કટ્ટરવાદ અને તેના કારણે થતી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને ઉગતી જ ડામી દેવા માટે દરેક જિલ્લા અને કમિશનરેટ કચેરી સ્તરે એન્ટી રેડિકલાઇઝેશન સેલની રચના કરવાના ગુજરાત સરકારના નિર્ણય સામે ઇકોસિસ્ટમની એક જમાતને વાંકું પડ્યું છે. ‘આ સેલ મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે બનાવાયો છે’ અને ‘આમાં હિંદુઓનો તો સમાવેશ જ નથી થયો’ જેવી વાહિયાત દલીલો અમુક લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા પોર્ટલો અને ત્યાં કલમ ઘસતા ડાબેરી પત્રકારો આપી રહ્યા છે.
આ આખો વિષય શું છે, જોઈએ.
આખા વિવાદના કેન્દ્રમાં ગુજરાત પોલીસના એન્ટી રેડિકલાઇઝેશન સેલની SOP છે, જે હમણાં જૂન મહિનામાં જાહેર કરવામાં આવી. આમ તો આ SOP વગેરે બાબતો આંતરિક છે અને વિભાગમાં અંદરોઅંદર આપ-લે થતી હોય. એટલે જ તેનું ડોક્યુમેન્ટ પણ ‘સિક્રેટ’ હોય છે. પણ હવે આને મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે તો ચર્ચા પણ જરૂરી છે.
ગુજરાતમાં એન્ટી રેડિકલાઈઝેશન સેલની સ્થાપના કરવાનો વિચાર ઘણા સમયથી ચાલતો હતો. 2020માં નવી દિલ્હીમાં વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના પોલીસ વડાઓની એક બેઠક મળી ત્યારે તેમાં પણ આવા સેલની રચનાની ચર્ચા થઈ હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં પણ આ વાયદો સામેલ કર્યો હતો.
2023માં ગુજરાત સરકારના ગૃહ વિભાગે આ કામ હાથ પર લીધું. એપ્રિલ 2026માં સત્તાવાર રીતે સેલની રચનાને મંજૂરી આપવામાં આવી અને 139 નવી જગ્યાઓનું મહેકમ ઊભું કરાયું. વ્યવસ્થા એવી કરવામાં આવી કે દરેક જિલ્લા અને કમિશનરેટ કચેરી સ્તરે આવો એક સેલ હોય.
જૂન 2026માં ઇન્ટેલિજન્સ બ્યુરોએ તમામ જિલ્લા પોલીસ વડાને એક દસ પાનાંના ડોક્યુમેન્ટ મારફતે આ એન્ટી રેડિકલાઇઝેશન સેલ કામ કઈ રીતે કરશે તેની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) મોકલાવી. આ SOP પર હવે ઇકોસિસ્ટમે વિવાદ ઉભો કર્યો છે.
લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ પર એક લેખ પ્રકાશિત થયો છે, જેનું શીર્ષક છે– ‘ફોર ગુજરાત પોલીસ, બિયર્ડ, નિકાબ મેક ‘રેડિકલાઇઝેશન’ ચેકલિસ્ટ, કાઉ વિજિલન્ટિઝ્મ ડઝન્ટ.’ સરળ ગુજરાતી એવું થાય કે ગુજરાત પોલીસ માટે દાઢી અને નિકાબ વગેરે કટ્ટરપંથની નિશાની છે, પણ ગૌરક્ષકો દ્વારા થતી પ્રવૃત્તિ (નકારાત્મક અર્થમાં) કટ્ટરવાદ નથી.
હેડલાઇન પરથી જ ‘ધ વાયરે’ કઈ દિશામાં પ્રોપગેન્ડા ચલાવ્યો છે એનો ઘણોખરો ખ્યાલ આવી શકે એમ છે. ‘મકતૂબ’ જેવાં બીજાં પણ પ્રો-મુસ્લિમ પોર્ટલોએ આ જ દિશામાં દલીલો આપી છે.
મૂળ દલીલ એ કરવામાં આવી છે કે આમાં મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સાથે વાયરે આદત મુજબ અમુક એક્ટિવિસ્ટોને ટાંકીને ગુજરાતમાં કમ્યુનલ વાતાવરણ બગાડવામાં આવી રહ્યું છે અને મુસ્લિમો વિરુદ્ધ માહોલ સર્જાય રહ્યો છે જેવી બાલિશ દલીલો પણ કરી છે.
પહેલી વાત એ છે કે આ ડોક્યુમેન્ટમાં ક્યાંય કોઈ એક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો નથી. કટ્ટરપંથની કે કટ્ટરપંથીની જે વ્યાખ્યા આપવામાં આવી છે એ પણ બૃહદ છે. બીજું, ‘ધ વાયર’ અને તેનાં જેવાં પોર્ટલો અને પત્રકારો જાણીજોઈને અમુક બાબતો ઉઠાવીને પોતાનો એજન્ડા ચલાવી રહ્યાં છે, જેમાં હવે તેમને ફાવટ પણ સારી આવી ગઈ છે.
SOPમાં શું છે?
SOPમાં સેલની કામગીરીનો રોડમેપ અપાયો છે. રેડિકલાઇઝ્ડ (કટ્ટરપંથી) ઇસમ કોને કહેવાય, તેની ઓળખ કઈ રીતે કરવી, કટ્ટરપંથી વિચારોને ફેલાતા કઈ રીતે અટકાવવા, ડિટેક્શન કઈ રીતે કરવું, કાઉન્સેલિંગની પ્રક્રિયા શું હશે અને પુનર્વસન કઈ રીતે કરાવવું અને પછીથી મોનિટરિંગ કઈ રીતે રાખવું– આ બધું ચરણબદ્ધ રીતે જણાવાયું છે.
રેડિકલ થઈ ગયેલો માણસ કોને કહેવાય, તેના જવાબમાં SOP કહે છે કે, ‘જે રાજ્યના કાયદો-વ્યવસ્થાને સીધી અસર કરી શકે એમ હોય અને કટ્ટરપંથી વિચારો થકી દેશવિરોધી પ્રવૃત્તિ કરી દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે તેને કટ્ટરપંથી કહી શકાય.’
બીજું, એવો માણસ જે પોતાનો જ ધર્મ સાચો છે અને અન્ય ધર્મો વિરુદ્ધ માન્યતાઓ ફેલાવતો હોય, સોશિયલ મીડિયા, ટીવી, સભાઓનાં પ્રવચનો મારફતે કટ્ટરપંથી વિચારોનો પ્રચાર-પ્રસાર કરતો હોય અને બીજા સંવેદનશીલ વ્યક્તિઓને પણ પોતાની જેમ કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરતો હોય તેને રેડિકલાઇઝ્ડ કહી શકાય.
અહીં વ્યાખ્યા સ્પષ્ટ આપવામાં આવી છે. ક્યાંય કોઈ એક સમુદાયનો ઉલ્લેખ નથી.
કટ્ટરપંથી વિચારો ફેલાતા કઈ રીતે અટકાવી શકાય તે મુદ્દે SOPમાં સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે જણાવવામાં આવ્યું છે. સાથે કટ્ટરપંથી ઉપદેશકો, સંસ્થાઓ અને જેલમાં બંધ કટ્ટરવાદી ઇસમો પર નજર રાખવા કહેવાયું છે. અહીં પણ કોઈને સ્પેસિફિકલી ટાર્ગેટ કરવામાં આવ્યા નથી, પણ ‘ધ વાયર’ની સમસ્યા અલગ છે.
આવા ઇસમોની ઓળખ કઈ રીતે કરવી, એમાં જે મુદ્દા લખવામાં આવ્યા છે તેનાથી પ્રોપગેન્ડા પોર્ટલને વાંધો પડ્યો છે.
SOP કહે છે કે જો કોઈ અચાનક દાઢી રાખવા માંડે, વારંવાર અરેબિક શબ્દોનો ઉપયોગ કરતો હોય, મિત્રો અને પરિવાર સાથે સંબંધ ઓછા કરી નાખે, વિશ્વભરમાં મુસ્લિમ સમુદાય પર બનતી ઘટનાઓ પર વિરોધ નોંધાવતો હોય, આતંકવાદીઓનાં ગુણગાન ગાતો હોય કે મિડલ ઈસ્ટ અને અફઘાનિસ્તાન વગેરે જેવા દેશોમાંથી આવ્યા પછી વર્તણૂક બદલાઈ હોય તો તેની ઉપર નજર રાખવી જરૂરી છે.
SOPમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં અમુક રસાયણો મેળવવાં, વારંવાર જંગલ જેવા વિસ્તારોમાં જવું, એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનો દ્વારા ગલ્ફ, POK, અફઘાનિસ્તાનમાં રહેતા માણસો સાથે સંપર્કમાં રહેવું વગેરેનો ઉલ્લેખ છે. ઉપરાંત જો કોઈ ટેલિગ્રામ ગ્રુપનો સભ્ય હોય, ISIS, અલ-કાયદા વગેરેના હેન્ડલરો સાથે સંપર્કમાં હોય, ISIS સહિતનાં આતંકી સંગઠનોનાં મેગેઝિનો વાંચતો હોય અને કોઈ દેખીતી આવક વગર ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા હોય તેવા ઇસમોની ઓળખ કરવા માટે જણાવાયું છે.
ત્યારબાદ SOPમાં આવા કોઈ રેડિકલ માણસો પકડાય તેમનું કાઉન્સેલિંગ કરવા માટે વિગતો આપવામાં આવી છે. ઉપરાંત જો આ તબક્કામાંથી પસાર થયા પછી પણ કોઈ ગુનો કરે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવાયું છે. સમાજમાં પુનર્વસન માટે સેમિનારો, સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ વગેરેનું આયોજન કરવા માટે કહેવાયું છે. મોનિટરિંગ તબક્કામાં કટ્ટરપંથમાંથી બહાર નીકળ્યા પછી પણ માણસ પર નજર રાખવા માટે જણાવવામાં આવ્યું છે.
સમગ્ર SOPમાં અમુક બાબતો ધ્યાનમાં આવે છે.
આ SOP તૈયાર કરવા માટે હવામાંથી વાતો લઈને નાખી દેવામાં આવી હોય એમ નથી કે ન ‘ધ વાયર’ની દલીલ છે તેમ મુસ્લિમોને શોધી-શોધીને ટાર્ગેટ કરવા માટે બધી બાબતો લખવામાં આવી હોય એવું પણ નથી. પોલીસ વિભાગ, આઈબી, બીજી એજન્સીઓ વર્ષોથી રાજ્યમાં કામ કરી રહી છે અને કટ્ટરવાદની સમસ્યા સામે લડી રહી છે. આટલાં વર્ષોમાં અનેક આવા કેસો પર કામ કર્યું છે. તેમાં કટ્ટરવાદના, કટ્ટરપંથીઓનાં જે-જે લક્ષણો જોવા મળ્યાં હશે તેના આધારે જ આ ડોક્યુમેન્ટ તૈયાર થયું છે.
આ જોકે દેખીતી વાત છે. ગુજરાતમાં જ ATSએ નજીકના ભૂતકાળમાં અનેક કેસો પર કામ કર્યું છે. હમણાં જ જૈશ-એ-મોહમ્મદ સાથે સાંઠગાંઠ ધરાવતા અમુક ઇસમો પકડાયા. તમામ કટ્ટરપંથી બની ચૂક્યા હતા. હુમલાઓ કરવાની ફિરાકમાં હતા. સોશિયલ મીડિયા પર એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનો મારફતે પાકિસ્તાનનાં ગ્રુપો સાથે સંકળાયેલા હતા. ફન્ડિંગ પણ થતું હતું.
તે પહેલાં અમદાવાદથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ થઈ હતી. આ ત્રણેય રાઈસિન ઝેર બનાવવાની ફિરાકમાં હતા. પાણી જેવા રંગનું આ ઝેર કોઈ ખોરાકમાં, મંદિરના પ્રસાદમાં ભેળવી દેવામાં આવે તો એકસાથે લાખો લોકોના જીવ જઈ શકે.
2023માં ગુજરાત ATSએ રાજકોટમાં ત્રણની ધરપકડ કરી હતી. ઑક્ટોબર 2025માં ત્રણેયને આજીવન કેદની સજા થઈ. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે ત્રણેય કાશ્મીર જઈને ટ્રેનિંગ લઈ આવ્યા હતા. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા હતા અને મુસ્લિમોને સરકાર હેરાન કરી રહી છે તેવો પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા હતા.
આવા અન્ય પણ ઘણા કેસ છે. આમાં એક વાત સામાન્ય શું છે? તમામ આરોપીઓ મુસ્લિમો છે. દરેકમાં કટ્ટરપંથી બનવાની એક સરખી પેટર્ન જોવા મળી છે. આ તમામ બાબતો SOPમાં સામેલ કરવામાં આવી છે. આમાંથી એક પણ કેસમાં હિંદુ પકડાયો નથી. હવે ‘ધ વાયર’ના પત્રકારોએ મુસ્લિમ વિક્ટિમહૂડનાં રોદણાં રડવા કરતાં એ પ્રશ્ન કરવો જોઈએ કે દરેક કેસમાં મુસ્લિમ આતંકવાદીઓ જ કેમ પકડાયા છે? અને બીજો પ્રશ્ન એ કરવો જોઈએ કે જો આમાં એક જ સમુદાયમાં કટ્ટરવાદની પેટર્ન જોવા મળી હોય તો પોલીસ માત્ર હિંદુઓને ઘસડવાની પ્રોપગેન્ડાબાજોની ચળ સંતોષાય તે માટે પરાણે આખા સમુદાયને ન નાખી શકે.
હિંદુઓને પરાણે કેમ ઘસડવા માગે છે ‘ધ વાયર’?
‘ધ વાયર’ આમાં ગૌરક્ષકોનો મુદ્દો લઈ આવે છે, એ હાસ્યાસ્પદ છે. ઇકોસિસ્ટમ કાયમ ઇસ્લામી આતંકવાદ અને આ મુદ્દાને એક જ ત્રાજવે તોળતી રહે છે. જ્યારે બંનેની ગંભીરતામાં જમીન-આસમાનનું અંતર છે. તેમની દલીલો એવી હોય છે કે ગૌરક્ષાના નામે મુસ્લિમોને જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવે છે. પણ એ વાત પણ હકીકત છે કે ગૌવંશની ગેરકાયદેસર તસ્કરી થતી રહે છે. અનેક કેસોમાં ગૌહત્યા બદલ મુસ્લિમોની ધરપકડ થતી રહી છે, કોર્ટો સજા કરતી રહી છે. ગુજરાતમાં પણ આવા અનેક કેસ મળી જશે.
ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લેવામાં આવે છે એ દલીલ હોય તો તેના માટે અલગથી કાયદાઓ બન્યા જ છે. આ કાયદાઓ હેઠળ કાર્યવાહી થઈ જ શકે છે. પણ એન્ટી રેડિકલાઇઝેશન સેલના ઉદ્દેશ્યમાં અનેક બીજી બાબતો છે. અહીં ‘ધ વાયર’એ માત્ર પોતાનો એજન્ડા ચલાવવા માટે અને ‘માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને હિંદુઓને બાકાત રાખવામાં આવ્યા છે’ એવી દલીલ આપવા માટે પરાણે ગૌરક્ષકોને ઘસડ્યા છે. બાકી SOPની વ્યાખ્યા વાંચનારો માણસ પહેલી નજરે જાણી જશે કે આમાં કથિત કાઉ વિજિલન્ટિઝ્મનો ઇસ્યુ આવતો જ નથી.
અહીં ‘ધ વાયર’એ SOPની અમુક બાબતોને વચ્ચેથી ઉઠાવીને બુમરાણ મચાવી છે. લેખની શરૂઆતમાં જ સુરતના એક મુસ્લિમ યુવકને ટાંકીને લખ્યું છે કે શું હવે ગુજરાતના મુસ્લિમો દાઢી પણ ન રાખી શકે? પણ આ દલીલ અસ્થાને છે. SOPમાં માત્ર ‘દાઢી રાખવા’ પર પકડીને જેલમાં મૂકી દેવા જણાવાયું નથી. તેમાં અચાનક દાઢી રાખવી જેવા ઉલ્લેખો છે. SOP કહે છે કે કોઈ અચાનક દાઢી રાખવા માંડે, વારંવાર અરેબિક શબ્દોનો ઉપયોગ કરતો હોય, મિત્રો અને પરિવાર સાથે સંબંધ ઓછા કરી નાખે, વિશ્વભરમાં મુસ્લિમ સમુદાય પર બનતી ઘટનાઓ પર વિરોધ નોંધાવતો હોય, આતંકવાદીઓનાં ગુણગાન ગાતો હોય કે મિડલ ઈસ્ટ અને અફઘાનિસ્તાન વગેરે જેવા દેશોમાંથી આવ્યા પછી વર્તણૂક બદલાઈ હોય તો તેની ઉપર નજર રાખવી જરૂરી છે.
