
દાગીનાની જાણીતી બ્રાન્ડ GIVAએ રક્ષાબંધન નિમિત્તે રજૂ કરેલી પોતાની નવી વિવાદિત જાહેરાત ભારે વિરોધ અને જનતાના આક્રોશ બાદ તમામ સોશિયલ મીડિયા અને મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લીધી છે. બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનન ફીચર થયેલી આ જાહેરાતમાં દર્શાવવામાં આવેલાં અશોભનીય કપડાં અને હિંદુ પરંપરાઓની મજાક ઉડાવતી પદ્ધતિ સામે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
હિંદુ સંસ્કૃતિ અને પવિત્ર તહેવારોની ગરિમાને કચડીને ‘લિબરલ’ અને ‘વૉક’ એજન્ડા સેટ કરવા માટે કરવામાં આવેલા આ પ્રયોગ સામે સોશિયલ મીડિયા પર સનાતનીઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. વ્યાપક વિરોધ અને બ્રાન્ડના બહિષ્કારના વલણને ધ્યાનમાં રાખીને બ્રાન્ડે ઈન્સ્ટાગ્રામ પર સત્તાવાર નિવેદન જાહેર કરીને જાહેરાત હટાવવાનો નિર્ણય લેવો પડ્યો છે.
GIVAએ સ્પષ્ટતા કરતાં લખ્યું કે, “અમે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને તહેવારોનું ખૂબ જ સન્માન કરીએ છીએ. એક બ્રાન્ડ તરીકે, અમે હંમેશા સમગ્ર પરિવાર સાથે આ ખુશીના પ્રસંગો ઉજવવામાં માનીએ છીએ અને આ વખતે અમે અમારા પાલતુ પ્રાણીઓને પણ આ ઉજવણીમાં સામેલ કરવા માગતા હતા.”
GIVA removes its Raksha Bandhan ad featuring actress Kriti Sanon.
— ANI (@ANI) August 26, 2026
GIVA — "We have the highest regard and deep respect for Indian culture, traditions and festivals. As a brand, we have always believed in celebrating these joyous moments with the entire family and this time we… pic.twitter.com/eTWv4Ax0uR
બ્રાન્ડે આગળ લુચ્ચું બહાનું બનાવતા ઉમેર્યું કે, “જો અમારી તાજેતરની જાહેરાતથી અજાણતામાં સમાજના કોઈ વર્ગની લાગણી દુભાઈ હોય તો અમારો એવો કોઈ ઈરાદો બિલકુલ નહોતો. લોકોના સન્માન ખાતર અમે આ જાહેરાતને તમામ પ્લેટફોર્મ પરથી પાછી ખેંચી રહ્યા છીએ.” આ સાથે જ વિરોધનો સામનો ન કરી શકતા બ્રાન્ડે પોતાની આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું છે.
આ સમગ્ર વિવાદ જાહેરાત લાઈવ થયા બાદ શરૂ થયો હતો. રક્ષાબંધન જેવા પવિત્ર અને મર્યાદાવાળા હિંદુ તહેવારની જાહેરાતમાં ક્રિતી સેનન બિકીની/ઇનરવેર જેવા કપડાંમાં દેખાઈ હતી. જેના કારણે ભારે વિરોધ થયો હતો અને લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે હિંદુ તહેવારો વખતે જ શા માટે આવી હલકી માનસિકતા દર્શાવવામાં આવે છે?
વિરોધ થતાં જ પોતાની ભૂલ સ્વીકારવા કે હિંદુઓની ભાવનાઓ સમજીને માફી માંગવાને બદલે અભિનેત્રી ક્રિતી સેનને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જ્ઞાન પીરસતાં લખ્યું હતું કે, “તહેવારોનું મહત્વ તમે કયા કપડાં પહેરો છો તેમાં નથી, પરંતુ તમે પરંપરાઓ માટે કેવા ભાવ રાખો છો તેમાં છે. રક્ષાબંધન એ રક્ષણનું બંધન છે.”

આગળ ક્રિતી સેનને કપડાંના આ ગંભીર મુદ્દાને ‘વુમન એમ્પાવરમેન્ટ’ અને મહિલાઓના પહેરવેશ સાથે જોડીને મુખ્ય મુદ્દાને ભટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેણે લખ્યું કે, “મહિલાઓનું સંસ્કૃતિ પ્રત્યેનું સન્માન માત્ર કપડાંથી માપવામાં આવે છે. સંસ્કૃતિ અને પરંપરાઓ તેના હૃદયમાં હોય છે, નેકલાઇનમાં નહીં.”
હકીકતમાં બોલિવૂડ ક્યારેય અન્ય ધર્મોના તહેવારો વખતે આવી ‘આધુનિકતા’ કે ‘સ્વતંત્રતા’ બતાવવાની હિંમત નથી કરતું. ફક્ત હિંદુ તહેવારો આવે ત્યારે જ આ કલાકારો અને કોર્પોરેટ બ્રાન્ડ્સને જ્ઞાન પીરસવાનું અને પરંપરાઓને તોડવા-મરોડવાનું ભૂત સવાર થાય છે.
આ સમગ્ર મામલે સાંસદ કંગના રણૌતે પણ ક્રિતી સેનન અને જાહેરાતના નિર્માતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આજના સમયમાં મહિલાઓ પાસે કોકટેલ ડ્રેસથી લઈને લહેંગા ચૌલી, જીન્સથી લઈને સાડી અને બિકીની સુધીના તમામ વિકલ્પો ઉપલબ્ધ છે. તો પછી ભાઈને રાખડી બાંધતી વખતે આવાં કપડાં પસંદ કરવાનો અર્થ શું? આ જાહેરાત જાણી જોઈને વિકૃત બનાવવામાં આવી હોય તેવું લાગે છે.”

સોશિયલ મીડિયા પર જાગૃત નાગરિકોએ ક્રિતી સેનન અને GIVAને યાદ અપાવ્યું હતું કે તહેવારોની પોતાની એક ગરિમા અને મર્યાદા હોય છે, જેને ફેશન અને આધુનિકતાના નામે કચડી શકાય નહીં. બોલિવૂડની આ આદત બની ગઈ છે કે હિંદુ તહેવારો અને દેવી-દેવતાઓની મજાક ઉડાવવી અને જ્યારે દેશનો હિંદુ સમાજ એક થઈને વિરોધ કરે ત્યારે ‘વિક્ટિમ કાર્ડ’ રમીને હિંદુઓને જ સંકુચિત માનસિકતાવાળા દર્શાવવા.
અંતે જનતાના આક્રોશ આગળ બ્રાન્ડ અને ક્રિતી સેનન જેવા કલાકારોએ ઝૂકવું પડ્યું છે અને જાહેરાત પાછી ખેંચવી પડી છે. આ ઘટનાએ તમામ એડવર્ટાઇઝિંગ કંપનીઓ અને બોલિવૂડ સેલેબ્સને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સનાતન સંસ્કૃતિ અને હિંદુ ભાવનાઓ સાથે રમત કરવાનો જમાનો હવે પૂરો થઈ ગયો છે.

