હોમપેજગુજરાતગોધરાકાંડ, ગુજરાત રમખાણો અને ગ્લોબલ નરેટિવ ઘડનારી NGO ઇકોસિસ્ટમ: કેમ જરૂરી છે...

ગોધરાકાંડ, ગુજરાત રમખાણો અને ગ્લોબલ નરેટિવ ઘડનારી NGO ઇકોસિસ્ટમ: કેમ જરૂરી છે FCRA

NGO માત્ર સામાજિક કામો પૂરતાં સીમિત રહેતાં નથી, તેમની ભૂમિકા અનેકગણી વધારે હોય છે. સમાજમાં ભળી જઈને, પડદા પાછળ રહીને તેઓ ઘણાં સારાં-નરસાં કામો કરી શકે છે જેની અસરો સામાજિકથી માંડીને રાષ્ટ્રીય સુરક્ષા પર થતી હોય છે. ગુજરાત રમખાણો તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

- Advertisement -

હમણાં જ સમાપ્ત થયેલા સંસદના મોન્સૂન સેશનમાં એક બિલ છેક સુધી ચર્ચામાં રહ્યું. NGO, અન્ય સંસ્થાઓને મળતા વિદેશી ફન્ડિંગના નિયમન માટેના કાયદા FCRAમાં (ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ) સુધારો કરતું બિલ માર્ચમાં લોકસભામાં આવ્યું હતું. આ સત્રમાં તેની ઉપર ચર્ચા થઈને પસાર થશે એવી વકી હતી, પણ વિપક્ષોના હોબાળા વચ્ચે આખરે સત્ર પૂરું થવાના આગલા દિવસે બિલ સંયુક્ત સંસદીય સમિતિને (JPC) મોકલી આપવામાં આવ્યું.

સરકાર આખા સત્ર દરમ્યાન બિલ પસાર થઈ જાય એના પ્રયાસોમાં રહી, પણ વિપક્ષ માનવા તૈયાર ન હતો. વિપક્ષ સતત ‘સરકાર આ બિલથી લઘુમતી સંસ્થાઓને ટાર્ગેટ કરી રહી છે’, ‘ખ્રિસ્તી સંસ્થાઓના અધિકારો પર તરાપ મારી રહી છે’ એવો અપપ્રચાર ફેલાવતો રહ્યો. સરકાર વારંવાર સ્પષ્ટતા કરતી રહી કે કાયદો કોઈ પણ પંથ, મજહબ, સંપ્રદાય વિરુદ્ધ નથી કે તેની એક પણ જોગવાઈ એવી નથી કે કોઈ ચોક્કસ સંપ્રદાય, પંથને ટાર્ગેટ કરતી હોય. છતાં વિપક્ષે પોતાની ઈકોસિસ્ટમના જોરે પ્રોપગેન્ડા ચાલુ રાખ્યો.

પ્રશ્ન એ છે કે સામાજિક સંસ્થાઓ અને NGOને મળતા ફોરેન ફન્ડિંગના રેગ્યુલેશન માટેના કોઈ કાયદાના નિયમો કડક બનાવવામાં આવે એમાં વિપક્ષને શું વાંધો હોય. કેમ મુદ્દો આટલો સંવેદનશીલ બનાવી દેવામાં આવે છે અને કેમ બિલ પસાર ન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે?

- Advertisement -

તેનો જવાબ એ તથ્યમાં છે કે NGO અને આવી કથિત સામાજિક સંસ્થાઓના કામનો દાયરો તેમની પરંપરાગત છબીથી અનેકગણો મોટો છે. એક માન્યતા એવી છે કે આવી સંસ્થાઓ સેવાકાર્યો અને સામાજિક કામો કરે છે, પણ એ તેમનું એક પાસું છે. ઇકોસિસ્ટમનો એક બહુ અગત્યનો અને પાયાનો ભાગ ગણાતી આ સંસ્થાઓ બીજું પણ ઘણું કરી શકે છે અને તેનાં પરિણામો-દુષ્પરિણામો દુરોગામી હોય છે.

કઈ ઘટના પર સમાજની પ્રતિક્રિયા કેવી હશે, કઈ ઘટના સમાજ સુધી, એક મોટા વર્ગ સુધી પહોંચશે, પહોંચશે તો એ કયા નરેટિવ સાથે પહોંચશે, ક્યાં કેવો નરેટિવ ગોઠવાશે, કઈ ઘટના પર મૌન રહેવું, કઈ ઘટના પર આઉટરેજ કરવો, કોને કેટલું મહત્ત્વ આપવું– આ બધું જ નક્કી કરવામાં આવી સંસ્થાઓનો સિંહફાળો રહે છે.

તેનું સૌથી મોટું ઉદાહરણ બે દાયકા પહેલાં ગુજરાતમાં જોવા મળ્યું હતું.

ગોધરા હિંદુ હત્યાકાંડ અને ગુજરાતનાં રમખાણો

27મી ફેબ્રુઆરી, 2002ની સવારે અયોધ્યાથી રામભક્તોને લઈને આવેલી સાબરમતી એક્સપ્રેસ ગોધરાના રેલવે સ્ટેશન પર આવીને ઊભી રહી ત્યારે સ્થાનિક મુસ્લિમોએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે બે ડબ્બા બહારથી બંધ કરીને સળગાવી દીધા હતા. આ ઘટનામાં 27 મહિલાઓ, 10 બાળકો સહિત 59 નિર્દોષ હિંદુઓ માર્યા ગયા. આ ઘટનાની પ્રતિક્રિયા સ્વરૂપે બીજા દિવસથી ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં અને હિંસા થઈ.

પરંતુ જ્યારે-જ્યારે ઇકોસિસ્ટમ આ ઘટનાઓની વાત કરે છે ત્યારે તેમની ચર્ચા 28મી ફેબ્રુઆરીથી ચાલુ થાય છે, 27મીથી નહીં.

ક્રિયા પર ચૂપ રહીને પ્રતિક્રિયા પર હોબાળો મચાવવાની ઇકોસિસ્ટમને આદત છે. તેઓ 27મીએ ગોધરાના રેલવે સ્ટેશન પર શું બન્યું હતું તેની ચર્ચા નહીં કરે, ચર્ચા કરશે તો તેમાં ‘પણ’ આવી જશે અને ગમે તેમ કરીને તેને ઓછી આંકવાનો પ્રયાસ કરશે અને ત્યારબાદ તરત કૂદી જશે બીજા દિવસ ઉપર અને કહેશે કે મોદીની, ગુજરાત સરકારની, ગુજરાત પોલીસની સીધી દેખરેખ હેઠળ ગુજરાતના હિંદુઓએ, હિંદુ સંગઠનોએ મુસ્લિમોનો નરસંહાર કર્યો હતો, કત્લેઆમ મચાવી હતી.

એક સુવ્યવસ્થિત નરેટિવ એવો સ્થાપવામાં આવ્યો કે મોદીના ગુજરાતમાં મુસ્લિમોનો નરસંહાર થયો હતો. તેને આયોજનબદ્ધ રીતે પ્રસરાવવામાં આવ્યો, ગુજરાત સ્તરે, ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે અને છેવટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ નરેટિવ ગોઠવાયો. મોદીને કસાઈ ચીતરવામાં આવ્યા. ગુજરાત સરકાર પર માછલાં ધોવાયાં, મોદીને ફસાવી દેવા માટેના, રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેના, હિંદુ સંગઠનોને ‘આતંકવાદી’ ચીતરવાના પૂરેપૂરા પ્રયાસ થયા. કોર્ટ-કચેરીઓમાં છેક સુધી પ્રયાસો કરવામાં આવ્યા.

આ બધાના મૂળમાં શું હતું?

એક NGO છે સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP). તીસ્તા સેતલવાડ અને પતિ જાવેદ આનંદનું આ NGO ગોધરા હિંદુહત્યાકાંડ અને ત્યારબાદ થયેલાં રમખાણો બાદ કૂદી પડનારી સંસ્થાઓમાંનું એક.

આ ઘટનાઓ પછી તેની ‘તપાસ’ માટે CJPએ એક ટ્રિબ્યુનલ બનાવ્યું, જેને નામ આપ્યું કન્સર્ન્ડ સિટીઝન્સ ટ્રિબ્યુનલ. ‘ટ્રિબ્યુનલ’ શબ્દ વાંચીને ગેરસમજ થઈ શકે, પણ વાસ્તવમાં આ સંપૂર્ણપણે ખાનગી કારસ્તાન હતું. તેમાં સરકારને કશું લાગતું-વળગતું ન હતું કે ન કોઈ કોર્ટે ટ્રિબ્યુનલ બનાવવાનો આદેશ આપ્યો હતો. NGOએ પોતાની રીતે સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના પૂર્વ જજો, એક્ટિવિસ્ટો, પત્રકારો અને પૂર્વ પોલીસ અધિકારીઓ વગેરેને શોધી લાવીને ટ્રિબ્યુનલમાં મૂક્યા હતા.

આ તથાકથિત ટ્રિબ્યુનલે ગોધરાકાંડ અને ત્યારબાદ થયેલાં ગુજરાત રમખાણોની ‘તપાસ’ કરી, માનવાધિકાર જૂથો, એક્ટિવિસ્ટો, મહિલા અધિકાર માટેનાં જૂથો વગેરે સાથે, પીડિતો સાથે વાતચીત કરી 2094 લેખિત-મૌખિક પુરાવાઓ એકઠા કર્યાનો દાવો કર્યો. ત્યારબાદ ‘ક્રાઈમ અગેઇન્સ્ટ હ્યુમેનિટી: ગુજરાત 2002’ નામનો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો.

ગોધરાકાંડ અને ગુજરાત રમખાણોનો જે નરેટિવ પછીથી સ્થાપવામાં આવ્યો તેમાં આ રિપોર્ટે બહુ મોટી ભૂમિકા ભજવી હતી એ આગળ જોઈશું. CJPએ પોતે પછીથી પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે ટ્રિબ્યુનલના રિપોર્ટની ‘રાષ્ટ્રવ્યાપી અસર’ થઈ હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની નોંધ લેવામાં આવી હતી.

આ ટ્રિબ્યુનલના રિપોર્ટમાં શું હતું?

રિપોર્ટમાં મારીમચડીને ગોધરા રેલવે સ્ટેશન પરની ઘટનામાં મુસ્લિમોનો શક્ય બને એટલો બચાવ કરવામાં આવ્યો અને બીજી તરફ રમખાણો માટે મોદીને, ગુજરાત સરકારને અને હિંદુ સંગઠનોને ફટકારવામાં આવ્યાં.

વર્ષો પછી કોર્ટના આંગણે પુરવાર થયું હતું કે ગોધરા હિંદુ હત્યાકાંડ સ્થાનિક મુસ્લિમોનું પૂર્વનિયોજિત કાવતરું હતો, પણ ટ્રિબ્યુનલના હોંશિયાર એક્ટિવિસ્ટોએ જે-તે સમયે મુસ્લિમોનો બચાવ કરીને ઘોષિત કરી દીધું હતું કે ઘટના પૂર્વઆયોજિત ન હતી અને કારસેવકોની ઉશ્કેરણી પણ એક કારણ હતી!

રિપોર્ટની શરૂઆતમાં કોઈ આધાર-પુરાવા કે જુબાની ટાંક્યા વગર લખી દેવામાં આવ્યું હતું કે અયોધ્યા જતી વખતે કારસેવકોએ દાહોદ રેલવે સ્ટેશન પર મુસ્લિમ ફેરિયાઓ સાથે ધમાલ કરી હતી. આ જ ફકરાની આગલી લીટી એ છે કે, ‘એક અન્ય વર્ઝન પ્રમાણે ઘટના રિટર્ન જર્ની (ઘટના બની એ પહેલાં) દરમ્યાન બની હતી. પરંતુ ઘટના ક્યારે બની એનો સ્પષ્ટ પુરાવાઓ મળતો નથી, પણ એ વાત પાક્કી છે કે ઘટના બની.’

ઉપરાંત ફૈઝાબાદ (અયોધ્યાનું જૂનું નામ) રેલવે સ્ટેશનની આગળનાં સ્ટેશનો પર પણ કારસેવકોએ મુસ્લિમ પેસેન્જરો (મહિલાઓ અને બાળકો સહિત) પર હુમલો કર્યો હતો એવું રિપોર્ટ કહે છે. તેના પુરાવા ક્યાં? ક્યાંય નહીં. સાથે યુપીના અમુક સ્ટેશન પર અમુક મુસ્લિમોને ‘જય શ્રીરામ’ બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો. આગળ લખવામાં આવ્યું કે જતી વખતે કારસેવકોએ અમદાવાદના સ્ટેશન પર નારા લગાવ્યા હતા. નારા કયા હતા? ‘જય શ્રીરામ’, ‘મંદિર વહીં બનાયેંગે’ વગેરે.

ટૂંકમાં રિપોર્ટની શરૂઆતમાં જ દોષ કારસેવકો પર નાખી દેવામાં આવ્યો અને એ પણ અસ્પષ્ટ ભાષામાં. ‘આ ઘટના બની હતી પણ ક્યારે બની હતી એ અમને ખબર નથી’ એ ટોનમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો.

અહીં પ્રશ્ન એ છે કે કારસેવકોએ સ્ટેશન પર નારા લગાવ્યા હોય તો શું એ ગેરકાયદેસર છે? સ્થાનિક મુસ્લિમો નારાબાજીથી એટલા ઉશ્કેરાઈ ગયા કે ટ્રેનના બે ડબ્બા સળગાવી નાખ્યા? રિપોર્ટમાં અસ્પષ્ટ ભાષામાં કારસેવકોએ ધમાલ કરી હોવાના દાવા સાથે જે ઘટનાઓનો ઉલ્લેખ છે તે ઘટનાઓ એક ક્ષણ માટે માની લઈએ કે બની હતી તો યુપીમાં બનેલી ઘટનાઓને ગોધરા સાથે શું સંબંધ હોય? ત્યારે સોશિયલ મીડિયા પણ ન હતું કે સમાચારો બહુ ઝડપથી ફેલાઈ જાય!

વાસ્તવમાં આ ઘટનાઓનો ઉલ્લેખ શરૂઆતમાં કરવાનું મૂળ કારણ સમગ્ર ઘટનાનો દોષ હિંદુઓ પર નાખી દેવાનું હતું. જેથી આગળ જઈને સાબિત કરી શકાય કે ઘટના બે સમુદાયો વચ્ચેના તણાવના કારણે બની હતી અને મુસ્લિમોએ પૂર્વનિયોજિત કાવતરું નહતું રચ્યું.

આ જ ક્રમમાં રિપોર્ટ આગળ દાવો કરે છે કે ટ્રેન ગોધરા પહોંચી ત્યારે એક મુસ્લિમ છોકરીની છેડતી કરવામાં આવી અને કારસેવકોએ તેને ટ્રેનમાં ખેંચી લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે એક મુસ્લિમ ચા વેચનારાને ડબ્બામાંથી બહાર ફેંકી દેવાયો હતો. દરેક વાક્ય એક તથ્ય તરીકે રજૂ કરવામાં આવ્યું.

રિપોર્ટમાં આગળ એક પ્રશ્ન એ કરવામાં આવ્યો કે સરકારના કહેવા પ્રમાણે ગોધરાના મુસ્લિમો હજારોની સંખ્યામાં ટ્રેન પર હુમલો કરવા માટે એકઠા થયા હોય તો માત્ર બે જ ડબ્બા કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા, જ્યારે હકીકત એ હતી કે કારસેવકો આખી ટ્રેનના દરેક ડબ્બામાં હતા! આગળ રિપોર્ટ કહે છે, “આ બધા પ્રશ્નોનો કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.”

ટ્રિબ્યુનલે S-6 ડબ્બાની ઘટના પછીની સ્થિતિનો કથિત અભ્યાસ કરીને ઠેરવી દીધું હતું કે સળગવાની ‘પેટર્ન’ જોઈને લાગે છે કે ડબ્બામાં આગ અંદરથી લાગી હોવી જોઈએ એટલે ઘટના ‘પૂર્વઆયોજિત’ હતી એવું ન કહી શકાય!