અર્થાત્ આ બધી જ બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે. આ બધી જ ચેઇન જોવા મળે, કોઈના વ્યવહારમાં અચાનક આ બધા ફેરફારો જોવા મળે તેની આ વાત છે. બાકી દર વર્ષે ઘણા લોકો વિદેશોની મુલાકાત કરતા હોય છે. પોલીસે ક્યાંય નથી કહ્યું કે આવા તમામ પર નજર રાખવામાં આવશે. પણ SOPમાં જ કહ્યું છે કે કોઈ માણસ આવા દેશોમાં મુસાફરી કરી આવ્યો હોય અને ત્યાંથી આવીને એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનો મારફતે ગલ્ફ, POK, અફઘાનિસ્તાનમાં રહેતા માણસો સાથે સંપર્કમાં રહેતો હોય, ISIS-અલ કાયદાના હેન્ડલરો સાથે સંપર્કમાં હોય, તેમનાં મેગેઝિનો વાંચતો હોય અને કોઈ દેખીતી આવક વગર ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતો હોય તેવા માણસને રેડિકલાઇઝ ગણી શકાય.
શું આ બધું જોવા મળે તેને કટ્ટરપંથી ન માની શકાય? અને જો આને કટ્ટરપંથી ન કહેવાય તો કોને કહેવાય? પરંતુ ‘ધ વાયર’ આ તમામ બાબતો અવગણીને દાઢી વગેરે બાબતો પર ભાર આપીને સામાન્યીકરણ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનો એજન્ડા ચલાવી રહ્યું છે. પણ એ વાત ભૂલી જાય છે કે પોલીસ કોઈને પણ ઉઠાવી લેશે એમ નથી કે દાઢી રાખતા દરેક માણસને કે મધ્ય-પૂર્વનો પ્રવાસ કરનારા દરેકને પકડી લેશે એવું ક્યાંય નથી. આ બધું લક્ષણોનો એક ભાગ છે, તેની સાથે બીજી પણ ઘણી બાબતો સંકળાયેલી છે અને આ આખી એક ચેઇન જોવા મળે તો જ કાર્યવાહી થશે. બંને બાબતો ભિન્ન છે.
આ જ લેખમાં એક્ટિવિસ્ટોને ટાંકીને ‘ધ વાયર’એ વર્ષો જૂની ‘ગુજરાતને કમ્યુનલ લેબ’માં ફેરવવામાં આવી રહ્યું છે અને મુસ્લિમો વિરુદ્ધ માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે તેવી દલીલો ફરતી કરવામાં આવી છે. દરેક બાબતમાં બંધારણને ઘસડી લાવવાની આદતને કારણે SOPને બંધારણનું ઉલ્લંઘન ગણાવવામાં આવી છે. સાથે બહુ ચાલાકીપૂર્વક એવું પણ લખી દેવાયું છે કે હમણાં મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, પણ પછીથી ખ્રિસ્તીઓ, આદિવાસીઓ (જાણીજોઈને અલગ ઉલ્લેખ કરવામાં આવ્યો, જેથી ‘આદિવાસી હિંદુ નથી’ એવા નેરેટિવને વેગ આપી શકાય) વગેરેને પણ ટાર્ગેટ કરવામાં આવશે.
આખા પ્રકરણમાં ‘ધ વાયર’ મૂળ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાના સ્થાને બીજી-બીજી વાતોએ ચડી જઈને દલીલો આપતું રહ્યું પરંતુ મૂળ પ્રશ્ન પર ક્યારેય ચર્ચા ન કરી કે સરકારે કે પોલીસ વિભાગે આ એન્ટી રેડિકલાઇઝેશન સેલ કેમ બનાવવો પડ્યો અને SOP કેમ લાવવી પડી? શું SOPમાં જે વાતો લખવામાં આવી છે એ ભૂતકાળમાં સામે આવી ચૂકી નથી? શું ભૂતકાળના આવા કેસોમાં હિંદુઓ (કે બીજો સમુદાય) સંડોવાયા છે? આના જવાબો મેળવે તો સમગ્ર એજન્ડા ધ્વસ્ત થઈ જાય એમ છે.


