હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજે દિવસે આખું ભારત રક્ષાબંધન ઉજવે છે, એ દિવસે પાલીવાલ બ્રાહ્મણો તર્પણ...

જે દિવસે આખું ભારત રક્ષાબંધન ઉજવે છે, એ દિવસે પાલીવાલ બ્રાહ્મણો તર્પણ કેમ કરે છે? ઇસ્લામી આક્રમણ-ગૌહત્યા અને બલિદાનનો 700 વર્ષ જૂનો ઇતિહાસ

આખું ભારત રક્ષાબંધન ઉજવે છે. પાલીવાલો એ જ દિવસે પોતાના પૂર્વજોને યાદ કરે છે. સાત સદીથી આ પરંપરા એક જ વાત કહી રહી છે કે કેટલાક તહેવારો કેલેન્ડરમાં આવે છે, પરંતુ કેટલીક તારીખો ઇતિહાસ બનીને માણસની સ્મૃતિમાં જીવતી રહે છે.

- Advertisement -

રક્ષાબંધન આવે એટલે ભારતના ઘરોમાં એક ખાસ ચહલપહલ ઊભી થાય. બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે, કપાળે કંકુ કરે, મીઠાઈ ખવડાવે અને ભાઈના લાંબા આયુષ્યની કામના કરે. બજારોમાં રંગબેરંગી રાખડીઓ દેખાય, ઘરમાં હાસ્ય સંભળાય અને શ્રાવણની પૂર્ણિમા ભાઈ-બહેનના સ્નેહના તહેવાર તરીકે ઉજવાય.

પરંતુ રાજસ્થાનના પાલીવાલ બ્રાહ્મણોના ઘરમાં આ દિવસે દૃશ્ય કંઈક જુદું હોય છે. અહીં રાખડીના થાળ સજતા નથી. બહેન ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધતી નથી. મીઠાઈ વહેંચાતી નથી. તેના બદલે પૂર્વજોના નામે તર્પણ થાય છે, પ્રાર્થના થાય છે અને સાત સદીથી પણ જૂની એક એવી સ્મૃતિને ફરી જીવંત કરવામાં આવે છે, જેને સમય પણ ભૂંસી શક્યો નથી.

આખું ભારત જે દિવસને રક્ષાબંધન તરીકે ઓળખે છે, પાલીવાલ બ્રાહ્મણો માટે એ જ શ્રાવણ પૂર્ણિમા બલિદાન અને શોકનો દિવસ છે. આ કોઈ ગઈકાલે ઊભી થયેલી પરંપરા નથી. વિક્રમ સંવત 1348, એટલે કે તેરમી સદીના અંતમાં બનેલી એક રક્તરંજિત ઘટનાએ આ દિવસનો અર્થ જ બદલી નાખ્યો હતો.

- Advertisement -

એક ઈંટ અને એક રૂપિયાથી વસતું હતું પાલી

આ વાત સમજવા માટે પહેલાં પાલી જવું પડે. એ પાલી, જે આજે રાજસ્થાનના નકશા પર એક શહેર અને જિલ્લાનું નામ છે, પરંતુ સાત-આઠ સદી પહેલાં અહીં પાલીવાલ બ્રાહ્મણોની એવી સમૃદ્ધ વસાહત હતી કે તેની સમૃદ્ધિના કિસ્સા દૂર સુધી પહોંચતા હતા. પાલીવાલ સમાજના વર્ણનોમાં આવે છે કે અહીં વસતા બ્રાહ્મણો સંપન્ન તો હતા જ, સાથે એકબીજાને ઊભા કરવામાં પણ એટલા જ ઉદાર હતા.

બહારથી કોઈ બ્રાહ્મણ આવીને પાલીમાં વસવા માગે તો તેને એક ઈંટ અને એક રૂપિયો આપીને ઘર ઊભું કરવા અને રોજગાર શરૂ કરવામાં મદદ કરવામાં આવતી. એક ઈંટ અને એક રૂપિયો આજે સાંભળીએ તો નાની વાત લાગે, પરંતુ એ સમયના સામાજિક સહકાર અને સમૃદ્ધિની કલ્પના કરવા માટે આ એક જ વિગત પૂરતી છે. વેપાર-વ્યવસાયમાં આગળ રહેલા આ લોકો માટે પાલી માત્ર રહેવાનું સ્થળ નહોતું, એ તેમનું ઘર, તેમની ઓળખ અને તેમની સમૃદ્ધિનું કેન્દ્ર હતું. સમય જતાં અહીં વસતા ગૌડ બ્રાહ્મણો પાલીમાં વસવાટને કારણે પાલીવાલ તરીકે ઓળખાવા લાગ્યા.

