હોમપેજદેશમહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ડ્રાઇવરો માટે મરાઠી ફરજિયાત કેમ? 105 દિવસની તાલીમ, હડતાળ અને...

મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ડ્રાઇવરો માટે મરાઠી ફરજિયાત કેમ? 105 દિવસની તાલીમ, હડતાળ અને હવે હાઇકોર્ટમાં પડકાર: જાણો સમગ્ર વિવાદ

આ સમગ્ર ખેંચતાણ અને હડતાળની સીધી અસર મુંબઈના સામાન્ય નાગરિકો અને મુસાફરો પર પડી છે. ઓટો-ટેક્સીઓની અછતને કારણે રોજિંદા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને એપ આધારિત કેબ્સમાં ડાયનેમિક પ્રાઇસિંગના નામે ઊંચા ભાડાં વસૂલાયા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી.

- Advertisement -

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા અને તેની અનિવાર્યતાને લઈને દેશભરમાં ફરી એકવાર રાજકીય અને સામાજિક ચર્ચા ગરમાઈ છે. જોકે આ વખતે વિવાદ માત્ર રસ્તા પર કોઈ વ્યક્તિને ‘મરાઠીમાં વાત કરો’ કહેવા પૂરતો સીમિત નથી, પરંતુ જાહેર પરિવહન સેવાઓ સાથે સીધો જોડાયેલો છે. મહારાષ્ટ્ર સરકારે ઓટોરિક્ષા, ટેક્સી અને એપ આધારિત કૅબ ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું ‘વર્કિંગ નોલેજ’ એટલે કે રોજિંદા કામકાજ પૂરતું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત બનાવ્યું છે. 20 ઑગસ્ટ 2026થી રાજ્યભરમાં આ નિયમનું અમલીકરણ પણ શરૂ કરી દીધું છે.

નિયમ અમલમાં આવતાં જ મુંબઈમાં કેટલાક ઓટો અને ટેક્સી ડ્રાઇવરો રસ્તા પર ઉતરી આવ્યા, હડતાળ કરી અને વહીવટી નિર્ણયનો વિરોધ નોંધાવ્યો. બીજી તરફ સોશિયલ મીડિયા પર આ મુદ્દાને લઈને બે સંપૂર્ણપણે વિપરીત મંતવ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રમાં જાહેર સેવા આપતા વાહનચાલકો સ્થાનિક ભાષામાં મુસાફર સાથે પ્રાથમિક વાતચીત કરી શકે તે અત્યંત વ્યાજબી માંગ છે. બીજી તરફ વિરોધ કરનારા લોકો આ પદક્ષેપને ‘બિનમરાઠી ડ્રાઇવરો પર બળજબરીથી ભાષા થોપવાનો પ્રયાસ’ ગણાવી રહ્યા છે.

105 દિવસનું અભિયાન

પરંતુ આ સમગ્ર વિવાદ અને પરસ્પરના આરોપ-પ્રત્યાઆરોપ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બાબત ચર્ચામાંથી ગાયબ જોવા મળે છે. સરકારે આ નિયમ કોઈ રાતોરાત કે આકસ્મિક રીતે લાગુ કરીને ડ્રાઇવરોને સીધા જ રસ્તા પર પરીક્ષા આપવા ઊભા રાખ્યા નહોતા. મરાઠી શીખવા માટે રાજ્યભરમાં 105 દિવસનું એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ 4,500થી વધુ શિક્ષકોને આ તાલીમમાં જોડવામાં આવ્યા હતા અને આશરે 1.25 લાખ ઓટો-ટેક્સી ડ્રાઇવરોએ મરાઠીનું વ્યવહારુ જ્ઞાન મેળવીને કસોટી પાસ કરી લીધી છે.

- Advertisement -

ત્યારે આ સ્થિતિમાં અનેક પ્રાથમિક પ્રશ્નો ઊભા થાય છે. જો સવા લાખથી વધુ ડ્રાઇવરો આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકતા હોય તો વિરોધનું મૂળ કારણ શું છે? શું આ નિયમ ખરેખર સેવા સુધારણા અને મુસાફરોની સુવિધા માટે છે કે પછી આની પાછળ કોઈ અલગ વહીવટી કે રાજકીય ગણતરીઓ છે? આ સમગ્ર વિવાદના તમામ પાસાંને સમજવા માટે મુંબઈના જાહેર પરિવહન અને તેના ભાષાકીય માળખાને ઊંડાણપૂર્વક જોવું જરૂરી છે.

