કેતનની હત્યાના મહિનાઓ પહેલાં સિયા-ચેતને કરી લીધાં હતાં લગ્ન, હવે પોલીસ શોધી રહી છે મેરેજ સર્ટિફિકેટ: રિપોર્ટ

(ડાબેથી) કેતન અગ્રવાલ (મૃતક), સિયા ગોયલ, ચેતન ચૌધરી

પુણેના યુવક કેતન અગ્રવાલની હત્યાની તપાસ કરતી પોલીસની તપાસમાં હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે. બે આરોપીઓ સિયા ગોયલ અને ચેતન ચૌધરી વચ્ચે થયેલી વાતચીત, ચેટ વગેરેનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું છે કે બંનેએ ઘટનાના થોડા મહિના પહેલાં જ ગુપચૂપ લગ્ન કરી લીધાં હતાં. લગ્ન સિયાની કેતન સાથે સગાઈ થઈ તેની આસપાસ થયાં હોવાનું અનુમાન છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિયા અને ચેતને લગ્ન કરી લીધાં હતાં પણ કોઈના પણ પરિવારને જાણ થવા દીધી ન હતી. આ તમામ વિગતો બંને આરોપીઓ વચ્ચે થયેલી વાતચીત, વોટ્સએપ ચેટિંગ, કૉલ રિકાર્ડ્સ, લૉકેશન ડેટા, ઈન્ટરનેટ સર્ચ હિસ્ટ્રી વગેરેની તપાસ બાદ સામે આવી છે.

પોલીસ હવે એ ચકાસી રહી છે કે આ લગ્ન ક્યાંય કાયદાકીય રીતે નોંધાયાં હતાં કે કેમ. પોલીસ કહી રહી છે કે આ મામલે પૂરતી તપાસ બાદ તમામ વિગતો બહાર આવી શકશે.

મીડિયા રિપોર્ટનું માનીએ તો લગ્ન નોંધવામાં પણ આવ્યાં હતાં અને સિયા ગોયલના બે કોલેજના મિત્રોએ સાક્ષી તરીકે હસ્તાક્ષર કર્યા હતા. જોકે આ બાબતની પુષ્ટિ હજુ પોલીસે કરી નથી.

રિપોર્ટ અનુસાર, પોલીસની ટેકનિકલ ટીમે તપાસ દરમ્યાન એક પ્રાઇવેટ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ડિલીટ કરી દેવામાં આવેલા અમુક ફોટોગ્રાફ રિકવર કર્યા હતા, જેમાં સિયા અને ચેતન વરમાળા પહેરેલાં જોવા મળ્યાં હતાં. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધાં હોવાની શંકા ગઈ અને પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી.  

કેતન અગ્રવાલની ગત 18 જૂનના રોજ પુણે નજીકના લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારીને હત્યા કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં કેસને અકસ્માત તરીકે જોવામાં આવ્યો, પરંતુ પછીથી જાણવા મળ્યું કે કેતનની મંગેતર સિયા ગોયલે જ હત્યાને અંજામ આપ્યો હતો અને તેની સાથે સિયાનો પ્રેમી ચેતન ચૌધરી પણ સંડોવાયેલો હતો. પછીથી પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી.

ધરપકડ બાદ પોલીસ પૂછપરછ દરમ્યાન બંનેએ હત્યા કરી હોવાનું કબૂલ્યું હોવાનું કહેવાય છે. પોલીસ પછીથી બંનેને વારાફરતી ક્રાઇમ સીન પર પણ લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. હાલ બંને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં બંધ છે.