
મધ્ય પ્રદેશના ધાર સ્થિત ભોજશાળા સંકુલ મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે (14 જુલાઈ) મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના તાજેતરના ચુકાદા પર તાત્કાલિક રોક મૂકવાનો ઇનકાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે હાલ ભોજશાળા સંકુલની અંદર શુક્રવારની નમાજ નહીં થઈ શકે. જોકે, અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાના ઉપાય તરીકે મુસ્લિમ સમુદાયને સંકુલની નજીક આવેલા અલગ ખુલ્લા સ્થળે બપોરે 1થી 3 વાગ્યા દરમિયાન જુમ્માની નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે મુસ્લિમ પક્ષ દ્વારા મધ્ય પ્રદેશ હાઇકોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી અપીલો પર સુનાવણી કરતા કેન્દ્ર સરકાર, મધ્ય પ્રદેશ સરકાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ અને અન્ય હિંદુ પક્ષકારોને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે ભોજશાળા વિવાદ અત્યંત સંવેદનશીલ છે અને આ મામલે ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી બે-ત્રણ અઠવાડિયા બાદ નક્કી કરી છે અને જરૂર પડે તો દૈનિક સુનાવણી કરવા પણ તૈયારી દર્શાવી છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે મધ્ય પ્રદેશ હાઇકોર્ટ દ્વારા ભોજશાળા સંકુલમાં નમાજ પર મૂકવામાં આવેલી રોક હાલ યથાવત રહેશે. સાથે જ ASIને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટની પૂર્વ મંજૂરી વિના ભોજશાળા સંકુલમાં કોઈપણ પ્રકારનો માળખાકીય ફેરફાર કરવામાં નહીં આવે. આ ઉપરાંત લંડનના મ્યુઝિયમમાં રહેલી દેવી સરસ્વતીની મૂર્તિને ભારત પરત લાવવાની માંગ અંગે કોર્ટે કેન્દ્ર સરકારને રજૂઆતો પર વિચાર કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ઐતિહાસિક ભોજશાળા સંકુલને દેવી વાગ્દેવીનું (સરસ્વતી) મંદિર જાહેર કર્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આ સ્થળે હિંદુઓની પૂજાની પરંપરા ક્યારેય સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી અને ઐતિહાસિક સાહિત્ય પણ તેને રાજા ભોજના સમયની સંસ્કૃત શિક્ષણની ભોજશાળા તરીકે ઓળખાવે છે. હાઇકોર્ટે ASIના 2003ના તે આદેશના ભાગને પણ રદ કર્યો હતો, જેમાં હિંદુઓના પૂજાના અધિકારો પર પ્રતિબંધ મૂકીને મુસ્લિમોને સંકુલમાં નમાજની મંજૂરી આપવામાં આવી હતી. હવે આ ચુકાદાને મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેના પર સુનાવણી શરૂ થઈ છે.

