
વડોદરા મહાનગરપાલિકાએ (VMC) શહેરના પૂર્વ કોરિડોરમાં ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે આયોજિત ‘આજવા વાઇલ્ડલાઇફ સફારી પાર્ક’ પ્રોજેક્ટને તમામ વહીવટી અને તકનીકી મંજૂરી આપી દીધી છે. છેલ્લા 7થી 8 વર્ષથી આ પ્રોજેક્ટ આયોજનના તબક્કામાં અટકેલો હતો. હવે તમામ અવરોધો દૂર થતાં કોર્પોરેશને આગામી દોઢથી બે વર્ષની અંદર આ મેગા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ પ્રોજેક્ટ વડોદરા શહેરથી આશરે 20 કિલોમીટર દૂર આજવા ખાતે અંદાજે 150 એકર જેટલી વિશાળ જમીન પર સાકાર થવા જઈ રહ્યો છે. શરૂઆતમાં વડોદરા મહાનગરપાલિકા આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે વિકસાવવા માંગતી હતી. જોકે, તેમાં કોઈ યોગ્ય ભાગીદાર ન મળતાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણીય શિક્ષણના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને બંધ કરવાના બદલે કોર્પોરેશને હવે પોતાના દમ પર જ આખો પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે.
વિશ્વકક્ષાની ‘વર્લ્ડસ ટ્રોપિકલ ઝૂ’ થીમ અને આંતરરાષ્ટ્રીય ઝોન
વડોદરાના ઝૂ-ક્યુરેટર પ્રત્યુષ પાટણવાડિયાના જણાવ્યા મુજબ આ સફારી પાર્ક સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની (CZA) આધુનિક માર્ગદર્શિકા અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પાર્કને ‘વર્લ્ડસ ટ્રોપિકલ ઝૂ’ની અનોખી થીમ પર બનાવવામાં આવશે. જેમાં વિશ્વના ચાર પ્રમુખ ભૌગોલિક વિસ્તારો- સાઉથ એશિયા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકાના વન્યજીવો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે, જે પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય સફારીનો અનુભવ કરાવશે.
આજવા સફારી પાર્કની ડિઝાઇન કેવડિયાના (સ્ટેચ્યુ ઑફ યુનિટી) જંગલ સફારી કરતાં ઘણી અલગ અને આધુનિક હશે. કેવડિયામાં કુદરતી રીતે જ પહાડો અને ઊંચા-નીચા વિસ્તારો ઉપલબ્ધ છે, જ્યારે આજવાની જમીન તદ્દન સપાટ છે. જેથી, પ્રાણીઓને તેમના કુદરતી રહેઠાણ જેવો જ અનુભવ થાય તે માટે આ સપાટ જમીન પર કૃત્રિમ પહાડો, ખીણો અને ગાઢ જંગલ જેવું વાતાવરણ કુત્રિમ રીતે તૈયાર કરવામાં આવશે.
એશિયાટિક સિંહ, વાઘ સહિતના વિદેશી પ્રાણીઓનું નવું ઘર
આ સફારી પાર્કમાં ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક સિંહ અને રોયલ બેંગોલ ટાઇગર ઉપરાંત દીપડા, રીંછ અને વિવિધ પ્રજાતિના હરણો જોવા મળશે. વડોદરાના મધ્યમાં આવેલા ઐતિહાસિક સયાજીબાગ ઝૂમાં જગ્યાના અભાવે હાથી, જિરાફ અને ઝીબ્રા જેવા મોટા પ્રાણીઓ રાખી શકાતા નથી. આ સમસ્યાના ઉકેલ રૂપે આ નવા પાર્કને સયાજીબાગના જ એક ‘સેટેલાઇટ એક્સચેન્જ ફેસિલિટી’ એટલે કે પેટા વિભાગ તરીકે મંજૂરી મળી છે, જેથી હવે આ વિશાળ પ્રાણીઓ પણ અહીં વસવાટ કરી શકશે.
પ્રાણીઓ ઉપરાંત આ પાર્કનું બીજું સૌથી મોટું આકર્ષણ ત્યાં બનનારું વિશાળ અને આધુનિક પક્ષીઘર (Aviary) હશે. આ પક્ષીઘરમાં દેશ અને વિદેશના અત્યંત રંગબેરંગી પક્ષીઓ મુક્તપણે ઉડી શકશે. પ્રવાસીઓ માટે ખાસ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે તેઓ પોતે આ પક્ષીઘરની અંદર જઈ શકશે અને ખૂબ જ નજીકથી પક્ષીઓનો કલરવ સાંભળીને પ્રકૃતિનો આનંદ માણી શકશે.
ઇકો-ફ્રેન્ડલી સુવિધાઓ અને શૈક્ષણિક કેન્દ્ર
આજવા સફારી પાર્કમાં પર્યાવરણની જાળવણી માટે પ્રદૂષણ મુક્ત વાતાવરણ રાખવામાં આવશે, જેના માટે પ્રવાસીઓને ફેરવવા બેટરી ઑપરેટેડ ગોલ્ફ કાર્ટનો ઉપયોગ થશે. સુરક્ષિત વાહનોમાં બેસીને હિંસક પ્રાણીઓ નજીકથી જોવા મળશે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે વોકિંગ ટ્રેક, સેલ્ફી પોઇન્ટ્સ, વિશ્રામગૃહ અને નજીકમાં આવેલા અતાપી વન્ડરલેન્ડની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ પાર્ક શાળાના બાળકો અને સંશોધકો માટે વન્યજીવ સંરક્ષણનું ઉત્તમ શૈક્ષણિક કેન્દ્ર બનશે.
રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને ‘બેસ્ટ રેવન્યુ જનરેટેડ પ્રોજેક્ટ’ ગણાવીને બજેટરી સહાય આપી છે. પ્રારંભિક તબક્કા માટે VMCએ ₹10 કરોડ ફાળવ્યા છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ કાર્યરત થતાં વાર્ષિક ₹85થી ₹100 કરોડની સીધી આવક અને આસપાસના વિકાસ સાથે કુલ ₹136થી ₹250 કરોડનો આર્થિક પ્રભાવ ઊભો થશે. આ મેગા પ્રોજેક્ટથી વિસ્તારમાં હોટેલ્સ અને રિસોર્ટ્સ જેવા હોસ્પિટાલિટી સેક્ટરમાં ખાનગી રોકાણ વધશે અને અંદાજે 3,375થી 4,500 લોકોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રોજગારી મળશે.

