વિદ્યાર્થીઓના મુદ્દાઓની આડમાં રાજધાનીને બાનમાં લઈને અરાજકતા હેઠળ ધકેલવા માટે કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ દિલ્હીમાં એકઠા થયેલા ઉપદ્રવીઓની હરકતોને વ્યાજબી ઠેરવવાનું કામ મીડિયાના એક વર્ગે શરૂ કરી દીધું છે. આપણી મરજીના અખબાર ‘દિવ્ય ભાસ્કર’ની વેબસાઈટ પર પ્રકાશિત એક લેખ આનો ઉત્તમ નમૂનો છે.
ભાસ્કર પર દરરોજ સાંજે ‘એડિટર્સ વ્યૂ’ પ્રકાશિત થાય છે. 22 જુલાઈના આ એડિટર્સ વ્યૂમાં કોકરોચોના પ્રદર્શનમાંથી હિંસા, ઉપદ્રવ, પોલીસ પર થયેલા હુમલા-પથ્થરમારાની બાદબાકી કરીને તેને ‘યુવા ક્રાંતિ’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તેના માટે ભાસ્કરના એડિટરે ફેક ન્યૂઝ અને ખોટા દાવાઓ, અર્ધસત્યનો સહારો લેવો પડ્યો છે. સાથે-સાથે રાજકીય પાર્ટીઓના આંદોલનમાં ઘૂસવાને પણ ચૂંટણી સાથે જોડીને ટ્વિસ્ટ આપી દેવાયો છે. ક્યાંય હિંસા પર, અરાજકતા પર એક શબ્દ લખવામાં આવ્યો નથી.
એજન્ડાની શરૂઆત હેડલાઇનથી જ થઈ જાય છે. સરકાર યુવાનોથી, તેમની ક્રાંતિથી, આંદોલનથી ડરી ગઈ છે, મોદી અને તેમની સરકાર-ખુરશી હવે સંકટમાં છે એ નરેટિવને બળ આપવા માટે લખવામાં આવ્યું– ’12 વર્ષમાં પહેલીવાર મોદી ભયભીત.’ આગળનો ભાગ છે– ’24 કલાકમાં સમયનું ચક્ર ફરી ગયું, યુવાઓ પર બર્બરતા વરસાવી સરકાર મોટી ભૂલ કરી ગઈ, સડકથી સંસદ સુધી સંગ્રામ.’
શું દિલ્હીના રસ્તા લોહિયાળ બની ગયા?
લેખની શરૂઆત જ ભડકાઉ વાતોથી થાય છે, જ્યાં દિલ્હીના રસ્તાઓ પર યુવાનો લોહીલુહાણ કેમ છે? એવું પૂછવામાં આવ્યું છે. પૂછવું ભાસ્કરના એડિટરને જોઈએ કે કયો જુવાન લોહીલુહાણ છે? શું રાજધાની લોહિયાળ બની ગઈ? દિલ્હીના રસ્તાઓ લોહિયાળ બની ગયા છે? પરિસ્થિતિ એટલી બધી વિકટ છે? ના. પણ ભાસ્કરનો લેખ વાંચો તો સ્થિતિ આવી જ છે.

ભાસ્કરના એડિટર કક્ષાના માણસ કશુંક લખતા હોય તો કમસે કમ તથ્યોની કાળજી રાખવામાં આવે એવી અપેક્ષા રહે છે. પણ અહીં શરૂઆતમાં જ દાવો કરી દેવામાં આવ્યો કે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક કેસની સુનાવણીમાં દેશના બેરોજગાર યુવાનો અને હક માગતા એક્ટિવિસ્ટ માટે વંદા અને સમાજના પરોપજીવી એટલે કે કોકરોચ અને પેરાસાઈટ જેવા અંત્યંત કડવા શબ્દો વાપર્યા હતા.
આ તદ્દન ખોટી વાત છે. બીજા જ દિવસની કોર્ટમાં CJIએ ચોખવટ કરીને કહ્યું હતું કે મીડિયાએ તેમને મિસક્વોટ કર્યા હતા અને વાસ્તવમાં તેઓ એવા લોકોની વાત કરી રહ્યા હતા જેઓ બોગસ ડિગ્રી સાથે લીગલ પ્રોફેશનમાં ઘૂસી જાય છે અને વ્યવસ્થાનો દુરુપયોગ કરતા રહે છે. અહીં ‘હક માગતા એક્ટિવિસ્ટ’ વગેરે ભાસ્કરના એડિટરે ઘરનું નાખ્યું છે.
દીપકેના AAP કનેક્શનનો કોઈ ઉલ્લેખ નહીં, પોલીસને બર્બર ચીતરી, પોલીસ પર થયેલા હુમલાઓ પર મૌન
કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના જે અભિજિત દીપકે નામના યુવાને કરી એ વાસ્તવમાં આમ આદમી પાર્ટી માટે કામ કરી ચૂકેલો માણસ છે એ હવે જગજાહેર છે. પણ ભાસ્કરના એડિટરને લેખમાં આ તથ્ય ટાંકવું જરૂરી ન લાગ્યું, એટલે તેમણે માત્ર અભિજીતને ‘બોસ્ટન યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ’ અને ‘યુવા સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ’ ગણાવી દીધો.
કોકરોચ જનતા પાર્ટીની આંકડાકીય સફળતા ટાંકીને આગળ કહ્યું કે, ‘ડિજિટલ દુનિયાનો આ ગુસ્સો 20 જુલાઈએ દિલ્હીના રસ્તાઓ પર ઉતર્યો. 20 જુલાઈના રોજ યુવાનોએ સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર આવીને સીધી સરકારની આંખમાં આંખ નાખવાનું નક્કી કર્યું.’

હકીકત એ હતી કે આમાં યુવાનો, જેમને જેન્યુઇન સમસ્યા છે એવા યુવાનો જૂજ હતા અને ઉપદ્રવ અને ઉત્પાત મચાવવા ભેગા થયેલાઓની સંખ્યા ઝાઝી હતી. પોલિટિકલ પાર્ટીના માણસોને પણ લાવવામાં આવ્યા હતા. બીજી મહત્ત્વની વાત ભાસ્કરના એડિટરે અહીં ટાંકી નથી– 20 જુલાઈની સંસદ માર્ચ માટે કોઈ પરવાનગી મેળવવામાં આવી ન હતી. કોઈ સંજોગોમાં પરવાનગી આપી પણ ન શકાય. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે એ વિસ્તાર હાઈસિક્યુરિટી ઝોન હોય છે, ત્યાં પ્રદર્શનો ન થઈ શકે.
છતાં વંદાઓ જંતર-મંતર પર ભેગા થયા અને ત્યાંથી સંસદ તરફ કૂચ કરવાના પ્રયાસ કર્યા. જ્યારે પોલીસે અટકાવ્યા ત્યારે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો. વાહનોમાં તોડફોડ થઈ. ત્યારબાદ પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો. પણ અહીં ભાસ્કરના એડિટરે ચિત્ર કઈ રીતે રજૂ કર્યું છે? જાણે પોલીસે હિંસા આચરી હોય અને કોકરોચો નાદાન અને નિર્દોષ હોય!
માહોલ વધારે ગંભીર બનાવવા માટે ખોટા દાવાઓ પણ ઉમેરી દેવામાં આવ્યા, જેની સ્પષ્ટતા દિલ્હી પોલીસ પહેલેથી કરી ચૂકી છે. પોલીસ પર પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ઘૂસી જવાના અને બાળકો પર આડેધડ લાકડીઓ વરસાવવાના આરોપ લગાવ્યા, પણ એ ઉલ્લેખ ક્યાંય ન કર્યો કે આ કથિત બાળકોએ પોલીસ સાથે, RAFના જવાનો સાથે શું કર્યું હતું? RAFના જવાનનું લિન્ચિંગ કરવા દોડેલી આ ‘બાળકો’ની ભીડ શું ભાસ્કરના એડિટરને દેખાઈ નહીં હોય?
આંદોલનમાં ઘૂસી ગયેલી રાજકીય પાર્ટીઓ, ભાસ્કર ગણાવ્યો ‘વિપક્ષનો માસ્ટરસ્ટ્રોક’
કોકરોચોનું આ આંદોલન વાસ્તવમાં કોકરોચોના નેતાઓના હાથમાં પણ રહ્યું નથી. પોલિટિકલ પાર્ટીઓ હવે લાભ ખાટવા માટે કૂદી પડી છે. આપિયાઓ પહેલેથી આંદોલનની પાછળ રહ્યા છે. સમાજવાદી પાર્ટી પણ પ્રદર્શનમાં હતી. કોંગ્રેસ પણ પછી કૂદી. આ બધાને ભાસ્કરે જસ્ટિફાય કરતાં ‘માસ્ટરસ્ટ્રોક’ ગણાવ્યો છે અને કહ્યું કે રાજકારણમાં આને જ અસલી ટાઈમિંગ કહેવાય!
ભાસ્કરના આ એડિટરનું માનીએ તો રાજધાની બાનમાં લેવાય, અરાજક આંદોલન થાય એ બધું વિપક્ષનો માસ્ટરસ્ટ્રોક છે! આ તર્ક પ્રમાણે, સરકાર ઉથલાવવા માટે વિપક્ષ કોઈ પણ હદ સુધી જઈ શકે પણ પોલીસ કાર્યવાહી કરે તો એ દમન હશે!
આંતરરાષ્ટ્રીય મીડિયાના ખભે બંદૂક ફોડવાનો પ્રયત્ન
આગળ આંતરરાષ્ટ્રીય મીડિયાના ખભે બંદૂક ફોડવાનો પ્રયાસ થયો અને લખ્યું– ‘આખી દુનિયાની નજર અત્યારે ભારતના રસ્તાઓ પર વહી રહેલા લોહી પર છે.’ અહીં ફરી એ જ પ્રશ્ન આવે છે– શું પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે, યુવાનોનું લોહી રેડાઈ રહ્યું છે? ના. બીજો પ્રશ્ન એ છે કે તો પછી ભાસ્કરના એડિટરને સ્થિતિને આવું વિકરાળ સ્વરૂપ આપવામાં આટલો રસ કેમ છે?
વિદેશી અખબારોએ આ આંદોલનને સરકાર સામે પડકાર ગણાવ્યો છે એવું ભાસ્કર લખે છે, પણ એ ભૂલી જાય છે કે આ જ વિદેશી મીડિયા આવાં નાનાં-મોટાં દરેક છમકલાંને આ જ રીતે રજૂ કરે છે. વિદેશી મીડિયાનું ભારત પ્રત્યે, હિંદુઓ પ્રત્યે શું વલણ રહ્યું છે એ જગજાહેર છે.

ભારતનું સારું ક્યારેય જેનાથી જોઈ શકાતું નથી, જે વિદેશી મીડિયા કાયમ ભારતને નકારાત્મક ચીતરતું રહે છે એ શું લખે છે એના આધારે અહીંની નીતિઓ ઘડાશે? પણ ભારતમાં પણ એક જમાત કાયમ વિદેશી મીડિયાના આવા અહેવાલોને આગળ ધરતી રહે છે, જેથી પોતાનો એજન્ડા સાચવી શકાય. કારણ કે વિદેશી મીડિયા એ જ લખે છે જે જે આ જમાત વંચાવવા માગે છે. એક રીતે વિદેશી મીડિયા તેમના માટે રસ્તો સરળ કરી આપે છે.
મોહનદાસની અહિંસા, કોકરોચોની હિંસા: ભાસ્કરે મારીમચેડીને બંનેને જોડ્યાં
આગળ મોહનદાસ ગાંધીની વાતો ઘૂસાડી દેવામાં આવી છે. જેને અને કોકરોચોને સ્નાનસૂતકનો સંબંધ નથી. ગાંધી ‘અહિંસા’ની વાતો કરતા હતા, કોકરોચો પહેલા દિવસથી હિંસા પર ઉતરી આવ્યા છે. બે દિવસથી રોજ નવી દિલ્હીના કનોટ પ્લેસ પર સુરક્ષાબળોને ટાર્ગેટ કરી રહ્યા છે. છતાં ભાસ્કરના એડિટરે શરમ છોડીને ‘સિસ્ટમ તમારી વાત ન સાંભળે ત્યારે રસ્તા પર ઉતરીને અહિંસક ગાંધી બનવું પડે છે’ એવી ડંફાસો મારી છે. હકીકત એ છે કે કોઈ રીતે આ સરખામણી શક્ય નથી.
આગળ જો સરકાર આંદોલનને તાકાતથી દબાવવાનો પ્રયાસ કરશે તો દેશમાં રાજકીય અસ્થિરતા આવશે એવી ધમકી આપવામાં આવી છે. વાસ્તવમાં બાંગ્લાદેશ અને નેપાળમાં પણ આ જ થયું હતું. સરકાર બળપ્રયોગ કરવા ગઈ એટલે તેને બહાનું બનાવીને અરાજક તત્ત્વો છાકટા થયા હતા અને આખરે સત્તાપલટો થયો. ભારતમાં એવું ન થાય એની કાળજી સરકાર રાખી રહી છે, પણ એવું થયું તો તેને જસ્ટિફાય કઈ રીતે કરવું તેની તૈયારી મીડિયાએ અત્યારથી કરવા માંડી છે.

ત્યારબાદ ભાસ્કર પત્રકાર કહે છે કે જો આંદોલન સફળ ગયું તો વર્ષોથી સડી ગયેલી સિસ્ટમ સાફ થઈ જશે. હિન્દી ફિલ્મોમાં એક ડાયલૉગ આવે છે, ‘ઐસે હી સે*સી લગ રહા થા.’ આવું જ ભાસ્કરના આ સ્વઘોષિત એડિટરે કર્યું છે.
આ વાંદાઓના આંદોલનનો ન કોઈ રોડમેપ છે, ન તેમની પાસે એ વાતનો જવાબ છે કે સિસ્ટમ કઈ રીતે સુધારવી જોઈએ. તેઓ માત્ર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડી રહ્યા છે. કાલે ઉઠીને પ્રધાન રાજીનામું આપશે તો આ લોકો કહેશે કે મોદીએ પણ રાજીનામું આપવું જોઈએ. કારણ કે તેમને માત્ર અરાજકતા ફેલાવવામાં રસ છે. બાકી વડા પ્રધાન મોદીએ આજે એ જાહેરાત કરી દીધી જે માંગણીઓમાં હતી જ નહીં– પેપર લીકના કેસોનો ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા નિકાલ. છતાં કોકરોચો બીજી-બીજી વાતોએ જ રહ્યા છે.
ભાસ્કરના પત્રકારે એ જણાવવું જોઈએ કે આ આંદોલન સફળ થયું તો સિસ્ટમ કઈ રીતે સાફ થશે? આંદોલનના કારણે જે અરાજકતા ફેલાઈ છે એ તો નજર સામે છે. સિસ્ટમો સાફ કરવી એ બે-ત્રણ દિવસના ખેલ નથી, તેમાં સમય લાગે છે અને એ આવાં અરાજક આંદોલનથી સાફ ન થાય! પણ અહીં એ દલીલ કરવામાં આવી છે કે ભલે અરાજકતા ફેલાય, હિંસા થાય પણ સિસ્ટમ સુધરી જશે. વાસ્તવમાં આનાથી સિસ્ટમ સુધરવાની નથી.

છેલ્લે બહુ હાસ્યાસ્પદ રીતે સોનમ વાંગચુક અને અભિજીત દીપકે જેવા આંદોલનજીવીઓને મોહનદાસ ગાંધી અને સરકારને અંગ્રેજ શાસન સાથે સરખાવ્યાં છે. આવી સરખામણી બદલ આપણે ભાસ્કરના પત્રકારો પર હસવા સિવાય બીજું કશું કરી શકીએ એમ નથી. આનું કોઈ કાઉન્ટર પણ નથી!


