
આર્થિક તંગીથી ઘેરાયેલા આતંકી દેશ પાકિસ્તાને પોતાની ડામાડોળ અર્થવ્યવસ્થાને સાચવી રાખવા માટે અમેરિકા સામે મદદનો હાથ લંબાવ્યો છે. રોયટર્સના અહેવાલ મુજબ, પાકિસ્તાને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ પાસે $10 બિલિયનની (લગભગ 80,000 કરોડ રૂપિયા) માંગ કરી છે. પાકિસ્તાને આ લોન મદદ પાંચ વર્ષની મુદત માટે માગી છે.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના નાણા મંત્રી મુહમ્મદ ઔરંગઝેબે અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસન્ટ સાથેની મુલાકાત દરમિયાન ‘બાયલેટરલ એક્સચેન્જ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ ફેસિલિટી’ હેઠળ આ રકમ મેળવવા માટે દરખાસ્ત મૂકી છે. પાકિસ્તાન આ મદદ પાંચ વર્ષની મુદત માટે ઈચ્છે છે.
નોંધનીય છે કે પાકિસ્તાન હાલમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના (IMF) બેલઆઉટ પ્રોગ્રામ હેઠળ હોવા છતાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જોકે તાજેતરમાં યુએસ-ઇરાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાને મધ્યસ્થતાની ભૂમિકા ભજવી હતી, જેના કોઈ ખાસ પરિણામ તો ન આવ્યાં. પણ હવે તકનો લાભ ઉઠાવીને પાકિસ્તાન હવે વોશિંગ્ટન અને અન્ય ભાગીદારો પાસેથી આર્થિક ફાયદો મેળવવાની કોશિશ કરી રહ્યું છે.
નોંધનીય છે કે અમેરિકા તરફથી 10 બિલિયન ડોલરની આ સુવિધા એ એક રેર ફાયનાન્શિયલ વ્યવસ્થા છે, જે અમેરિકી નાણા મંત્રાલયના ‘એક્સચેન્જ સ્ટેબિલાઈઝેશન ફંડ’ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જો અમેરિકા આ વિનંતી મંજૂર કરે તો પાકિસ્તાનના ઘટી રહેલા ફોરેક્સ રિઝર્વને થોડો ટેકો મળશે.
આ મામલે હજુ સુધી યુએસ કે પાકિસ્તાન સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, પાકિસ્તાનના નાણા મંત્રી મુહમ્મદ ઔરંગઝેબે આ અઠવાડિયે સ્કોટ બેસન્ટ સાથે બેઠક કરી હતી એ વાત સાચી જ છે. તેમણે અમેરિકા પાસે પાકિસ્તાનના ક્રેડિટ રેટિંગમાં સુધારો કરવા અને આંતરરાષ્ટ્રીય મૂડી બજારો સુધી પહોંચ મેળવવા માટે મદદ માગી હતી.
નોંધનીય છે કે હાલમાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો અને અન્ય મિત્ર દેશોની મદદ પર જ ટકેલું છે. તે પહેલેથી જ ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના 7 બિલિયન ડોલરના બેલઆઉટ પ્રોગ્રામ હેઠળ કામ કરી રહ્યું છે. જોકે, IMFની કડક શરતોના કારણે પાકિસ્તાની જનતા પર કરવેરાનો ભારે બોજ પડ્યો છે. આ ઉપરાંત ચીન અને સાઉદી અરેબિયા પાસેથી મળેલી લોન અને ડિપોઝિટ પર જ પાકિસ્તાનનું અસ્તિત્વ ટકેલું છે.

