
રાજધાની દિલ્હીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરતા એક દંપતીને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે પકડી પાડ્યું છે. પતિની ઓળખ મોહમ્મદ સાહિલ અને પત્નીની ઓળખ સમીરા તરીકે થઈ છે. બંને પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતાં અને ભારતીય સિમકાર્ડ સરહદપાર પહોંચાડવાનું અને ભારતમાં સેનાનાં અગત્યનાં ઠેકાણાંની રેકી કરવાનું અને માહિતી પાકિસ્તાની હેન્ડલરોને પહોંચાડવાનું કામ કરતાં હતાં.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે NCRમાં પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્ક સ્લીપર સેલ અને આતંકી સંગઠનોના મોડ્યુલને લોજિસ્ટિક સહાય પૂરી પાડી રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડીને પહેલાં સાહિલની અટકાયત કરી હતી. ત્યારબાદ પૂછપરછ અને ફોનની ફોરેન્સિક તપાસમાં તેની પત્ની સમીરા પણ સામેલ હોવાનું ખૂલ્યું હતું.
સમીરાએ જ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્ક કરાવ્યાનો ખુલાસો
તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ ઉત્તર પ્રદેશના બદાંયુનો રહેવાસી મોહમ્મદ સાહિલ વર્ષ 2024માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામથી પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં આવ્યો હતો. સાહિલ અને સમીરાનો પરિચય 2022માં થયો હતો અને બાદમાં તેમણે નિકાહ કર્યાં હતાં. કહેવાય રહ્યું છે કે સમીરાએ જ સાહિલને પાકિસ્તાની હેન્ડલર્સ જોડ્યો હતો. પાકિસ્તાની એજન્ટોએ આ દંપતીને પૈસાની લાલચ આપી હતી.
દંપતીએ 8 ભારતીય સિમ કાર્ડ ખરીદ્યાં હતાં, જે દિલ્હીથી દુબઈ (UAE) મારફતે પાકિસ્તાન મોકલવામાં આવ્યાં હતાં, જે માટે પાકિસ્તાની હેન્ડલર્સે તેમને ₹30,000 ચૂકવ્યા હતા. આ સિમકાર્ડની મદદથી પાકિસ્તાનમાં ભારતીય નંબરો પર વોટ્સએપ અકાઉન્ટ ચલાવવામાં આવતાં અને તેનો ઉપયોગ ભારતના સોશિયલ મીડિયા નેટવર્કમાં ઘૂસણખોરી કરવા માટે અને લોકોનો સંપર્ક કરવા માટે થતો હતો.
Delhi Police Special Cell has arrested a young couple and busted an ISI-backed Pakistan-based espionage module. Police said Md. Sahil and his wife Sameera came in contact with Pakistani intelligence operatives through social media in 2024. The couple allegedly sent eight Indian… pic.twitter.com/HbT2lRL4gC
— IANS (@ians_india) August 28, 2026
સૈન્ય કેન્ટોનમેન્ટ વિસ્તારોની રેકીનું કામ
પાકિસ્તાની ISIના હેન્ડલરોએ મોહમ્મદ સાહિલને ભારત દેશના વિવિધ રાજ્યોમાં આવેલા સૈન્ય કેન્ટોનમેન્ટ વિસ્તારોની રેકી કરવાનું કામ સોંપ્યું હતું. આ સિવાય, તેને ભારતીય સંરક્ષણ ક્ષેત્ર અને લશ્કરી પ્રવૃત્તિઓની ગોપનીય વિગતો એકત્ર કરીને પાકિસ્તાન મોકલવા તેમજ જાસૂસી કામગીરી અને દેશવિરોધી ષડયંત્ર માટે ભારતના સ્થાનિક યુવકોને લાલચ આપીને નેટવર્કમાં ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે સાહિલને ભારતીય સેનાના એવા કર્મચારીઓ કે જેમની સામે આર્મી ટ્રિબ્યુનલ સમક્ષ કોર્ટ માર્શલની કાર્યવાહી ચાલી રહી હોય અથવા પેન્ડિંગ હોય, તેમની ગોપનીય વિગતો અને કેસની માહિતી એકત્ર કરીને પાકિસ્તાન મોકલવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ISIનો હેતુ આવા કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવીને ભારત સામે જાસૂસી કરાવવાનો હતો.
પાકિસ્તાની ગુપ્તચરો સાથે વાતચીતના ઓડિયો
દિલ્હી પોલીસે દંપતી પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ફોનની ટેકનિકલ અને ફોરેન્સિક તપાસ દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે થયેલી વાંધાજનક ચેટ્સ, ઓડિયો મેસેજ અને ભારતમાં ફેલાયેલા તેમના સંપર્કો અંગેના પુરાવા મળી આવ્યા છે. સ્પેશિયલ સેલના જણાવ્યા મુજબ, બંનેના મોબાઇલ ફોનમાંથી કરાચી અને ઇસ્લામાબાદમાં બેઠેલા પાકિસ્તાની એજન્ટો સાથેના સીધા તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
આરોપી મોહમ્મદ સાહિલ IGNOUમાંથી B.A. ગ્રેજ્યુએટ થયેલો છે અને તે અગાઉ એક વકીલ સાથે કામ કરતો હતો તથા LLB કરવાનો દાવો કરતો હતો, પણ જૂન 2025થી બેરોજગાર હતો. જ્યારે તેની પત્ની 21 વર્ષીય સમીરા પણ યુપીના બિજનૌરની વતની છે અને તે નોઇડાના એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી. ધરપકડ બાદ પોલીસ હવે ભારતમાં રહેલા તેમના અન્ય સ્થાનિક સંપર્કો, સિમ કાર્ડ પૂરા પાડનારા મદદગારો અને અન્ય સ્લીપર સેલને શોધવા કરી રહી છે.

