ઇસ્લામિક દેશ મલેશિયામાં (Malaysia) હિંદુઓને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર મલેશિયાના કુઆલા લંપુરના (Kuala Lumpur) મધ્યમાં આવેલ પ્રાચીન મંદિર (Temple) અન્યત્ર ખસેડવાની તૈયારી ચાલી રહી છે. આ મંદિર 131 વર્ષ જૂનું હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે મલેશિયાની સરકારે આ મંદિર બીજી જગ્યાએ ખસેડીને ત્યાં મસ્જિદ (Mosque) નિર્માણ માટે મંજૂરી આપી છે.
સરકાર અને કુઆલા લંપુર સિટી હોલએ (DBKL) જાલાન મસ્જિદ ઇન્ડિયાની બાજુમાં તેની જમીન પર મસ્જિદના નિર્માણને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે વિવાદિત જમીન પર 2 પ્લોટ છે જેમાંથી એક ખાનગી કંપનીઓ અને એક સરકારનો છે. આ મસ્જિદ બનાવવાનો પ્રસ્તાવ ખાનગી જમીન ધરાવતા માલિકે મૂકેલો છે.
વાટાઘાટો દરમિયાન મસ્જિદના શિલાન્યાસની જાહેરાત
ત્યારે હવે મસ્જિદનો શિલાન્યાસ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ મસ્જિદ બનાવવા માટે 131 વર્ષ જૂના દેવી શ્રીપત્થરકાલીયમ્માન મંદિરને સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે DBKLએ જણાવ્યું હતું કે તેણે આ મંદિરને સ્થાનાંતરિત કરવા માટે એક સ્થાન ઓળખી કાઢ્યું છે, જોકે ચોક્કસ સ્થાન જાહેર કરવામાં આવ્યું નથી.
જાલાન મસ્જિદ ઇન્ડિયા ખાતે દેવી શ્રી પત્થરકાલીયમ્માન મંદિરના વાઇસ-ચેરમેન રાજ મોહન પિલ્લઈએ સરકારી જમીન પર મસ્જિદના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહના સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે પેટલિંગ જયામાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “જ્યારે મંદિરની સ્થિતિ અંગે વાટાઘાટો હજુ પૂર્ણ થઈ નથી ત્યારે શિલાન્યાસ સમારોહ કેવી રીતે યોજાઈ શકે તે અમે સમજી શકતા નથી.”
મલેશિયાના વડાપ્રધાનનું પણ સમર્થન
અહેવાલ અનુસાર મંદિરના સ્થાને ‘મદની મસ્જિદ’ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે, જેને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમનું સક્રિયપણે પ્રોત્સાહન અને સમર્થન છે. PM અનવર પોતે આ મહિનાના અંતમાં યોજાનાર મસ્જિદના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવાના છે. એવું કહેવાઈ રહ્યું છે કે વડાપ્રધાન અનવર મલય લોકોનો ટેકો મેળવવા માટે આ સમર્થન આપી રહ્યા છે. આ લોકોએ તેમના બે વર્ષના સત્તા દરમિયાન તેમના વહીવટને મોટાભાગે નકારી કાઢ્યો છે.
મલેશિયાના અધિકારીઓનું કહેવું છે કે મંદિર તોડી પાડવામાં આવશે નહીં, પરંતુ બીજે ખસેડવામાં આવશે. જોકે, એ વાત પણ આશ્ચર્યજનક છે કે સવા સદીથી વધુ સમય કરતા પણ જૂના પ્રાચીન મંદિરને ખસેડીને એક મસ્જિદ ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે.
‘મંદિર ખસેડ્યા વિના પણ બની શકે છે મસ્જિદ’
લોયર્સ ફોર લિબર્ટીના (LFL) ઝૈદ મલેકે 20 માર્ચે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રસ્તાવિત મસ્જિદ મંદિરને ખસેડ્યા વિના પણ બનાવી શકાય છે. તેમણે કહ્યું કે વિવાદિત જમીન પર બે પ્લોટ છે, એક ખાનગી કંપનીનો છે અને બીજો સરકારનો છે. તેમણે કહ્યું હતું કે, “મંદિરને તોડી પાડવાની કોઈ જરૂર નથી. બાજુનો પ્લોટ મસ્જિદ બનાવવા માટે પૂરતી જગ્યા ધરાવે છે.” હિંદુ પક્ષે પણ આ બાબતનો સ્વીકાર કર્યો છે કે જો મસ્જિદ મંદિરની બાજુમાં બનતી હોય તો તેમને કોઈ આપત્તિ નથી.
તેમણે કહ્યું હતું કે, “મંદિરની બાજુમાં જમીનનો એક પ્લોટ છે જ્યાં મસ્જિદ બનાવી શકાય છે. અમે ત્યાં મસ્જિદના નિર્માણનું સ્વાગત કરીએ છીએ કારણ કે તે મલેશિયનોમાં પરસ્પર આદર અને સહિષ્ણુતાની ભાવનાને પ્રતિબિંબિત કરશે.” ઝૈદે કહ્યું કે સરકારે બીજા ધાર્મિક સ્થળને ખસેડવાની જગ્યાએ ખાલી પડેલી જગ્યા પર મસ્જિદ બનાવવી જોઈએ.
‘આ અમારી સાથે અન્યાય’
તેમણે એમ પણ કહ્યું કે સરકારે વિવાદિત મંદિરના ઐતિહાસિક મહત્વને ઓળખવું જોઈએ. રાજે કહ્યું કે મંદિર એક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સેવા આપે છે, જ્યાં દર અઠવાડિયે પરંપરાગત નૃત્ય અને સંગીત પ્રદર્શન તેમજ યોગ વર્ગો યોજાતા હતા. તેમણે કહ્યું, “જો આ મંદિરને બળજબરીથી ખસેડવામાં આવશે અથવા તોડી પાડવામાં આવશે, તો તે મસ્જિદ ઇન્ડિયા ક્ષેત્રની વિવિધતાનો નાશ કરશે.”
તેમણે કહ્યું, “આ અમારી સાથે મોટો અન્યાય છે. ભારતીય સમુદાયનો એક મોટો વર્ગ મસ્જિદ ઇન્ડિયામાં મંદિરમાં દર્શન કરવા અને પૂજા કરવા આવે છે.”