સોમનાથને લઈને વામપંથી પ્રોપેગેન્ડિસ્ટ અને પ્રો-કોંગ્રેસી ‘પત્રકાર’ મૃણાલ પાંડેની એક તાજેતરની હરકત સામે આવી છે કે તેને વાંચ્યા પછી સવાલ ઊભો થાય કે ઇતિહાસ પ્રત્યે આટલી બેદરકારી અજ્ઞાનતામાંથી આવે છે કે પછી હિંદુઓના શૌર્યને ઇરાદાપૂર્વક નાનું બતાવવાની આદતમાંથી. 25 સપ્ટેમ્બર 2026ના રોજ મૃણાલ પાંડેએ X પર લખ્યું કે, ‘When the Somnath temple was being looted by the armies from Ghazni, the priests sat singing Bhajans outside the temple, asking for god’s blessings.’
અર્થાત્, મહમૂદ ગઝનીની સેના સોમનાથ મંદિરને લૂંટી રહી હતી ત્યારે મંદિરના પૂજારીઓ બહાર બેસીને ભજન ગાતા હતા અને ભગવાનની મદદ માગતા હતા. વાતને વધુ ચટપટી બનાવવા માટે આ કોંગ્રેસ સ્ટૂજે આ ઘટનાની સરખામણી રોમના સમ્રાટ નીરોની એ પ્રચલિત કથા સાથે કરી, જેમાં રોમ સળગતું હતું અને નીરો વાંસળી વગાડતો હતો. એટલે મૃણાલ પાંડેની વાતમાં સોમનાથના બ્રાહ્મણો જાણે પોતાના જ દેવાલય સામે આંખ આડા કાન કરીને બેઠેલા નિષ્ક્રિય લોકો છે અને મહમૂદની જેહાદી સેના મંદિરને ખંખેરી રહી છે.
આ વાત માત્ર ખોટી નથી, સોમનાથ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા હિંદુઓ સાથે કરવામાં આવતી એક વિચિત્ર મશ્કરી છે. કારણ કે ઇતિહાસનાં પાનાં ખોલતાં જે દૃશ્ય સામે આવે છે તેમાં મંદિરમાં મહાદેવ સમક્ષ જોડાયેલા હાથ છે, પરંતુ એ જ હાથ થોડા સમય પછી આક્રમણકારો સામે શસ્ત્રો લઈને ઊભા થાય છે. તેમાં બ્રાહ્મણો છે, મંદિરના રક્ષકો છે, ભક્તો છે અને સ્થાનિક હિંદુઓ છે.
તેમાં ગઝનીની સેના સામે કિલ્લો બચાવવાની કોશિશ છે. તેમાં મંદિરની અંદર જઈ પોતાના દેવતા પાસે વિજય માટે પ્રાર્થના કર્યા પછી ફરી બહાર આવીને આક્રમણકારો પર ‘વળતો પ્રહાર’ કરનારા હિંદુઓ છે. તેમાં એક વખત નહીં, વારંવાર થયેલો પ્રતિકાર છે અને અંતે તેમાં એવા હજારો મૃતદેહો છે, જેમણે સોમનાથ બચાવવા માટે પોતાનું મસ્તક આપી દીધું.
એટલે સવાલ એ નથી કે સોમનાથના બ્રાહ્મણોએ ભગવાનને યાદ કર્યા હતા કે નહીં. હા, તેમણે કર્યા હતા. સવાલ એ છે કે શું તેમણે માત્ર ભજન ગાયા અને આક્રમણકારો સામે કોઈ પ્રતિકાર કર્યો નહોતો? આ સવાલનો જવાબ મૃણાલ પાંડેની પોસ્ટમાંથી નહીં, પરંતુ એવા ઐતિહાસિક વર્ણનોમાંથી મળે છે જેમાં સોમનાથના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ વર્ણનો વાંચ્યા પછી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે સોમનાથના હિંદુઓએ ભગવાન પાસે પ્રાર્થના પણ કરી હતી અને ભગવાનના દેવાલયની રક્ષા માટે મરણિયા બનીને યુદ્ધ પણ કર્યું હતું.
સોમનાથના દ્વારે જ્યારે મહમૂદ ગઝની આવી પહોંચ્યો
સોમનાથ માત્ર પથ્થરોનું એક મંદિર નહોતું. ગુજરાતના પ્રભાસ પાટણમાં સમુદ્રકાંઠે આવેલું આ દેવાલય સદીઓથી ભગવાન સોમેશ્વર મહાદેવની ઉપાસનાનું મહત્ત્વનું કેન્દ્ર હતું. શૈવ પરંપરામાં તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે. દૂરદૂરથી યાત્રાળુઓ અહીં આવતા હતા અને મંદિરની સમૃદ્ધિ, તેની ધાર્મિક પ્રતિષ્ઠા તથા સોમનાથ પ્રત્યે હિંદુ સમાજની અખૂટ શ્રદ્ધા તેને ભારતના સૌથી મહત્વપૂર્ણ તીર્થોમાંનું એક બનાવતી હતી.
મહમૂદ ગઝની માટે પણ સોમનાથ માત્ર કોઈ સામાન્ય ઇમારત નહોતું. 1025-26માં જ્યારે તે ગુજરાત તરફ આગળ વધ્યો ત્યારે તેનો ઉદ્દેશ સોમનાથ પર કબજો મેળવવાનો અને મંદિરનો વિનાશ કરવાનો હતો. ઝકરીયા અલ-કઝવિનીના આસારુલ-બિલાદના વર્ણનને એલિયટ અને ડાઉસનના ‘ધ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા એઝ ટોલ્ડ બાય ઇટ્સ ઓન હિસ્ટોરિયન્સ‘માં અનુવાદિત કરવામાં આવ્યું છે. તેમાં મહમૂદના અભિયાનને ‘મજહબી જંગ’ તરીકે વર્ણવવામાં આવે છે અને સોમનાથને કબજે કરીને નષ્ટ કરવાનો તેનો પ્રયત્ન પણ દેખાય છે. કઝવિનીના વર્ણનમાં સોમનાથ પહોંચ્યા પછી જે બન્યું તેની શરૂઆત જ એક એવા વાક્યથી થાય છે જેને વાંચ્યા પછી મૃણાલ પાંડેના ‘ભજન ગાતા બેઠા હતા’વાળા દાવાની હાલત ધૂળમાં પડેલી સૂકી પાંદડી જેવી થઈ જાય છે.
‘Desperate resistance’- અર્થાત્ પ્રાણના જોખમે, અંતિમ હદ સુધીનો પ્રતિકાર. આ કોઈ પૂજા-પાઠ કરતા બેઠેલા નિષ્ક્રિય લોકોનું વર્ણન નથી. આગળ કઝવિની લખે છે કે હિંદુઓ મદદ માટે રડતા-પોકારતા મંદિરમાં જતા અને પછી બહાર આવીને યુદ્ધ કરતા અને બધા માર્યા ન જાય ત્યાં સુધી લડતા રહેતા હતા. આ જ વર્ણનમાં મૃતકોની સંખ્યા 50,000થી વધુ હોવાનું નોંધાય છે.
અહીં વામપંથી મૃણાલ પાંડેના દાવાનો પહેલો કાંઠો તૂટી જાય છે. કારણ કે તેની કલ્પનામાં ‘ભજન’ છે અને ઇતિહાસના આ વર્ણનમાં ‘ભીષણ પ્રતિકાર’ છે. તેની વાતમાં પૂજારીઓ બહાર બેસીને રાહ જોઈ રહ્યા છે અને ઇતિહાસમાં હિંદુઓ મંદિરમાં જઈને મદદ માટે પોકારે છે અને પછી બહાર આવીને લડે છે. તેની વાતમાં ભગવાનને બચાવવાની જવાબદારી સોંપીને માણસ બાજુએ ખસી જાય છે, ઇતિહાસના વર્ણનમાં ભગવાનને પોકાર્યા પછી માણસ પોતે જ યુદ્ધના મેદાનમાં પાછો જાય છે. આ તફાવત માત્ર શબ્દોનો નથી. આ આખી માનસિકતાનો તફાવત છે.
બ્રાહ્મણો માત્ર પૂજા કરતા નહોતા, સોમનાથની રક્ષામાં પણ ઊભા હતા
હવે વધુ એક મહત્વનું ઐતિહાસિક વર્ણન સામે આવે છે. મુહમ્મદ નાઝિમે 1931માં પ્રકાશિત કરેલા ‘ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ સુલતાન મહમૂદ ઑફ ગઝના’માં સોમનાથના ઘેરાવ અને યુદ્ધનું વિગતવાર વર્ણન કર્યું છે. નાઝિમે આ માટે અગાઉના પર્શિયન અને અરબી ઐતિહાસિક સ્રોતોનો ઉપયોગ કર્યો હતો. તેના સંદર્ભોમાં ગાર્દીઝીનું ‘ઝૈન અલ-અખબાર’, ઇબ્ન અલ-અથિરનું ‘અલ-કામિલ ફી અલ-તારીખ‘ અને સિબ્ત ઇબ્ન અલ-જૌઝી જેવા લેખકોના વર્ણનોનો સમાવેશ થાય છે.
નાઝિમ લખે છે કે મહમૂદની સેના સોમનાથના કિલ્લા સુધી પહોંચી ત્યારે તેના કિલ્લાના રક્ષકોને બ્રાહ્મણો અને દેવતાના ભક્તોએ મદદ કરી હતી અને તેમણે સોમનાથનું રક્ષણ ‘કટ્ટર યોદ્ધાઓ જેવી હિંમત અને મરણિયા જુસ્સા સાથે’ સાથે કર્યું હતું. આ એક જ વાક્યમાં મૃણાલ પાંડેની આખી કલ્પના ધરાશાયી થઈ જાય છે. અહીં બ્રાહ્મણો ક્યાં છે? મંદિરની બહાર બેસીને ભજન ગાતા? નહીં. તેઓ કિલ્લાના રક્ષકોની મદદ કરતા જોવા મળે છે. અહીં ભક્તો ક્યાં છે? નિષ્ક્રિય? નહીં. તેઓ રક્ષણમાં જોડાયેલા છે.
મહમૂદની સેનાએ કિલ્લા પર હુમલો કર્યો. બાણોના વરસાદ વચ્ચે રક્ષકોને પોતાની દીવાલોની સ્થિતિ છોડવી પડી. પછી ગઝનીના સૈનિકોએ દીવાલો ચડીને પોતાની સફળતાની જાહેરાત કરી. જો મૃણાલ પાંડેની વાત સાચી હોય તો અહીંથી હિંદુઓએ હાથ ઊંચા કરી દીધા હોત, પૂજારીઓ ભજન ગાતા બેઠા હોત અને સોમનાથની કથા ત્યાં જ પૂરી થઈ ગઈ હોત. પરંતુ થયું તેનું સાવ ઊલટું.
નાઝિમના વર્ણન પ્રમાણે હિંદુઓ મંદિરમાં પ્રવેશ્યા. તેમણે પોતાના દેવતા સમક્ષ માથું નમાવ્યું અને વિજય માટે પ્રાર્થના કરી. પછી શું થયું? “નવી હિંમત સાથે તેમણે આક્રમણકારો પર મરણિયો હુમલો કર્યો.” પ્રાર્થના પૂરી થઈ અને હિંદુઓ ફરી હુમલાખોરો પર તૂટી પડ્યા. આ હુમલો એટલો ઉગ્ર હતો કે ગઝનીના સૈનિકો હચમચી ગયા અને સાંજ પડતાં પહેલાં હિંદુઓએ તેમની કબજે કરેલી સ્થિતિમાંથી તેમને પાછા હાંકી કાઢ્યા.
જરા આ દૃશ્ય આંખ સામે લાવો. મંદિરની અંદર સોમનાથ સમક્ષ માથું નમાવેલા લોકો. હોઠ પર પ્રાર્થના. આંખોમાં પોતાના દેવતા પ્રત્યે અડગ વિશ્વાસ. બહાર જેહાદી સૈન્ય. દીવાલો પર ધમાચકડી અને પ્રાર્થના પૂરી થતાં જ એ જ લોકો ફરી બહાર આવે છે અને આક્રમણકારો પર તૂટી પડે છે. આ છે ઇતિહાસમાં નોંધાયેલું સોમનાથ. અહીં ભક્તિ કાયરતાનું નામ નથી. અહીં ભક્તિ પછી હાથ પર હાથ ધરીને બેસી જવાની વાત નથી. અહીં ભગવાન પાસે શક્તિ માગીને ફરી પોતાના કર્તવ્યમાં ઊતરવાની વાત છે.