આ રિપોર્ટ માત્ર એક અહેવાલ ન હતો. સુવ્યવસ્થિત રીતે ગોધરા હિંદુહત્યાકાંડને કઈ રીતે રજૂ કરવો, એક અલ્ટરનેટિવ નરેટિવ કઈ રીતે ઘડવો એની બ્લુપ્રિન્ટ હતી. પછીથી આ જ બધા આરોપો કોર્ટમાં પણ પહોંચ્યા, આ જ બધી જુબાનીઓ કોર્ટમાં આપવામાં આવી. તેમાં પણ આ NGO અને સંસ્થાઓએ મોટી ભૂમિકા ભજવી હતી એ આગળ જોઈએ.

ટ્રિબ્યુનલના રિપોર્ટમાં ગોધરાની ઘટના પહેલાં કારસેવકોએ મુસ્લિમો સાથે ગેરવર્તણૂક કરી હતી એ લખી દેવામાં આવ્યું, ત્યારબાદ બહારથી હુમલો થયો હોવાની થિયરી નકારી દેવામાં આવી, ફિઝિકલ એવિડન્સના આધારે પોતાનો નિષ્કર્ષ આપી દીધો અને ત્યારબાદ થયેલાં રમખાણો પર પણ પોતાનું અર્થઘટન ઠોકી બેસાડ્યું.

રિપોર્ટ કહે છે કે તત્કાલીન સીએમ મોદીએ જાણીજોઈને મૃતદેહોને અમદાવાદ લઈ જવાનો નિર્ણય કર્યો હતો અને સમગ્ર ઘટનાનો પૂરેપૂરો રાજકીય લાભ મેળવ્યો હતો. રિપોર્ટમાં 27મી ફેબ્રુઆરીની તત્કાલીન સીએમ મોદીની એક બેઠકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને દાવો કરવામાં આવ્યો કે તેમણે પોલીસતંત્રને હિંદુ સંગઠનો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા માટે કહ્યું હતું. આવા જ આરોપો સંજીવ ભટ્ટ વગેરેએ પણ લગાવ્યા હતા. પછીથી આ કોઈ આરોપો સાબિત ન થયા.

ટ્રિબ્યુનલ આગળ વધીને અહીં સુધી પહોંચ્યું: ‘ગોધરા કાંડ પછી ગુજરાતમાં જે કંઈ થયું એ રાજ્યના મુખ્યમંત્રી અને તેમની સરકાર દ્વારા સુવ્યવસ્થિત રીતે આચરવામાં આવેલો ક્રાઈમ હતો.’

અહીં એક વાત નોંધવા જેવી છે. ગોધરાના મુસ્લિમોએ આચરેલા ગુનાની વાત હતી ત્યારે ટ્રિબ્યુનલે હળવા હાથે, કારસેવકોને પણ સરખા જવાબદાર ગણીને, પૂર્વઆયોજિત હુમલાની થિયરી નકારીને રિપોર્ટ બનાવ્યો હતો, પણ રમખાણોની વાત આવી ત્યારે સીધો આરોપ સરકાર પર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવી દેવામાં આવ્યો. રિપોર્ટમાં હિંદુ સંગઠનોને પણ ખરાબ ચીતરવામાં આવ્યાં અને સરકારના રક્ષણ હેઠળ મુસ્લિમો પર ટાર્ગેટેડ હુમલા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો.

એજન્ડા આધારિત ટ્રિબ્યુનલનો રિપોર્ટ આગળ કઈ રીતે પહોંચ્યો?

આ રિપોર્ટ તૈયાર કરવો એ CJPના કામનું પ્રથમ ચરણ હતું. લીગલ કેમ્પેઈન શરૂ થવાનું બાકી હતું.

NGO પોતે સ્વીકારે છે કે તેણે નાણાવટી-શાહ કમિશન સમક્ષ હજારો એફિડેવિટ તૈયાર કરવામાં મદદ કરી હતી અને હિંસાના કેસોમાં વકીલોને તમામ સામગ્રી પૂરી પાડી હતી. ગુલબર્ગ સોસાયટી અને નરોડા પાટિયા કેસમાં પણ તેઓ સંકળાયેલા હતા.

