
સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે એક મોટા અને આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને ઉત્તર પ્રદેશના કાસગંજથી 18 વર્ષના રોહિત વિરેન્દ્રસિંહ શાક્ય નામના યુવકની ધરપકડ કરી છે. માત્ર ધોરણ-11 સુધી ભણેલા આ યુવકે યુટ્યુબ અને AIની મદદથી કોડિંગ શીખીને દેશભરના સાયબર ગુનેગારો માટે એક આખી ડિજિટલ માફિયા ઈકોસિસ્ટમ તૈયાર કરી હતી. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરી તેની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે સુરતના અડાજણ વિસ્તારના એક વૃદ્ધ વેપારીને વોટ્સએપ પર ‘PNB One.apk’ નામે એક નકલી બેંકિંગ એપ મોકલવામાં આવી હતી. વેપારીએ તેને સાચી બેંક એપ સમજીને ઈન્સ્ટોલ કરતાં જ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને તેમના પ્રાઇમ કો-ઓપરેટિવ બેંક એકાઉન્ટમાંથી ₹5,00,000 ગાયબ થઈ ગયા હતા. વેપારીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવતા સુરત પોલીસે ટેકનિકલ તપાસ કરીને કાનપુરની એક હોટેલમાંથી આરોપી રોહિત શાક્યને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પૂછપરછ અને ડિજિટલ ફોરેન્સિક એનાલિસિસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રોહિત શાક્ય જામતારા, હરિયાણા અને રાજસ્થાન જેવા સાયબર ક્રાઇમ હબની ગેંગ માટે ‘વિક્ટિમ એપ’ અને ‘એડમિન એપ’ એમ બે પ્રકારની એપ્લિકેશનો બનાવતો હતો. એક એપ દ્વારા યુઝરનો ફોન હેક થતો અને બીજી એપથી સાયબર માફિયાઓ ફોનના OTP, બેંકિંગ પાસવર્ડ અને અન્ય ખાનગી ડેટા મેળવી લેતા હતા. રોહિત દર મહિને ₹10,000થી ₹15,000ના સબ્સ્ક્રિપ્શન મોડેલ પર આ વાયરસ યુક્ત એપ્લિકેશનો સાયબર ગેંગને વેચતો હતો.
રોહિતે કુલ 121 જેટલી નકલી APK એપ્લિકેશનો બનાવી હતી, જે બેંકો જેમ કે SBI, PNB, ICICI, Axis, સરકારી સેવાઓ RTO ચલણ, PM કિસાન, આધાર અને પ્રાઇવેટ સેવાઓ બિગ બાસ્કેટ, ઝેપ્ટોના અસલ આઇકોન અને લોગો જેવી જ દેખાતી હતી. આ નકલી એપ્સ દેશભરમાં 21,672થી વધુ મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ હતી, જેમાંથી 2,928 ઉપકરણો સંપૂર્ણપણે હેક થયા હતા. આ હેકિંગના માધ્યમથી સાયબર ગુનેગારોએ કુલ 54,094 બોગસ ટ્રાન્ઝેક્શન કરીને ₹64.38 કરોડથી વધુ રકમ સેરવી લીધી હતી.
એક એપથી જ ₹27.82 કરોડથી વધુની ઠગાઈ
સૌથી વધુ છેતરપિંડી નકલી RTO ચલણ એપથી આચરવામાં આવી હતી. જેમાં એક એપથી જ ₹27.82 કરોડથી વધુની ઠગાઈ થઈ હતી. આ ઉપરાંત, PNBની નકલી એપથી ₹7.16 કરોડ અને SBIની નકલી એપથી ₹14.34 કરોડથી વધુ સેરવી લેવાયા હતા. જામતારા ગેંગના મુખ્ય સાગરીતો આ એપ્સ ખરીદીને પોતાના માણસોને ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે વાયરલ કરવાની ટ્રેનિંગ આપતા હતા. ચોરી કરેલા નાણાં કમિશન પર લીધેલા બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી, CDM મશીનોથી રોકડા ઉપાડી લેવાતા હતા.
આ ઉપરાંત, સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગોલ્ડ માઈનિંગ યોજના અને સોનાની ખાણમાં રોકાણના નામે ₹1.63 કરોડની છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય ગેંગના ત્રણ આરોપીઓની ઉત્તરાખંડના કાશીપુરથી ધરપકડ કરી છે. આ ગેંગ ફેસબુક પર ‘અંજલિ મોદી’ના નામે બોગસ આઈડી બનાવી લોકોને જાળમાં ફસાવતી હતી અને સિંગાપોર સ્થિત નકલી વેબસાઈટ સર્વરથી છેતરપિંડી કરતી હતી. સુરત પોલીસે નાગરિકોને અજાણી APK ફાઈલો ડાઉનલોડ ન કરવા અને આવી લોભામણી સ્કીમોથી સાવચેત રહેવા અપીલ કરી છે.