સમૃદ્ધિની પોતાની એક કિંમત હોય છે. જે નગરમાં ધન હોય ત્યાં લૂંટારુની નજર પણ પહોંચે. પાલીની આસપાસના વિસ્તારોમાંથી થતી લૂંટફાટથી કંટાળીને પાલીવાલોના આગેવાનોએ રાઠોડ શાસક રાવ સીહાની મદદ માગી. તેમની રક્ષા માટે રાઠોડો સાથેનો સંબંધ આગળ વધ્યો અને પાલી તથા પાલીવાલોની સુરક્ષા રાજપૂત યોદ્ધાઓ સાથે જોડાઈ. રાવ સીહા પછી તેમના પુત્ર આસ્થાન સાથે જોડાયેલી કથા પણ આ જ સમયના સંઘર્ષમાં આવે છે.

પરંતુ હવે જોખમ માત્ર આસપાસના લૂંટારુઓનું નહોતું. દિલ્હી સલ્તનતની નજર રાજસ્થાનના સમૃદ્ધ પ્રદેશો તરફ હતી અને ખિલજીની ઇસ્લામી સેના પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહી હતી. પાલીવાલોની પરંપરા આ જ સમયને પોતાની સૌથી મોટી આપત્તિ સાથે જોડે છે. સમૃદ્ધ પાલી હવે માત્ર એક વસાહત નહોતું, તે એવી જગ્યા હતી જ્યાં સંપત્તિ હતી, સ્વાભિમાન હતું અને પોતાની રીતે જીવતો એક સંગઠિત સમાજ હતો અને પછી એ નગર પર ખિલજીની ઇસ્લામી સેનાનો પડછાયો પડ્યો.

પાલી પર તૂટી પડી ખિલજીની ઇસ્લામી સેના

તેરમી સદીનો અંત. દિલ્હીની ગાદી પર જલાલુદ્દીન ફિરોઝ ખિલજી હતો. ખિલજી વંશના આ શાસકના સમયમાં દિલ્હી સલ્તનતનું ઇસ્લામી સૈન્ય રાજસ્થાન તરફ પણ આગળ વધી રહ્યું હતું. પાલીવાલ સમાજની સ્મૃતિમાં સમૃદ્ધ પાલી પર ખિલજીની ઇસ્લામી સેના તૂટી પડી. પોતાના ઘર, પરિવાર અને ધર્મની રક્ષા માટે પાલીવાલો પણ યુદ્ધમાં ઊતર્યા. રાવ આસ્થાન સાથેની કથામાં પણ ખિલજીની સેનાની સામેના યુદ્ધનો ઉલ્લેખ મળે છે.

શ્રાવણની પૂર્ણિમા હતી. ઘરોમાં રક્ષાબંધનની તૈયારી હતી. પરંતુ પાલીમાં જે બનવાનું હતું એ પછી આ દિવસ ક્યારેય પહેલાં જેવો રહેવાનો નહોતો. પાલીવાલ સમાજની સ્મૃતિમાં એ દિવસ યુદ્ધનો દિવસ બનીને રહ્યો. પોતાના ઘર અને ધર્મની રક્ષા માટે બ્રાહ્મણો મેદાનમાં ઊતર્યા. રક્ષાબંધનના દિવસે કેસરિયો ધારણ કરીને યુદ્ધમાં જવાની અને મોટી સંખ્યામાં પાલીવાલ બ્રાહ્મણોના બલિદાનની વાત આજે પણ સમાજની સ્મૃતિનો ભાગ છે.

કેટલીક જગ્યાએ આ યુદ્ધને દિવસો સુધી ચાલેલું ભીષણ યુદ્ધ કહેવામાં આવે છે. તલવારો સામે તલવારો હતી, પરંતુ સામેની સેના માત્ર લૂંટવા આવી હતી એટલું જ નહોતું. પાલીવાલો માટે તો આ પોતાના ઘર અને પોતાના અસ્તિત્વની લડાઈ બની ગઈ હતી. પરિણામે પાલીની ધરતી પર એટલું લોહી વહ્યું કે આવતી પેઢીઓ માટે શ્રાવણની પૂર્ણિમા પોતે જ એક સ્મારક બની ગઈ.

ગાયો કાપીને પાણી પણ અપવિત્ર કરી નાખ્યું

પણ આ યુદ્ધની કથા માત્ર તલવાર અને રક્તપાત સુધી અટકતી નથી. આક્રમણની સૌથી ભયાનક વાત એ છે કે જ્યારે યુદ્ધથી પણ પાલીને ઝુકાવી ન શકાયું ત્યારે જીવનના મૂળ પર જ ઘા કરવામાં આવ્યો. પાલીનું પાણી. લોડિયા તળાવને પાલીના મહત્વના જળસ્રોત તરીકે યાદ કરવામાં આવે છે. ઇસ્લામી સેનાએ ગાયો કાપીને તેમના મૃતદેહો પીવાના જળસ્રોતમાં નાખી દીધા. પાણી હવે પાણી રહ્યું નહીં. તરસ્યા માણસ માટે જે તળાવ જીવન હતું, તે જ તળાવ અશુદ્ધિ અને વિનાશનું પ્રતીક બની ગયું.

એક બ્રાહ્મણ સમાજ માટે આ માત્ર જળસ્રોતનો નાશ નહોતો. ગાયના મૃતદેહો પાણીમાં નાખવાની ઘટના ધાર્મિક અપમાન સાથે પણ જોડાયેલી હતી. યુદ્ધમાં હથિયારથી માણસને મારી શકાય, પરંતુ પાણીમાં ગાયોના મૃતદેહ નાખીને આખા નગરના જીવનને ઘૂંટણિયે લાવી શકાય, આ ક્રૂરતા પાલીવાલોની પેઢીઓ જૂની સ્મૃતિમાં આજે પણ એટલી જ તીક્ષ્ણ છે.

એક નગરને તલવારથી હરાવવું એક વાત છે. પરંતુ જે પાણીથી નગર જીવે છે એને પણ અસ્પૃશ્ય બનાવી દેવું અલગ વાત છે. પાલીવાલો સામે હવે પ્રશ્ન માત્ર અહીં રહેવું કે નહીં?નો નહોતો. પ્રશ્ન એ હતો કે આ જમીન પર ફરી કેવી રીતે જીવવું?

જનોઈ અને બંગડીઓનો એ હિસાબ

પછી આવે છે આ ઇતિહાસનો એ ભાગ, જેને સાંભળ્યા-વાંચ્યા પછી જનોઈ અને બંગડી ક્યારેય માત્ર જનોઈ અને બંગડી લાગતાં નથી. યુદ્ધ પછી મૃત બ્રાહ્મણ પુરુષોના શરીર પરથી ઉતારવામાં આવેલા જનોઈ અને જૌહર કરનાર સ્ત્રીઓની બંગડીઓનો મોટો જથ્થો ઇતિહાસમાં લખાયેલો છે. એક અહેવાલમાં પુરુષોના જનોઈનું વજન 50 કિલો અને સ્ત્રીઓની બંગડીઓનું વજન 3,340 કિલો જણાવવામાં આવ્યું છે, જ્યારે અન્ય પાલીવાલ વર્ણનોમાં જનોઈના 9 મણ અને બંગડીઓના 84 મણનો ઉલ્લેખ મળે છે.

આ આંકડાઓની પાછળના દૃશ્યની કલ્પના કદાચ વધુ મહત્વની છે. એક જનોઈ એટલે એક માણસ. કોઈનો પતિ, કોઈનો ભાઈ, કોઈનો પુત્ર. એક બંગડી એટલે એક સ્ત્રી. કોઈની પત્ની, કોઈની બહેન, કોઈની દીકરી. મણોમાં માપવામાં આવેલ જનોઈ અને બંગડીઓનો આ જથ્થો કોઈ સામાન્ય યુદ્ધની લૂંટનો હિસાબ નહોતો, એ એક આખા સમાજના ઘરોમાં પડેલા શોકનો હિસાબ હતો. પાલીવાલ સમાજની સ્મૃતિમાં આ પવિત્ર જનોઈ અને બંગડીઓ સાથે જોડાયેલું સ્મારકસ્થાન આજે પણ આ બલિદાનની યાદ સાથે સંકળાયેલું છે. રક્ષાબંધનના દિવસે ત્યાં જઈને પૂર્વજોને તર્પણ કરવાની પરંપરા પણ જીવંત છે.

પાલી છૂટ્યું, પણ શ્રાવણની એ પૂનમ નહીં

આ બધું બન્યા પછી પાલીમાં રહી ગયેલા પાલીવાલોએ એક નિર્ણય લેવો પડ્યો. જે શહેરે પેઢીઓથી તેમને ઉછેર્યા હતા, જે બજારોમાં તેમની સમૃદ્ધિની ચર્ચા થતી હતી, જે પાણીથી તેમના ઘરો જીવતાં હતાં, એ જ પાલી હવે લોહી, ધુમાડા અને વિનાશની યાદ બની ગયું હતું. બચેલા પાલીવાલોએ પાલી છોડ્યું. કેટલાક જૈસલમેર તરફ ગયા, કેટલાક જોધપુર અને બીજા પ્રદેશોમાં વસ્યા અને સમય જતાં પાલીવાલ સમાજ રાજસ્થાનની બહાર પણ ફેલાયો. જૈસલમેરમાં તેમની વસાહતોનું એક વિશાળ જાળું ઊભું થયું અને 84 ગામો સાથે જોડાયેલી પાલીવાલોની ઓળખ આજે પણ જાણીતી છે.

પરંતુ માણસ જ્યારે ઘર છોડે છે ત્યારે બધું પાછળ નથી છોડી શકતો. કેટલીક વસ્તુઓ સાથે આવે છે. કુળદેવ આવે છે. આસ્થા આવે છે. ભાષા આવે છે. સ્મૃતિ આવે છે અને કેટલીક તારીખો પણ આવે છે. પાલીવાલો સાથે શ્રાવણની એ પૂર્ણિમા આવી. પછી નિર્ણય થયો કે આ દિવસ ફરી ઉત્સવનો નહીં બને. રાખડી નહીં બંધાય. પૂર્વજોને યાદ કરવામાં આવશે. તર્પણ થશે. ધર્મ અને સ્વાભિમાન માટે જીવ ગુમાવનારા લોકોને યાદ કરવામાં આવશે.

સાત સદીથી રાખડી નહીં, તર્પણ

આથી જ રક્ષાબંધનના દિવસે પાલીવાલ બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધતી નથી. આખા દેશમાં જ્યાં બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે ત્યાં પાલીવાલ સમાજ પોતાના પૂર્વજોને યાદ કરે છે. તર્પણ કરે છે. પ્રાર્થના કરે છે. બલિદાન આપનારાઓને નમન કરે છે. સાત સદીથી વધુ સમય માણસની સ્મૃતિને ઘસાઈ જવા માટે પૂરતો હોય છે. એક પેઢી જાય, બીજી આવે, ભાષા બદલાય, શહેરો બદલાય, જીવન બદલાય, પરંતુ કેટલીક તારીખો ઘરની દિવાલ પર નહીં, લોહીમાં લખાયેલી હોય છે. પાલીવાલો માટે શ્રાવણની પૂર્ણિમા એવી જ એક તારીખ છે.

આ પરંપરાનો અર્થ સમજવો હોય તો એક ક્ષણ માટે આજના રક્ષાબંધનથી નજર હટાવવી પડે. રાખડી મૂળે રક્ષણનું પ્રતીક છે. પરંતુ પાલીવાલોની સ્મૃતિમાં રક્ષણની એ જ વાત એક અલગ રૂપ લઈ લે છે. તેમના પૂર્વજો પોતાના ઘર અને ધર્મની રક્ષા કરતા મર્યા. એટલે તેમના વંશજો માટે એ દિવસ કોઈ ઉત્સવ કરતાં પૂર્વજોના ઋણનું સ્મરણ બની ગયો. આ જ કારણ છે કે સદીઓ પસાર થયા પછી પણ રક્ષાબંધન તેમના માટે સામાન્ય તહેવાર બની શક્યું નથી.

સોમનાથ સાથેની આસ્થા અને પાછા ફરતાં પગલાં

પાલીવાલોની ઇતિહાસ માત્ર વિનાશની વાત નથી. તેમની ઓળખમાં સોમનાથ મહાદેવનું પણ આગવું સ્થાન છે. પાલીના સોમનાથ મહાદેવ મંદિર સાથે પાલીવાલોનો જૂનો સંબંધ રહ્યો છે. પાલીવાલોની પરંપરામાં સોમનાથને ઇષ્ટદેવ તરીકે માનવામાં આવે છે. આસ્થા માણસ સાથે સ્થળાંતર કરે છે, ઘર છૂટી જાય, પરંતુ દેવતા છૂટતા નથી.

સદીઓ પહેલાં પાલી છોડનારાઓની પેઢીઓ હવે દેશના જુદા-જુદા ભાગોમાં વસે છે. મોટાભાગના પાલીવાલો હાલ સૌરાષ્ટ્રમાં રહે છે, તેમ છતાં પાલી સાથેનો સંબંધ સંપૂર્ણપણે તૂટ્યો નહીં. આજે પણ એવું કહેવાય છે કે પાલી બ્રાહ્મણો પાલીનું પાણી નથી પીતા, કારણ કે એક સમયે એ જ પાણીમાં ગૌવંશના મૃતદેહો અને રક્ત પડ્યાં હતાં.

જોકે, હવે કેટલાક પાલીવાલ પરિવારો હવે પાલી તરફ પાછા વળી રહ્યા છે. આ દૃશ્યમાં એક અજબ પૂર્ણતા છે. જે સમાજ ક્યારેક પાલી છોડીને જીવ બચાવવા નીકળ્યો હતો, એની પેઢીઓ પછી ફરી એ જ શહેર તરફ પાછી નજર કરે છે. ઘર છોડવું સહેલું નથી. ઘર પાછું શોધવું કદાચ એથી પણ અઘરું છે. પણ સ્મૃતિમાં સાચવેલું ઘર ક્યારેય આખું ખોવાતું નથી.આજે પણ પાલીવાલોની શ્રાવણ પૂર્ણિમા એ વાતની સાક્ષી છે.

આખું ભારત રાખડી બાંધશે, પાલીવાલો તર્પણ કરશે

આ વર્ષે પણ રક્ષાબંધન ઉજવાઇ રહ્યું છે. દેશના મોટાભાગના ઘરોમાં બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધશે. કપાળે કંકુ થશે, મીઠાઈ વહેંચાશે અને ભાઈના સુખ-સલામત જીવન માટે પ્રાર્થના થશે અને એ જ દિવસે પાલીવાલ બ્રાહ્મણોના ઘરમાં પૂર્વજોના નામે જળ અર્પાશે. ત્યાં રાખડી નહીં હોય, પરંતુ રક્ષણની વાત હશે.

ત્યાં ઉત્સવ નહીં હોય, પરંતુ પોતાના લોકો માટેનું ઋણ હશે. ત્યાં ભાઈના કાંડા પર દોરો નહીં બંધાય, પરંતુ સાત સદી જૂની સ્મૃતિને તર્પણના જળથી ફરી જીવંત કરવામાં આવશે. રક્ષાબંધનનો અર્થ રક્ષણ છે. પાલીવાલોની શ્રાવણ પૂર્ણિમા પણ રક્ષણનો જ ઇતિહાસ છે, ફરક એટલો છે કે તેમના પૂર્વજોએ પોતાના ઘર, ધર્મ અને સ્વાભિમાનની રક્ષા કરતા પોતાના પ્રાણ આપ્યા અને પાછળ રહી ગયેલા લોકોએ એ બલિદાનને ભૂલવાનું સ્વીકાર્યું નહીં.

આખું ભારત રક્ષાબંધન ઉજવે છે. પાલીવાલો એ જ દિવસે પોતાના પૂર્વજોને યાદ કરે છે. સાત સદીથી આ પરંપરા એક જ વાત કહી રહી છે કે કેટલાક તહેવારો કેલેન્ડરમાં આવે છે, પરંતુ કેટલીક તારીખો ઇતિહાસ બનીને માણસની સ્મૃતિમાં જીવતી રહે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં