ટે એ પણ નોંધ્યું કે બંને આરોપીઓ ગૌમાંસ સાથે સ્થળ પરથી જ પકડાયા હતા. બીજી તરફ ટ્રાયલ દરમ્યાન તેઓ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા કે તેમની પાસે કતલ કે માંસના ટ્રાન્સફરની કોઈ સત્તાવાર પરવાનગી હતી કે કેમ. ઉપરાંત આરોપીઓએ ટ્રાયલ દરમ્યાન દલીલ કરી હતી કે તેમને પોલીસે ખોટી રીતે ફસાવ્યા છે, પરંતુ કોર્ટે જપ્તી, સેમ્પલની ચકાસણી વગેરે પ્રક્રિયાઓ યોગ્ય રીતે કરવામાં આવી હોવાનું નોંધીને આ દલીલો ફગાવી દીધી હતી અને બંનેને ગુનેગાર ઠેરવ્યા હતા.

    જોકે કોર્ટે ત્રીજા આરોપીને એમ કહીને છોડી મૂક્યો કે તેની પાસેથી ગૌમાંસ પકડાયું નથી અને પ્રોસિક્યુશનનો કેસ માત્ર સહ-આરોપીઓનાં નિવેદનો પર આધારિત છે. કોર્ટે કહ્યું કે આવાં નિવેદનો, સ્વતંત્ર પુષ્ટિ વગર, ઠોસ માની શકાય નહીં અને તેના આધારે કોઈ વ્યક્તિને ક્રિમિનલ ટ્રાયલમાં ગુનેગાર ઠેરવી શકાય નહીં, જેથી ત્રીજા આરોપીને શંકાનો લાભ આપીને કોર્ટે છોડી મૂક્યો હતો.

    સજા સંભળાવતી વખતે કોર્ટે કહ્યું કે ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતો કાયદો અસ્તિત્વમાં હોવા છતાં ગુનેગાર બાપ-દીકરાએ આટલા મોટા જથ્થામાં ઘરે છૂટક વેચાણ કરવાના ઇરાદે ગૌમાંસ ખરીદીને હેરાફેરી કરી હતી. વર્ષ 2017માં સરકારે કાયદામાં કરેલો સુધારો ધ્યાને રાખીને સજા સંભળાવવામાં આવે તો કાયદાનો મૂળભૂત હેતુ પણ જળવાય રહેશે અને સમાજમાં આવા ગુનાઓ પર કાબૂ પણ આવશે અને આ પ્રકારના ગુના કરતા ઇસમો પર કાયદાકીય અંકુશ પણ આવશે.

    આખરે કોર્ટે બે ગુનેગારોને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5(A), 6(B), 8(4) અને 10 હેઠળ દસ વર્ષની જેલની સજા અને બે લાખનો દંડ ફટકાર્યાં હતાં. જો દંડ નહીં ભરે તો બંનેની સજા 2 વર્ષ વધારવાનો હુકમ કરવામાં આવ્યો છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં