મમતા બેનર્જી સામે કોલકાતામાં FIR, હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ

પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ હાઇકોર્ટના એક આદેશનું ઉલ્લંઘન કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે.

શુક્રવારે (28 ઑગસ્ટ) કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ ‘તૃણમૂલ કોંગ્રેસ છાત્રપરિષદ’ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટે આ રેલી માટે પરવાનગી તો આપી હતી પરંતુ સાથે શરત મૂકવામાં આવી હતી કે રેલી દરમ્યાન રસ્તાનો એક ભાગ ખુલ્લો રાખવામાં આવે.

રેલી બાદ કોલકાતા પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને મમતા બેનર્જી અને રેલીના આયોજક ટીએમસી નેતાઓ સામે FIR દાખલ કરી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે હાઇકોર્ટના આદેશ છતાં રસ્તો રોકી લેવાયો હતો અને એક ભાગ ખુલ્લો નહતો રહ્યો.

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમો 61(2) (ગુનાહિત કાવતરું), 223 (પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન), 125(a) (અન્યોના જીવ જોખમમાં મૂકવા), 132 (જાહેર સેવકની ફરજમાં રૂકાવટ) અને 285 (જાહેર સ્થળોએ લોકો સામે જોખમ ઊભું કરવું) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે કોર્ટના આદેશના ઉલ્લંઘન બદલ ગુનો નોંધવામાં આવ્યો છે અને જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે.

પોલીસનું એમ પણ કહેવું છે કે નિયત સમયમર્યાદા કરતાં વધુ સમય સુધી કાર્યક્રમ લંબાવાયો હતો, જે પણ એક આદેશનું ઉલ્લંઘન છે.