
10 ઑક્ટોબરના રોજ કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત ગેરકાયદેસર ધરણાં-પ્રદર્શન દરમ્યાન અમુક પ્રદર્શનકારીઓ દિલ્હીની પ્રસિદ્ધ ગુરુદ્વારા બંગલા સાહિબમાં ઘૂસી ગયા હતા, જે મામલે હવે ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીએ દિલ્હી પોલીસ સમક્ષ એક ફરિયાદ દાખલ કરી છે, જેના આધારે પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. FIRમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓનાં નામ છે, જેમની ઉપર ગુરુદ્વારાની ધાર્મિક મર્યાદાનો ભંગ કરવા અને ઘટનાના ભ્રામક વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત 10 ઑક્ટોબરના રોજ આયોજિત CJPના પ્રદર્શનથી થઈ હતી. અગાઉનાં પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસા અને જાહેર સુરક્ષાને જોતાં આ વખતે દિલ્હી પોલીસે કોઈ પરવાનગી આપી ન હતી. 10 ઑક્ટોબરના રોજ જ્યારે સવારથી પ્રદર્શનકારીઓ એકઠા થવાના શરૂ થયા તો પોલીસે અટકાયત કરવાની શરૂ કરી હતી. દરમ્યાન અમુક પ્રદર્શનકારીઓ બંગલા સાહિબ ગુરુદ્વારામાં ઘૂસી ગયા હતા અને ત્યાં પ્રદર્શન કર્યું હતું.
આમ આદમી પાર્ટીના માણસો પર આરોપ
દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના (DSGMC) પ્રમુખ હરમીત સિંઘ કાલકાએ અરવિંદ કેજરીવાલ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. કમિટીનો આરોપ છે કે AAP નેતાઓએ ગુરુદ્વારાના પરિસરમાં ગેરકાયદેસર રીતે એકઠા થઈને વિરોધ પ્રદર્શનનાં પોસ્ટર અને બેનરો લહેરાવીને નારાબાજી કરી હતી અને ગુરુદ્વારાને રાજકીય મંચ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

DSGMCએ સ્પષ્ટ કર્યું કે ગુરુદ્વારા એ શ્રદ્ધા, પ્રાર્થના અને આધ્યાત્મિક શાંતિનું સ્થળ છે, કોઈ પણ રાજકીય પ્રવૃત્તિઓનું મેદાન નહીં. તેમણે પોલીસ પાસે માંગ કરી છે કે વિડીયો ફૂટેજના આધારે ઘટનામાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરીને આ આયોજન પાછળના સૂત્રધારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
કમિટીએ એવો પણ આરોપ મૂક્યો છે કે ઘટના સંબંધિત કેટલાક વિડીયો સાથે સોશિયલ મીડિયા પર એવો પર દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી પોલીસના કર્મચારીઓ જૂતાં પહેરીને ગુરુદ્વારાના મુખ્ય પ્રાર્થના ખંડમાં પ્રવેશી ગયા હતા. જે હકીકત નથી.
કમિટીના પ્રમુખે આ દાવાનું ખંડન કરતાં જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ મુખ્ય પ્રાર્થના ખંડમાં નહીં, પરંતુ પરિસરમાં આવેલી જાહેર અવરજવરની જગ્યા પરથી પસાર થયા હતા. કમિટીએ કેજરીવાલ અને AAP નેતાઓ પર આ ઘટનાને ખોટી રીતે દર્શાવીને કમિટીની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે.
Today, I filed a formal complaint at the @DCPNewDelhi, against Arvind Kejriwal and his associates over the incident at Gurdwara Bangla Sahib and the circulation of misleading videos to malign Guru Ghar and its management #BanglaSahib #cjpprotest https://t.co/piYEpNLrEs
— Harmeet Singh Kalka (@hskalka) October 11, 2026
બીજી તરફ દિલ્હી પોલીસે આ વિવાદ અંગે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે તેમના કર્મચારીઓ મુખ્ય પ્રાર્થના ખંડમાં ક્યારેય પ્રવેશ્યા નહોતા અને માત્ર પરિસરના સામાન્ય માર્ગ પરથી પસાર થયા હતા. આ મુદ્દામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ કૂદી પડ્યા હતા અને તેમણે ગુરુદ્વારા પરિસરમાં દિલ્હી પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો.
જોકે ગુરુદ્વારા મેનેજમેન્ટ સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ ધાર્મિક સ્થળોની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હાલમાં દિલ્હી પોલીસે DSGMCની ફરિયાદના આધારે FIR નોંધીને પ્રાથમિક તપાસ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ કે અન્ય AAP નેતાઓ સામેના ચોક્કસ કાયદાકીય આરોપો કયા નક્કી થાય છે અને પોલીસ તપાસમાં કોની શું ભૂમિકા બહાર આવે છે તે તપાસ બાદ નક્કી થશે.

