ભારતીય બંધારણીય ઇતિહાસમાં ‘અનુસૂચિત જાતિ’ની (SC) વ્યાખ્યા અને ધર્માંતરણ પછી મળતા અધિકારો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. 24 માર્ચ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ‘ચિંતડા આનંદ વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય અને અન્ય’ના કેસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે બંધારણીય આદેશ મુજબ જે વ્યક્તિ હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય કોઈ પંથ કે મજહબનું જાહેરમાં પાલન કે પ્રચાર કરે તે અનુસૂચિત જાતિના રક્ષણનો દાવો કરી શકતી નથી. આ ચુકાદો ધાર્મિક ઓળખ અને બંધારણીય અનામતના લાભો વચ્ચેની ભેદરેખાને કાયદાકીય રીતે વધુ મજબૂત બનાવે છે.
કેસની પૃષ્ઠભૂમિ
આ સમગ્ર વિવાદની શરૂઆત આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાંથી થઈ હતી. આ કેસના અરજદાર ચિંતડા આનંદ આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના પિત્તલવનિપાલેમ મંડલના કોથાપાલેમ ગામના વતની છે. જન્મથી તેઓ ‘માદિગા’ સમુદાયના હતા, જે અનુસૂચિત જાતિમાં આવે છે. જોકે હકીકત એ હતી કે આનંદ દસ વર્ષ પહેલાં જ ખ્રિસ્તી બની ગયા હતા અને તેનું સક્રિયપણે પાલન કરતા હતા. તેઓ માત્ર અનુયાયી નહોતા પરંતુ એક ‘પાસ્ટર’ તરીકે રવિવારની પ્રાર્થના સભાઓનું સંચાલન કરતા હતા અને પિત્તલવનિપાલેમ પાસ્ટર્સ ફેલોશિપમાં ખજાનચી જેવો મહત્વનો હોદ્દો પણ ધરાવતા હતા.
વિવાદની શરૂઆત જાન્યુઆરી 2021માં થઈ હતી. આનંદે આરોપ લગાવ્યો હતો કે ડિસેમ્બર 2020થી તેમને ખ્રિસ્તી સંપ્રદાયના પ્રચારની પ્રવૃત્તિઓ બંધ કરવા માટે અજાણ્યા નંબરો પરથી ધમકીઓ મળતી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે 3 જાન્યુઆરી 2021ના રોજ રવિવારની પ્રાર્થના દરમિયાન એક વ્યક્તિએ તેમને બહાર બોલાવી થપ્પડ મારી અને જાતિસૂચક અપશબ્દો કહી પ્રાર્થના બંધ કરવા ધમકાવ્યા હતા.
અન્ય આરોપ એવો લગાવ્યો હતો કે 24 જાન્યુઆરી 2021ના રોજ પ્રાર્થના પૂરી કરીને પરત ફરતી વખતે રેડ્ડી સમુદાયના વ્યક્તિઓએ તેમને રોક્યા, મારપીટ કરી, તેમનો ફોન અને વાહન છીનવી લીધું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ આનંદે 25 જાન્યુઆરી 2021ના રોજ પોલીસ ફરિયાદ કરી, જેના આધારે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમ 3(1)(r), 3(1)(s)) અને IPCની કલમ 341 (ખોટી રીતે રોકવું), 506 (ધમકી), 323 (ઈજા) સાથે 34 (સામૂહિક જવાબદારી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મામલતદારે તેમને ‘હિંદુ-માદિગા’નું જાતિ પ્રમાણપત્ર આપ્યું હતું, જેના આધારે પોલીસે 30 જાન્યુઆરી 2021ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.
ત્યારબાદ આરોપીઓએ આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં Cr.PC ની કલમ 482 હેઠળ અરજી કરીને આખી કાર્યવાહી રદ કરવાની માગણી કરી હતી. જેમાં મુખ્ય દલીલ એ હતી કે આનંદ દસ વર્ષથી ખ્રિસ્તી બની ગયા છે અને પાસ્ટર તરીકે કાર્ય કરે છે, તેથી બંધારણીય (અનુસુચિત જાતિ) ઓર્ડર, 1950 અનુસાર તેઓ અનુસૂચિત જાતિના નથી અને તેમને SC/ST અધિનિયમ લાગુ પડતો નથી.
હાઇકોર્ટે 30 એપ્રિલ 2025ના રોજ આરોપીઓની દલીલ ગ્રાહ્ય રાખી અને તમામ કાર્યવાહી રદ કરી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું કે આનંદ જાહેરમાં ખ્રિસ્તી સંપ્રદાયનો પ્રચાર કરે છે અને ખ્રિસ્તીઓમાં જાતિ વ્યવસ્થા નથી. તેથી તેઓ SC/ST અધિનિયમ હેઠળ સુરક્ષા મેળવી શકે નહીં. વળી સાક્ષીઓનાં નિવેદનોમાં સુસંગતતા ન હતી અને માત્ર સરળ ઈજાનો પુરાવો હતો, તેથી કાર્યવાહી ચાલુ રાખવી કાયદાનો દુરુપયોગ છે.
સુપ્રીમ કોર્ટમાં અપીલ અને પક્ષોની દલીલો
ત્યારબાદ આનંદે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અરજદારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે ‘જાતિ’ જન્મથી નક્કી થાય છે અને ધર્મ કે સંપ્રદાય બદલવાથી તે ભૂંસાતી નથી. આનંદે આંધ્રપ્રદેશ સરકારના 30 ઑગસ્ટ 1977ના એક પરિપત્રનો (G.O.) હવાલો આપ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે ધર્મ બદલવાથી SC વ્યક્તિને મળતા લાભોમાં અવરોધ ન આવવો જોઈએ.
વિરોધમાં આરોપીઓના વરિષ્ઠ વકીલે કહ્યું કે આનંદ જાહેરમાં ખ્રિસ્તી સંપ્રદાયનો પ્રચાર કરે છે, તેથી તેમને આર્ટીકલ 366(24) અને આર્ટિકલ 341 અનુસાર SC ગણી શકાય નહીં. વધુમાં દલીલ કરી કે ક્લોઝ-3ની કલમ સ્પષ્ટ છે અને તેને અમલમાં મૂકવી જરૂરી છે. G.O. માત્ર બિન-કાયદાકીય લાભો માટે છે અને તે કેન્દ્રીય કાયદાને ઓવરરાઈડ કરી શકે નહીં.
સુપ્રીમ કોર્ટનું વિગતવાર વિશ્લેષણ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રથમ આર્ટિકલ 341 અને 342ની વિગતે ચર્ચા કરી હતી. કોર્ટે કહ્યું કે SC અને STની યાદી પ્રેસિડેન્શિયલ ઓર્ડર દ્વારા નક્કી થાય છે અને તેમાં ફેરફાર માત્ર સંસદ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે બંધારણના અનુચ્છેદ 341 હેઠળ બહાર પાડવામાં આવેલો 1950નો રાષ્ટ્રપતિનો આદેશ સ્પષ્ટ કરે છે કે, “હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના પંથ કે સંપ્રદાયનું પાલન કરતી કોઈપણ વ્યક્તિને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં.” ખ્રિસ્તી સંપ્રદાયનો આ યાદીમાં સમાવેશ થતો નથી. આથી, ધર્માંતરણ સાથે જ વ્યક્તિનો SC દરજ્જો સમાપ્ત થઈ જાય છે.
કોર્ટે અગાઉના ‘પંજાબરાવ વિ. ડી.પી. મેશ્રામના (1965)’ ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. આ ચુકાદા અનુસાર ‘પ્રોફેસ’ કરવાનો અર્થ માત્ર મનમાં શ્રદ્ધા રાખવી એ નથી, પરંતુ જાહેરમાં તે પંથની ઘોષણા કરવી કે તેનું આચરણ કરવું તે છે. ચિંતડા આનંદ રવિવારે પ્રાર્થના સભાઓનું નેતૃત્વ કરતા હતા અને પાસ્ટર તરીકે ઓળખાતા હતા, જે સાબિત કરે છે કે તેઓ સ્વેચ્છાએ અને જાહેરમાં ખ્રિસ્તી અસ્થાને અનુસરતા હતા.
કોર્ટે ન્યુ ટેસ્ટામેન્ટનાં અવતરણો ટાંકીને સમજાવ્યું કે ખ્રિસ્તી પંથ સૈદ્ધાંતિક રીતે એમ માને છે કે ‘ખ્રિસ્તમાં બધા એક છે’ અને ત્યાં કોઈ જાતિ આધારિત ઉચ્ચ-નીચનો ભેદ નથી. જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી બને છે ત્યારે તે એવા સમુદાયનો ભાગ બને છે જે જાતિવાદને નકારે છે, પરિણામે તે જાતિ આધારિત અત્યાચાર વિરોધી કાયદાના (SC/ST Act) દાયરામાંથી બહાર નીકળી જાય છે.
અરજદારે 1977ના સરકારી આદેશના (G.O.Ms.No.341) આધારે દલીલ કરી હતી, તેના પર કોર્ટે સ્પષ્ટતા કરી કે આવા આદેશો માત્ર ‘બિન-વૈધાનિક રાહતો’ (આર્થિક સહાય કે વેલ્ફેર સ્કીમ્સ) માટે હોઈ શકે. તે સંસદ દ્વારા પસાર કરાયેલા કેન્દ્રીય કાયદાઓ કે બંધારણીય જોગવાઈઓને બદલી કે ઓવરરાઈડ કરી શકતા નથી.
રિકન્વર્ઝન અને તેના પુરાવા અંગે સર્વોચ્ચ અદાલતે ‘કે.પી. મનુ’ કેસના સીમાચિહ્નરૂપ ચુકાદાનો હવાલો આપતાં ત્રણ અત્યંત આવશ્યક શરતો પર ભાર મૂક્યો હતો, જેમાં પ્રથમ શરત એ છે કે વ્યક્તિએ પોતાની મૂળ જાતિનો સ્પષ્ટ પુરાવો રજૂ કરવો પડે, બીજી શરત મુજબ તેણે ખ્રિસ્તી કે અન્ય સંપ્રદાય છોડીને પુનઃ પોતાના મૂળ ધર્મમાં પાછા ફરવાનો મક્કમ અને પ્રમાણિક ઈરાદો (Bona fide intention) દર્શાવવો પડે અને ત્રીજી મહત્વની શરત એ છે કે તે વ્યક્તિને તેના મૂળ સમુદાય કે જાતિના લોકો દ્વારા ફરીથી સ્વીકારવામાં આવી હોય.
જોકે વર્તમાન કેસમાં ચિંતડા આનંદ આમાંની એક પણ શરત પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, કારણ કે તેઓ સતત ખ્રિસ્તી પાસ્ટર તરીકેની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા અને ક્યારેય મૂળ ધર્મમાં પાછા ફર્યા હોવાના કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા. સુપ્રીમ કોર્ટે આ કેસમાં માત્ર ટેકનિકલ પાસાં પર જ નહીં, પરંતુ કેસનાં ગુણદોષ (Merits) પર પણ ઊંડાણપૂર્વક વિચારણા કરી હતી.
કોર્ટે સ્પષ્ટપણે નોંધ્યું હતું કે સાક્ષીઓનાં નિવેદનોમાં ભારે વિરોધાભાસ અને વિસંગતતાઓ જોવા મળી હતી તેમજ તબીબી અહેવાલ મુજબ ફરિયાદીને થયેલી ઈજાઓ અત્યંત સામાન્ય પ્રકારની હતી, વળી મોટી ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વાત એકત્ર કરાયેલા પુરાવાઓ સાથે સુસંગત જણાતી નહોતી. તેથી ‘ભજનલાલ’ કેસની માર્ગદર્શિકાને અનુસરીને અદાલતે ઠેરવ્યું કે જ્યારે પ્રથમ દ્રષ્ટિએ કોઈ ગુનો બનતો ન હોય અથવા પૂરતા પુરાવાઓનો અભાવ હોય ત્યારે કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખવી એ ન્યાયની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાય, જેના પરિણામે હાઇકોર્ટ દ્વારા આ કાર્યવાહી રદ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે યોગ્ય અને કાયદેસર છે.
સુપ્રીમ કોર્ટે ચિંતડા આનંદની અપીલ ફગાવીને એક કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બંધારણીય લાભો તે જ વ્યક્તિને મળવા જોઈએ જે ખરેખર તે વ્યાખ્યામાં ફિટ બેસે છે. જે વ્યક્તિ ખ્રિસ્તી ધર્મનો જાહેરમાં પ્રચાર અને પાલન કરે છે તે 1950ના પ્રેસિડેન્શિયલ ઓર્ડર હેઠળ SC ગણી શકાય નહીં અને તેને SC/ST એક્ટ હેઠળ વિશેષ સુરક્ષા મળી શકે નહીં.


