આપણી મરજીના અખબાર દિવ્ય ભાસ્કરે હમણાં એક સમાચારમાં કારીગરી દેખાડી. દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ ગેંગના પ્રદર્શનમાં ભૂખ હડતાળ પર બેઠલા કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક ચર્ચામાં છે એ જાણીને ભાસ્કરના પત્રકારોએ એક લેખ છાપી માર્યો, શીર્ષક હતું– ‘સોનમ વાંગચુક, એન્જિનિયર અને પર્યાવરણવિદ. 9 ભાષા જાણે છે, જેલમાં ગયા તો બેરેકોને વાતાનુકૂલિત રાખવાની બનાવી ડિઝાઇન.’
17 જુલાઈએ પ્રકાશિત થયેલા આ અહેવાલમાં ભાસ્કરે દાવો કર્યો કે સોનમ વાંગચુક સપ્ટેમ્બર 2025થી માર્ચ 2026 સુધી રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (NSA) હેઠળ જેલમાં બંધ હતા ત્યારે તેમણે જેલની બેરેકને ઠંડી રાખવાની ડિઝાઇનનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભાસ્કર જાણીજોઈને એ ન લખ્યું કે વાંગચુકનું ડિટેન્શન કેમ અને કયાં કારણોસર થયું હતું. કારણ એ હતું કે તેમના એક પ્રદર્શન પછી લદાખમાં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી.

ભાસ્કર રિપોર્ટમાં લખ્યું, ‘તેઓ રાજસ્થાનની જોધપુર જેલમાં રહ્યા તો તેણે (અહીં તેમણે આવવું જોઈએ, ભાસ્કરના પત્રકારોને પ્રૂફરીડિંગનાં ફાંફાં હશે એમ માનીને જવા દઈએ) જોયું કે બેરેકમાં રાત્રે 6 ડિગ્રી સુધી તાપમાન ઘટી જાય છે અને બારીઓમાં શટર ન હોવાથી હવા સીધી અંદર આવે છે. ત્યારે જ તેણે જોયું કે તેની બેરેકના બોરવેલમાંથી નીકળતું પાણી આશરે 25 ડિગ્રી પર વહે છે. તેણે આ જ પાણીને પાઈપો દ્વારા ફ્લોરની નીચેથી પસાર કરીને એક એવી સિસ્ટમ ડિઝાઇન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનાથી શિયાળામાં બેરેક ગરમ અને ઉનાળામાં ઠંડી રહે. આ આઈડિયાની ખૂબ પ્રશંસા થઈ.’
અન્ય એક દાવો એવો કરવામાં આવ્યો કે વાંગચુકને બાળપણમાં અન્ય ભાષાઓની જાણકારી ન હોવાથી વિવિધ ભાષાઓ શીખવાનું ઝનૂન જાગ્યું અને નવ ભાષાઓ શીખી લીધી હતી.
પિતા નેતા હતા એ કહ્યું, પણ કોંગ્રેસનો ઉલ્લેખ ન કર્યો; લદ્દાખ હિંસા પર પણ પડદો પાડ્યો
ભાસ્કરના રિપોર્ટમાં સોનમ વાંગચુકના પિતા રાજકારણી હતા એ લખવામાં આવ્યું, પણ કઈ પાર્ટીમાંથી એ ઉલ્લેખ ટાળી દેવાયો? કેમ, કારણ કે પાર્ટી કોંગ્રેસ હતી? સોનમ વાંગચુક વિશે ઘણુંબધું લખવામાં આવ્યું પણ વિવાદનો મુદ્દો બે લીટી લખીને પૂરો કરી દેવામાં આવ્યો.
અહીં પણ ચાલાકીપૂર્વક ‘સ્થાનિક ભાજપ નેતાઓ સાથે ઘર્ષણ થયું’ એવી બદમાશી કરવામાં આવી હતી. જ્યારે વાસ્તવમાં તો આ પ્રદર્શનની આડમાં થયેલી હિંસા હતી અને તેના કારણે જ વાંગચુકને પકડીને NSA હેઠળ જેલમાં મૂકી દેવાયા હતા.
બે દિવસ પછી કહ્યું દાવાની વાસ્તવિક પુષ્ટિ થઈ નથી
આ અહેવાલના બે દિવસ પછી 19 જુલાઈએ ભાસ્કરે ફેરવી તોળ્યું અને કહ્યું કે અહેવાલમાં જે દાવા થયા હતા તેની વાસ્તવિક રીતે પુષ્ટિ થઈ શકી નથી!

‘દેશ-વિદેશ’ના પાને અંદરના એક ખૂણામાં વહેલી નજર પણ ન જાય એમ એક બોક્સમાં ‘ભૂલસુધાર’ કરીને લખવામાં આવ્યું,
’17 જુલાઈ 2026ના અંકમાં પીપલ ભાસ્કર પ્રોપર્ટીમાં એવો અહેવાલ પ્રકાશિત થયો હતો કે, સોનમ વાંગચુકે જોધપુર જેલની બેરેકને ગરમ-ઠંડી રાખવાની ડિઝાઇનનો પ્રસ્તાવ આપ્યો હતો, તેઓ 9 ભાષા બોલતા હતા. આ દાવાની વાસ્તવિક રીતે પુષ્ટિ થઈ નથી.’
આ ચાલાકી જોકે પકડાઈ ગઈ. X પર યુઝરો પૂછી રહ્યા છે કે આમ ઈમ્પેક્ટ વગેરેના સમાચારો આપવા માટે મોટા-મોટા અક્ષરોએ સમાચાર છાપતું છાપું આવી ભૂલ સુધારવા માટે અંદરના પાનાનો ખૂણો કેમ પસંદ કરે છે અને કયા આધાર હેઠળ બધું છાપી મારવામાં આવે છે, જેના માટે પછીથી દાવાની વાસ્તવિક પુષ્ટિ થઈ નથી એવી ચોખવટ કરવી પડે છે.
કોઈની છબી કેવી રીતે મિડિયા ના માધ્યમ થી બનાવાઈ તેનું ઉદાહરણ આજે દિવ્યભાસ્કરના પત્રકારો દ્વારા આપવામાં આવ્યું છે.
— Mayur Ahir (@Mayur_0603) July 19, 2026
પહેલો ફોટો ૧૭ જુલાઈ ના રોજ પ્રકાશિત દિવ્ય ભાસ્કર નો છે.જેમાં જમણી બાજુ નીચેની સાઇડ કોઈ એક વ્યક્તિ વિશેષની માહિતી આપવામાં આવે છે. હવે આ માહિતીમાં આપણા પત્રકાર બંધુએ 2… pic.twitter.com/CjoeYCSwB6
અહીં ધ્યાનમાં લેવા જેવી બાબત એ પણ છે કે હાલમાં સોનમ વાંગચુક ચર્ચામાં છે. એક ઇકોસિટમ સતત વાંગચુકને મહાન ક્રાંતિકારી બનાવવામાં લાગી પડી છે, કારણ કે તેનાથી હમણાં એજન્ડા સેટ થાય એમ છે. દિવ્ય ભાસ્કરે બરાબર એ જ સમયે ભલભલા દાવા કરતો રિપોર્ટ છાપી માર્યો અને બે દિવસ પછી પરત લઈ લીધો. પણ પેલો અહેવાલ લાખો લોકો સુધી પહોંચી ગયો એનું શું? બીજી તરફ બોક્સ એવી જગ્યાએ છાપ્યું છે કે ઘણાને નજરમાં નહીં આવે. એ જ કરામત આ છાપાં વર્ષોથી રમે છે.
જોકે ભાસ્કરને હવે આદત પડી ગઈ છે. ભૂતકાળમાં પણ આ અખબારે આવી રીતે છબરડા કરીને અંદરના પાને ચોખવટો કરવી પડી છે.


