દેશનો કોઈ ઉદ્યોગપતિ જ્યારે ₹500 કરોડ કે ₹5,000 કરોડનું રોકાણ કરવાનો નિર્ણય લે છે ત્યારે તેના માટે સૌથી મોટો પ્રશ્ન માત્ર એટલો નથી હોતો કે જમીન ક્યાં સસ્તી મળશે કે ટેક્સમાં ક્યાં વધુ છૂટ મળશે. તે સૌથી પહેલાં એક જ વાત પૂછે છે કે જો હું આ રાજ્યમાં પૈસા લગાવું તો શું મારી ફેક્ટરી સમયસર ઊભી થશે? સરકાર મારી સાથે ભાગીદારની જેમ કામ કરશે કે ફાઇલોના ઢગલા વચ્ચે મહિનાઓ સુધી ધક્કા ખાવા પડશે? બંદર કેટલું નજીક છે? વીજળી ચોવીસ કલાક મળશે? માલ દેશ-વિદેશ સુધી ઝડપથી પહોંચશે? અને સૌથી મહત્વનું, આજે જે નીતિઓ છે, શું પાંચ વર્ષ પછી પણ એ જ વિશ્વાસ સાથે રહેશે?
આ સવાલો કાગળ પર ખૂબ સામાન્ય લાગે છે, પરંતુ દુનિયાભરમાં અબજો ડૉલરનું રોકાણ કયા દેશમાં કે કયા રાજ્યમાં જશે, તેનો નિર્ણય ઘણી વખત આવા જ સવાલોના જવાબ પરથી થતો હોય છે. એટલે જ રોકાણની દુનિયામાં એક કહેવત પ્રચલિત છે કે ઉદ્યોગપતિ પહેલાં નકશો જોતો નથી, સરકારનું વલણ જુએ છે. નકશો પછી આવે છે.
ભારતમાં પણ વર્ષોથી રાજ્યો વચ્ચે રોકાણ ખેંચવા માટે સ્પર્ધા ચાલી રહી છે. કોઈ રાજ્ય સસ્તી જમીન આપે છે, કોઈ કરમાં રાહત જાહેર કરે છે, કોઈ વિશેષ આર્થિક ઝોન બનાવે છે તો કોઈ વિશ્વભરના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપતા ભવ્ય સમિટ યોજે છે. પરંતુ આ બધાની વચ્ચે એક સવાલનો જવાબ ક્યારેય વ્યવસ્થિત રીતે મળ્યો નહોતો કે આખરે રોકાણકારની નજરે સૌથી અનુકૂળ રાજ્ય કયું છે?
આ સવાલનો જવાબ શોધવા માટે જ નિતિ આયોગે પ્રથમ વખત સમગ્ર દેશ માટે ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ’ તૈયાર કર્યો છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એકસરખા માપદંડો પર ચકાસવામાં આવ્યા, સરકારી દાવાઓને જ નહીં પરંતુ રોકાણકારોના અનુભવને પણ મહત્વ આપવામાં આવ્યું અને ત્યારબાદ જે પરિણામ સામે આવ્યું, તેમાં ગુજરાત દેશનું સૌથી રોકાણ-મૈત્રી રાજ્ય બનીને બહાર આવ્યું. મહારાષ્ટ્ર બીજા અને તમિલનાડુ ત્રીજા સ્થાને રહ્યા.
A matter of immense pride for every Gujarati.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 17, 2026
Gujarat has emerged as the top-ranked state in NITI Aayog's Investment Friendliness Index, reaffirming our position as India's most preferred investment destination.
Inspired by the visionary leadership of Hon'ble PM Shri…
આ સમાચારને માત્ર ‘ગુજરાત નંબર-1’ તરીકે જોવાની ભૂલ કરવી નહીં જોઈએ. કારણ કે આ કોઈ આ કોઈ સામાન્ય રેન્કિંગ નથી, કોઈ મીડિયા હાઉસનો એવોર્ડ નથી અને કોઈ એક વિભાગનું મૂલ્યાંકન પણ નથી. આ એવો પ્રયાસ છે જેમાં સરકારે પહેલીવાર એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે જો કોઈ રોકાણકાર પોતાના પૈસા લઈને ભારત આવે તો તેને કયું રાજ્ય સૌથી વધુ વિશ્વાસ આપે છે.
