ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઇકોર્ટે હમણાં એક ખ્રિસ્તી પાસ્ટરની અરજી ફગાવીને રાહત આપવાની ના પાડી દીધી હતી. પાસ્ટર સામે UPમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 295A હેઠળ જાણીજોઈને અન્ય સમુદાયની ધાર્મિક ભાવનાઓ ભડકાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ રદ કરવાની માંગ સાથે તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી ફગાવતાં કહ્યું કે માત્ર અમારો જ ધર્મ-પંથ સાચો છે એમ કહેવું પણ ખોટું છે અને પ્રથમ દૃષ્ટિએ અન્ય સમુદાયની ભાવના ભડકાવવાનો કેસ બને છે.
વિનીત વિન્સેન્ટ નામના પાદરી સામે મઉના મુહમ્મદાબાદ પોલીસ મથકે IPC 295A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. FIRમાં જણાવવામાં આવ્યું હતું કે આ પાસ્ટર ગામના લોકોને પ્રેયર મિટિંગના નામે એકઠા કરીને ભાષણોમાં કહેતો હતો કે ખ્રિસ્તી એકમાત્ર સાચો પંથ, ધર્મ છે.
તેની સામે ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાવવાના પણ આરોપ હતા પણ કોર્ટમાં પાસ્ટરે કરેલી અરજીમાં દાવો કર્યો છે કે તપાસ દરમ્યાન ધર્માંતરણનો કોઈ એન્ગલ સામે આવ્યો ન હતો, તેમ છતાં IPC 295A હેઠળ તેની સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. તેણે પોતાની સામે કોઈ કેસ ન બનતો હોવાની અને કારણ વગર હેરાન કરવામાં આવી રહ્યો હોવાની દલીલો કરીને કેસ રદ કરવાની માગ કરી હતી.
બીજી તરફ રાજ્ય સરકારે દલીલ કરી કે કેસ રદ કરવો જોઈએ કે નહીં એ આ તબક્કે નક્કી ન થઈ શકે અને કોર્ટે માત્ર એ જોવું જોઈએ કે પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે કે કેમ, પુરાવાની ચકાસણી કરવાનું કામ ટ્રાયલ કોર્ટનું છે.

આખરે બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે સરકારની દલીલો ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે સ્પષ્ટતા કરી કે હાઇકોર્ટ મિનિ ટ્રાયલ કરશે નહીં અને માત્ર એ જ જોશે કે આ કેસમાં આરોપી સામે ટ્રાયલ ચલાવવા માટે પૂરતા ગ્રાઉન્ડ હાલના તબક્કે છે કે કેમ.
કોર્ટે FIRને ટાંકીને કહ્યું કે પાસ્ટરનું એમ કહેવું કે આ દુનિયામાં સાચો પંથ કે ધર્મ માત્ર ખ્રિસ્તી છે, એ IPC 295A હેઠળ ગુનાની વ્યાખ્યામાં જ આવે છે અને એ ખોટું પણ છે. કોર્ટે કહ્યું કે ભારત જેવા દેશમાં, જ્યાં અનેક આસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે, અનેક પંથ-સમુદાયોના લોકો રહે છે ત્યાં આ રીતે ધર્મો વિશે ટિપ્પણી કરવી એ 295A હેઠળ કાયદાકીય તપાસનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે IPC 295A જણાવે છે કે જો કોઈ વ્યક્તિ જાણીજોઈને, બદઇરાદે અન્ય ધર્મ, પંથ, સમુદાયની ધાર્મિક લાગણીઓ ભડકાવવાનું કૃત્ય કરે તો એ ગુનામાં ગણાય છે અને તેના માટે સજા અને દંડ થઈ શકે છે.
કોર્ટે આ કલમ ટાંકીને કહ્યું કે તેની શરૂઆતની લાઇન જ ‘જાણીજોઈને’ અને ‘બદઇરાદાપૂર્વક’ના કૃત્યનો ઉલ્લેખ કરે છે, જેથી આ આરોપીનું કૃત્ય IPC 295A હેઠળ આવે એમ માની શકાય છે. એટલે હાલ એવું ન કહી શકાય કે પ્રથમ દૃષ્ટિએ કેસ બનતો જ નથી.
કોર્ટે સ્પષ્ટતા કરી કે હાલના તબક્કે હાઇકોર્ટનું કામ માત્ર એ હોવાનું છે કે આરોપી સામે કેસ બની રહ્યો છે કે કેમ. હાલ કોર્ટ કેસનાં મેરિટમાં જશે નહીં કારણ કે એ કામ હાઇકોર્ટ નહીં પણ ટ્રાયલ કોર્ટનું છે. ટ્રાયલ દરમ્યાન કેસનાં તમામ પાસાં ધ્યાનમાં લેવાશે. પણ પ્રથમ દૃષ્ટિએ કેસ બનતો હોવાથી રદ કરી શકાય એમ નથી.
કોર્ટે પાસ્ટરની અરજી ફગાવી હોવાથી હાલ ટ્રાયલ કોર્ટમાં તેની વિરુદ્ધ કેસ ચાલુ રહેશે. જોકે સાથે એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અન્ય કાયદા હેઠળ જો કોઈ રાહત માગવાનો તેને હક હોય તો એ માગી શકશે અને તેની ઉપર કોર્ટની કોઈ રોક નથી.