સરકારે કેમ લીધો આવો નિણર્ય

મુંબઈ માત્ર મહારાષ્ટ્રની રાજધાની નથી, પરંતુ સમગ્ર દેશની આર્થિક રાજધાની ગણાય છે. રોજગાર અને આજીવિકાની શોધમાં ભારતની ચારેય દિશાઓમાંથી લોકો અહીં આવીને વસે છે. આ જ કારણે મુંબઈની સડકો પર મરાઠી ઉપરાંત હિન્દી, ગુજરાતી, તમિલ, તેલુગુ, બંગાળી અને અન્ય અનેક ભાષાઓ બોલનારો મોટો વર્ગ સતત સક્રિય જોવા મળે છે. દેશના સાંસ્કૃતિક અને આર્થિક સમન્વયનું આ એક ઉત્તમ ઉદાહરણ પણ છે.

પરંતુ આ જ વિષયનું બીજું પાસું એ પણ છે કે જે તે રાજ્યમાં વ્યાવસાયિક સેવા આપતા સેવા પ્રદાતાઓ પાસે સ્થાનિક ભાષાનું થોડુંઘણું વ્યવહારુ જ્ઞાન હોવું વ્યવહારિક દ્રષ્ટિએ ઉપયોગી સાબિત થતું હોય છે. ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઇવરનો વ્યવસાય કોઈપણ સામાન્ય દુકાનદાર કે ઑફિસ કર્મચારી કરતાં તદ્દન ભિન્ન છે. ડ્રાઇવરે દિવસ દરમિયાન સતત નવા અને અજાણ્યા મુસાફરો સાથે સીધો સંપર્ક સાધવાનો હોય છે.

મુસાફરને કયા ચોક્કસ સ્થળે જવું છે, કઈ ગલી કે લેન્ડમાર્ક પાસે ઉતરવું છે, ભાડું કેટલું થશે, મીટર ડાઉન કર્યું છે કે નહીં, આ તમામ બાબતોમાં ડ્રાઇવર અને મુસાફર વચ્ચે સ્પષ્ટ સંવાદ થવો અનિવાર્ય બને છે. વહીવટીતંત્રનો દાવો છે કે જો ડ્રાઇવર મુસાફરની પ્રાથમિક વાત પણ સમજી ન શકે તો માત્ર ભાષાની મુશ્કેલી નથી રહેતી, પરંતુ તેનાથી ભાડાના વિવાદો, ખોટા રસ્તે જવાની ફરિયાદો અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો પણ ઉદ્ભવે છે.

‘વર્કિંગ નોલેજ’ કર્યું અનિવાર્ય

મહારાષ્ટ્ર સરકારે 12 ઑગસ્ટ 2026ની સૂચનાથી ઓટો, ટેક્સી અને એપ આધારિત કૅબ ડ્રાઇવરો માટે મરાઠીનું ‘વર્કિંગ નોલેજ’ હોવું અનિવાર્ય કર્યું છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે નિયમનો હેતુ ડ્રાઇવરોને મરાઠી ભાષાના સાહિત્યકાર કે વ્યાકરણના પંડિત બનાવવાનો નથી. નોટિફિકેશનમાં સૌથી ભારપૂર્વક વપરાયેલો શબ્દ ‘વર્કિંગ નોલેજ’ એટલે કે માત્ર ‘કાર્યાત્મક જ્ઞાન’ છે.

આનો સરળ અર્થ એ થાય છે કે ડ્રાઇવર પોતાના રોજીંદા કામને લગતી મૂળભૂત વાતચીત સમજી અને કરી શકે. તેને મરાઠી સાહિત્યનો ઇતિહાસ, કાવ્યો કે જટિલ વ્યાકરણ શીખવાની કોઈ આવશ્યકતા નથી. RTOની ચકાસણી દરમિયાન ‘ક્યાં જવું છે?’, ‘મીટર ચાલુ કરો’, રસ્તાની દિશા, ભાડું અને સામાન્ય સૂચનાઓ જેવા પ્રશ્નો જ પૂછવામાં આવી રહ્યા છે, જે સામાન્ય વ્યવહારનો ભાગ છે.

સરકારના પક્ષે સૌથી મોટો તર્ક એ આપવામાં આવી રહ્યો છે કે તેમણે આ કાયદો લાગુ કરતા પહેલાં ડ્રાઇવરોને પુરતો સમય અને સંસાધનો આપ્યા હતા. 1 મે 2026થી 105 દિવસ સુધી ચલાવવામાં આવેલા તાલીમ અભિયાનમાં રાજ્યના 59 RTO, સબ-RTO અને વિવિધ ભાષા તાલીમ કેન્દ્રો જોડાયા હતા. 4,500થી વધુ શિક્ષકોની મદદથી ડ્રાઇવરોને મરાઠીની પાયાની વાતચીત શીખવવામાં આવી હતી અને આશરે 1.25 લાખ ડ્રાઇવરોએ આ કાર્યક્રમ પૂર્ણ કરીને પ્રમાણપત્ર મેળવ્યા છે.

વહીવટીતંત્રનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં તાલીમ આપવી અને સર્ટિફિકેટ વિતરિત કરવા એ બતાવે છે કે નીતિનો હેતુ કોઈ વર્ગને તકથી વંચિત કરવાનો નથી પરંતુ સેવા સુધારવાનો છે. જો હેતુ માત્ર બળજબરી કરવાનો હોત તો કરોડોના ખર્ચે 105 દિવસનું સત્તાવાર તાલીમ અભિયાન ચલાવવાની જરૂર ન પડી હોત.

ડ્રાઈવર ન પાસ કરી શક્યા પરીક્ષા

જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ વાસ્તવિક છે. 1.25 લાખ ડ્રાઇવરો પાસ થયા હોવા છતાં, લગભગ 7,750 ડ્રાઇવરો મૂલ્યાંકન પરીક્ષામાં નિષ્ફળ ગયા છે અને 14,000થી વધુ ડ્રાઇવરો આ તાલીમ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નહોતા. આ આંકડા સ્પષ્ટ કરે છે કે દરેક વ્યક્તિ માટે મોટી ઉંમરે કે કામના કલાકો વચ્ચે નવી ભાષા શીખવી એટલી સરળ બાબત નથી.

મુંબઈમાં ચાલતા મોટાભાગના ઓટો-ટેક્સી ડ્રાઇવરોમાંથી ઘણા ઓછું ઔપચારિક શિક્ષણ ધરાવે છે, જ્યારે ઘણા વયસ્ક છે અને દાયકાઓથી માત્ર ડ્રાઇવિંગ કરીને જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આવા સંજોગોમાં ભાષાકીય ધોરણો નક્કી કરતી વખતે તેમની વ્યાવસાયિક સ્થિતિ અને ક્ષમતાઓને ધ્યાનમાં રાખવી પણ વહીવટી દ્રષ્ટિએ જરૂરી બની જાય છે.

20 ઑગસ્ટથી RTOની ટીમોએ મેદાનમાં ઉતરીને રસ્તા પર તપાસ શરૂ કરી હતી. અધિકારીઓ વાહનો અટકાવીને ડ્રાઇવરો પાસે મરાઠીનું પાયાનું જ્ઞાન છે કે નહીં તેની ચકાસણી કરી રહ્યા છે. આંકડા અનુસાર 25 ઑગસ્ટ સુધી RTO ટીમોએ રાજ્યભરમાં 35,190 કોમર્શિયલ પેસેન્જર વાહનોની તપાસ કરી અને 4,729 નોટિસો આપી હતી. માત્ર 25 ઑગસ્ટે જ 331 ડ્રાઇવરોને નોટિસ આપવામાં આવી હતી.

નોટિસ મળતા જ નથી થતું લાયસન્સ રદ

અહીં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે કે નોટિસ મળતા જ ડ્રાઇવરનું લાયસન્સ રદ નથી થતું. નિયમ અનુસાર પ્રથમ તબક્કે ડ્રાઇવરને નોટિસ આપીને સુધારા માટે અને ભાષા શીખવા માટે એક મહિનાનો સમય આપવામાં આવે છે. ત્યારબાદ પણ જો ન આવડે તો 3 મહિનાની સસ્પેન્શન નોટિસ આપવામાં આવે છે. છતાં ભાષા ન આવડે તો લાયસન્સને અમુક સમય માટે સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. એટલે કે પ્રક્રિયામાં તક આપવાનો નિયમ સામેલ છે.

જોકે, 24 ઑગસ્ટથી મુંબઈમાં કેટલાક ડ્રાઇવર સંગઠનોએ હડતાળ પાડીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. વિરોધ કરી રહેલા ડ્રાઇવરોનો મુખ્ય આરોપ એ છે કે RTOએ લીધેલી મૌખિક પરીક્ષામાં એવા પ્રશ્નો અને શબ્દો પૂછવામાં આવે છે જે તેમને 105 દિવસની તાલીમ દરમિયાન શીખવવામાં આવ્યા નહોતા. ડ્રાઇવરો આ ચકાસણીને ‘આઉટ ઑફ સિલેબસ’ ગણાવી રહ્યા છે.

જો ડ્રાઇવરોનો આ આરોપ સાચો હોય તો તે વહીવટી પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્ન ઊભો કરે છે. જો તાલીમનો અભ્યાસક્રમ અલગ હોય અને રસ્તા પર તપાસના માપદંડો અલગ હોય, તો તેનાથી વ્યાવસાયિકોમાં અસંતોષ ફેલાવો સ્વાભાવિક છે. તટસ્થ દ્રષ્ટિકોણથી આ ફરિયાદની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે.

મુખ્યમંત્રી ફડણવીસની સ્પષ્ટતા

વધતા વિરોધ અને નિવેદનો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરમાં સ્પષ્ટતા કરવી પડી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારનો હેતુ ડ્રાઇવરોને મરાઠીના નિષ્ણાત બનાવવાનો નથી, પરંતુ માત્ર એટલો જ છે કે તેઓ પોતાના કામકાજ પૂરતી ભાષા સમજી શકે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ ભાષાના ડ્રાઇવર પાસે અતિશય ભાષાકીય નિપુણતાની અપેક્ષા રાખવામાં આવતી નથી.

બીજી તરફ આ સમગ્ર મુદ્દો હવે રસ્તા પરથી કાયદાના દરવાજે પહોંચ્યો છે. ચાર કેબ ડ્રાઇવરોએ બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને 12 ઑગસ્ટના સરકારી નોટિફિકેશનને સત્તાવાર રીતે પડકારી છે. અરજદારોનો દાવો છે કે આ પ્રકારનો નિયમ બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર), 19 (વ્યવસાય કરવાની સ્વતંત્રતા) અને 21નું (જીવન અને આજીવિકાનો અધિકાર) ઉલ્લંઘન કરે છે.

2017માં પણ સામે આવ્યો હતો આવો મામલો

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પણ બૉમ્બે હાઇકોર્ટ સમક્ષ ઓટો પરમિટ માટે મરાઠી ભાષાની અનિવાર્યતાનો મુદ્દો આવ્યો હતો. તે સમયે કોર્ટે મહારાષ્ટ્ર મોટર વહિકલ રૂલ્સના નિયમ 24નાં પાસાંને ધ્યાનમાં રાખીને પરમિટ માટે ભાષાની પાત્રતા શરત રદ કરી હતી. આ જ કારણે વર્તમાન વિવાદમાં 2017ના ચુકાદાનો સંદર્ભ વારંવાર લેવામાં આવી રહ્યો છે.

જોકે, 2026ના વર્તમાન નિયમ અંગે સરકારનો દાવો છે કે તેમણે આ વખતે કાયદાકીય જોગવાઈઓમાં સુધારા કરીને ‘વર્કિંગ નોલેજ’ને પરમિટ, બેજ અને રિન્યુઅલની પ્રક્રિયા સાથે વિધિવત રીતે જોડ્યું છે. હવે બૉમ્બે હાઇકોર્ટે એ નક્કી કરવાનું રહેશે કે શું રાજ્ય સરકાર પાસે જાહેર સેવા આપતા વાહનચાલકો માટે આવી ભાષાકીય શરતો નક્કી કરવાની કાનૂની અને બંધારણીય સત્તા છે કે નહીં.

સામાન્ય નાગરિકો પર પડી રહી છે અસર

આ સમગ્ર ખેંચતાણ અને હડતાળની સીધી અસર મુંબઈના સામાન્ય નાગરિકો અને મુસાફરો પર પડી છે. ઓટો-ટેક્સીઓની અછતને કારણે રોજિંદા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને એપ આધારિત કેબ્સમાં ડાયનેમિક પ્રાઇસિંગના નામે ઊંચા ભાડાં વસૂલાયા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. ભાષાકીય અને વહીવટી લડાઈમાં અંતે સામાન્ય પ્રજા જ મુશ્કેલીમાં મુકાઈ હતી.

કોઈપણ લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક ભાષાનું સન્માન કરવું અને તેને પ્રોત્સાહન આપવું એ રાજ્યની જવાબદારી હોય શકે છે, પરંતુ તેની સામે નાગરિકોના આજીવિકાના અધિકાર અને વહીવટી પારદર્શિતા પણ એટલા જ મહત્વપૂર્ણ છે. જો સરકાર આ પરીક્ષા પદ્ધતિને સંપૂર્ણ પારદર્શક અને સરળ બનાવે તો બિનજરૂરી આશંકાઓ દૂર થઈ શકે છે.

અંતે, આ વિવાદ માત્ર ‘મરાઠી ભાષા આવડે છે કે નહીં’ તેટલા પૂરતો સીમિત નથી રહ્યો. આ મુદ્દો હવે એ કાનૂની અને સામાજિક સંતુલન પર આવીને અટક્યો છે કે જ્યાં એક તરફ રાજ્યની સ્થાનિક ભાષાકીય જરૂરિયાતો છે અને બીજી તરફ નાગરિકોના વ્યવસાયિક અધિકારો છે. બૉમ્બે હાઇકોર્ટમાં થનારી સુનાવણી અને સરકારના અમલીકરણની પદ્ધતિ જ આગળ જતાં આ વિવાદની દિશા નક્કી કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં