
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જો ઈરાન તેમની હત્યા કરવામાં સફળ રહેશે તો તેના પર જોરદાર બૉમ્બમારો કરવા માટે તેમણે કડક સૂચનાઓ આપી દીધી છે. ટ્રમ્પે ‘ન્યૂયોર્ક પોસ્ટ’ને કહ્યું કે તેઓ લાંબા સમયથી ઈરાનની હિટ લિસ્ટમાં છે અને જો તેમને કંઈ પણ થશે તો ઈરાન પર એવો મોટો હુમલો થશે જેવો તેણે ક્યારેય જોયો નહીં હોય.
નોંધનીય છે કે તાજેતરમાં ઇઝરાયેલે અમેરિકા સાથે ગુપ્ત માહિતી શેર કરી હતી, જેમાં ઈરાન દ્વારા ટ્રમ્પની હત્યાના નવા કાવતરાનો દાવો કરાયો હતો. જોકે અમેરિકી અધિકારીઓનું માનવું છે કે ઇઝરાયેલે આ બહાને ટ્રમ્પને ઈરાન સામે મોટું સૈન્ય પગલું ભરવા માટે ઉશ્કેરી રહ્યું છે.
ટ્રમ્પે પણ આ નવા કાવતરાના અહેવાલોને નકારી કાઢતા કહ્યું કે, “ઇઝરાયેલ પાસે કોઈ નવો પુરાવો નથી, પરંતુ એ વાત સાચી છે કે હું વર્ષોથી ઈરાનનું મુખ્ય નિશાન રહ્યો છું.” પરંતુ તેમણે એ સ્વીકાર્યું હતું કે 2020માં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીનાં મોતના સમયથી જ ઈરાન તેમને જાનથી મારી નાખવા માંગે છે.
તાજેતરમાં જ ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનેઈની અંતિમયાત્રા દરમિયાન પણ લોકોએ ટ્રમ્પને મારી નાખવાના ખુલ્લેઆમ નારા લગાવ્યા હતા. આ સિવાય અમેરિકામાં પેન્સિલવેનિયામાં એક રેલીમાં ટ્રમ્પ પર જીવલેણ હુમલો થઈ ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે તૂર્કીમાં નાટો સમિટ દરમિયાન પણ ટ્રમ્પે મીડિયા સામે પોતાની સુરક્ષા અંગે વાત કરી હતી. તેમણે ઈરાનના નેતાઓને આકરા શબ્દોમાં સંબોધતા કહ્યું હતું કે, “હું તેમનું મુખ્ય નિશાન છું.” આ સમિટ બાદ સુરક્ષાના કારણોસર તેઓ ખાસ વિમાનમાં પરત ફર્યા હતા.
આ અઠવાડિયે અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ ઘણો વધી ગયો છે. ઈરાન દ્વારા દરિયાઈ જહાજો પર હુમલો કરાયા બાદ અમેરિકાએ જવાબી કાર્યવાહી કરીને રાત્રે ઈરાનની અંદર આવેલાં 90 સૈન્ય ઠેકાણાં પર જોરદાર બૉમ્બમારો કર્યો હતો.
અમેરિકાએ ઈરાન પર તેલ પ્રતિબંધો ફરી કડક કરી દીધા છે. આ તણાવ વચ્ચે શુક્રવારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે ઈરાનની વિનંતીથી શાંતિ વાટાઘાટો ચાલુ રહેશે પરંતુ બંને દેશો વચ્ચેનો યુદ્ધવિરામ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે.