અને જ્યારે આ પ્રશ્નનો જવાબ ગુજરાત આવે ત્યારે તેની પાછળ માત્ર એક વર્ષનું કામ નથી હોતું. તેની પાછળ વર્ષો સુધી ચાલેલી એવી વ્યૂહરચના હોય છે, જેનો પ્રભાવ ઘણી વખત સામાન્ય માણસને તરત દેખાતો પણ નથી.
આ ઇન્ડેક્સ માત્ર રેન્કિંગ માટે નથી, ભારતના ભવિષ્ય માટે છે
ભારત આજે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. આગામી બે દાયકામાં ભારતને ઉત્પાદન, નિકાસ અને વૈશ્વિક સપ્લાય ચેઇનનું મોટું કેન્દ્ર બનાવવાની વાત સતત થઈ રહી છે. પરંતુ માત્ર ઇચ્છા વ્યક્ત કરવાથી રોકાણ આવતું નથી. દુનિયાની મોટી કંપનીઓ હવે માત્ર સસ્તા શ્રમબળને જ નથી જોતી. તેઓ નીતિઓમાં સ્થિરતા, કાયદાકીય સ્પષ્ટતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવબળ, વીજળી, પાણી, બંદરો, લોજિસ્ટિક્સ અને સરકારના નિર્ણય લેવાની ગતિ,આ બધું એકસાથે જુએ છે.
નિતિ આયોગે પણ પોતાના રિપોર્ટમાં આ જ વાત પર ભાર મૂક્યો છે. ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય માત્ર કેન્દ્ર સરકાર એકલી હાંસલ કરી શકે તેમ નથી. આખરે ઉદ્યોગો રાજ્યોમાં જ ઊભા થાય છે, રોજગારી રાજ્યોમાં જ સર્જાય છે અને રોકાણનો સૌથી મોટો પ્રભાવ પણ રાજ્યો પર જ પડે છે. એટલે જો ભારતને વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનાવવું હોય તો દરેક રાજ્ય કેટલું તૈયાર છે, તે માપવું જરૂરી બની જાય છે.
આ વિચાર કોઈ એક દિવસમાં જન્મ્યો નહોતો. જુલાઈ 2024માં નિતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યો માટે રોકાણ-મૈત્રી માળખું તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26માં તેની સત્તાવાર જાહેરાત થઈ અને અંતે આ ઇન્ડેક્સ તૈયાર થયો. તેનો હેતુ માત્ર રાજ્યોને નંબર આપવાનો નહોતો, પરંતુ એકબીજામાંથી શીખીને વધુ સારા બનવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
આથી જ આ ઇન્ડેક્સને સામાન્ય રેન્કિંગ કરતાં વધુ એક ‘રોડમેપ’ તરીકે જોવો જોઈએ.
આખરે રોકાણકાર શું જુએ છે?
માની લો કે જર્મનીની કોઈ ઓટોમોબાઇલ કંપની ભારત આવવા માંગે છે. અથવા અમેરિકા, જાપાન કે તાઇવાનની કોઈ સેમિકન્ડક્ટર કંપની હજારો કરોડ રૂપિયાનો પ્લાન્ટ સ્થાપવા વિચારી રહી છે. તે શું કરશે? સૌ પ્રથમ તે બજાર જોશે. પછી કાચા માલની ઉપલબ્ધતા તપાસશે. ત્યારબાદ સરકારની નીતિઓનું મૂલ્યાંકન કરશે. તેને જાણવું હશે કે મંજૂરી મેળવવામાં કેટલો સમય લાગે છે, પર્યાવરણ સંબંધિત પ્રક્રિયાઓ કેટલી પારદર્શક છે, વીજળી અને પાણીનો પુરવઠો કેટલો વિશ્વસનીય છે, કાયદો-વ્યવસ્થા કેવી છે અને જો આવતીકાલે સરકાર બદલાય તો નીતિઓમાં મોટો ફેરફાર તો નહીં થાય ને?
આ તમામ પ્રશ્નોના જવાબને આંકડામાં ફેરવવાનો પ્રયાસ નિતિ આયોગે કર્યો છે. કુલ 84 સૂચકોને આઠ મોટા પિલર્સમાં વહેંચવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સંસ્થાકીય માળખું, બિઝનેસ ક્લાઇમેટથી લઈને નાણાકીય સ્વાસ્થ્ય અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા સુધીના તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, માત્ર સરકારોના દાવા પર વિશ્વાસ રાખવાને બદલે રોકાણકારોનો પરસેપ્શન સરવે પણ કરવામાં આવ્યો, જેથી કાગળ પર જે લખાયું છે અને જમીન પર જે અનુભવાય છે, એ બંને વચ્ચેનો તફાવત પણ સામે આવી શકે.