ટ્રિબ્યુનલના રિપોર્ટની ભાષા અને નરેટિવ જોઈને હવે એ કળવું કઠિન નથી કે આ બધાં એફિડેવિટમાં શું લખવામાં આવ્યું હશે. જે આરોપો ટ્રિબ્યુનલના રિપોર્ટમાં લગાવવામાં આવ્યા હતા એ જ આરોપો પછીથી કોર્ટ અને કમિશન સમક્ષ દાખલ કરવામાં આવેલી જુબાનીમાં જોવા મળ્યા.

અર્થાત્ આ બધું જ એક ચેઇન સ્વરૂપે થતું હતું. પહેલાં એક NGOએ પોતાનું ટ્રિબ્યુનલ બનાવ્યું. ટ્રિબ્યુનલે કથિત રીતે તપાસ કરી, પીડિતો સાથે વાતચીત કરી અને એક વ્યવસ્થિત નરેટિવ બની શકે, અમુક થિયરો ઘડાય એ પ્રમાણેનો રિપોર્ટ તૈયાર કર્યો. આ રિપોર્ટની સામગ્રીના આધારે પછીથી કાયદાકીય પ્રક્રિયાઓમાં એફિડેવિટ દાખલ કરવામાં આવ્યાં, જુબાનીઓ તૈયાર કરવામાં આવી, કોર્ટ સમક્ષ સોગંદનામાં દાખલ થયાં.

આગલો વારો મીડિયાનો હતો. NGOએ નેશનલ અને ગુજરાતી મીડિયા માટે બેકગ્રાઉન્ડ મટિરિયલ તૈયાર કરવાનું પણ કામ કર્યું. એટલે સંસ્થા માત્ર પીડિતોની ‘મદદ’ કરતી ન હતી કે તેમની જુબાની રેકોર્ડ કરવાનું કામ નહતી કરતી. તેનાથી આગળ વધીને સામગ્રી એકઠી કરવાનું, તેનું અર્થઘટન કરવાનું, કાયદાકીય પ્રક્રિયાઓમાં મદદ કરવાનું અને મીડિયાને સામગ્રી પહોંચાડવાનું કામ પણ સમાનાંતરે થતું રહ્યું.

આ તબક્કે રિપોર્ટ માત્ર એક ખાનગી ટ્રિબ્યુનલનો રિપોર્ટ રહેતો નથી. રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું એ એફિડેવિટમાં ગયું. એફિડેવિટ કોર્ટ કાર્યવાહીનો ભાગ બની ગયું. આ કાર્યવાહીનું મીડિયામાં રિપોર્ટિંગ થયું ત્યારે આરોપોનું ફરી પુનરાવર્તન થયું અને આરોપો આખરે મુખ્યધારામાં પ્લાન્ટ કરી દેવામાં આવ્યા.

આ બધાના કેન્દ્રસ્થાને સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ હતું, જેણે ટ્રિબ્યુનલ બનાવ્યું, તેનો રિપોર્ટ તૈયાર કરવામાં મદદ કરી, આ રિપોર્ટના આધારે વકીલોને અને ‘પીડિતો’ને એફિડેવિટ દાખલ કરવામાં મદદ કરી અને એ જ એફિડેવિટના આધારે મીડિયાને સામગ્રી પહોંચાડી.

વર્ષો પછી જૂન 2022માં SITએ તત્કાલીન સીએમ મોદી અને ગુજરાત સરકારને આપેલી ક્લીન ચિટને પડકારતી ઝકિયા જાફરીની અરજી પર ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડ અને તેનાં NGOની કરતૂતોની નોંધ લઈને સ્પષ્ટ કહ્યું હતું કે સેતલવાડે સાક્ષીઓને ભણાવીને, દસ્તાવેજોમાં હેરફેર કરીને વર્ષો સુધી આ મુદ્દો કોર્ટ-કચેરીમાં અટવાયેલો રહે તે માટેના પૂરેપૂરા પ્રયાસો કર્યા હતા.

હ્યુમન રાઇટ્સ વૉચ

‘હ્યુમન રાઇટ્સ વૉચ’ નામની આ બિનસરકારી અમેરિકન સંસ્થાએ 2002માં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો: ‘વી હેવ નો ઓર્ડર્સ ટૂ સેવ યુ: સ્ટેટ પાર્ટિસિપેશન એન્ડ કોમ્પ્લિસિટી ઇન કોમ્યુનલ વાયોલન્સ ઇન ગુજરાત.’

HRWના આ રિપોર્ટમાં ગુજરાત સરકાર, પોલીસ અને હિંદુ સંગઠનો પર હિંસાના આરોપ લગાવવામાં આવ્યા. ત્યારબાદ 2003માં એક રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ માટે સામગ્રી ક્યાંથીલેવામાં આવી? તીસ્તા સેતલવાડના CJPએ સ્થાપેલા ટ્રિબ્યુનલના રિપોર્ટમાંથી. ટ્રિબ્યુનલના જ રિપોર્ટમાંથી સામગ્રી ઉઠાવીને HRWએ પોતાનો રિપોર્ટ છાપ્યો.

ગુજરાતમાં સ્થપાયેલા એક ટ્રિબ્યુનલનો રિપોર્ટ સીધો આંતરરાષ્ટ્રીય બની ગયો. હ્યુમન રાઇટ્સ વૉચ વગેરે તેમાંથી સામગ્રી ઉઠાવીને ફરીથી પ્રકાશિત કરવા માંડ્યાં. રિપોર્ટને એક મોટું ઓડિયન્સ મળી ગયું. જે દાવાઓ ટ્રિબ્યુનલના રિપોર્ટમાં થયા હતા, જે કોર્ટ સમક્ષ કરવામાં આવ્યા હતા હવે તે ઇન્ટરનેશનલ લેવલે પહોંચી ગયા.

ઇકોસિસ્ટમ આ જ રીતે કામ કરે છે. તેના માટે આવી સંસ્થાઓ વચ્ચે કોઈ ‘સિક્રેટ એગ્રીમેન્ટ’ની જરૂર હોતી નથી. એક સંસ્થા રિપોર્ટ તૈયાર કરે છે, બીજી આ રિપોર્ટમાંથી સામગ્રી લઈને તેને પોતાના રિપોર્ટમાં ટાંકે છે. વકીલો આ સામગ્રીનો પછીથી કેસ લડવા માટે ઉપયોગ કરે છે. પત્રકારો આ કાર્યવાહી પર રિપોર્ટિંગ દરમ્યાન ફરીથી સામગ્રી પ્રકાશિત કરે છે. બધા એકસૂરે, એકસાથે એક જ ટોનમાં કામ કરતા રહે છે અને આ રીતે નરેટિવ ઘડાય છે.

અન્ય એક સંસ્થા છે એમનેસ્ટી ઇન્ટરનેશનલ.

એમ્નેસ્ટીએ હિંસાના થોડા સમયમાં જ મટિરિયલ એકઠું કરીને પ્રકાશિત કરવાનું શરૂ કરી દીધું હતું. માર્ચ 2002માં સંસ્થાએ ગુજરાત સરકારને એક આવેદન પાઠવીને તંત્ર અને પોલીસ પર આરોપો લગાવ્યા. અમુક કથિત સાક્ષીઓને ટાંકીને કહ્યું કે હિંસા પૂર્વાયોજિત અને પ્લાન્ડ તરીકે કરવામાં આવી હતી અને હુમલાખોરોમાં પોલીસ અને પ્રશાસનનો પણ હાથ હોય શકે.

અહીં પણ એ જ આરોપો પુનરાવર્તિત થયા, માત્ર સંસ્થાનું નામ બદલાયું. બીજી એક નોંધવા જેવી વાત એ છે કે સંસ્થાને ગોધરામાં શું થયું અને શું નહીં તેની સાથે બહુ નિસ્બત ન હતી, મોટાભાગનું ફોકસ રમખાણો પર કરવામાં આવ્યું.

તમામ સંસ્થાઓનું ધ્યાન રમખાણો પર હતું. રમખાણોને કઈ રીતે રજૂ કરવાં, કોના પક્ષમાં નરેટિવ બનાવવો, અહેવાલોમાં કેવી ભાષા વાપરવી– આ બધી જ બાબતો એકબીજા સાથે મેળ ખાતી હતી, માત્ર સંસ્થાઓ બદલાતી રહી. તેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પોતાની રીતે કામ કર્યું અને એક મોટા ઓડિયન્સ સુધી નરેટિવ પ્રસરાવ્યો.

હિંસા અમુક દિવસો સુધી ચાલી, પણ ડોક્યુમેન્ટેશન કેમ્પેઈન વર્ષો અને દાયકાઓ સુધી ચાલતું રહ્યું. મુદ્દો વર્ષો સુધી સળગતો રાખવામાં આવ્યો. આમાં ભૂમિકા હતી આવાં NGO અને અન્ય સંસ્થાઓની.

નરેટિવ માત્ર શું બન્યું હતું અને શું નહીં ત્યાં સુધી સીમિત ન હતો. શું બન્યું હતું તેનું સ્પષ્ટ અર્થઘટન કરવામાં આવ્યું, અમુક થિયરીઓ કોઈ આધાર-પુરાવા વગર રમતી મૂકવામાં આવી, હિંસા કઈ રીતે થઈ, ગોધરામાં જે બન્યું હતું એને સમાજ કઈ રીતે જુએ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું, રમખાણોમાં ગુજરાત સરકારની, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા કઈ રીતે જોવામાં આવે, હિંદુ સંગઠનોને કઈ રીતે ચીતરવામાં આવે– આ બધું જ સુનિશ્ચિત થતું રહ્યું.

મોદી સામેના, સરકાર સામેના આરોપો વર્ષો પછી કોર્ટમાં ટકી ન શક્યા પરંતુ કાયદાકીય અને ન્યાયિક પ્રક્રિયાઓને સમય લાગે છે, ત્યાં સુધીમાં ઇકોસિસ્ટમ પોતાનું કામ કરી ચૂકી હતી. આરોપોને તથ્યો તરીકે રજૂ કરી ચૂકી હતી. મીડિયામાં આ આરોપો પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા અને તેની આસપાસ વ્યવસ્થિત નરેટિવ ગૂંથાઈ ચૂક્યો હતો.

આ બધામાં NGO ઇકોસિસ્ટમનો જ ફાળો હતો કારણ કે રાજકીય પાર્ટીઓની મર્યાદા આવી જાય છે. રાજકીય પાર્ટીઓના આરોપો પણ રાજકીય રીતે જોવાય છે. પણ આવી બિનસરકારી સંસ્થાઓ, જે સેવાકાર્યો અને સામાજિક કાર્યોનો અંચળો ઓઢીને કામ કરતી હોય તે જ્યારે ડોક્યુમેન્ટેશન કેમ્પેઈન થકી એક નરેટિવ બનાવે ત્યારે તે સમાજમાં પ્રસ્થાપિત થવાની શક્યતાઓ વધી જાય છે અને એ જ થયું.

એક NGOએ પીડિતોને ભણાવીને તેમની જુબાનીના આધારે રિપોર્ટ તૈયાર કર્યો. ત્યારબાદ આ જ આરોપો કોર્ટમાં ગયા અને તેના આધારે મીડિયા રિપોર્ટ તૈયાર થયા. આ જ સામગ્રી બીજાં NGO અને સંગઠનોએ ઉપાડી લીધી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંગઠનો આવ્યાં, જેમણે એ જ મૂળ રિપોર્ટનો અને આરોપોનો સહારો લીધો. અંતે ફાઈનલ નરેટિવ એવો તૈયાર થયો કે આ બધું જ જુદા-જુદા સ્રોત પાસેથી આવ્યું છે. હકીકત એ હતી કે બધાનાં મૂળ એક જ ઠેકાણે હતાં.

કહેવાનો અર્થ NGO માત્ર સામાજિક કામો પૂરતાં સીમિત રહેતાં નથી, તેમની ભૂમિકા અનેકગણી વધારે હોય છે. સમાજમાં ભળી જઈને, પડદા પાછળ રહીને તેઓ ઘણાં સારાં-નરસાં કામો કરી શકે છે જેની અસરો સામાજિકથી માંડીને રાષ્ટ્રીય સુરક્ષા પર થતી હોય છે. ગુજરાત રમખાણો તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

એટલે NGO અને આવી સંસ્થાઓનું નિયમન જરૂરી છે, તેમને પૈસા ક્યાંથી મળે છે અને ક્યાંથી આવે છે તેની ચકાસણી જરૂરી છે અને એટલે જ FCRA વધુ કડક બને એ જરૂરી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં