ઈન્ડોનેશિયામાં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત, રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે થશે દ્વિપક્ષીય બેઠક: બ્રહ્મોસ ડીલને મળી શકે મંજૂરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઈન્ડોનેશિયાના પ્રવાસે છે, જ્યાં જકાર્તામાં તેમનું ભવ્ય અને શાહી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાનની આ મુલાકાતના બીજા દિવસે તેમનું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો દ્વારા ઔપચારિક ‘પ્રેસિડેન્શિયલ વેલકમ’ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સ્વાગત ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે સતત મજબૂત થઈ રહેલા રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધોનું પ્રતિક છે.

વડા પ્રધાન મોદીની આ ઈન્ડોનેશિયાની ચોથી અને 2018 પછીની બીજી દ્વિપક્ષીય મુલાકાત છે. આ પ્રવાસની શરૂઆતમાં જ પીએમ મોદીનું વિમાન જ્યારે ઈન્ડોનેશિયાની હવાઈ સરહદમાં પ્રવેશ્યું ત્યારે ત્યાંની વાયુસેનાના F-16 અને સુખોઈ-30 ફાઈટર જેટ્સે હવામાં જ તેમના વિમાનને ગાર્ડ ઑફ ઓનર આપીને એસ્કોર્ટ કર્યું હતું.

મુલાકાતનો બીજો દિવસ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ

આ બે દિવસીય મુલાકાતનો બીજો દિવસ એટલે કે 7 જૂલાઈ બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો વચ્ચે એક ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, વેપાર અને રોકાણ, શિક્ષણ, આરોગ્ય તેમજ ક્રિટિકલ મિનરલ્સ જેવા અનેક મહત્વના ક્ષેત્રો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત પીએમ મોદી ત્યાં વસતા ઇન્ડિયન ડાયસ્પોરાના એક ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં અંદાજે 4,000 જેટલા ભારતીય પ્રવાસીઓ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે એકઠા થવાના છે. એકંદરે, આ મુલાકાત ભારત-ઈન્ડોનેશિયાના વ્યાપક વ્યૂહાત્મક સંબંધોને નવી ગતિ આપશે.

બ્રાહ્મોસ મિસાઈલ ડીલ અંગે આવી શકે ‘ગુડ ન્યુઝ’

ઈન્ડોનેશિયામાં ભારતના રાજદૂત સંદીપ ચક્રવર્તીએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત ‘બ્રહ્મોસ મિસાઈલ ડીલ’ અંગેની વાટાઘાટો ખૂબ જ આગળના તબક્કે પહોંચી ચૂકી છે. તેમણે જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે આ મોટા સોદાને લઈને કોઈ ‘ગુડ ન્યુઝ’ અથવા સકારાત્મક પરિણામ મળે તેવી પૂરેપૂરી આશા છે. આ સિવાય બંને દેશો વચ્ચે ભાગીદારી મજબૂત કરવા માટે અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન ‘ક્રિટિકલ મિનરલ્સ’ ક્ષેત્રે પણ મોટો સહયોગ જોવા મળી શકે છે. ઈન્ડોનેશિયાના ખનિજ ઉદ્યોગમાં ચીનનો મોટો પ્રભાવ હોવા છતાં રાજદૂતે સ્પષ્ટ કર્યું હતું કે ઈન્ડોનેશિયાની વિદેશ નીતિ તમામ દેશો સાથે ભાગીદારી માટે ખુલ્લી છે. આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે ઊર્જા અને વિજ્ઞાન મંત્રીઓની હાજરીમાં આ ક્ષેત્રે નવી જાહેરાતો થવાની સંભાવના છે.