અહીંથી જ ગુજરાતની ગાથા શરૂ થાય છે.
કારણ કે ગુજરાતની સફળતા કોઈ એક યોજનાથી આવી નથી. તે એક પછી એક ગોઠવાયેલા એવા નિર્ણયોનું પરિણામ છે, જેણે ધીમે-ધીમે રાજ્યને માત્ર ઔદ્યોગિક નહીં, પરંતુ રોકાણકારો માટે વિશ્વાસપાત્ર રાજ્ય બનાવ્યું.
ગુજરાતની સૌથી મોટી તાકાત રસ્તા કે બંદરો નથી, વિશ્વાસ છે
ગુજરાત પાસે દરિયો હતો, પરંતુ માત્ર દરિયો હોવાને કારણે કોઈ રાજ્ય ઉદ્યોગનું કેન્દ્ર બની જતું નથી. દેશના અન્ય રાજ્યો પાસે પણ બંદરો છે. ગુજરાત પાસે જમીન હતી, પરંતુ માત્ર જમીન હોવાથી વૈશ્વિક કંપનીઓ કરોડો રૂપિયાનું રોકાણ કરતી નથી. પ્રશ્ન એ હતો કે શું રાજ્ય પોતાની ભૌગોલિક તાકાતને નીતિગત તાકાતમાં ફેરવી શકે? છેલ્લા બે દાયકામાં ગુજરાતે કદાચ આ જ કામ સૌથી વધુ સફળતાથી કર્યું.
NITI Aayog’s newly launched Investment Friendliness Index ranks Gujarat #1 among large states, with a score of 56.6 driven by our strength in infrastructure and financial health.
— Harsh Sanghavi (@sanghaviharsh) July 17, 2026
This is the outcome of 25 years of consistent, investor-first governance under PM @narendramodi ji’s…
તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના સમયમાં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ ત્યારે ઘણા લોકો તેને માત્ર રોકાણકારોની ભવ્ય કૉન્ફરન્સ માનતા હતા. પરંતુ સમય જતાં સ્પષ્ટ થયું કે તેનો ઉદ્દેશ માત્ર એમઓયુ પર સહી કરાવવાનો નહોતો. તેનો સાચો હેતુ દુનિયાને એક સંદેશ આપવાનો હતો કે ગુજરાત રોકાણ માટે તૈયાર છે, સરકાર તમને સાંભળવા તૈયાર છે અને નિર્ણય લેવામાં વિલંબ નહીં થાય.
આ એક સંદેશ હતો. પરંતુ માત્ર સંદેશથી કામ ચાલતું નથી. તેની પાછળ સિસ્ટમ પણ ઊભી કરવી પડે. અને કદાચ અહીંથી ગુજરાતે અન્ય ઘણા રાજ્યો કરતાં અલગ રસ્તો પસંદ કર્યો.
નીતિઓ નહીં, સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરવાની વ્યૂહરચના
ગુજરાતની ઔદ્યોગિક યાત્રાનું વિશ્લેષણ કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ દેખાય છે કે રાજ્યએ ક્યારેય માત્ર એકાદ મોટી યોજના પર ભરોસો રાખ્યો નથી. તેના બદલે તેણે ધીમે-ધીમે એવી ઇકોસિસ્ટમ ઊભી કરી, જ્યાં રોકાણકાર માટે લગભગ દરેક જરૂરી વસ્તુ એકબીજાને પૂરક બની જાય. કોઈ કંપની માટે જમીન ઉપલબ્ધ હોય, પણ વીજળી ન હોય તો રોકાણ અટકી જાય. વીજળી હોય, પરંતુ બંદર સુધી પહોંચવાનો સારો રસ્તો ન હોય તો ઉત્પાદન મોંઘું પડી જાય. બંદર હોય, પરંતુ સરકારી મંજૂરીઓમાં વર્ષો લાગી જાય તો કંપની બીજું રાજ્ય પસંદ કરી લે. એટલે જ ગુજરાતે અલગ-અલગ યોજનાઓને અલગ રીતે નહીં, પરંતુ એક જ વિકાસ મોડલના ભાગ તરીકે આગળ ધપાવી.
એટલા માટે જ આજે જો ગુજરાતના નકશા પર નજર કરીએ તો માત્ર શહેરો દેખાતાં નથી, પરંતુ એકબીજા સાથે જોડાયેલા આર્થિક કેન્દ્રો દેખાય છે. કંડલા અને મુન્દ્રા જેવા બંદરો દેશના વેપારના પ્રવેશદ્વાર બની ગયા છે. દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર રાજ્યને ઉત્તર ભારત સાથે સીધો જોડે છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માલવહનને ઝડપી બનાવે છે. ધોલેરા જેવાં નવાં ઔદ્યોગિક શહેરો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઊભાં થઈ રહ્યાં છે. સાણંદ ઓટોમોબાઇલથી લઈને સેમિકન્ડક્ટર સુધીના નવા ઉદ્યોગોનું કેન્દ્ર બની રહ્યું છે. આ બધા પ્રોજેક્ટ્સને અલગ-અલગ જોશો તો કદાચ તેમની અસર એટલી મોટી નહીં લાગે, પરંતુ જ્યારે આ બધું એકબીજા સાથે જોડાય છે ત્યારે ગુજરાત એક સંપૂર્ણ રોકાણ ઇકોસિસ્ટમ તરીકે સામે આવે છે.
કદાચ આ જ કારણ છે કે નિતિ આયોગે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માત્ર રસ્તા અને પુલ સુધી મર્યાદિત રાખ્યું નથી. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રોકાણ માટે ભૌતિક સુવિધાઓ જેટલી જ મહત્વની સંસ્થાકીય ક્ષમતા અને નીતિગત સ્થિરતા પણ છે. એટલે જ આ ઇન્ડેક્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બિઝનેસ ક્લાઇમેટ, ગવર્નન્સ, સંસાધનો અને સંસ્થાકીય વાતાવરણ જેવા પિલર્સને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે.
ગુજરાતે માત્ર ઉદ્યોગો ના બોલાવ્યા, ઉદ્યોગોને વિશ્વાસ આપ્યો
ભારતમાં ઘણા રાજ્યો રોકાણકારોને આમંત્રણ આપે છે. મોટા સમિટ યોજે છે, હજારો કરોડના એમઓયુ જાહેર કરે છે અને કરમાં રાહતોની જાહેરાત પણ કરે છે. પરંતુ રોકાણકારો માત્ર જાહેરાતોથી પ્રભાવિત થતા નથી. તેઓ વર્ષો સુધી રાજ્યનું વર્તન જુએ છે.
કોઈ ઉદ્યોગપતિ માટે સૌથી મોટી મૂડી પૈસા નહીં, પરંતુ સમય હોય છે. જો પ્લાન્ટ શરૂ થવામાં બે વર્ષનો વિલંબ થાય તો હજારો કરોડનું નુકસાન થઈ શકે. એટલે જ દુનિયાભરની કંપનીઓ માટે ‘Ease of Doing Business’નો અર્થ માત્ર એક સર્ટિફિકેટ નથી, પરંતુ સરકારના દરેક વિભાગ સાથેનો તેમનો વાસ્તવિક અનુભવ છે.
ગુજરાતે અહીં પોતાની અલગ ઓળખ બનાવી. વર્ષોથી રાજ્યએ મંજૂરી પ્રક્રિયાઓને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો. સિંગલ-વિન્ડો સિસ્ટમ, સમયબદ્ધ ક્લિયરન્સ, ડિજિટલ પ્રક્રિયાઓ અને ઉદ્યોગ વિભાગની સક્રિય ભૂમિકાએ એવો સંદેશ આપ્યો કે સરકાર નિયમનકાર માત્ર નથી, પરંતુ વિકાસમાં ભાગીદાર પણ છે.
આ બાબતને નિતિ આયોગે પણ મહત્વ આપ્યું છે. રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રોકાણકારો માટે નીતિની પારદર્શિતા, નિર્ણયો લેવાની ગતિ અને સરકાર સાથેની સરળ સંકલન પ્રક્રિયા રોકાણના સૌથી મહત્વના પરિબળોમાં સામેલ છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે કોઈ નવી વૈશ્વિક કંપની ભારત આવવાનો વિચાર કરે છે ત્યારે ગુજરાતનું નામ ચર્ચામાં સૌથી પહેલાં આવતું રહે છે.
આજે જે દેખાય છે, તેની તૈયારી વર્ષો પહેલાં શરૂ થઈ ગઈ હતી
આજે ગુજરાત સેમિકન્ડક્ટરની વાત કરે છે. ડેટા સેન્ટર માટે વિશેષ નીતિ લાવે છે. ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એનર્જી, શિપબિલ્ડિંગ અને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગમાં આગળ છે. પરંતુ આ બધું એકાએક શરૂ થયું નથી. જો બે દાયકાની યાત્રા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે રાજ્યએ સમય પ્રમાણે પોતાની પ્રાથમિકતાઓ બદલતી રાખી છે.
એક સમય હતો જ્યારે લક્ષ્ય ટેક્સટાઇલ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોને મજબૂત બનાવવાનું હતું. ત્યારબાદ ઓટોમોબાઇલ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત થયું. પછી ફાર્મા અને એન્જિનિયરિંગ. હવે વિશ્વ સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર્સ અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધી રહ્યું છે તો ગુજરાત પણ પોતાની નીતિઓ એ જ દિશામાં લઈ જઈ રહ્યું છે.
આ સતત બદલાવ કદાચ ગુજરાતની સૌથી મોટી વિશેષતા છે. ઘણા રાજ્યો જૂના ઉદ્યોગોને બચાવવામાં વ્યસ્ત રહે છે, જ્યારે ગુજરાત આગામી દાયકાના ઉદ્યોગો ક્યાં હશે તેની તૈયારી આજે જ શરૂ કરી દે છે.
તેનું તાજું ઉદાહરણ સેમિકન્ડક્ટર ક્ષેત્ર છે. ભારત જ્યારે આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશમાં મંજૂર થયેલા અનેક મોટા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાં ગુજરાત કેન્દ્રસ્થાને છે. તેવી જ રીતે ડેટા સેન્ટર નીતિ દ્વારા રાજ્યએ ડિજિટલ અર્થવ્યવસ્થાના આગામી તબક્કા માટે પણ પોતાને તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
આ બધું જોઈને એક વાત સમજાય છે કે ગુજરાત માત્ર આજના રોકાણ માટે સ્પર્ધા નથી કરી રહ્યું, પરંતુ આવતીકાલના રોકાણ માટે પણ પોતાનું સ્થાન સુરક્ષિત કરી રહ્યું છે.
પરંતુ આ સફળતાની સાચી કસોટી ક્યાં છે?
કોઈપણ સરકાર પોતાના વિકાસના દાવા કરી શકે. મોટા પ્રોજેક્ટ્સની જાહેરાતો પણ કરી શકે. પરંતુ તેની સાચી કસોટી ત્યારે થાય છે જ્યારે કોઈ તટસ્થ સંસ્થા વિવિધ રાજ્યોને એકસરખા માપદંડ પર ચકાસે અને પૂછે કે આખરે રોકાણકાર માટે સૌથી અનુકૂળ વાતાવરણ ક્યાં છે?
નિતિ આયોગનો આ પહેલો ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ એ જ કસોટી છે અને તેમાં ગુજરાતનું પ્રથમ સ્થાન એ દર્શાવે છે કે છેલ્લા બે દાયકામાં રાજ્યએ જે વિકાસ મોડલ અપનાવ્યું, તે માત્ર પ્રોજેક્ટ્સ ઊભા કરવા પૂરતું નહોતું, પરંતુ રોકાણકારોના વિશ્વાસને સતત મજબૂત બનાવવામાં પણ સફળ રહ્યું.
સામાન્ય ગુજરાતીઓ માટે શું?
ઘણીવાર આવા કોઈ રિપોર્ટ આવે ત્યારે સામાન્ય માણસને એવો પ્રશ્ન થાય કે રાજ્ય પ્રથમ આવ્યું તો તેમાં મારો શું ફાયદો? રોકાણકારો આવશે તો ઉદ્યોગપતિઓને ફાયદો થશે, સરકાર પોતાની સિદ્ધિ ગણાવશે, પરંતુ સામાન્ય નાગરિકના જીવનમાં શું બદલાશે? હકીકતમાં રોકાણની આખી અર્થવ્યવસ્થા જ એવી છે કે તેનો સૌથી મોટો પ્રભાવ સામાન્ય માણસ પર પડે છે.
કલ્પના કરો કે કોઈ કંપની ગુજરાતમાં ₹10,000 કરોડનો પ્લાન્ટ સ્થાપે છે. સમાચાર બનશે કે એટલા કરોડનું રોકાણ આવ્યું. પરંતુ વાસ્તવિક સફળતા તો ત્યાર પછી શરૂ થાય છે. પ્લાન્ટ ઊભો થાય એ પહેલાં હજારો લોકોને બાંધકામમાં કામ મળે છે. ત્યારબાદ મશીનરી લાવનારા, ટ્રાન્સપોર્ટરો, વેરહાઉસ ચલાવનારાઓ, સ્થાનિક સપ્લાયરો, નાના-મોટા કોન્ટ્રાક્ટરો અને આસપાસના વેપારીઓ, બધાના ધંધામાં ગતિ આવે છે. પ્લાન્ટ શરૂ થયા પછી સીધી રોજગારી તો મળે જ છે, પરંતુ તેની સાથે જોડાયેલા ડઝનેક નાના ઉદ્યોગો પણ ઊભા થાય છે.
એક મોટા ઉદ્યોગની આસપાસ ધીમે-ધીમે આખું અર્થતંત્ર વિકસે છે. નવી રહેણાંક વસાહતો બને છે. શાળાઓ, હૉસ્પિટલો, હોટેલો, રેસ્ટોરન્ટ, બેન્કો અને અન્ય સેવાઓ વિકસે છે. એટલે જ અર્થશાસ્ત્રીઓ મોટા રોકાણને માત્ર એક કંપનીનું રોકાણ નથી માનતા, પરંતુ સમગ્ર વિસ્તારના વિકાસનું એન્જિન માને છે.
કદાચ આ જ કારણ છે કે નિતિ આયોગે પોતાના રિપોર્ટમાં રોકાણને માત્ર ઉદ્યોગ સ્થાપવા સાથે નહીં, પરંતુ રોજગારી, ઉત્પાદન, નિકાસ, ઉત્પાદકતા અને લાંબાગાળાની આર્થિક સમૃદ્ધિ સાથે સીધું જોડ્યું છે. રિપોર્ટ સ્પષ્ટપણે જણાવે છે કે વધુ સારું રોકાણનું વાતાવરણ આખા રાજ્યની આર્થિક ક્ષમતાને વધારે છે.
પરંતુ પ્રથમ આવવું અંતિમ લક્ષ્ય નથી
ગુજરાત માટે આ પ્રથમ સ્થાન ગૌરવની વાત છે, પરંતુ કદાચ તેનાથી પણ મોટી વાત એ છે કે હવે આખા દેશની નજર ગુજરાત પર રહેશે. કારણ કે આ ઇન્ડેક્સ એક વખત બનાવીને બંધ કરી દેવાનો દસ્તાવેજ નથી. નિતિ આયોગનો સ્પષ્ટ ઉદ્દેશ છે કે સમયાંતરે આ મૂલ્યાંકન થતું રહે, રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા વધે અને દરેક રાજ્ય બીજા રાજ્ય પાસેથી સારી બાબતો શીખે. એટલે આગામી વર્ષોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ કે અન્ય રાજ્ય પણ પોતાની નીતિઓમાં સુધારા કરશે. સ્પર્ધા વધુ કઠિન બનશે.
એટલે ગુજરાત માટે હવે પડકાર પ્રથમ સ્થાન મેળવવાનો નથી, પરંતુ તેને જાળવી રાખવાનો છે. કારણ કે રોકાણની દુનિયામાં ભૂતકાળની સિદ્ધિઓ કરતાં વર્તમાનની કાર્યક્ષમતા વધુ મહત્વની હોય છે. આજે જે રાજ્ય સૌથી આગળ છે, તે જો સુધારો કરવાનું બંધ કરી દે તો આવતીકાલે પાછળ પણ રહી શકે છે. વિશ્વની મોટી કંપનીઓ સતત સરખામણી કરતી રહે છે. તેઓ માત્ર ભારતના રાજ્યો વચ્ચે જ નહીં, પરંતુ વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, મેક્સિકો અને પૂર્વ યુરોપના દેશો સાથે પણ ભારતની તુલના કરે છે. એટલે ગુજરાત માટે હવે સ્પર્ધા માત્ર દેશની અંદર નથી રહી. સાચી સ્પર્ધા વૈશ્વિક સ્તરે છે.
એક વાત, જે કદાચ આ આ ચર્ચાનો સૌથી મહત્વનો સંદેશ છે
આ ઇન્ડેક્સ વાંચતાં એક વાત વારંવાર સમજાય છે. નિતિ આયોગે ક્યાંય એવું નથી કહ્યું કે માત્ર સસ્તી જમીન આપવાથી રોકાણ આવશે. ક્યાંય એવું પણ નથી કહ્યું કે માત્ર ટેક્સમાં રાહત આપવાથી રાજ્ય આગળ વધી જશે.
તેના બદલે આખા રિપોર્ટમાં એક વિચાર સતત જોવા મળે છે કે રોકાણ ત્યારે આવે છે જ્યારે સમગ્ર ઇકોસિસ્ટમ રોકાણકારમાં વિશ્વાસ જગાવે. એટલે સારી નીતિઓ પણ જોઈએ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ, ઝડપી નિર્ણય પ્રક્રિયા પણ જોઈએ, પારદર્શિતા પણ જોઈએ અને ભવિષ્ય માટેની સ્પષ્ટ દિશા પણ જોઈએ.
કદાચ આ જ કારણ છે કે ગુજરાતની સફળતાને માત્ર એક વિભાગ કે એક સરકારની સિદ્ધિ તરીકે જોવી યોગ્ય નહીં ગણાય. આ પરિણામ અનેક વર્ષોથી ઘડાતા આવેલા એવા મોડલનું પ્રતિબિંબ છે, જેમાં બંદરો, રસ્તાઓ, ઔદ્યોગિક કોરિડોર, નીતિઓ, રોકાણકારો સાથેનો સતત સંવાદ, નવી ટેક્નોલોજી માટેની તૈયારી અને શાસનવ્યવસ્થાની કાર્યક્ષમતાએ એકબીજાને પૂરક બનાવ્યા છે.
માત્ર પ્રથમ સ્થાન નહીં, વિકાસ મોડલની કસોટી
ભારતમાં ઘણીવાર વિકાસની ચર્ચા રાજકીય દાવા-પ્રતિદાવા વચ્ચે અટવાઈ જાય છે. કોઈ સરકાર પોતાને શ્રેય આપે છે તો વિરોધ પક્ષ તેની ટીકા કરે છે. પરંતુ કેટલાક પ્રસંગ એવા હોય છે, જ્યારે ચર્ચાનો આધાર રાજકીય નિવેદનો નહીં, પરંતુ એક વ્યવસ્થિત મૂલ્યાંકન હોય છે. નિતિ આયોગનો પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ એવો જ એક પ્રસંગ છે.
આ ઇન્ડેક્સ એવું નથી કહેતો કે ગુજરાત પાસે કોઈ સમસ્યા નથી કે હવે સુધારાની જરૂર જ નથી. ઊલટું, તેનો હેતુ સતત સુધારા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવાનો છે. પરંતુ તે એટલું ચોક્કસ દર્શાવે છે કે રોકાણકારોને આકર્ષવા માટે જરૂરી વિવિધ પરિબળોને જોવામાં આવે તો હાલ ગુજરાત અન્ય તમામ રાજ્યો કરતાં આગળ ઊભું છે.
આથી આ પ્રથમ સ્થાનને માત્ર એક ટ્રોફી તરીકે જોવાની જરૂર નથી. કદાચ તેને છેલ્લા બે દાયકામાં ગુજરાતે અપનાવેલી વિકાસયાત્રાની એક મહત્વપૂર્ણ કસોટી તરીકે જોવું વધુ યોગ્ય રહેશે અને એ જ આ સમગ્ર રિપોર્ટનો સૌથી મોટો સંદેશ પણ છે. રોકાણકારો માત્ર ત્યાં નથી જતા જ્યાં સૌથી મોટી જાહેરાતો થાય. તેઓ ત્યાં જાય છે જ્યાં તેમને સૌથી વધુ વિશ્વાસ દેખાય. નિતિ આયોગના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સે ઓછામાં ઓછું એટલું તો સ્પષ્ટ કરી જ દીધું છે કે હાલમાં ભારતના રાજ્યોમાં એ વિશ્વાસનું સૌથી મજબૂત સરનામું ગુજરાત છે.


