કૃષ્ણનું નામ લેતા જ રાધાનું નામ કેમ યાદ આવે છે? આ પ્રશ્ન જેટલો સરળ લાગે છે, તેનો ઉત્તર એટલો સીધો નથી. કૃષ્ણ ભારતીય ધાર્મિક પરંપરાના સૌથી વિસ્તૃત વ્યક્તિત્વ પૈકીના એક છે. તેમના માટે મહાભારત છે, હરિવંશ છે, શ્રીમદ્ ભાગવત છે, ગીતા છે. ગોકુળથી કુરુક્ષેત્ર સુધી તેમનું સ્વરૂપ સતત વિસ્તરતું જાય છે. રાધાનું સ્થાન થોડું જુદું છે. તેઓ કૃષ્ણની જેમ દરેક પ્રાચીન ગ્રંથના કેન્દ્રમાં દેખાતાં નથી, છતાં કૃષ્ણભક્તિની વાત આવે ત્યારે રાધા વિના કૃષ્ણનું નામ અધૂરું લાગે છે. મંદિરોમાં બંને નામ સાથે લેવાય છે, ભજનમાં બંને સાથે ગવાય છે અને વૈષ્ણવ પરંપરાના એક મોટા પ્રવાહમાં બંનેને એક જ પરમ તત્વનાં બે સ્વરૂપ તરીકે સમજાવવામાં આવે છે.
આ સંબંધને માત્ર પ્રેમકથાની ભાષામાં સમજવો સરળ છે, પરંતુ વૈષ્ણવ પરંપરાએ રાધાને જે સ્થાન આપ્યું છે તે એટલું સરળ નથી. કેટલીક પૌરાણિક પરંપરાઓમાં રાધાનું પ્રાગટ્ય જ શ્રીકૃષ્ણના સ્વરૂપમાંથી થયેલું બતાવવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મખંડમાં શ્રીકૃષ્ણના ડાબા અંગમાંથી એક દિવ્ય સ્ત્રીના પ્રાગટ્યનું વર્ણન છે, આ સ્ત્રીને રાધા તરીકે ઓળખાવવામાં આવે છે અને ગ્રંથ તેમને કૃષ્ણના પોતાના શરીરમાંથી પ્રગટ થયેલ હોવાથી તેમની પ્રિયતમ તરીકે રજૂ કરે છે.
આ વર્ણન માત્ર રાધાના પ્રાગટ્યની કથા નથી. રાધાનું પ્રાગટ્ય કૃષ્ણના પોતાના સ્વરૂપમાંથી થાય છે, એટલે અહીં રાધાને કૃષ્ણથી અલગ કોઈ સ્વતંત્ર સત્તા તરીકે જોવામાં આવતી નથી. તેઓ કૃષ્ણની જ આંતરિક શક્તિનું પ્રગટ સ્વરૂપ છે. એક જ પરમ તત્વ શક્તિમાન અને શક્તિનાં બે સ્વરૂપે પ્રગટ થાય છે. આ વિચાર પછીના વૈષ્ણવ તત્વચિંતનમાં વધુ સ્પષ્ટ બને છે. બ્રહ્મવૈવર્ત પુરાણની આ કથાથી શરૂ થતો રાધા-કૃષ્ણનો સંબંધ ગૌડિય વૈષ્ણવ પરંપરામાં ‘એક તત્વ, બે સ્વરૂપ’ના ગહન દર્શન સુધી પહોંચે છે.
કૃષ્ણના સ્વરૂપમાંથી પ્રગટ થયેલ રાધા
બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાનું પ્રાગટ્ય સામાન્ય જન્મકથા તરીકે આવતું નથી. ગોલોકમાં શ્રીકૃષ્ણ એકલા છે અને તેમના પોતાના સ્વરૂપમાંથી રાધા પ્રગટ થાય છે. પુરાણના વર્ણન મુજબ કૃષ્ણના વામ ભાગમાંથી દિવ્ય સ્ત્રીનું પ્રાગટ્ય થાય છે. તે કૃષ્ણ પાસે આવે છે, તેમના ચરણોમાં પુષ્પ અર્પણ કરે છે અને અહીંથી રાધા-કૃષ્ણના અવિભાજ્ય સંબંધનું પૌરાણિક સ્વરૂપ સામે આવે છે. રાધા કોઈ બહારથી આવીને કૃષ્ણની સાથે જોડાતી સત્તા નથી, તેમનું મૂળ કૃષ્ણના પોતાના સ્વરૂપમાં જ છે.
આ વાતને માત્ર કથાના એક પ્રસંગ તરીકે વાંચીશું તો તેની ઊંડાઈ સમજાશે નહીં. રાધાનું કૃષ્ણમાંથી પ્રગટ થવું એ જ આગળના વૈષ્ણવ ચિંતનનો આધાર બને છે. કૃષ્ણ અને રાધા વચ્ચેનો સંબંધ બે અલગ સત્તાઓ વચ્ચેનો સંબંધ નથી. અહીં શક્તિમાન અને શક્તિનો સંબંધ છે. કૃષ્ણ પરમ તત્વ છે અને રાધા તેમની પોતાની સ્વરૂપશક્તિ. બંનેનું સ્વરૂપ અલગ દેખાય છે, તેમની લીલા અલગ છે, પરંતુ તત્વની દૃષ્ટિએ બંનેને અલગ કરી શકાય નહીં.
ગૌડિય વૈષ્ણવ પરંપરા આ વાતને એક સુંદર વાક્યમાં સમેટે છે- ‘રાધા-કૃષ્ણ એક આત્મા, બે દેહ ધરી.’ એક જ તત્વ બે સ્વરૂપે પ્રગટ થયું છે. કૃષ્ણ પોતાના સ્વરૂપમાં પરમ આનંદ છે તો રાધા એ જ આનંદની આંતરિક શક્તિ છે. બંને વચ્ચેનો પ્રેમ પણ બહારથી રચાયેલો કોઈ સંબંધ નથી, તે એક જ દિવ્ય તત્વની પોતાની અંદરની લીલા છે.
આ જ જગ્યાએ રાધા ‘કૃષ્ણની પ્રિયા’થી આગળ વધીને કૃષ્ણના પોતાના તત્વનો ભાગ બની જાય છે. પ્રશ્ન હવે રાધા કૃષ્ણથી કેટલાં નજીક છે એટલો નથી રહેતો, પ્રશ્ન એ છે કે કૃષ્ણના પરમ આનંદનું સ્વરૂપ શું છે અને એ આનંદ પ્રેમ તરીકે કેવી રીતે વ્યક્ત થાય છે. ગૌડિય વૈષ્ણવ દર્શન આનો ઉત્તર ‘હ્લાદિની શક્તિ’માં આપે છે. કૃષ્ણની પોતાની આનંદદાયી, આંતરિક શક્તિ તરીકે રાધા.
રાધા એટલે કૃષ્ણની હ્લાદિની શક્તિ
ગૌડિય વૈષ્ણવ દર્શનમાં ભગવાનની આંતરિક શક્તિનું એક સ્વરૂપ ‘હ્લાદિની શક્તિ’ તરીકે સમજાવવામાં આવે છે. ‘ચૈતન્યચરિતામૃત’માં રાધા-કૃષ્ણના પ્રેમને ભગવાનની આંતરિક હ્લાદિની શક્તિની દિવ્ય અભિવ્યક્તિ તરીકે સમજાવવામાં આવે છે. એ જ પરંપરામાં રાધાને આ હ્લાદિની શક્તિનું પરિપૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે.
‘હ્લાદિની’નો મૂળ ભાવ આનંદ સાથે જોડાયેલો છે. જે આનંદ આપે, જે પ્રસન્ન કરે. પરંતુ અહીં ‘આનંદ’ શબ્દને સામાન્ય સુખના અર્થમાં સમજવો નહીં. વૈષ્ણવ તત્વચિંતનમાં પરમાત્માનો આનંદ ભૌતિક સુખથી અલગ છે. ભગવાન પોતે આનંદસ્વરૂપ છે અને તેમની પોતાની આંતરિક શક્તિ દ્વારા એ આનંદની અભિવ્યક્તિ થાય છે. ભક્તિમાં ભગવાન અને ભક્ત વચ્ચે જે પરસ્પર પ્રેમનો અનુભવ થાય છે, તેને પણ આ આંતરિક શક્તિ સાથે જોડવામાં આવે છે.
એટલે રાધાને ‘કૃષ્ણની પ્રિયા’ કહેવું સાચું છે, પરંતુ અધૂરું છે. વૈષ્ણવ દર્શનની ભાષામાં રાધા કૃષ્ણની પોતાની જ આંતરિક શક્તિ છે. કૃષ્ણ અને રાધા વચ્ચેનો સંબંધ બે સ્વતંત્ર સત્તાઓનો સંબંધ નથી, શક્તિ અને શક્તિમાનનો સંબંધ છે. આ વાતને સમજવા માટે એક સામાન્ય ઉદાહરણ આપી શકાય, જોકે કોઈ પણ ઉપમા આ તત્વને સંપૂર્ણ રીતે પકડી શકતી નથી. અગ્નિ અને તેની ઉષ્ણતાને અલગ નામથી ઓળખી શકાય, પરંતુ ઉષ્ણતા વિના અગ્નિની કલ્પના કરી શકાતી નથી. તેવી જ રીતે કૃષ્ણ અને તેમની આંતરિક હ્લાદિની શક્તિ વચ્ચે તાત્વિક અભિન્નતા છે. રાધા એ શક્તિનું વ્યક્ત સ્વરૂપ છે.
એટલે ‘રાધા વિના કૃષ્ણ અધૂરા’ એવું લોકપ્રિય વાક્ય જો સાંભળીએ તો તેનો અર્થ એવો નથી કે કૃષ્ણમાં કોઈ અભાવ છે અને રાધા આવીને તેને પૂર્ણ કરે છે. ગૌડિય વૈષ્ણવ દૃષ્ટિએ કૃષ્ણ પૂર્ણ છે. રાધા એ કૃષ્ણની પૂર્ણતામાં રહેલી હ્લાદિની શક્તિનું સ્વરૂપ છે.
ભાગવતમાં રાધાનું નામ ક્યાં છે?
અહીંથી એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે. જો રાધાનું સ્થાન આટલું ઊંચું છે તો શ્રીમદ્ ભાગવત પુરાણમાં તેમનું નામ સ્પષ્ટ રીતે કેમ જોવા મળતું નથી? શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં રાસલીલાના પ્રસંગ દરમિયાન ગોપીઓ કૃષ્ણને શોધતી હોય છે. તેમને એક વિશિષ્ટ ગોપીના પગલાં દેખાય છે અને તેઓ કહે છે: ‘અનયારાધિતો નૂનં ભગવાન હરિરીશ્વરઃ’ અર્થાત્- આ ગોપીએ નિશ્ચિતપણે ભગવાન ગોવિંદની વિશેષ આરાધના કરી હશે, કારણ કે તેઓ અમને છોડીને તેને એકાંતમાં લઈ ગયા. અહીં ‘આરાધિતઃ’ શબ્દનો અર્થ ‘સંપૂર્ણ રીતે આરાધના કરેલી’ એવો થાય છે.
પરંતુ શ્લોકમાં ‘રાધા’ નામ લખાયેલું નથી. પછીની વૈષ્ણવ વ્યાખ્યાઓ આ વિશિષ્ટ ગોપીને રાધા તરીકે ઓળખાવે છે અને ‘આરાધિત’ શબ્દને રાધા નામ સાથે જોડીને સમજાવે છે. એટલે ભાગવતના આ શ્લોકને રાધાના નામનો સીધો ઉલ્લેખ કહેવા કરતાં રાધા-પરંપરામાં અત્યંત મહત્વ ધરાવતો સંકેત કહેવું વધુ યોગ્ય છે.
આ નાનકડો તફાવત સમજવો જરૂરી છે, કારણ કે ભારતીય ધાર્મિક પરંપરામાં કોઈ પાત્રનું સ્વરૂપ ઘણી વખત એક જ ગ્રંથમાં સંપૂર્ણ રીતે બંધાયેલું મળતું નથી. જુદા ગ્રંથો, કવિઓ, આચાર્યો અને સંપ્રદાયો સમય સાથે તેને અલગ-અલગ રીતે વ્યક્ત કરે છે. રાધાનું સ્વરૂપ પણ આવી જ લાંબી પરંપરામાં ધીમે-ધીમે વધુ સ્પષ્ટ બનતું જાય છે અને અહીં ‘રાધા’ નામનું ભાષાકીય સ્વરૂપ પણ રસપ્રદ બની જાય છે.
‘રાધા’ નામનો અર્થ શું છે?
સંસ્કૃતના પ્રાચીન શબ્દપરિવારમાં ‘રાધા’ અને ‘રાધસ્’ જેવા શબ્દોનો સંબંધ ‘રાધ્’ ધાતુ સાથે બતાવવામાં આવે છે. સંસ્કૃતના કોશોમાં ‘રાધસ્’ માટે દાન, કૃપા, સમૃદ્ધિ, સંપત્તિ, સફળતા અને ઇચ્છાપૂર્તિ જેવા અર્થો મળે છે. ‘રાધન’ માટે પ્રસન્ન કરવું, સંતોષ, સિદ્ધિ અને પ્રાપ્તિના અર્થો પણ નોંધાયેલા છે. વૈદિક સંદર્ભોમાં ‘રાધસ્’ શબ્દનો ઉપયોગ કૃપા, દાન અથવા સમૃદ્ધિના અર્થક્ષેત્રમાં જોવા મળે છે.
આ ભાષાકીય પૃષ્ઠભૂમિ રસપ્રદ છે, પરંતુ અહીં પણ સાવચેતી જરૂરી છે. પ્રાચીન વૈદિક શબ્દ ‘રાધસ્’ અને કૃષ્ણપ્રિયા રાધાનું પછીનું પૌરાણિક-વૈષ્ણવ સ્વરૂપ એક જ વસ્તુ છે એવું કહેવું ઐતિહાસિક રીતે યોગ્ય નહીં બને. શબ્દનું પ્રાચીન અર્થક્ષેત્ર એક બાબત છે અને રાધાના વિશિષ્ટ દૈવી સ્વરૂપનો વિકાસ બીજી બાબત. તેમ છતાં, ‘રાધા’ નામ સાથે જોડાયેલા ‘સિદ્ધિ’, ‘પ્રાપ્તિ’, ‘પ્રસન્નતા’ અને ‘આરાધના’ જેવા અર્થો પછીની ભક્તિપરંપરામાં એક અલગ ભાવ પેદા કરે છે. રાધા એ એવી ભક્તિનું સ્વરૂપ બની જાય છે જેમાં આરાધના માત્ર વિધિ નથી રહેતી, તે પ્રેમની પૂર્ણતા સુધી પહોંચે છે.
જયદેવના કાવ્યમાં રાધા
રાધાના સ્વરૂપને સાહિત્યિક અને ભક્તિપરંપરામાં વિશાળ સ્થાન અપાવનાર નામોમાં જયદેવનું સ્થાન વિશેષ છે. બારમી સદીના સંસ્કૃત કવિ જયદેવનું ‘ગીતગોવિંદ’ રાધા અને કૃષ્ણના પ્રેમ, વિયોગ અને મિલનને કેન્દ્રમાં રાખીને રચાયેલું કાવ્ય છે. અહીં રાધા માત્ર કૃષ્ણની આસપાસ ફરતું કોઈ પાત્ર નથી. તેઓ કાવ્યના ભાવજગતના કેન્દ્રમાં છે.
‘ગીતગોવિંદ’માં કૃષ્ણની અનેક ગોપીઓ સાથેની લીલા વચ્ચે રાધાનો ભાવ જુદો ઊભો થાય છે. કૃષ્ણ પ્રત્યેનો તેમનો પ્રેમ, કૃષ્ણના વિયોગમાં થતી તેમની વ્યથા અને અંતે થતું મિલન. આ બધું એટલી તીવ્રતાથી રજૂ થાય છે કે માનવીય પ્રેમની ભાષા ધીમે-ધીમે ભક્તિની ભાષામાં ફેરવાતી જાય છે. રાધા અને કૃષ્ણના સંબંધને કારણે ‘ગીતગોવિંદ’ માત્ર કાવ્ય રહ્યું નથી, સંગીત, નૃત્ય, મંદિર પરંપરા અને ભક્તિની અનેક ધારાઓમાં તે સતત જીવતું રહ્યું છે.
અહીં રાધાનો એક નવો પરિમાણ દેખાય છે. તેઓ હવે માત્ર કૃષ્ણના પ્રાગટ્યમાંથી આવેલી દિવ્ય સત્તા નથી. તેઓ કૃષ્ણ માટેના પ્રેમની અનુભૂતિનું સૌથી ઉત્તમ સ્વરૂપ બને છે. વિરહમાં કૃષ્ણની ગેરહાજરી પણ કૃષ્ણની જ ઉપસ્થિતિ જેટલી તીવ્ર બની જાય છે. આ જ ભાવ પછીની ભક્તિ પરંપરામાં વધુ ઊંડો થાય છે.
પ્રેમ જ્યારે ભક્તિ બની જાય
માનવી સામાન્ય રીતે ઈશ્વર પાસે કંઈક માગે છે. સુખ, શાંતિ, રક્ષણ, સફળતા. ભક્તિની કેટલીક પરંપરાઓ આથી આગળ જાય છે. ત્યાં ભગવાનને કંઈક મેળવવાનું સાધન નહીં, પરંતુ પોતે જ અંતિમ પ્રિય તરીકે જોવામાં આવે છે. રાધા-કૃષ્ણની ભક્તિમાં આ ભાવ પોતાની પરાકાષ્ઠા સુધી પહોંચે છે. અહીં પ્રેમનો અર્થ ‘મને શું મળશે?’ એવો નથી. રાધાના સ્વરૂપને સમજાવતી વૈષ્ણવ પરંપરામાં પ્રેમનું મૂલ્ય એમાં છે કે પ્રેમી પોતાને ભૂલીને પ્રિયમાં સ્થિર થાય છે.
ગૌડિય વૈષ્ણવ દર્શનમાં આ પ્રેમને વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં આવે છે. હ્લાદિની શક્તિનો પરમ સાર ‘પ્રેમ’ છે અને રાધાને આ પ્રેમની પરાકાષ્ઠા સાથે જોડવામાં આવે છે. ‘ચૈતન્યચરિતામૃત’ રાધાને કૃષ્ણના આનંદની આંતરિક શક્તિ તરીકે સમજાવે છે અને હ્લાદિની શક્તિ ભગવાનને આનંદનો અનુભવ કરાવે છે તથા ભક્તોના પોષણ સાથે પણ જોડાયેલી છે.
અહીંથી રાધાનું સ્વરૂપ અલગ ઊંચાઈ પર પહોંચે છે. હવે રાધા માત્ર ‘કૃષ્ણને પ્રેમ કરનારી’ નથી. તેઓ પ્રેમની એવી પરાકાષ્ઠા છે જેને વૈષ્ણવ આચાર્યો ભગવાનની પોતાની આંતરિક શક્તિ સાથે જોડે છે. કૃષ્ણ આનંદના સ્વરૂપ છે અને રાધા એ આનંદને પ્રેમના રસમાં વ્યક્ત કરતી શક્તિ. આ રીતે બંનેને સમજવામાં આવે ત્યારે ‘રાધા-કૃષ્ણ’નું જોડાણ માત્ર ભક્તિગીતની સુંદર જોડી રહેતું નથી. તે એક સંપૂર્ણ તત્વચિંતન બની જાય છે.
એક તત્વ, બે સ્વરૂપ
‘ચૈતન્યચરિતામૃત’માં રાધા-કૃષ્ણ તત્વને સમજાવતી પંક્તિ કદાચ આ આખી પરંપરાની સૌથી સંક્ષિપ્ત અભિવ્યક્તિ છે. ‘રાધા-કૃષ્ણ એક આત્મા, બે દેહ ધરી.’ અર્થાત્ બંને મૂળે એક જ છે, પરંતુ બે સ્વરૂપ ધારણ કરે છે જેથી પરસ્પર પ્રેમના રસનો આસ્વાદ કરી શકે. આ વિચાર ગૌડિય વૈષ્ણવ પરંપરાના તત્વચિંતનનો કેન્દ્રિય ભાગ છે. રાધા અને કૃષ્ણ વચ્ચે એકતા છે, પરંતુ લીલામાં બંનેની ભૂમિકા અલગ છે.

કૃષ્ણ પ્રેમના આશ્રય અને વિષય બંને રીતે સમજાય છે, જ્યારે રાધા કૃષ્ણ પ્રત્યેના પરમ પ્રેમનું આશ્રયસ્થાન બને છે. આ રીતે એક જ પરમ તત્વ પ્રેમી અને પ્રિય, શક્તિમાન અને શક્તિ, રસ અને રસાસ્વાદ, બે સ્વરૂપોમાં દેખાય છે. અહીંથી શ્રીચૈતન્ય મહાપ્રભુનું તત્વ પણ સમજાવવામાં આવે છે. ગૌડિય પરંપરા મુજબ રાધા અને કૃષ્ણનાં આ બે સ્વરૂપો ચૈતન્યમાં એકરૂપે પ્રગટ થયા. કૃષ્ણ પોતે રાધાના ભાવ અને કાંતિ સાથે.
‘ચૈતન્યચરિતામૃત’ આ વિચારને રાધા-કૃષ્ણના એક તત્વ અને તેમના પ્રેમના રસના આસ્વાદ સાથે જોડે છે. એટલે કે રાધાની કથા અહીં આવીને અટકતી નથી કે તેઓ કૃષ્ણનાં પ્રિયતમ કેમ છે. રાધા એ પ્રશ્નનો ઉત્તર બની જાય છે કે પરમ તત્વ પોતાનાં જ આનંદ અને પ્રેમને કેવી રીતે અનુભવે છે.
તો પછી રાધા કોણ?
આટલી લાંબી યાત્રા પછી કદાચ આ પ્રશ્નનો ઉત્તર એક જ વાક્યમાં આપી શકાય નહીં. રાધા એક સાથે અનેક સ્તરો ધરાવે છે. પૌરાણિક કથામાં તેઓ કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાંથી પ્રગટ થયેલી સત્તા છે. ભાગવતની રાસલીલાની વૈષ્ણવ વ્યાખ્યામાં તેઓ એવી વિશિષ્ટ ગોપી છે જેણે કૃષ્ણને સર્વોચ્ચ રીતે આરાધ્યા. જયદેવના કાવ્યમાં તેઓ કૃષ્ણપ્રેમની પરાકાષ્ઠા છે અને ગૌડિય વૈષ્ણવ દર્શનમાં તેઓ કૃષ્ણની હ્લાદિની શક્તિ, તેમના પોતાના આનંદનું વ્યક્ત સ્વરૂપ અને મહાભાવની પરાકાષ્ઠા છે.
આ વિવિધ સ્તરોને એકબીજાની જગ્યાએ મૂકી દેવા કરતાં તેમની વચ્ચેની પરંપરાગત કડી સમજવી વધારે યોગ્ય છે. એટલે રાધાને માત્ર ‘કૃષ્ણની પ્રેમિકા’ કહેવું તેમના તત્વને ઘણું નાનું કરી નાખે છે અને ‘રાધા વિના કૃષ્ણ અધૂરા’ કહેવું પણ જો શાબ્દિક અર્થમાં લેવામાં આવે તો વાત ખોટી દિશામાં જઈ શકે. વૈષ્ણવ દર્શનમાં કૃષ્ણ પૂર્ણ છે. રાધા કૃષ્ણમાં રહેલી કોઈ ખૂટતી વસ્તુને પૂર્ણ કરતા નથી. તેઓ કૃષ્ણની પોતાની હ્લાદિની શક્તિ છે. શક્તિ અને શક્તિમાનનો એવો સંબંધ, જેમાં બંનેને તત્વતઃ અલગ કરી શકાય નહીં. ‘ચૈતન્યચરિતામૃત’નું ‘એક આત્મા, બે દેહ’ આ વાતને ખૂબ સંક્ષિપ્ત રીતે વ્યક્ત કરે છે.
રાધા અષ્ટમીનો અર્થ
રાધા અષ્ટમી એટલે માત્ર રાધાજીના પ્રાગટ્યની સ્મૃતિ નહીં. આ તિથિ રાધા તત્વને સમજવાની પણ એક તક છે. કૃષ્ણને પરમ તત્વ માનતી વૈષ્ણવ પરંપરા જ્યારે પ્રેમ વિશે વિચાર કરે છે ત્યારે તે પ્રેમને ભગવાનથી બહારની કોઈ વસ્તુ માનતી નથી. પ્રેમ પણ ભગવાનની પોતાની આંતરિક શક્તિ સાથે જોડાયેલો છે અને એ પ્રેમની પરાકાષ્ઠાને જ્યારે એક સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે રાધા સામે આવે છે.
આથી રાધા અષ્ટમીના દિવસે રાધાનું સ્મરણ માત્ર એક પૌરાણિક પાત્રના સ્મરણ તરીકે રહેતું નથી. તે ભક્તિના એવા સ્વરૂપનું સ્મરણ બની જાય છે જેમાં ભગવાન પાસે પહોંચવા માટે જ્ઞાન પૂરતું નથી, વિધિ પૂરતી નથી, પ્રાર્થના પણ પૂરતી નથી. અંતે ભગવાનને ‘પ્રિય’ માનવાની અને પોતાને તેમના પ્રેમમાં સમર્પિત કરવાની વાત આવે છે.
કૃષ્ણ પરમ તત્વ છે. રાધા એ પરમ તત્વની હ્લાદિની શક્તિ છે. એવો વૈષ્ણવ દર્શનનો એક ઊંડો નિષ્કર્ષ છે. એકને બીજા વિના સમજવું મુશ્કેલ છે, કારણ કે અહીં બે અલગ સત્તાઓની વાત નથી. અહીં એક જ દિવ્ય તત્વ પ્રેમમાં બે સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે જ ભારતીય ભક્તિ પરંપરામાં સદીઓથી ભક્તના હોઠ પર બંને નામ સાથે આવે છે. રાધા-કૃષ્ણ. બે નામ, બે સ્વરૂપ. પણ તત્વ એક.


