વેનેઝુએલાના 65 અબજ બેરલ ક્રૂડ ઓઇલ પર હવે અમેરિકાનું નિયંત્રણ: ટ્રમ્પ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા સાથે વિશ્વના ઇતિહાસની સૌથી મોટી તેલ ડીલ કરવાની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ અમેરિકાને વેનેઝુએલાના વિશાળ ક્રૂડ ઓઇલના ભંડાર સુધી પહોંચ મળશે અને અમેરિકન કંપનીઓ ખાનગી ભાગીદારીથી આ તેલ ઉત્પાદન પર નિયંત્રણ મેળવી શકશે. આ જાહેરાત ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરી હતી.

ટ્રમ્પના કહેવા અનુસાર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથની વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે સતત વાટાઘાટો બાદ આ ઐતિહાસિક સમજૂતી કરવામાં આવી છે. આ ડીલથી અમેરિકાના કરદાતાઓ પર કોઈ આર્થિક બોજ નહીં પડે અને અમેરિકાના ઓઇલ રિઝર્વમાં બમણો વધારો થશે.

વેનેઝુએલા સરકારના નિવેદન અનુસાર, આ કરારમાં દેશના 17 મુખ્ય તેલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમાં અંદાજે 65 અબજ બેરલ ક્રૂડ ઓઇલનો ભંડાર છે. આ યોજનાથી વેનેઝુએલાના એનર્જી સેક્ટરમાં $100 અબજથી વધુનું ખાનગી રોકાણ આવવાની શક્યતા છે, જે દેશની ખોરવાયેલી અર્થવ્યવસ્થાને નવી દિશા આપશે.

નવી વ્યવસ્થા હેઠળ, અમેરિકા એક ખાનગી ઓપરેટર સાથે મળીને નવી કંપની બનાવશે, જે આગામી 100 વર્ષ સુધી આ ઓઇલ ફીલ્ડ્સ વિકસાવવાના અધિકારો હશે. આ કંપનીમાંથી ઉત્પાદિત તેલનો 55% હિસ્સો અથવા તેલને ‘એટ-કોસ્ટ’ (પડતર કિંમતે) ખરીદવાનો અધિકાર અમેરિકા પાસે રહેશે.

અમેરિકામાં હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશે પહોંચ્યા છે અને સામાન્ય જનતા પર તેનો મોટો આર્થિક બોજ પડી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ તંત્રનો દાવો છે કે આ કરારથી અમેરિકામાં ફ્યુઅલ સપ્લાય વધશે, જેના કારણે લાંબા ગાળે ગેસોલિન અને ફ્યુઅલના દરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

જોકે, ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે પેટ્રોલના ભાવ તુરંત ઘટે તેવી શક્યતા ઓછી છે. વેનેઝુએલાનું ઓઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ષોથી જર્જરીત હાલતમાં છે. ઉત્પાદન વધારવા અને રિફાઇનરી ક્ષમતા સુધારવા માટે અબજો ડોલરના રોકાણ અને કેટલાંક વર્ષોના સમયની જરૂર પડશે.

આ કરાર વેનેઝુએલામાં થયેલી મોટી રાજકીય હલચલ બાદ સામે આવ્યો છે, જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ નવી વચગાળાની સરકાર રચાઈ હતી. હવે આ કરારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધરશે તેમજ વૈશ્વિક તેલ બજારમાં પણ તેની મોટી અસર જોવા મળશે.