કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હમણાં એક વિડીયો પોસ્ટ કર્યો. જેમાં તેઓ મધ્ય પ્રદેશના કેન-બેતવા રિવર લિન્ક પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. સાથે રાહુલે લખ્યું, “આદિવાસી ભાઈ-બહેનોની આ લડાઈમાં હું અને કોંગ્રેસ તેમની સાથે છીએ.”
રાહુલ ગાંધી અને વિપક્ષે કોઈ વિકાસ પ્રોજેક્ટનો આ રીતે વિરોધ કર્યો હોય એવું પહેલીવાર નથી બન્યું કે આ કોઈ આશ્ચર્યજનક બાબત પણ નથી.
ગુજરાતીઓ સુપેરે જાણે છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પણ આ જ પ્લેબુક અપનાવી ચૂકી છે. અગાઉ ગુજરાતના પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટનો પણ કોંગ્રેસના નેતાઓએ ભરપૂર વિરોધ કર્યો અને તેને આદિવાસીઓનાં ‘જળ-જમીન-જંગલ’નો મુદ્દો બનાવીને, વિસ્થાપનનો ભય ઊભો કરીને આંદોલન શરૂ કરાવ્યું હતું. ગુજરાત સરકારે આખરે પ્રોજેક્ટ પડતો મૂકવાની ઘોષણા કરી. ત્યારબાદ સરકાર સતત કહેતી રહી કે પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટ પર આગળ કોઈ પ્લાન નથી.
ટૂંકમાં જ્યારે જ્યારે કોઈ વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આકાર લે છે ત્યારે વિરોધનું રાજકારણ રમીને પ્રોજેક્ટ અટકાવવો કે વિલંબિત કરવાનો પ્રયાસ કરવો એ રાહુલ ગાંધી અને વિપક્ષની ચોક્કસ પેટર્ન બની ગઈ છે.
केन-बेतवा परियोजना के खिलाफ सत्याग्रह कर रहे आदिवासी भाई-बहनों की समस्याएं, मांगें, संघर्ष और आपबीती – उनकी जुबानी।
— Rahul Gandhi (@RahulGandhi) August 19, 2026
सालों से सिर्फ़ अपने अधिकारों के लिए अन्याय और अत्याचार सह रहे ये बुंदेलखंड निवासी सम्मान और समर्थन के हक़दार हैं।
आदिवासी भाई-बहनों की इस लड़ाई में, मैं और… pic.twitter.com/graNKRt4IE
રાહુલ ગાંધીની ચર્ચામાં વળતર, વાઘ અને જમીન સહિતના ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જોકે, વળતર અને વિસ્થાપનને લઈને થતા દાવાઓ અને જમીની હકીકતમાં ઘણો તફાવત જોવા મળે છે. ઑગસ્ટ 2026માં જનજાતિ બાબતોના મંત્રાલયે લોકસભામાં સ્પષ્ટ કર્યું હતું કે વળતરની રકમ ન મળી હોય તેવી કોઈ ચોક્કસ ફરિયાદ મળી નથી અને મળેલી રજૂઆતોને સ્થાનિક વહીવટીતંત્રને યોગ્ય કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.
આ દર્શાવે છે કે સરકાર પુનર્વસન માટે પારદર્શક પ્રક્રિયા અપનાવી રહી છે. આદિવાસીઓની વાસ્તવિક સમસ્યાઓનો સ્વીકાર કરીને તેનું યોગ્ય નિવારણ લાવવું જરૂર મહત્વનું છે, પરંતુ દેશના હિતમાં બનતા કેન-બેતવા કે પાર-તાપી-નર્મદા જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટો સામે એકસરખું રાજકીય હથિયાર વાપરીને ભયનું વાતાવરણ ઊભું કરવું એ વિકાસના માર્ગમાં મોટો અવરોધ સાબિત થાય છે.
બુંદેલખંડ માટે કેમ જરૂરી છે આ પ્રોજેક્ટ
કેન-બેતવા લિંક પ્રોજેક્ટને માત્ર રાજકીય દૃષ્ટિકોણથી મૂલવવો યોગ્ય નથી, કારણ કે બુંદેલખંડ ક્ષેત્ર દાયકાઓથી ભીષણ જળસંકટ, સુકાભૂખ અને ગ્રામીણ અર્થતંત્રના પતનનો સામનો કરી રહ્યું છે. મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા આ બુંદેલખંડ વિસ્તારમાં અનિશ્ચિત વરસાદ અને ઘટતા ભૂગર્ભજળને કારણે ખેતી અને આજીવિકા પર ગંભીર અસર પડી છે. આ જ કારણસર નેશનલ પર્સ્પેક્ટિવ પ્લાન હેઠળ અમલીકરણના તબક્કામાં પહોંચેલો આ દેશનો પ્રથમ રાષ્ટ્રીય નદી જોડાણ પ્રોજેક્ટ બન્યો છે.
સરળ ભાષામાં સમજીએ તો કેન અને બેતવા બંને નદીઓ મધ્ય પ્રદેશમાંથી નીકળીને આગળ જઈને યમુના નદીને મળે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય કેન નદીના ચોમાસા દરમિયાન નકામા વહી જતા વધારાના પાણીને રોકીને તેને બેતવા નદીના અછતવાળા વિસ્તાર તરફ વાળવાનો છે. આ માટે મધ્ય પ્રદેશના છતરપુર-પન્ના વિસ્તાર નજીક ‘દૌધન ડેમ’ અને ત્યાંથી પાણી પહોંચાડવા માટે 221 કિલોમીટર લાંબી વિશાળ લિંક કેનાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
કેન-બેતવા લિન્ક પ્રોજેક્ટ એ સિવિલ એન્જિનિયરિંગ અને જળ સંચાલનનું એક અત્યંત આધુનિક અને વિશાળ માળખું છે.
આ આખી યોજનાનો મુખ્ય આધાર મુખ્યત્વે બે મોટા એન્જિનિયરિંગ ઘટકો પર ટકેલો છે: દોધન ડેમ (Daudhan Dam) અને 221 કિલોમીટર લાંબી મુખ્ય લિંક કેનાલ. આ બંને રચનાઓ ચોમાસા દરમિયાન કેન નદીના વધારાના પાણીને રોકીને તેને અછતવાળા વિસ્તારો સુધી પહોંચાડવાનું કામ કરશે.

આ પ્રોજેક્ટનું મુખ્ય કેન્દ્રબિંદુ મધ્ય પ્રદેશના છતરપુર અને પન્ના જિલ્લાની સરહદે કેન નદી પર બનનારો ‘દોધન ડેમ’ છે. આ ડેમ આશરે 77 મીટર ઊંચો અને 2,031 મીટર લાંબો બનાવવાનો પ્રસ્તાવ છે. આ એક બહુઉદ્દેશીય જળાશય હશે, જેની કુલ જળ સંગ્રહ ક્ષમતા આશરે 2,853 લાખ ઘનમીટર (MCM) હશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસામાં વહી જતા પાણીને એકઠું કરીને આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાનો છે.
દોધન ડેમના જળાશયમાંથી 221 કિલોમીટર લાંબી કોંક્રિટ-લાઇન્ડ મુખ્ય લિંક કેનાલ કાઢવામાં આવશે, જેમાંથી 21 કિમી ઉત્તર પ્રદેશમાં અને બાકીનો હિસ્સો મધ્ય પ્રદેશમાં હશે. પાણીને સરળતાથી પહોંચાડવા માટે કુદરતી ઢાળનો (Gravity Flow) ઉપયોગ કરાશે. જ્યાં ભૌગોલિક અવરોધો આવશે ત્યાં આધુનિક લિફ્ટ પમ્પિંગ સ્ટેશનો, ભૂગર્ભ ટનલો અને એક્વાડક્ટ્સ બનાવવામાં આવશે, જેથી પાણી વિના અવરોધે બેતવા નદી સુધી પહોંચી શકે.
2 તબક્કામાં થશે કામ
આ વિશાળ પ્રોજેક્ટને સરળતાથી પૂરો કરવા માટે બે તબક્કા (Phase-I અને Phase-II)માં વહેંચવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં દોધન ડેમ, 221 કિમી કેનાલ, લોઅર ઓર પ્રોજેક્ટ, કોઠા બેરાજ અને પાવર હાઉસનું નિર્માણ થશે. આ તબક્કામાં દોધન ડેમ સાઇટ પર 103 મેગાવોટ હાઇડ્રો પાવર અને 27 મેગાવોટ સોલાર પાવર મળીને કુલ 130 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક છે, જેથી છતરપુર, પન્ના, ટીકમગઢ અને બાંદા જેવા વિસ્તારોને તુરંત પાણી મળી રહે.
બીજા તબક્કામાં બેતવા અને તેની ઉપનદીઓ પર પૂરક માળખાં બનાવવામાં આવશે. જેમાં સાગર જિલ્લામાં ‘બીના કોમ્પ્લેક્સ બહુઉદ્દેશીય પ્રોજેક્ટ’, વિદિશામાં ‘કોઠા બેરાજ’ અને શિવપુરી-ગુના માટે ‘લોઅર ઓર પ્રોજેક્ટ’નો સમાવેશ થાય છે. આ બીજા તબક્કાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કેન નદીમાંથી લાવવામાં આવેલું પાણી બેતવા નદીના છેવાડાના ખેતર સુધી પહોંચે અને પાણીનો જરાય બગાડ ન થાય.
2021માં કેન્દ્ર સરકારે આપી હતી મંજૂરી, 62 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી
આ એક અત્યંત વિરાટ સ્તરનો પ્રોજેક્ટ છે, જેને ડિસેમ્બર 2021માં કેન્દ્ર સરકારે ₹44,605 કરોડના અંદાજિત ખર્ચ સાથે મંજૂરી આપી હતી. આ કુલ બજેટમાંથી ₹39,317 કરોડનો મોટો હિસ્સો કેન્દ્ર સરકાર આપી રહી છે. પ્રોજેક્ટને માર્ચ 2030 સુધીમાં પૂર્ણ કરવાનું સત્તાવાર લક્ષ્યાંક છે અને હાલમાં જમીન સંપાદન, પર્યાવરણીય મંજૂરીઓ અને દૌધન ડેમના મુખ્ય નિર્માણ કાર્યની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી બુંદેલખંડના સામાન્ય નાગરિકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવશે. સત્તાવાર આંકડા મુજબ, આ યોજનાથી કુલ 10.62 લાખ હેક્ટર જમીનમાં વાર્ષિક સિંચાઈની સુવિધા મળશે જેમાં મધ્ય પ્રદેશમાં 8.11 લાખ હેક્ટર અને ઉત્તર પ્રદેશમાં 2.51 લાખ હેક્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આશરે 62 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે, જે સમગ્ર બુંદેલખંડના જળ માળખા અને કૃષિ ક્ષેત્રનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખશે.

ગ્રામીણ અર્થતંત્રમાં સકારાત્મક બદલાવ, 130 મેગાવોટ વીજળી
આ પ્રોજેક્ટથી કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રમાં મોટો સકારાત્મક બદલાવ આવવાની અપેક્ષા છે. અત્યાર સુધી વરસાદ પર નિર્ભર રહેતા બુંદેલખંડના ખેડૂતો હવે નિયમિત સિંચાઈ મળવાથી ઘઉં, ચણા, સરસવ, કઠોળ અને શાકભાજી જેવા વિવિધ પાકો લઈ શકશે. પાણીની પર્યાપ્ત ઉપલબ્ધતાથી પશુપાલન, ડેરી ઉદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ગ્રામીણ વ્યવસાયોને નવું બળ મળશે, જેથી એક પાક નિષ્ફળ જવાથી થતા આર્થિક નુકસાન અને પલાયનની સમસ્યા અટકશે.
પાણીની સાથે આ યોજના ઊર્જા ક્ષેત્રે પણ મહત્વનું પ્રદાન આપશે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 130 મેગાવોટ વીજળી ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં 103 મેગાવોટ હાઇડ્રોપાવર અને 27 મેગાવોટ સોલાર પાવરનો સમાવેશ થાય છે. આ વીજળીનો મુખ્ય ઉપયોગ લિન્ક કેનાલ દ્વારા પાણી લિફ્ટ કરવામાં તથા સિંચાઈ વ્યવસ્થાને સંચાલિત કરવામાં થશે, જેથી પ્રોજેક્ટ ઊર્જાના સંદર્ભમાં પણ આત્મનિર્ભર બની શકશે.
ડૂબમાં જતી જમીન અને વાઘના સંરક્ષણ માટે મેનેજમેન્ટ પ્લાન તૈયાર
દૌધન ડેમના નિર્માણને કારણે આશરે 9,000 હેક્ટર જમીન ડૂબમાં જશે, જેમાં પન્ના ટાઇગર રિઝર્વનો 4,141 હેક્ટર કોર વિસ્તાર અને 1,314 હેક્ટર બફર વિસ્તાર સામેલ છે. એક સમયે વાઘ વિહોણા થઈ ગયેલા પન્નામાં સફળ પુનઃસ્થાપન બાદ ફરી વાઘનો વંશાવલો વધ્યો હતો ત્યારે આ ડૂબાણ અને 10 ગામોનું વિસ્થાપન અયોગ્ય છે એવી દલીલો થઈ રહી છે.
એ પણ ધ્યાને લેવું જોઈએ કે કેન-બેતવા રિવર-લિન્કિંગ પ્રોજેક્ટ માત્ર એક ડેમ કે કેનાલનું નિર્માણ નથી, પરંતુ દાયકાઓથી સૂકાભૂખ અને ગરીબીમાં ધકેલાયેલા બુંદેલખંડના લાખો લોકોની તકદીર બદલવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે. પરંતુ દુર્ભાગ્યવશ જ્યારે પણ દેશમાં કોઈ મોટો વિકાસલક્ષી પ્રકલ્પ આકાર લે છે ત્યારે પર્યાવરણ અને વિસ્થાપનના નામે એક્ટિવિઝમ અને વિપક્ષી ટૂલકિટ સક્રિય થઈ જાય છે.
એ વાત સાચી છે કે દૌધન ડેમના નિર્માણથી પન્ના ટાઇગર રિઝર્વનો કેટલોક વિસ્તાર જળાશય હેઠળ આવશે, પરંતુ તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સરકારે પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણ માટે પહેલેથી જ અત્યંત વૈજ્ઞાનિક ‘લેન્ડસ્કેપ મેનેજમેન્ટ પ્લાન’ તૈયાર કર્યો છે. પન્ના, રાણીપુર અને નૌરાદેહી જંગલોને સાંકળીને ‘ગ્રેટર પન્ના લેન્ડસ્કેપ’ બનાવવાની યોજના એ બાબતની સાબિતી છે કે સરકાર વિકાસ અને પર્યાવરણ બંને વચ્ચે સંતુલન જાળવીને જ આગળ વધી રહી છે.
આદિવાસી હિતના નામે રાજકીય ખેંચતાણ
છતરપુર અને આસપાસના વિસ્તારોમાં થઈ રહેલા વિરોધ પાછળ આદિવાસીઓના વાસ્તવિક પ્રશ્નો કરતાં વિપક્ષી એજન્ડા વધુ દેખાય છે. અગાઉ ગુજરાતના પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ વખતે પણ આ જ પ્રકારે આદિવાસીઓને ભ્રમિત કરીને વિકાસકામો અટકાવવાનો પ્રયાસ થયો હતો. સત્ય એ છે કે સરકાર વળતર, પુનર્વસન અને કાયદાકીય અધિકારો માટે સંપૂર્ણ પારદર્શક નીતિ અપનાવી રહી છે. આદિવાસીઓના કલ્યાણના નામે ચાલતી વિરોધની રાજનીતિ વાસ્તવમાં બુંદેલખંડના ૬૨ લાખ લોકોને પીવાના પાણી અને સિંચાઈથી વંચિત રાખવાનું રાજકીય ષડયંત્ર માત્ર છે.
એનડબલ્યુડીએ (NWDA) અને સેન્ટ્રલ વોટર કમિશનના ગહન હાઇડ્રોલોજિકલ અભ્યાસ બાદ જ નક્કી કરવામાં આવ્યું છે કે કેન નદીમાં પર્યાપ્ત ‘સરપ્લસ’ (વધારાનું) પાણી ઉપલબ્ધ છે, જે ચોમાસામાં વહીને દરિયામાં જતું રહે છે. કહેવાતા જળ-નિષ્ણાતો અને એનજીઓ બ્રિગેડ દ્વારા નાનાં સરોવરોના જીર્ણોદ્ધારની વાતો કરીને વિશાળ જળ-ગ્રીડના ખ્યાલને નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બુંદેલખંડ જેવા કઠોર ભૌગોલિક ક્ષેત્રમાં મોટો વિરાટ પ્રોજેક્ટ જ કાયમી ઉકેલ લાવી શકે છે.
કેન-બેતવા પ્રોજેક્ટ ભારતની જળ ક્રાંતિનો ભાગ છે. એક બાજુ પૂર અને બીજી બાજુ શુષ્ક વિસ્તાર– આ અસંતુલન દૂર કરવા માટે રાષ્ટ્રીય નદી જોડાણ સમયની માંગ છે. વિકાસ પ્રક્રિયામાં વિસ્થાપિતો માટે સુદ્રઢ પુનર્વસન નિશ્ચિત હોવું જોઈએ, પરંતુ તેના નામે સમગ્ર પ્રોજેક્ટ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું એ દેશના ભવિષ્ય સાથે રમત રમવા સમાન છે.


