ઈસ્લામિક દેશ મલેશિયામાં હિંદુ મંદિરો સાથે જોડાયેલા જમીન વિવાદો અને તેમના ધ્વસ્તીકરણની ઘટનાઓએ રાષ્ટ્રીય સ્તરે તીવ્ર વિવાદ અને સામુદાયિક તણાવ જગાડ્યા છે.
વડાપ્રધાન અન્વર ઇબ્રાહિમની સરકારે ફેબ્રુઆરી 2026માં કથિત રીતે અનધિકૃત અને ગેરકાયદેસર જમીન પર આવેલાં પૂજા સ્થળોને હટાવવા માટે સ્થાનિક કાઉન્સિલોને પૂર્ણ અધિકાર આપવાની જાહેરાત કરી હતી. સરકાર કાયદાના પાલનની વાત કરી રહી છે પરંતુ હવે સામે આવી રહ્યું છે કે જમીન વિવાદો વચ્ચે પ્રાચીન મંદિરોને ગેરકાયદે ગણીને તોડવામાં આવી રહ્યાં છે અને મુસ્લિમ કટ્ટરપંથીઓ આ વિવાદોને હવા આપી રહ્યા છે. આ ઘટનાઓ મલેશિયાના મલ્ટી-એથ્નિક અને મલ્ટી-રિલિજિયસ સમાજમાં નવા પ્રશ્નો ઉભા કરી રહી છે.
ફેબ્રુઆરી 2026માં મલેશિયાના સેલાંગોર રાજ્યના રાવાંગ વિસ્તારમાં આવેલી શ્રી ઉચિમલાઈ મુનીશ્વરરમંદિરની તોડફોડની ઘટનાએ માત્ર મલેશિયા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે વિવાદ અને આક્રોશ જગાડ્યો છે. શ્રી ઉચિમલાઈ મુનીશ્વરર મંદિર એક પહાડી પર આવેલું છે. જોકે તેનો ચોક્કસ નિર્માણ કાળ જાણી શકાયો નથી, પરંતુ સરકારી અહેવાલો મુજબ તે 1995 અથવા તેનાથી પણ પહેલાંના સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિરનું નિર્માણ તે સમયે મલેશિયાના રબરના બગીચાઓમાં કામ કરતા ગરીબ ભારતીય મજૂરો દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાનિક હિંદુ સમુદાય માટે આ મંદિર માત્ર પૂજાનું સ્થળ જ નહીં, પરંતુ તેમના વારસા અને સંસ્કૃતિનું પ્રતીક હતું.
કુબ્રા ફાઉન્ડેશન નામના એક ઇસ્લામિક સંગઠને આ મંદિરની જમીન પર દાવો કર્યો છે. 23 ફેબ્રુઆરી 2026ના રોજ એક જૂથે એક બુલડોઝરની મદદથી મંદિરની દીવાલો તોડી નાખી હતી. કુબ્રા ફાઉન્ડેશને કારણ પણ એવું આપ્યું કે આ જમીન ગરીબો અને જરૂરિયાતમંદો માટે આવાસ યોજના માટે અનામત છે અને ત્યાં ‘શિર્ક’ને અટકાવવા માટે આ પગલું લેવાયું છે.
એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મંદિર તોડફોડની ઘટના પોલીસની હાજરીમાં બની હોવા છતાં પોલીસે કોઈ ચોક્કસ પગલાં લીધાં નહોતાં. બાદમાં પોલીસે ચાર શખ્સોને અટકાયતમાં લીધા હતા, પરંતુ તેમને પછીથી છોડી દેવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસના વડાએ જણાવ્યું કે આ ઘટનામાં 10 ભક્તો અને અન્ય લોકો સામે પણ ગુના નોંધાયા હતા. ત્યારબાદ 25 ફેબ્રુઆરી 2026ની સવારે લગભગ 3 વાગ્યે પોલીસની હાજરીમાં જ આવા જ એક જૂથે આખા મંદિરને સંપૂર્ણપણે તોડી પાડ્યું હતું.
મંદિરની સંભાળ રાખનાર અને 40 વર્ષીય આર. અરિંદ્રને ઘટના વખતે ચાર મૂર્તિઓને બચાવી લીધી હતી. તેમણે કહ્યું કે, “આ મંદિર મારા જીવનનું કેન્દ્ર છે. તે રબરના મજૂરો માટે બનાવવામાં આવ્યું હતું અને તે અમારી આસ્થા અને સમુદાયનું પ્રતીક છે.” અરિંદ્રને આક્ષેપ કર્યો કે કુબ્રા ફાઉન્ડેશને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર સીધી તોડફોડ કરી નાખી.
અહેવાલો અનુસાર મંદિર સમિતિએ મૂર્તિઓ અને અન્ય વસ્તુઓને 14 દિવસની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ ખસેડી લીધી હતી. આ તોડફોડના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હિંદુ સમુદાયમાં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારબાદ મંદિર સમિતિએ આ ઘટના વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. સેલાયાંગ મેજિસ્ટ્રેટ કોર્ટે માર્ચ 2026માં તોડફોડ પર અસ્થાયી રોક લગાવી દીધી અને જમીનના વાસ્તવિક માલિકીના નિર્ણય સુધી કોઈ કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે જમીનની માલિકી વિશે વિવાદ છે– મંદિર 1995થી અસ્તિત્વમાં છે જ્યારે કુબ્રા ફાઉન્ડેશને 2021માં જમીન મેળવી હતી.
આ ઘટના મલેશિયામાં હિંદુ મંદિરોના જમીન વિવાદોનું એક તાજું અને વિવાદાસ્પદ ઉદાહરણ બની ગઈ છે. તેનાથી હિંદુ સમુદાયમાં અસુરક્ષાની લાગણી વધી છે અને અનેક સંસ્થાઓએ તેની નિંદા પણ કરી છે. સરકાર પણ સવાલોના ઘેરામાં આવી છે. જોકે મલેશિયામાં હિંદુ મંદિરો વિરુદ્ધ થયેલી કાર્યવાહીની આ કોઈ પ્રથમ ઘટના નથી.
130 વર્ષ જૂનો ઐતિહાસિક વારસો
આ પહેલાં અન્ય એક ઘટના પણ સામે આવી હતી. કુઆલા લંપુરના વ્યસ્ત શોપિંગ સેન્ટર ‘જાલાન મસ્જિદ ઈન્ડિયા’ પાસે આવેલું દેવી શ્રી પાથ્રકલિયમ્મન મંદિર આશરે 130 વર્ષથી વધુ પ્રાચીન હતું. આ મંદિરનો પાયો બ્રિટિશ શાસનકાળ દરમિયાન નાખવામાં આવ્યો હતો. તે સમયે મલેશિયામાં રબરના બગીચાઓ અને અન્ય મજૂરી કામ માટે દક્ષિણ ભારતથી મોટી સંખ્યામાં તમિલ મજૂરો આવ્યા હતા. આ મજૂરો માટે આ મંદિર માત્ર પૂજાનું સ્થળ નહોતું પરંતુ મુશ્કેલ સમયમાં આધ્યાત્મિક શક્તિ અને રક્ષણનું એક મજબૂત પ્રતીક હતું. પેઢીઓથી હિંદુ શ્રદ્ધાળુઓની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હતી.
વર્ષ 2012માં આ મંદિરની આસપાસની જમીન કુઆલા લંપુર સિટી હોલ (DBKL) દ્વારા જાણીતી ટેક્સટાઈલ કંપની ‘જેકલ ગ્રુપ’ને વેચવામાં આવી હતી. જેકલ ગ્રુપે આ જમીન પર એક ભવ્ય મસ્જિદ બનાવવાની યોજના તૈયાર કરી, જેનું નામ ‘મસ્જિદ માદાની’ રાખવાનું નક્કી થયું હતું. આ પ્રોજેક્ટ મલેશિયાના વડાપ્રધાન અન્વર ઇબ્રાહિમના ‘માદાની’ના (સર્વસમાવેશક અને આધુનિક સમાજ) સ્લોગનથી પ્રેરિત હતો. આ નવી યોજનાને કારણે 130 વર્ષ જૂના આ મંદિરને ત્યાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લાંબી ચર્ચાઓ અને આયોજન બાદ, જાન્યુઆરી 2026માં સરકારે મંદિરના સ્થળાંતર માટે મંજૂરી આપી હતી. ત્યારબાદ મૂળ મંદિરથી 50 મીટર દૂર એક નવી જમીન ફાળવવામાં આવી. આ નવી જમીનને સત્તાવાર રીતે ‘ગેઝેટ’ કરવામાં આવી અને તેને ‘બિનમુસ્લિમ પૂજા સ્થળ’ તરીકે જાહેર કરવામાં આવી હતી. ડિસેમ્બર 2025માં તેનો બિલ્ડિંગ પ્લાન મંજૂર થયો અને જાન્યુઆરી 2026થી આ પ્રક્રિયા સત્તાવાર રીતે આગળ વધી. ઉલ્લેખનીય છે કે અનેક ભક્તો અને હિંદુ સંગઠનોનું માનવું છે કે 130 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરને ખસેડવાથી તેનું આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ ઓછું થઈ જાય છે. સ્થાનિકો માને છે આ મંદિર તેમના પૂર્વજોની મહેનત અને સંસ્કૃતિની ઓળખ છે. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું એ માત્ર ભૌતિક ફેરફાર નથી, પરંતુ ભાવનાત્મક ઠેસ પહોંચાડનારું પણ છે.
અહેવાલો મુજબ મલેશિયામાં ઘણા હિંદુ મંદિરો પર જોખમ તોળાઈ રહ્યું છે. આ મંદિરોમાં મોટાભાગના એવા મંદિરો સામેલ છે જેની સ્થાપના મલેશિયાની સ્વતંત્રતા પહેલાં થઈ હતી. જણાવાય રહ્યું છે કે ગેરકાયદે જમીન પર મંદિર બન્યું હોવાના બહાનાં આપીને હિંદુઓની આસ્થા સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે અને પ્રાચીન મંદિરો કાં તો તોડવામાં આવી રહ્યાં છે કાં તો તેમની જગ્યાઓ બદલવામાં આવી રહી છે.
હિંદુ સમુદાયની ચિંતા અને વિકલ્પની માંગ
હિંદુ આગેવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓએ આ મુદ્દે સરકાર સમક્ષ માત્ર વિરોધ જ નથી નોંધાવ્યો પરંતુ તાર્કિક દલીલો સાથે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કેટલાક નક્કર વિકલ્પો પણ રજૂ કર્યા છે. પૂર્વ પેનાંગ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ડૉ. પી. રામસામી અને સોશિયલિસ્ટ પાર્ટીના નેતા એસ. અરુત્ચેલ્વનનું માનવું છે કે મલેશિયામાં અનેક હિંદુ મંદિરો ‘અનધિકૃત’ ગણાય છે તેની પાછળ કોઈ કાયદાના ઉલ્લંઘનનો ઈરાદો નથી પરંતુ ઐતિહાસિક અને વહીવટી નિષ્ફળતા જવાબદાર છે.
બ્રિટિશકાળ દરમિયાન ભારતીયોને રબરના વાવેતરો અને પ્લાન્ટેશનમાં કામ કરવા માટે લાવવામાં આવ્યા હતા. આ શ્રમિકોએ પોતાની આસ્થા માટે ત્યાં જ નાના મંદિરો બનાવ્યાં હતાં. તે સમયે જમીનના અધિકૃત દસ્તાવેજો કે ઔપચારિક મંજૂરી મેળવવાની કોઈ વ્યવસ્થા કે જરૂરિયાત નહોતી. જોકે દેશની આઝાદી પછી બદલાયેલા જમીન કાયદાઓ અને નવી વિકાસ યોજનાઓને કારણે આ દાયકાઓ જૂના મંદિરો રાતોરાત ‘ગેરકાયદેસર’ અથવા ‘અનધિકૃત’ની શ્રેણીમાં આવી ગયાં છે.
આ સમસ્યાના સમાધાન માટે ડૉ. રામસામીએ ‘પેનાંગ મોડલ’નો પ્રસ્તાવ મૂક્યો છે. પેનાંગમાં 1906થી કાર્યરત ‘પેનાંગ હિંદુ એન્ડાઉમેન્ટ બોર્ડ’ (PHEB) એક સ્વાયત્ત સંસ્થા તરીકે કામ કરે છે. આ બોર્ડની મુખ્ય વિશેષતા એ છે કે તે મંદિરોને તોડવાને બદલે તેમને ‘રેગ્યુલરાઈઝ’ એટલે કે કાયદેસર બનાવવાની પ્રક્રિયા કરે છે. જો કોઈ વિકાસ કાર્ય માટે મંદિર ખસેડવું અનિવાર્ય હોય તો બોર્ડ વહીવટી મધ્યસ્થી કરીને યોગ્ય નવી જગ્યા ફાળવે છે અને સન્માનપૂર્વક મંદિરનું સ્થળાંતર કરાવે છે. આ મોડેલને કારણે પેનાંગમાં મંદિરો તોડવા અંગેના વિવાદો નહિવત જોવા મળે છે.
નોંધનીય છે કે મલેશિયન હિંદુ સંઘ (MHS) અને નેશનલ હિંદુ ટેમ્પલ્સ સ્ટીયરિંગ કમિટી (NHTSC) જેવી સંસ્થાઓએ 2,300થી વધુ મંદિર પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજીને સરકાર પાસે કેટલીક મહત્વની માંગણીઓ કરી છે. તેમની માંગ છે કે મંદિરોના તોડવા પર ઓછામાં ઓછા 6 મહિના માટે તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી શાંતિથી ઉકેલ શોધી શકાય. આ સિવાય તમામ મંદિરોનું તેમની કાયદેસરની સ્થિતિ અને લોકેશન મુજબ (લીલો, પીળો કે લાલ ઝોન) વર્ગીકરણ કરવું જોઈએ, જેથી કયાં મંદિરને ત્યાં જ રાખવા અને કોનું સ્થળાંતર કરવું તે નક્કી થઈ શકે.
આગેવાનોએ એવા કિસ્સાઓ પણ રજૂ કર્યા છે જ્યાં સમજદારીથી કામ લેવામાં આવ્યું હોય. જેમકે કુઆલા લંપુરમાં મોટા શોપિંગ મોલના નિર્માણ વખતે શ્રી મહાશક્તિ મોહામ્બિગાઈ અમ્મન મંદિરને તોડવાને બદલે મોલના આર્કિટેક્ચર પ્લાનમાં જ સ્થાન આપીને તેને સુરક્ષિત રખાયું છે. આ સિવાય 1950ના દાયકાના દેવી શ્રી નાગકન્ની અલયમ મંદિરને 1 કિમી દૂર નવી જમીન આપીને ત્યાં ખસેડવામાં આવ્યું, જ્યાં મંદિરને અગાઉ કરતાં બમણી જગ્યા ફાળવવામાં આવી.
હિંદુ નેતાઓનું કહેવું છે કે મંદિરો માત્ર પૂજાનું સ્થળ નથી પરંતુ તે ભારતીય સમુદાયની ઓળખ અને સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર છે. બળજબરીપૂર્વક કામ લેવાથી સામાજિક તણાવ વધી શકે છે જે રાષ્ટ્રીય એકતા માટે જોખમી છે. જો સરકાર પેનાંગ જેવી ‘સમાવેશી નીતિ’ અને વહીવટી માળખું અપનાવે તો વિકાસની સાથે ધાર્મિક આસ્થાનું પણ જતન થઈ શકે તેમ છે.


