70 દેશોની મુસાફરી, પૂર્વ US નેવી અધિકારી હોવાનો દાવો પણ મળ્યો ચાઇનીઝ પાસપોર્ટ: માન્ય દસ્તાવેજો વિના ભારતમાં ઘૂસી આવેલો જોર્ડન બ્રાઉન કોણ છે?

ભારત-નેપાળ સરહદ પર ઉત્તર પ્રદેશના સોનૌલી વિસ્તારમાં સશસ્ત્ર સીમા બળે (SSB) એક અમેરિકન નાગરિકની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સની ઓળખ 36 વર્ષીય જોર્ડન બ્રાઉન (Jordan Brown) તરીકે થઈ છે. તે કોઈપણ માન્ય પાસપોર્ટ કે વિઝા વિના ગેરકાયદેસર રીતે નેપાળમાં સરહદ ઓળંગીને ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની આ શંકાસ્પદ હિલચાલને પગલે ભારતની બહુવિધ કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન જોર્ડન બ્રાઉને સુરક્ષા એજન્સીઓ સમક્ષ પોતાને અમેરિકાના કેલિફોર્નિયાનો રહેવાસી ગણાવ્યો છે. એટલું જ નહીં તેણે દાવો કર્યો છે કે તે અગાઉ યુએસ નેવીમાં સેવા આપી ચૂક્યો છે અને પોતે એક પૂર્વ સૈન્ય અધિકારી છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે તે અત્યાર સુધીમાં વિશ્વના આશરે 70 દેશોની મુસાફરી કરી ચૂક્યો છે. જોકે, તેની પાસે કોઈ સત્તાવાર દસ્તાવેજ ન હોવાથી એજન્સીઓ આ દાવાઓ પર પૂરતો ભરોસો કરી રહી નથી.

થાઈલેન્ડથી શ્રીલંકા થઈને પહોંચ્યો ભારત

નોંધનીય છે કે SSBના જવાનોએ 13 જુલાઈએ સોનૌલી સરહદ નજીક બોર્ડર પિલર નંબર 516 પાસે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન જોર્ડનને રોક્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે જવાનોએ તેની પાસે ઓળખપત્ર અને દસ્તાવેજો માંગ્યા ત્યારે તે ગભરાઈ ગયો હતો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જવાનોએ તરત જ પીછો કરીને તેને ઝડપી લીધો હતો. આ સોનૌલી સરહદ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાને નેપાળના રુપાંદેહી જિલ્લાના ભૈરહવા સાથે જોડે છે અને તે ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે.

પૂછપરછમાં જોર્ડને દાવો કર્યો છે કે તે ટૂરિસ્ટ વિઝા પર અમેરિકાથી થાઈલેન્ડ ગયો હતો, જ્યાં તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. ત્યારબાદ તે કાયદેસરના દસ્તાવેજો વિના જ દરિયાઈ માર્ગે પહેલા શ્રીલંકા પહોંચ્યો અને ત્યાંથી પણ સમુદ્રી રસ્તે નવેમ્બર 2025માં ભારતમાં પ્રવેશ્યો હતો. ભારતમાં પ્રવેશ્યા બાદ તે લાંબો સમય ગોવામાં રહ્યો હતો અને ત્યાર બાદ બેંગલુરુથી મુસાફરી કરીને સોનૌલી સરહદે પહોંચ્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો છે કે તે નેપાળમાં કોઈક ‘નાઝ’ નામક વ્યક્તિને મળવા જઈ રહ્યો હતો, જેની સાથે તેની ગોવામાં મુલાકત થઈ હતી.

ભારતીય પત્ની હોવાનો દાવો

ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ જોર્ડન બ્રાઉને પૂછપરછ દરમિયાન એવો પણ ખુલાસો કર્યો છે કે તેની પત્ની ભારતીય મૂળની છે. તેણે દાવો કર્યો છે કે ઉત્તરાખંડની એક મહિલા સાથે તેણે 2024માં ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. તેના જણાવ્યા અનુસાર તેની પત્ની યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે. સુરક્ષા એજન્સીઓ હાલમાં તેની પત્ની અને ભારતમાં તેની મદદ કરનારા અન્ય સંપર્કો અંગેની પણ વિગતો મેળવી રહી છે. પોલીસ અને ગુપ્તચર વિભાગ દ્વારા તેના આ તમામ અંગત અને વ્યવસાયિક દાવાઓની સત્યતા જાણવા માટે અમેરિકન એમ્બેસી અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્ત્રોતોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.

આ ધરપકડ બાદ પોલીસે જોર્ડન બ્રાઉન વિરુદ્ધ સોનૌલી પોલીસ સ્ટેશનમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની કલમ 21 અને 23 હેઠળ ગુનો દાખલ કરીને તેને કસ્ટડીમાં લીધો છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ, એસએસબી અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે. હાલના તબક્કે તેની કોઈ આતંકવાદી સંગઠનો કે દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે સીધી સંડોવણી હોવાના પુરાવા મળ્યા નથી, પરંતુ તપાસ ચાલુ હોવાથી સુરક્ષા એજન્સીઓ ભારે સતર્કતા દાખવી રહી છે.

તપાસ દરમિયાન જોર્ડન પાસેથી કેટલીક શંકાસ્પદ અને મહત્વની વસ્તુઓ મળી આવી છે. સુરક્ષા એજન્સીઓએ તેની પાસેથી આશરે ₹31,460ની રોકડ, બે મોબાઈલ ફોન, મજહબી પુસ્તકો, એક AI ટ્રાન્સલેટર ડિવાઇસ, એક ડાયરી, કાંડા ઘડિયાળ અને એક ચાઇનીઝ પાસપોર્ટ જપ્ત કર્યા છે. ખાસ કરીને ચાઇનીઝ પાસપોર્ટ અને AI ટ્રાન્સલેટર મળવાને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ ગંભીર બની છે અને આ તમામ સાધનોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.