હોમપેજદેશશું નિઃશુલ્ક UPI પેમેન્ટ સિસ્ટમ બંધ થઈ જશે? ના. મીડિયાની ભ્રામક હેડલાઈનો...

શું નિઃશુલ્ક UPI પેમેન્ટ સિસ્ટમ બંધ થઈ જશે? ના. મીડિયાની ભ્રામક હેડલાઈનો અને સનસનાટીભર્યા સમાચારોનું સત્ય વાંચો

મીડિયા અહેવાલોની ભ્રામક હેડલાઈનો અને સનસનાટીભર્યા સમાચારો વચ્ચે વાંચો હકીકત શું છે.

- Advertisement -

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા તેમજ સમાચાર માધ્યમોમાં એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે ‘ભારતમાં મફત UPI પેમેન્ટ સિસ્ટમ ટૂંક સમયમાં ખતમ થઈ શકે છે.’ આવા સનસનાટીભર્યા અહેવાલો અને ન્યૂઝ ગ્રાફિક્સના કારણે સામાન્ય લોકોમાં એવી ભ્રમણા ઊભી થઈ છે કે હવે ગુગલ પે, ફોનપે કે પેટીએમ દ્વારા કરવામાં આવતી તમામ ચૂકવણી પર ચાર્જ વસૂલવામાં આવશે.

વાયરલ થઈ રહેલી વિવિધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને મેઇનસ્ટ્રીમ મીડિયામાં એવાં હેડિંગ સાથે મફત UPI પેમેન્ટ સેવા અંગે અહેવાલો છાપવામાં આવી રહ્યા છે કે પ્રથમ દૃષ્ટિએ માત્ર હેડિંગ જોતાં જનતામાં એવો ભ્રમ થાય કે હવે UPI વાપરવા માટે ચાર્જ ચૂકવવો પડશે.

ઝી24 કલાક ગુજરાતીએ પણ આવા જ ટાઇટલ સાથે સોશિયલ મીડીયા પર પોસ્ટ કરી જેમાં ‘ભારતમાં મફત UPI પેમેન્ટ સિસ્ટમ થઈ શકે છે બંધ!’ એવું ટાઇટલ હતું અને સાથે જોડેલી તસવીરમાં પણ ભ્રમ ઊભો થાય એ રીતનું લખાણ લખવામાં આવ્યું હતું.

- Advertisement -

TV13 ગુજરાતીએ એક વિડીયો રિપોર્ટની હેડલાઇનમાં લખ્યું– ‘શું UPI પેમેન્ટ હવે મફત નહીં રહે? જાણો સરકારની તૈયારી!’

ABP અસ્મિતાએ એક રિપોર્ટમાં લખ્યું– ‘2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર.’ જેની સબહેડલાઇન છે– ‘ભારતની મફત UPI પેમેન્ટ સિસ્ટમને ઝટકો લાગી શકે છે. સરકારે સંસદમાં ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ’ માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે.’

ઘણા અન્ય અહેવાલોના ટાઇટલમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ₹2,000થી વધુના ડિજિટલ વ્યવહારો પર ચાર્જ લગાવવા માટે મોટો પ્રસ્તાવ લાવી રહી છે. આવી હેડલાઈન્સ વાંચીને સામાન્ય ગ્રાહકોને લાગે છે કે UPIનો ઉપયોગ કરવો હવે મોંઘો પડશે અથવા ભારતની આ ફ્રી પેમેન્ટ સિસ્ટમનો અંત આવી રહ્યો છે.

જોકે આ અહેવાલોની અંદર ભારત સરકાર શું બિલ લાવી રહી છે તે અંગે વિસ્તૃતમાં માહિતી હતી. પરંતુ આ પ્રકારના હેડિંગ છાપવાથી જનતામાં એવો માહોલ ઊભો થઈ શકે છે કે હવેથી UPI સિસ્ટમ મફત નહીં રહે અથવા બંધ થઈ જશે. જોકે વાસ્તવિકતા એ છે કે ભારતમાં UPI પેમેન્ટ સિસ્ટમ બંધ નથી થઈ રહી કે સામાન્ય વપરાશકર્તાઓ માટે તે ચાર્જેબલ નથી બની રહી. આ કાયદાકીય ફેરફાર મુખ્યત્વે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) સાથે સંબંધિત છે, જે માત્ર વેપારીઓ અને પેમેન્ટ પ્લેટફોર્મ વચ્ચેનો વિષય છે.

તમે તમારા મિત્ર, સ્વજન કે કોઈ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરો છો (Person-to-Person અથવા P2P વ્યવહારો) તેના પર કોઈ જ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. P2P વ્યવહારો સંપૂર્ણપણે મફત જ રહેશે. તેથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એ અફવા પાયાવિહોણી છે કે સામાન્ય વપરાશકર્તાએ દરેક ટ્રાન્ઝેક્શન પર પૈસા ચૂકવવા પડશે.

આમાંથી મોટાભાગના મીડિયાએ સમાચારોમાં ક્યાંક આ વાત જણાવી છે, પણ એવું માનીને ન ચાલી શકાય કે વાચકો કે દર્શકો સંપૂર્ણ સમાચારો વાંચે કે અંત સુધી વિડીયો જુએ છે. ઘણા જેઓ માત્ર હેડલાઇન વાંચતા હોય તેમને ભ્રમ સર્જાય શકે છે. સોશિયલ મીડિયા પર આવી પોસ્ટની કૉમેન્ટ વાંચશો તોય આ બાબતનો ખ્યાલ આવી જશે.

સરકાર લાવી રહી છે સુધારાનો પ્રસ્તાવ

સરકારે સંસદમાં ‘ધી ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026’ રજૂ કર્યું છે. આ બિલમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007ની કલમ 10Aમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.

હાલમાં કાયદા મુજબ BHIM-UPI, QR કોડ અને RuPay ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર કંપનીઓ કે બેંકો કોઈ ચાર્જ વસૂલી શકતી નથી. નવા કાયદાકીય સુધારાનો અર્થ એ છે કે, સરકારે કાયદામાંથી આ ફિક્સ નિયમ હટાવીને પોતાના હાથમાં પાવર લીધો છે. હવે ભવિષ્યમાં સરકાર પોતે નોટિફિકેશન બહાર પાડીને નક્કી કરી શકશે કે કયાં ડિજિટલ પેમેન્ટ મફત રાખવાં અને કયાં પેમેન્ટ પર ચાર્જ લગાવવાની છૂટ આપવી.

અહીં નોંધનીય બાબત એ છે કે આ બિલ રજૂ થવાથી તાત્કાલિક અસરથી UPI પર કોઈ જ ચાર્જ લાગુ થઈ જતો નથી. આ માત્ર એક કાયદાકીય માળખું (Legal Framework) તૈયાર કરવાની પ્રક્રિયા છે. જો સંસદમાં આ બિલ પસાર થઈ પણ જાય તોપણ કયા વ્યવહારો પર અને ક્યારથી ચાર્જ લાગશે તે માટે કેન્દ્ર સરકારે અલગથી નોટિફિકેશન બહાર પાડવું પડશે. ત્યાં સુધી સ્થિતિ યથાવત રહેશે.

હવે પ્રશ્ન એ થાય કે સરકાર આ કાયદાકીય ફેરફાર શા માટે કરી રહી છે? જાન્યુઆરી 2020થી સરકારે UPI અને RuPay પર MDR શૂન્ય કરી દીધો હતો જેથી દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળે. તેની ભરપાઈ માટે સરકારે બેન્કો અને પેમેન્ટ કંપનીઓને સબસિડી/ઇન્સેન્ટિવ આપવાનું શરૂ કર્યું હતું.

