વડા પ્રધાન આવાસની બહાર ધરણાં પર બેઠા રાહુલ ગાંધી, સરકારે માંગણી સ્વીકાર્યા બાદ ‘મારી મરજી’ કહીને વાયદાથી ફરી ગયા– અટકાયત

રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીએ હિંસક વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે કોંગ્રેસ આ મુદ્દે રાજકીય લાભો ખાટવા મેદાને ઉતરી આવી છે. મંગળવારે (21 જુલાઈ) અચાનક વિપક્ષ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ સાંસદો લોકકલ્યાણ માર્ગ પર પહોંચી ગયા હતા, જ્યાં વડા પ્રધાન મોદીનું નિવાસસ્થાન આવેલું છે. અહીં કોંગ્રેસ નેતાઓ ધરણાં પર બેસી ગયા હતા. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને અન્ય પાર્ટીના સાંસદો સામેલ હતા.

ધરણાં શરૂ થતાં જ કેન્દ્ર સરકાર તરફથી તરત કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘ અને ગૃહ સચિવ ગોવિંદ મોહનને વાટાઘાટો કરવા મોકલવામાં આવ્યા હતા. તેમની સાથેની વાતચીત દરમ્યાન શરૂઆતમાં રાહુલ ગાંધીએ એવી શરત મૂકી હતી કે જો સરકાર સંસદમાં નીટ અને પેપર લીક સંબંધિત તમામ વિષયો પર ચર્ચા કરવા તૈયાર થાય તો તેઓ તુરંત ધરણાં સમાપ્ત કરી દેશે.

જિતેન્દ્ર સિંઘે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે રાહુલ ગાંધીની આ વાત પર સરકારે દેશના યુવાનોના હિતમાં ઉદારતા દાખવીને વિપક્ષની આ માંગણી તુરંત જ સ્વીકારી લીધી હતી. જોકે, માંગણી સ્વીકારાતાં જ રાહુલ ગાંધી પોતાની વાતથી ફરી ગયા હતા અને તેમણે નવી શરત ઉમેરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી દીધી હતી.

જ્યારે તેમને યાદ અપાવવામાં આવ્યું કે તેઓ પોતાની જ વાતથી ફરી રહ્યા છે ત્યારે તેમણે બેજવાબદારીપૂર્વક ‘એ મારી મરજી’ એવો જવાબ આપ્યો હતો. આ સિવાય જ્યારે ગૃહ સચિવે તેમને કહ્યું કે ધરણાં માટે પ્રધાનમંત્રી આવાસ એ યોગ્ય સ્થળ નથી, ત્યારે પણ રાહુલે એવો જ જવાબ આપ્યો કે એ તેમની મરજી છે.

સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ

પોતાની વાતથી ફરી ગયા બાદ પણ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ મૂકીને લોકોને પીએમ આવાસ બહાર ધરણાંમાં જોડાવા ખુલ્લું આહ્વાન કર્યું હતું. હવે ચર્ચા ચાલી રહી છે કે વડા પ્રધાન આવાસ જેવા સંવેદનશીલ અને હાઈ-સિક્યોરિટી ઝોનમાં લોકોને એકઠા થવા કહેવું એ સ્પષ્ટપણે અરાજકતા અને હિંસા ભડકાવવાનો પ્રયાસ છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ અંગે પોસ્ટ કરીને જણાવ્યું કે, લોકસભાના વિપક્ષી નેતા જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ આવી રીતે વચનભંગ કરે અને મનસ્વી વર્તન કરે તે અત્યંત કમનસીબ અને લોકશાહીની મર્યાદાઓથી વિપરીત છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર વડા પ્રધાનની સુરક્ષાને જોખમમાં મૂકવાનો અને યુવાનોના નામે રાજકીય હોબાળો કરવાનો આક્ષેપ કર્યો છે.

પછીથી દિલ્હી પોલીસ અને સુરક્ષાબળોએ પીએમ આવાસની બહાર ધરણાં પર બેઠેલા કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી લીધી હતી.