ભગવાનને પોકાર અને હાથમાં શસ્ત્ર, બંને સાથે ચાલતાં હતાં
આ આખી ઘટનામાં સૌથી સુંદર અને સાથે સૌથી મહત્વપૂર્ણ તત્વ કદાચ આ જ છે. સ્થાનિક હિંદુઓએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. આ વાત છુપાવવાની નથી, મજાક કરવાની પણ નથી. તેઓ પોતાના ઇષ્ટદેવને પોકારતા હતા. પરંતુ તેમની પ્રાર્થના શરણાગતિની નિષ્ક્રિયતા નહોતી. તે યુદ્ધમાં પાછા ફરવાની શક્તિ માટેની પ્રાર્થના હતી. આ વાત આજના એવા માનસિક માળખા સામે પણ ઊભી થાય છે જેમાં ધાર્મિક શ્રદ્ધા અને વીરતાને બે અલગ દુનિયા માનવામાં આવે છે. જાણે જે માણસ ભગવાન સામે માથું નમાવે તે શત્રુ સામે તલવાર ન ઉઠાવી શકે. જાણે મંદિરનો પૂજારી હોય એટલે તે પોતાના દેવાલયની રક્ષા કરી જ ન શકે. સોમનાથનો પ્રસંગ આ કલ્પનાને જ નકારી કાઢે છે. ત્યાં પ્રાર્થના છે અને પ્રહાર પણ છે. ત્યાં મંત્ર છે અને મરણિયા યુદ્ધનો સંકલ્પ પણ છે.
કઝવિનીના વર્ણનમાં પણ એ જ ક્રમ જોવા મળે છે. હિંદુઓ મંદિરમાં જાય છે, મદદ માટે પોકારે છે, પછી બહાર આવે છે અને યુદ્ધ કરે છે. નાઝિમના વર્ણનમાં પણ એ જ મૂળ ચિત્ર છે કે બ્રાહ્મણો અને ભક્તો રક્ષકોની મદદ કરે છે, હિંદુઓ મંદિરની અંદર જઈ વિજય માટે પ્રાર્થના કરે છે અને પછી આક્રમણકારો પર ભીષણ હુમલો કરે છે. બે અલગ વર્ણનોમાં દેખાતી આ મૂળભૂત બાબત મૃણાલ પાંડેના ‘ભજન ગાતા બેઠા હતા’વાળા ચિત્રથી કેટલી દૂર છે તે સમજવા માટે કોઈ મોટી ઐતિહાસિક ડિગ્રીની જરૂર નથી.
અને વાત એટલી જ નથી કે હિંદુઓએ એક વખત પ્રતિકાર કર્યો અને પછી હાર માની લીધી. નાઝિમના વર્ણનમાં બીજા દિવસે ગઝનીની સેના વધુ પ્રબળ હુમલો કરે છે, કિલ્લાની રક્ષણવ્યવસ્થા કબજે કરે છે અને હિંદુઓને મંદિરના દરવાજા સુધી ધકેલી દે છે. ત્યાં ભીષણ અથડામણ થાય છે. આ કોઈ બે-ચાર માણસોની ઝપાઝપી નહોતી. સોમનાથની રક્ષા માટે એક પછી એક ટોળાં મંદિર તરફ જતાં, પોતાના દેવતાની સહાય માટે પ્રાર્થના કરતા અને ફરી યુદ્ધમાં જોડાતા હતા.
ઇતિહાસનાં પાનાં પર લોહી સુકાયું નથી
હવે કઝવિનીના વર્ણન તરફ ફરી વળીએ. અહીં એક એવું વાક્ય છે જે સોમનાથની આખી ગાથાને થોડા શબ્દોમાં સમાવી દે છે. હિંદુઓ મંદિરમાં મદદ માટે જતા અને પછી બહાર આવીને બધા માર્યા ન જાય ત્યાં સુધી લડતા રહ્યા. ત્યારબાદ એ જ વર્ણનમાં મૃતકોની સંખ્યા 50,000થી વધુ હોવાનું કહેવામાં આવ્યું છે. અહીંથી સોમનાથની લડાઈનું બીજું રૂપ દેખાય છે. આ માત્ર મંદિર બચાવવાની કોશિશ નહોતી, આ પોતાના દેવાલય માટે મસ્તક આપી દેવાનો પ્રસંગ હતો. સામે ગઝનીની સેના હતી અને બીજી બાજુ એવા હિંદુઓ હતા જેમને અંતે શું થવાનું છે તેનો ખ્યાલ હોવા છતાં પાછા હટવાનું પસંદ નહોતું. કોઈ આધુનિક યુદ્ધનાં સાધનો તેમની પાસે નહોતાં. કોઈ વિશાળ સામ્રાજ્યની સૈન્યશક્તિ તેમની પાછળ નહોતી. તેમ છતાં તેઓ લડ્યા.
અને અંતે જ્યારે તેઓ હારી ગયા, ત્યારે એ હારને ‘પ્રતિકાર થયો જ નહોતો’માં ફેરવી દેવી ઇતિહાસ સાથેની મજાક છે. યુદ્ધમાં હારવું અને યુદ્ધ ન કરવું બે અલગ બાબતો છે. સોમનાથના રક્ષકો પરાજિત થયા, મંદિરનો વિનાશ થયો, લૂંટ થઈ, આ બધું દુઃખદ ઐતિહાસિક સત્ય છે. પરંતુ એ જ ઘટનામાં પ્રતિકાર થયો હતો, બ્રાહ્મણો અને ભક્તો રક્ષણમાં જોડાયા હતા અને હજારો લોકો માર્યા ગયા હતા, આ વાત પણ એ જ ઐતિહાસિક પરંપરામાં નોંધાયેલી છે. એટલે કોઈ સોમનાથની હારની વાત કરે તોપણ એ અસહ્ય છે, કારણ કે હાર ઇસ્લામી આક્રાંતાની થઈ હતી, સોમનાથ તો આજે પણ અડીખમ ઊભું છે. પરંતુ શિવ-ઉપાસનાને કાયરતા અને પ્રતિકારના અભાવમાં ફેરવી નાખવી એ અલગ જ રમત છે.
સોમનાથની લડાઈ કોઈ એક બ્રાહ્મણની નહોતી
અહીંથી એક વાત ખાસ સમજવાની જરૂર છે. મૃણાલ પાંડેનો દાવો પૂજારીઓને ટાર્ગેટ કરે છે, એટલે જવાબ પણ બ્રાહ્મણોના પ્રતિકારથી શરૂ થાય છે. પરંતુ સોમનાથની ગાથા ત્યાં પૂરી થતી નથી. બ્રાહ્મણો એકલા નહોતા. ઐતિહાસિક વર્ણનમાં જ કિલ્લાના રક્ષકો, બ્રાહ્મણો અને ભક્તો સાથે મળીને રક્ષણ કરતા દેખાય છે. એટલે સોમનાથની રક્ષા કોઈ એક વર્ણ, કોઈ એક જાતિ કે કોઈ એક વ્યવસાયના લોકોની લડાઈ નહોતી. તે હિંદુ સમાજની લડાઈ હતી.
સોમનાથના દ્વારે જ્યારે ગઝનીની સેના આવી ત્યારે મંદિરની દીવાલો પાછળ માત્ર પૂજારીઓ નહોતા. ત્યાં પોતાના દેવતામાં શ્રદ્ધા ધરાવતા લોકો હતા. મંદિરના રક્ષકો હતા. ભક્તો હતા. હિંદુઓ હતા અને જ્યારે આક્રમણકારો અંદર ઘૂસવા લાગ્યા ત્યારે દરેક માણસે પોતાની રીતે જે બની શકે તે કરવાનો પ્રયાસ કર્યો. કોઈ પ્રાર્થના કરી રહ્યો હતો, કોઈ રક્ષણ કરી રહ્યો હતો, કોઈ હુમલો કરી રહ્યો હતો. આ બધું એક જ સંઘર્ષનો ભાગ હતું.
આ કારણે સોમનાથની ગાથાને ‘પૂજારી વિરુદ્ધ સૈનિક’ના ખાંચામાં મૂકી શકાય નહીં. ભારતની પરંપરામાં મંદિર માત્ર પૂજારીનું કાર્યસ્થળ નહોતું, તે સમાજના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનું કેન્દ્ર હતું. જ્યારે દેવાલય પર આક્રમણ થાય ત્યારે તેની રક્ષા માટે કોણ ઊભું રહેશે એ પ્રશ્નનો જવાબ માત્ર વ્યવસાયના આધારે મળતો નથી. સોમનાથમાં જે બન્યું તે આ વાતનું ઉદાહરણ છે.
આ જ વાતને લઈને મૃણાલ પાંડેનો નેરેટિવ સૌથી વધુ ખોખલો લાગે છે. કારણ કે ‘પૂજારીઓ ભજન ગાતા બેઠા હતા’ એવું લખવાથી માત્ર પૂજારીઓને જ કાયર બતાવવામાં આવતા નથી,આખા હિંદુ સમાજને એવો સમાજ બતાવવામાં આવે છે જે પોતાના દેવાલય પર હુમલો થાય ત્યારે હાથમાં કશું લેતો નથી અને ભગવાને ચમત્કાર કરીને બધું બચાવી લેવાની રાહ જુએ છે. જ્યારે ઉપલબ્ધ ઐતિહાસિક વર્ણનોમાં દેખાતો હિંદુ સમાજ એવો નથી. ત્યાં ભગવાનમાં અડગ શ્રદ્ધા છે, પરંતુ સાથે પોતાના કર્તવ્યની સમજ પણ છે.
ગઝનીની તલવારો સામે મસ્તક નમ્યું, પણ મન નહીં
સોમનાથના રક્ષણની સૌથી કરુણ વાત એ છે કે અંતે આ લોકો જીવ્યા નહીં. ગઝનીની સેના વિશાળ હતી. હુમલાખોરોએ આખરે કિલ્લો અને મંદિર કબજે કરી લીધાં. મંદિરમાં પ્રવેશ થયો, લૂંટ થઈ અને સોમનાથના દેવાલયને ભારે વિનાશ સહન કરવો પડ્યો. પરંતુ આ અંતિમ પરિણામને જોઈને શરૂઆતની લડાઈને નકારી શકાય નહીં. કોઈ માણસ યુદ્ધમાં મરી જાય એટલે તેણે યુદ્ધ કર્યું નહોતું એવું હોતું નથી. કોઈ કિલ્લો પડી જાય એટલે તેના રક્ષકોએ કિલ્લો બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો એવું પણ હોતું નથી અને કોઈ મંદિર અંતે લૂંટાઈ જાય એટલે તેના દ્વારે પોતાના પ્રાણ આપનારા લોકો અસ્તિત્વમાં જ નહોતા એવું પણ હોતું નથી.
સોમનાથના હિંદુઓએ પોતાના દેવાલયને બચાવવા માટે જે કર્યું તેનું સૌથી કરુણ સાક્ષ્ય એ જ છે કે તેઓ મોટી સંખ્યામાં માર્યા ગયા. કઝવિનીના વર્ણનમાં 50,000થી વધુ હિંદુ મૃતકોનો આંકડો મળે છે. અન્ય વર્ણનોમાં પણ મોટાપાયે નરસંહાર અને લોહિયાળ અંતની વાત આવે છે. ઐતિહાસિક વર્ણનો આ ઘટનાની ભયાનકતા સામે મૂકે છે. અહીં ‘મૃત્યુ’ માત્ર કોઈ આંકડો નથી, એ વાતનો પુરાવો છે કે મંદિરની રક્ષા માટે લોકો ઊભા રહ્યા હતા અને તેની કિંમત પોતાના જીવનથી ચૂકવી હતી.
મસ્તક કપાયું, શરીરો પડ્યાં, લોહી વહ્યું પણ સોમનાથના દ્વાર પર ઊભેલા લોકો માટે પોતાના દેવાલયને આમ જ છોડી દેવું કોઈ સરળ કામ નહોતું. તેઓ જાણતા હતા કે સામે જે ઇસ્લામી સૈન્ય છે તેને હરાવવું કદાચ અશક્ય છે, છતાં તેઓ પાછા ફર્યા નહીં. આ જ ભાવ સોમનાથને માત્ર મંદિરની ઇમારતથી આગળ લઈ જાય છે. અહીં મંદિર પથ્થરમાં છે, પરંતુ તેની રક્ષા કરનારાઓની શ્રદ્ધા રક્તમાં લખાઈ છે.
એક હજાર બ્રાહ્મણોની સેવા અને એ જ બ્રાહ્મણોની રક્ષા
સોમનાથની સમૃદ્ધિ અને ધાર્મિક વ્યવસ્થાનું વર્ણન કરતા કઝવિની મંદિર સાથે જોડાયેલા એક હજાર બ્રાહ્મણોનો પણ ઉલ્લેખ કરે છે. તેઓ મૂર્તિની પૂજા અને યાત્રાળુઓની સેવા કરતા હતા. મંદિરની દૈનિક ધાર્મિક વ્યવસ્થા કેટલી વિશાળ હતી તેનો આ એક સંકેત છે. પરંતુ અહીં જ એક રસપ્રદ વિસંગતિ સામે આવે છે. જે લોકો મંદિરની પૂજા કરતા હતા, તેમને જ જ્યારે મંદિર પર આક્રમણ થયું ત્યારે માત્ર પૂજાના કર્મકાંડમાં બંધાયેલા માણસો સમજી લેવા એ અપૂરતું છે.
સોમનાથના યુદ્ધ અંગેના બીજા વર્ણનમાં બ્રાહ્મણો ભક્તો સાથે મળીને રક્ષણમાં મદદ કરતા જોવા મળે છે. એટલે મંદિરની ધાર્મિક સેવા અને સંકટની ઘડીએ મંદિરની રક્ષા, આ બંને ભૂમિકાઓ પરસ્પર વિરોધી નહોતી. મૃણાલ પાંડેના નેરેટિવમાં કદાચ સૌથી મોટી ખામી આ જ છે. તેણે પૂજાને પ્રતિકારના વિરોધમાં ઊભી કરી દીધી. જાણે હાથમાં પૂજાની માળા હોય એટલે હાથમાં શસ્ત્ર આવી જ ન શકે. જાણે ભગવાનને પ્રાર્થના કરવી એટલે માણસ પોતાનું કર્તવ્ય છોડીને બેસી જાય. સોમનાથના હિંદુઓનો પ્રસંગ કહે છે કે વાત એવી નહોતી. તેઓ મહાદેવ પાસે ગયા હતા કારણ કે તેઓ મહાદેવમાં માનતા હતા અને પછી યુદ્ધમાં પાછા ગયા હતા કારણ કે તેઓ પોતાના કર્તવ્યમાં પણ માનતા હતા.
આ સમગ્ર પ્રસંગને વધુ રસપ્રદ બનાવતી વાત એ છે કે સોમનાથના પ્રતિકાર માટેના પુરાવા માત્ર આધુનિક હિંદુ લેખકોની રચનાઓમાં નથી. એલિયટ અને ડાઉસનના સંગ્રહમાં કઝવિનીના વર્ણનથી લઈને નાઝિમના સંકલનમાં ગાર્દીઝી, ઇબ્ન અલ-અથિર અને સિબ્ત ઇબ્ન અલ-જૌઝીના સંદર્ભો સુધી એક ઐતિહાસિક પરંપરા જોવા મળે છે. નાઝિમના વર્ણનમાં બ્રાહ્મણો અને ભક્તો દ્વારા રક્ષણ, હિંદુઓ દ્વારા ભગવાન સમક્ષ પ્રાર્થના અને ત્યારબાદનો પ્રચંડ હુમલો વિગતે આવે છે.
સોમનાથના હિંદુઓએ પ્રાર્થના કરી હતી, એ વાત સાચી છે. પરંતુ તેમણે પ્રાર્થના કરીને યુદ્ધ છોડ્યું હતું, આ વાતમાં ન તો કોઈ સાક્ષ્ય અને ન તો તેનો કોઈ આધાર છે. ઊલટું, એક પછી એક વર્ણન પ્રાર્થના પછીના પ્રતિકારને જ દર્શાવે છે. એટલે સાચી વાત એવી છે કે તેમની ભક્તિએ તેમને યુદ્ધથી દૂર કર્યા નહોતા, એ ભક્તિ સાથે તેઓ યુદ્ધમાં ઊતર્યા હતા.
ઇતિહાસમાં અમર થયા હતા ધર્મયોદ્ધાઓ
મૃણાલ પાંડે અને તેની જેવા લોકો માટે કદાચ બ્રાહ્મણોનું ચિત્ર એવું હોવું અનુકૂળ છે કે તેઓ બહાર બેસીને ભજન ગાતા હતા અને કોઈ બીજાએ મંદિર માટે લડવું પડતું હતું. પરંતુ સદીઓ જૂના વર્ણનોમાં આ ચિત્ર ક્યાંય ટકતું નથી. ત્યાં બ્રાહ્મણો છે, ભક્તો છે, રક્ષકો છે અને એક એવી ભીષણ લડાઈ છે જેમાં લોકો પોતાના આરાધ્યની રક્ષા માટે મરી રહ્યા છે. ત્યાં ભગવાન પાસે પોકાર છે, પરંતુ એ પોકાર પછી પાછા યુદ્ધમાં જવાની હિંમત પણ છે.
આ હિંદુઓએ કદાચ ગઝનીની સેના સામે જીત મેળવવાની કોઈ ખાતરી સાથે યુદ્ધ કર્યું નહોતું. તેમને ખબર હતી કે સામેનો શત્રુ શક્તિશાળી છે. છતાં તેઓ ઊભા રહ્યા. મંદિરની દીવાલો તૂટતી રહી, લોકો મરતા રહ્યા, રક્ત વહેતું રહ્યું અને અંતે ગઝનીની સેના અંદર ઘૂસી ગઈ. પરંતુ આ આખી પ્રક્રિયામાં એક વાત અડગ રહી કે સોમનાથને છોડીને ભાગી જવાની માનસિકતા ન તો સ્થાનિક હિંદુઓમાં હતી અને ન તો બ્રાહ્મણોમાં. મસ્તક આપવું પડે તો મસ્તક આપ્યું. જીવન આપવું પડે તો જીવન આપ્યું. સર્વસ્વ આપવું પડે તો સર્વસ્વ આપ્યું અને જ્યાં સુધી શરીરમાં શ્વાસ હતો ત્યાં સુધી પોતાના દેવાલયની રક્ષા માટે લડતા રહ્યા.
એટલે સોમનાથની ગાથાને ‘બ્રાહ્મણો ભજન ગાતા બેઠા હતા’ જેવી એક સસ્તી સોશિયલ મીડિયા કમેંટ સુધી સીમિત કરી દેવી હોય તો કરી શકાય. પરંતુ ઇતિહાસને પણ સાથે વાંચવો પડે. એ ઇતિહાસમાં સોમનાથના બ્રાહ્મણો માત્ર પૂજા કરતા લોકો નથી. તેઓ રક્ષણમાં ઊભેલા લોકો છે. એ ઇતિહાસમાં ભક્તો માત્ર દર્શનાર્થી નથી. તેઓ આક્રમણકારો સામે તૂટી પડનારા લોકો છે. એ ઇતિહાસમાં હિંદુ સમાજ માત્ર તમાશો જોનારો સમાજ નથી. તે પોતાના દેવાલય માટે મસ્તક આપનારો સમાજ છે અને સોમનાથની આ જ સૌથી મોટી વાત છે.
મહાદેવ સમક્ષ હાથ જોડાયા હતા, કારણ કે તેઓ ભક્ત હતા. ગઝનીની સેના સામે હાથ ઉઠ્યા હતા, કારણ કે તેઓ પોતાના ધર્મ અને દેવાલયના રક્ષક પણ હતા. સોમનાથ જોકે એક સમયે તૂટી પડ્યું હશે, પરંતુ તેની રક્ષા માટે લડનારાઓની ગાથા તૂટી નથી. સદીઓ પછી પણ ઇતિહાસનાં પાનાંમાંથી એ જ અવાજ આવે છે કે તેઓ ભજન ગાતા બેઠા નહોતા. તેઓ લડ્યા હતા અને અંતિમ માણસ જીવતો રહ્યો ત્યાં સુધી લડ્યા હતા.
સંદર્ભ સૂચિ:
- મુહમ્મદ નાઝિમ- ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ સુલતાન મહમૂદ ઑફ ગઝના
- એલિયટ અને ડાઉસન-ધ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા એઝ ટોલ્ડ બાય ઇટ્સ ઓન હિસ્ટોરિયન્સ
- ઝકરીયા અલ-કઝવિની- આસારુલ-બિલાદ વલ-અખબારુલ-ઇબાદ
- અલ-બેરુની- કિતાબ અલ-હિંદ
- ગાર્દીઝી- ઝૈન અલ-અખબાર
- ઇબ્ન અલ-અથીર- અલ-કામિલ ફી અલ-તારીખ
- આર.સી. મજુમદાર-ધ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઑફ ધ ઇન્ડિયન પીપલ
- બ્રિગ્સ- હિસ્ટ્રી ઑફ ધ રાઇઝ ઑફ ધ મહોમેડન પાવર ઇન ઇન્ડિયા ટિલ એ.ડી. 1612, વોલ્યુમ 1
- કે.એમ. મુનશી- સોમનાથ: ધ શ્રાઇન ઇટર્નલ સંદીપ બાલકૃષ્ણ — ઇન્વેડર્સ એન્ડ ઇન્ફિડેલ્સ, ‘ધ તુરુષ્કા બાર્બેરિયન…’