સબસિડીથી કુલ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ

છેલ્લા કેટલાક સમયમાં UPIનો ઉપયોગ અને ટ્રાન્ઝેક્શન ખૂબ જ વધી ગયાં છે. સરકાર જે આર્થિક મદદ (સબસિડી) આપે છે તે માત્ર નાના વેપારીઓ અને ₹2,000 સુધીની નાની ખરીદી પર જ મળે છે. બીજી તરફ, બેન્કો અને પેમેન્ટ કંપનીઓ માટે સર્વર ચલાવવાનો, ઓનલાઈન સુરક્ષા (સાયબર સિક્યોરિટી) રાખવાનો અને આખી પેમેન્ટ સિસ્ટમ યોગ્ય રીતે જાળવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે.

સંસદીય સમિતિએ પણ પોતાના અહેવાલમાં નોંધ્યું હતું કે MDR વગર આખી UPI ઇકોસિસ્ટમ આર્થિક રીતે ટકાવી રાખવી મુશ્કેલ બની રહી છે, કારણ કે સરકારી સબસિડી ઉદ્યોગના વાસ્તવિક ખર્ચના માત્ર એક નાના ભાગને જ આવરી લે છે.

આ મામલે RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કહ્યું કે, આટલી મોટી UPI સિસ્ટમ કાયમ માટે તદ્દન મફતમાં ચલાવવી શક્ય નથી, કારણ કે તેની સુરક્ષા અને નેટવર્ક વધારવા માટે પૈસાની જરૂર પડે જ છે. જોકે, તેમણે એ પણ ઉમેર્યું કે અત્યારથી ચાર્જ વિશે અટકળો લગાવવી વહેલી ગણાશે; સરકાર તરફથી અધિકૃત નોટિફિકેશન આવ્યા પછી જ બધું સ્પષ્ટ થશે.

મોટા વેપારીઓ પર લાગી શકે ચાર્જ, સામાન્ય જનતા પર નહીં આવે બોજ

પ્રસ્તાવિત ચર્ચા અનુસાર, જો ભવિષ્યમાં MDR લાગુ કરવામાં આવે તોપણ તે સામાન્ય જનતા કે નાના વેપારીઓ માટે નહીં હોય. આ ચાર્જ માત્ર મોટા વેપારીઓ જેમનું વાર્ષિક ટર્નઓવર ₹50 કરોડથી વધુ છે તેના પર અને ₹2,000થી વધુ રકમના વ્યવહારો પર 0.3% થી 0.5% જેટલો લાગુ કરવાની વિચારણા છે.

સરળ શબ્દોમાં કહીએ તો જો નાગરિકો સ્થાનિક શાકભાજીવાળા, કરિયાણાવાળા કે નાની દુકાને UPIથી ચૂકવણી કરશે તો ત્યાં કોઈ ચાર્જ નહીં લાગે. પરંતુ જો કોઈ મોટી રીટેલ ચેઈન અથવા મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ₹2,000થી વધુનું પેમેન્ટ કરશે તો એડવાન્સ સિસ્ટમ પ્રોસેસિંગ માટે તે મોટા વેપારીએ બેન્કને નાનો ચાર્જ (MDR) ચૂકવવો પડી શકે છે.

ચાર્જ મર્ચન્ટ (વેપારી) પાસેથી વસૂલવામાં આવશે, ગ્રાહક પાસેથી નહીં. ગ્રાહકના ખાતામાંથી વધારાનો રૂપિયો પણ કપાશે નહીં. હા, એ વાત અલગ છે કે ભવિષ્યમાં કેટલાક મોટા વેપારીઓ પોતાના માર્જિન જાળવવા વસ્તુઓની કિંમતમાં આડકતરી રીતે આ ખર્ચ સરભર કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તે તેમનો વ્યવસાયિક નિર્ણય હશે, UPI સિસ્ટમનો ચાર્જ નહીં.

તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થતી પોસ્ટ્સ કે સનસનાટીભર્યા સમાચાર જોઈને ગભરાવાની કે ભ્રમિત થવાની જરૂર નથી. ભારતની UPI સિસ્ટમ બંધ નથી થઈ રહી અને સામાન્ય નાગરિકો માટે પોતાના રોજિંદા વ્યવહારો માટે UPI હંમેશની જેમ સુરક્ષિત અને મફત જ રહેશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં