આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ. આદ્યકવિ નર્મદના જન્મદિને દર વર્ષે 24મી ઑગસ્ટે ઉજવાય છે. આપણી અસ્મિતા સાથે એકરૂપ થઈ ગયેલી આ ભાષા ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે. દુનિયામાં ક્રમ છવ્વીસમો આવે. સાત કરોડ ગુજરાતીઓ તો ખરા જ પણ દેશ-દુનિયામાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ ગયા ત્યાં ભાષા પોતાની સાથે લઈ ગયા અને જીવંત રાખી. આજે દુનિયાના અનેક ખૂણે ગુજરાતી બોલાય છે, જેમાં એક ખૂણો પાડોશમાં પણ છે. પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાનો ઇતિહાસ પાકિસ્તાન કરતાં પણ જૂનો છે!
ભાષા ક્યાં સુધી જીવંત રહે છે? જ્યાં સુધી ભાષા બોલનારાઓ હોય ત્યાં સુધી. પુસ્તકો, મેગેઝિનો, અખબારો, ફિલ્મો લેખકો, કવિઓ– આ બધા ભાષાને નથી જીવાડતા. ભાષાને સમૃદ્ધ બનાવવામાં ભૂમિકા ભજવે એ જુદી વાત છે. ભાષાને જીવાડે છે તેને બોલનારાઓ. બોલનારાઓ ઘટતા જાય ત્યારે ભાષાના અસ્તિત્વ પર સંકટ સર્જાય છે. પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાનો ઇતિહાસ, તેનું વર્તમાન તેનું જીવંત ઉદાહરણ છે.
પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને વર્તમાન
ઉપર કહ્યું એમ, પાડોશમાં આપણી ભાષાનો ઇતિહાસ જૂનો છે. 1947 પહેલાં પાકિસ્તાન ન હતું, ગુજરાતી ભાષા હતી.
ભાગલા પહેલાં સિંધ અખંડ ભારતનો ભાગ હતું. અહીંનું કરાચી બંદર વ્યાપાર માટે જાણીતું હતું. ભાગલા વખતે એક રેખા ખેંચી દેવાઈ એ પહેલાં ગુજરાત અને સિંધ વચ્ચેનું અંતર બહુ ઓછું હતું. સૈકાઓથી ગુજરાત અને સિંધ વચ્ચે વ્યાપારના સંબંધો રહ્યા, એ પછીથી ગાઢ બનતા ગયા.
પાકિસ્તાનમાં એક ‘ગુજરાત’ પણ છે. પણ એ પંજાબ પ્રાંતમાં. તેને ‘ગુજરાતી’ ભાષા કે ગુજરાતી સમુદાય સાથે કોઈ સંબંધ નથી. એ શબ્દની ઉત્પત્તિ ‘ગુર્જર’ પરથી થઈ હતી. ગુજરાતી ભાષા, સમુદાય મૂળ સિંધ પ્રાંત પૂરતાં રહ્યાં છે.
સમયાંતરે સિંધમાં ગુજરાતી બોલનારાઓ વધવા માંડ્યા. હિંદુ, પારસી, મુસ્લિમોના વોહરા, ખોજા, મેમણ– આ બધા સમુદાયો આમાં મુખ્ય હતા. ઘરોમાં, વ્યાપાર-ધંધામાં, સામાજિક સંસ્થાઓમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો. એક ગુજરાતી કલ્ચર વિકસ્યું ત્યારબાદ કરાચીમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ખુલી. અખબારો પ્રકાશિત થવાનાં શરૂ થયાં, પુસ્તકો-મેગેઝિનો છપાતાં હતાં. ટૂંકમાં કહીએ તો ગુજરાતી કરાચીમાં બોલાતી એક ભાષા ન રહીને શહેરની સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ હતી.
આજે જોકે પરિસ્થિતિ ઘણી અલગ છે. ગુજરાતી બોલનારાઓ ઘટતા જાય છે. નવી પેઢી ગુજરાતીથી સતત દૂર થતી જાય છે. લખનારા-વાંચનારાઓ સાવ ઘટી ગયા છે. બે અખબારો ચાલે છે, પણ મરણપથારીએ છે. એક સમયે ભાષા સમાજનો ભાગ હતી એ હવે સમેટાઈને અમુક ઘરો પૂરતી સીમિત થઈ ગઈ છે. અભ્યાસક્રમમાંથી ભાષા સાવ ગાયબ થઈ ગઈ છે. ગુજરાતીને બચાવવા માટે ચળવળો ચાલે છે પરંતુ તેનો પણ વ્યાપ બહુ રહ્યો નથી.
કારણો ઘણાં છે. પાકિસ્તાનમાં હિંદુઓનું સતત ઘટતા જવું, મુસ્લિમોનું સતત ઉર્દૂ તરફ ઢળવું, સરકારો તરફથી ઉપેક્ષા અને ઘણું બધું.
વિગતે જોઈએ.
ભાગલા અને ત્યારબાદ સતત ઘટતી હિંદુઓની વસ્તી
ઑગસ્ટ 1947માં ભારતના ભાગલા પડ્યા અને તેની સાથે વાયવ્ય ખૂણે પાકિસ્તાન નામનું દૂષણ અસ્તિત્વમાં આવ્યું. સિંધ સ્વાભાવિક રીતે પાકિસ્તાનમાં ગયું. કરાચી હવે ‘વિદેશમાં’ હતું. ખાસ કરીને મુસ્લિમ બાહુલ્ય દેશમાં.
1941ની વસ્તી ગણતરીના આંકડા જોઈએ તો સિંધમાં હિંદુ વસ્તી લગભગ 26% જેટલી હતી. 1951 આવતાં સુધીમાં, દસ જ વર્ષમાં આ આંકડાઓ સંપૂર્ણપણે પલટાઈ ગયા. 1941માં સિંધની 40 લાખ વસ્તીમાંથી હિંદુઓ લગભગ 11 લાખ જેટલા હતા. મુસ્લિમોની વસ્તી 28 લાખ હતી. 1951 આવતાં સુધીમાં મુસ્લિમ વસ્તી 55.36 લાખ થઈ અને હિંદુઓ 4.83 લાખ રહી ગયા.
જોકે કરાચીમાં 1941માં સ્થિતિ એ હતી કે હિંદુઓ મુસ્લિમો કરતાં વધારે હતા. કુલ 3.65 લાખ વસ્તીમાંથી હિંદુઓ 1.86 લાખ અને મુસ્લિમો 1.53 લાખ જેટલા હતા. દસ વર્ષ પછી 1951માં મુસ્લિમોની વસ્તી 9.68 લાખ થઈ ગઈ અને હિંદુઓ રહી ગયા માત્ર 16,000!

એક જ દાયકામાં આટલું મોટું જનસાંખ્યિકી પરિવર્તન આવવાનું કારણ 1947નું વિભાજન હતું. વિભાજન સમયે હિંદુઓ મોટી સંખ્યામાં ભારત આવ્યા. આ એ જ સમય હતો જ્યારે પાકિસ્તાનમાં હજારો હિંદુઓની કત્લેઆમ કરવામાં આવી, તેમણે ઘરબાર છોડીને પલાયન કરવું પડ્યું. અનેક ઠેકાણે સાંપ્રદાયિક રમખાણો થયાં અને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. આ જ સ્મૃતિ બરકરાર રહે એ માટે જ મોદી સરકારે 14 ઑગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ જાહેર કર્યો છે.
ગુજરાતી ભાષા માટે આ ‘ડેમોગ્રાફિક શૉક’ હતો. હિંદુ ગુજરાતીઓનો એક મોટો વર્ગ સિંધ છોડી ચૂક્યો હતો. તેમની સાથે એ કલ્ચરલ નેટવર્કને પણ ફટકો પડ્યો જેના આધારે ભાષા ટકી હતી. જે હિંદુઓ પાકિસ્તાનમાં રહ્યા હતા તેમના માટે સામાજિક સ્થિતિ હવે જુદી હતી. હવે તેઓ એક મુસ્લિમ બહુલ દેશના લઘુમતીઓ હતા.
વિભાજન પછીનાં વર્ષોમાં પણ પાકિસ્તાનમાંથી હિંદુઓ સતત ઘટતા રહ્યા એ આંખ સામે દેખાતી હકીકત છે. આ બધા ક્યાં ગયા? દાયકાઓથી પાકિસ્તાનમાં હિંદુઓનું ધર્માંતરણ થતું રહ્યું, અત્યાચારો થતા રહ્યા. મુસ્લિમ બહુલ દેશમાં ધાર્મિક સ્વતંત્રતા કાગળ પર જ રહી. હિંદુઓ ઘટતા ગયા. આર્થિક સ્થિતિ નબળી પડતી ગઈ અને બીજી તરફ સતત સાંપ્રદાયિક દબાણ યથાવત રહ્યું. આજે પણ પાકિસ્તાનના હિંદુઓની સ્થિતિ બહુ સારી નથી. બિલકુલ સારી નથી એમ કહીએ તોય અતિશયોક્તિ નથી.
વિભાજન પછી હિંદુઓ ઘટ્યા, પણ ભાષા સાવ લુપ્ત ન થઈ કારણ કે…
સિંધમાં ગુજરાતી હિંદુઓ બહુ ઝડપથી ઘટતા રહ્યા છતાં ભાષા સાવ નાશ ન પામી એનું એક કારણ એ પણ છે કે ગુજરાતી બોલનારા મુસ્લિમોની પણ એક મોટી વસ્તી કરાચીમાં હતી. મેમણ, વોહરા, ખોજા, ઇસ્માઇલી અને થોડાઘણા હિંદુઓ બચ્યા હતા તેમણે ગુજરાતી ભાષા જીવંત રાખી.
કરાચીમાં ગુજરાતી શાળાઓ પણ પછીથી ચાલુ રહી. સાહિત્ય પણ તેના સ્તરે સર્જાતું રહ્યું. એક સમયે કરાચીમાં 21 ગુજરાતી શાળાઓ હતી. ‘વતન ગુજરાતી’ નામનું અખબાર મોહમ્મદ અલી ઝીણાએ મુંબઈથી શરૂ કરાવ્યું હતું એ ભાગલા પછી કરાચી ખસેડી દેવામાં આવ્યું, ત્યાં પણ એ ચાલુ રહ્યું. ઇન ફેક્ટ, 1960-70ના દાયકામાં આ અખબારનું સર્ક્યુલેશન 35000એ પહોંચી ગયું હોવાનું કહેવાય છે. 1948માં કરાચીમાં ‘મિલ્લત’ નામનું બીજું એક ગુજરાતી અખબાર ચાલુ થયું હતું. એ પણ સારો એવો વ્યાપ પામ્યું.

કહેવાનો અર્થ, પાકિસ્તાન બન્યા પછી પણ કરાચીમાં આ બધાં કારણોસર ગુજરાતી ભાષા ટકેલી રહી. હિંદુઓ ઘટતા રહ્યા પણ ગુજરાતી બોલનારા મુસ્લિમોની વસ્તી પણ હતી. પણ વળાંક ત્યારે આવ્યો જ્યારે પાકિસ્તાનમાં ઉર્દૂનો વ્યાપ વધતો ગયો અને ઉર્દૂ પાકિસ્તાનની સત્તાવાર ભાષા માત્ર ન રહેતાં પાકિસ્તાની મુસ્લિમોની મજહબી ઓળખ સાથે જોડાઈ ગઈ.
ઉર્દૂની ભૂમિકા
વિભાજન પછી પાકિસ્તાને ઉર્દૂ ભાષા અપનાવી. પાકિસ્તાને તેને માત્ર ભાષા ન રહેવા દેતાં રાષ્ટ્રીય ઓળખ બનાવવા માટેના પ્રયાસો ચાલુ કર્યા. જોકે હકીકત એ પણ છે કે ઉર્દૂની ઉત્પત્તિ પણ ભારતમાં જ થઈ છે. ઉર્દૂને પછીથી નવા દેશની મુસ્લિમ મજહબી ઓળખ તરીકે જોવાવા લાગી.
કરાચીના કે સિંધના ગુજરાતી બોલનારા મુસ્લિમો માટે ગુજરાતી તેમના પરિવારની કે એક સમુદાયની ભાષા હતી. પણ ઉર્દૂ પાકિસ્તાની ઓળખ આપતી હતી.
ઇસ્લામ કાયમ બાહ્ય બાબતો પર આધારિત મજહબ રહ્યો છે. તેમાં જીવનની સામાન્યમાં સામાન્ય લાગતી બાબતોની પણ ચર્ચા છે. ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયામાં જે ઇસ્લામ છે તેના કર્તાધર્તાઓનો કાયમ પ્રયાસ એ રહ્યો છે કે કોઈ પણ રીતે મજહબની એક અલગ ઓળખ બરકરાર રહે. તેના માટે અન્ય ધર્મ, પંથો જે રીતભાત, સંસ્કૃતિ અપનાવતા હોય તેનાથી તેમણે અંતર રાખવાનું શરૂ કર્યું અને એ જ આજે પણ થાય છે. મુસ્લિમો સતત પોતાની અલગ મજહબી ઓળખ, ખાસ કરીને હિંદુઓથી અલગ ઓળખ, પ્રસ્થાપિત કરવાના પ્રયાસોમાં રહે છે. આમાં ભાષા પણ આવી ગઈ.
ગુજરાતી હિંદુઓ અને મુસ્લિમો બંનેની ભાષા હતી. જ્યારે ઉર્દૂ મુસ્લિમોને એક અલગ ઓળખ આપતી હતી. પાકિસ્તાની ઓળખ પ્રદાન કરતી હતી. આ જ કારણ છે કે મુસ્લિમોએ પણ ગુજરાતીથી અંતર જાળવવાનું ચાલુ કર્યું.
સત્તા તરફથી ક્યારેય પ્રોત્સાહન ન મળ્યું
બાકીનું કામ પાકિસ્તાનની સરકારે કર્યું. ગુજરાતી ભાષાને બિલકુલ પ્રોત્સાહન આપવામાં ન આવ્યું. શૈક્ષણિક સંસ્થાઓમાંથી ભાષા ગાયબ કરી દેવામાં આવી. 1970માં જ્યારે શૈક્ષણિક સંસ્થાઓનું રાષ્ટ્રીયકરણ થયું તો ગુજરાતી શાળાઓ જ ન રહી અને તેનું સ્થાન ઉર્દૂ શાળાઓએ લઈ લીધું.
ભાષા શાળામાં ભણાવવામાં આવે એની અલગ અસર પડે છે. બોલવી અલગ વાત છે. બાળક ભાષા બોલતાં માતા-પિતા પાસેથી, ઘર-પરિવાર પાસેથી શીખી શકે પણ લખતાં-વાંચતાં શાળામાં શીખે છે. ભાષા અભણ માણસ પણ બોલી શકે છે. વાંચી-લખી શકતો નથી.
શાળાઓ લખતાં-વાંચતાં શીખવે છે. ત્યાંથી આગળ વધીને લખનારાઓ, વાંચનારાઓ તૈયાર થાય છે. શિક્ષકો તૈયાર થાય છે. પાયો જ ન હોય તો આગળનું કશું થતું નથી. એટલે ગુજરાતી માત્ર ઘરો પૂરતી સીમિત રહી અને તેને આગળ વધારવાનો સંપૂર્ણ ભાર ઘરો પર આવી ગયો. શૈક્ષણિક સંસ્થાઓમાંથી ગાયબ કરી દેવામાં આવી.
ઉર્દૂ માટે એવું ન હતું. તેને સતત સરકાર તરફથી પ્રોત્સાહન મળતું હતું. પરિણામે મુસ્લિમો પણ એ તરફ વળતા ગયા. હિંદુઓ હવે એ સ્થિતિમાં નથી કે તેમની સંખ્યા વધુ અસર કરી શકે.
ગુજરાતીના સ્વરૂપમાં પણ ઘણોખરો બદલાવ, ભાષા રહે તોપણ શુદ્ધ સ્વરૂપ ક્યારનુંય ગુમાવી ચૂકી છે
દાયકાઓ પછી ગુજરાતી ભાષાના સ્વરૂપમાં પણ ઘણોખરો બદલાવ આવ્યો છે. પાકિસ્તાની ગુજરાતીઓ આટલા દાયકાઓ ઉર્દૂ વાતાવરણમાં રહ્યા પછી હવે ભાષાના શબ્દભંડોળથી માંડીને બોલચાલ વગેરેમાં ઉર્દૂનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. અખબારો વાંચશો તો આ સ્પષ્ટ દેખાશે.
આજે પાકિસ્તાનમાં જે ગુજરાતી લખાય અને બોલાય છે એ શુદ્ધ ગુજરાતી ભાષા રહી નથી. ન તેનું વ્યાકરણ રહ્યું છે. હવે ઉર્દૂમિશ્રિત ગુજરાતી બનતી જાય છે. એટલે હવે આ ભાષા ટકે તોપણ તેને ઉર્દૂથી અલગ કરી શકાય એમ નથી અને ભવિષ્યમાં આ પ્રમાણ વધતું રહેશે. શુદ્ધ ગુજરાતી લુપ્ત જ થઈ ગઈ છે. કારણ એ જ છે કે ભાષાની શુદ્ધતા જાળવી રાખવા માટે જે ઇકોસિસ્ટમ જરૂરી છે એ પાકિસ્તાનમાં હવે રહી નથી.
ઇકોસિસ્ટમ ન રહે ત્યારે ભાષા બજારમાંથી ગાયબ થતી જાય છે અને ઘરો પૂરતી સીમિત રહે છે. હવે કરાચીમાં ગુજરાતી ભાષા વ્યવસાય માટેની ભાષા રહી નથી. વાતચીત ઉર્દૂમાં થાય છે, અભ્યાસ ઉર્દૂ અને ઇંગ્લિશમાં થાય છે. એટલે ગુજરાતી ‘વૈકલ્પિક’ ભાષા બની ગઈ છે. ગુજરાતી ઘરોમાં બોલાતી હોય તોપણ બાળકો બોલતાં શીખે છે, લખતાં-વાંચતાં નહીં. એટલે આગળની પેઢીને સંભવતઃ સમજવામાં પણ મુશ્કેલી પડશે.
આજે પાકિસ્તાનમાં ગુજરાતી છે, કરાચીમાં મોટેભાગે બોલાય છે. ગુજરાતી અખબારો છપાય છે પણ હવે તેની જાહોજલાલી એવી રહી નથી.
‘ગુજરાતી બચાવો તહરીક’ જેવી ચળવળો પણ ચાલે છે અને ભાષા બચાવવા માટેના વર્ગો પણ ચાલે છે. પણ એ હકીકત છે કે શૈક્ષણિક સંસ્થાઓ હવે રહી નથી. ગુજરાતી સાહિત્ય પણ હવે નથી રહ્યું કારણ કે સાહિત્ય સર્જનારાઓ નથી. જે કંઈ ગુજરાતી છે એ ઉર્દૂમિશ્રિત ગુજરાતી ચાલે છે. જૂની પેઢી હજુ બોલે છે, નવી પેઢી ભાષા આગળ લઈ જઈ શકશે કે કેમ એ પ્રશ્નાર્થ છે.
આ જ પરિસ્થિતિ રહી તો ગુજરાતી હજુ થોડાં વર્ષો સુધી બોલાતી રહેશે પણ પછીથી એ દાદા-દાદીની ભાષા બનીને રહી જશે. પૌત્રો-પૌત્રીઓની નહીં. ભાષા ત્યાંથી આગળ નહીં વધે. સત્તાવાર રીતે પ્રતિબંધિત ન હોવા છતાં એક ભાષા ધીમેધીમે કઈ રીતે મૃત્યુ પામે છે તેનું આ ઉદાહરણ છે.


