ચંપત રાય અને અનિલ મિશ્રાના ત્યાગપત્ર રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યા, ટ્રસ્ટી કૃષ્ણ મોહન કાર્યકારી મહાસચિવ: SIT રિપોર્ટ પર ચર્ચા માટે 22 જુલાઈએ ફરી મળશે બેઠક

રામ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટ શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનાં રાજીનામાં સ્વીકારી લેવામાં આવ્યાં છે, જેથી ઔપચારિક રીતે આ બંને હવે ટ્રસ્ટની જવાબદારીમાંથી મુક્ત થયા છે.

મંદિરમાં દાન અને ચડાવાની રકમમાં ઉચાપત મામલે ચાલતી તપાસ વચ્ચે સોમવારે (6 જુલાઈ) રામ મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટની એક અગત્યની બેઠક મળી હતી. જે લગભગ ત્રણેક કલાક ચાલી.

બેઠક બાદ રામ મંદિર ટ્રસ્ટ તરફથી એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે, “એસ. આઈ.ટીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ નૈતિક આધાર પર રાજીનામાં આપી દીધાં હતાં, જેને ટ્રસ્ટની બેઠકમાં વિચાર માટે મૂકવામાં આવ્યાં હતાં. ટ્રસ્ટે નિષ્પક્ષ તપાસ માટે નૈતિક આધાર પર આપવામાં આવેલા બંને ત્યાગપત્ર સ્વીકારી લીધા છે.”

સાથે જણાવવામાં આવ્યું કે ટ્રસ્ટના નવા મહામંત્રીની નિયુક્તિ ન થાય ત્યાં સુધી ટ્રસ્ટી કૃષ્ણ મોહનને મહામંત્રીનાં કાર્યોની જવાબદારી સોંપવામાં આવી છે, જે તેમણે સ્વીકારી લીધી છે. ઉપરાંત મુખ્ય કાર્યકારી અધિકારીની પસંદગી માટે ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે, જે ટ્રસ્ટને યોગ્ય નામોની ભલામણ કરશે. સમિતિમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) વિષ્ણુકાંત ચતુર્વેદી અને સુરેશ હાવડે રહેશે.

ટ્રસ્ટે કહ્યું કે, સંચાલનની પદ્ધતિ અને પ્રણાલીની અમુક નબળાઈઓ દૂર કરવા સાથે મંદિર પ્રબંધનની કુશળ અને પારદર્શી વ્યવસ્થા સ્થાપિત થઈ શકે તે માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે અને વિશેષજ્ઞો પાસેથી પણ સૂચનો મગાવવામાં આવ્યાં છે.

સાથે ટ્રસ્ટે કહ્યું કે અમુક લોકો આ દુર્ભાગ્યપૂર્ણ પ્રકરણને શ્રીરામલલા મંદિર, શ્રીરામ જન્મભૂમિ, હિંદુ સમાજ અને વ્યાપક હિંદુ આસ્થાને કમજોર કરવાના અવસર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આધારહીન આરોપો જનમાનસ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે જેનો ઉદ્દેશ્ય સત્ય સામે લાવવાનો નહીં પણ ભ્રમ ફેલાવવાનો માત્ર છે.

મંદિર ટ્રસ્ટે અંતે સ્પષ્ટ કર્યું છે કે આ દુષ્પ્રચાર છતાં પણ રામ મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી અને મંદિરમાં શ્રદ્ધાળુઓ પહેલાંની જેમ જ નિયમિત આવી રહ્યા છે. જે એ વાતનું પ્રમાણ છે કે આધારહીન અને ભ્રામક આરોપો પછી પણ કરોડો રામભક્તોની આસ્થા અને વિશ્વાસ અડગ છે.

આગામી બેઠક 22 જુલાઈએ, નવા ટ્રસ્ટીઓ સામેલ કરાશે

બેઠક બાદ ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવગિરિએ ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં વિશે કહ્યું કે ટ્રસ્ટના બંધારણ અનુસાર રાજીનામું આપે તે ક્ષણથી જ વ્યક્તિ જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે એટલે રાજીનામું ન સ્વીકારવાનો ટ્રસ્ટ પાસે કોઈ વિકલ્પ ન હતો.

ગોવિંદદેવગિરિ મહારાજે સમાચાર એજન્સીઓ સાથે વાતચીત દરમ્યાન કહ્યું, “ભગવાન શ્રી રામલલાનું મંદિર પાંચસો વર્ષના સંઘર્ષ અને અગણિત બલિદાનો પછી બન્યું હતું. આ મંદિર બન્યા પછી દાન અને ચડાવા ચોરીની ઘટના બનાવી એ આપણા સૌ માટે લજ્જાજનક સ્થિતિ છે. આપણે સૌ દુઃખી છીએ. ચોરી કેટલી થઈ એ વાત પછી આવે… આ પ્રકારની ઘટના બનવી એ જ દુઃખદ બાબત છે.”

તેમણે આગળ ઉમેર્યું, “આ પરિસ્થિતિમાં મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટીએ રાજીનામાં આપી દીધાં હતાં. મહામંત્રી તરીકે કામ કરતા ચંપત રાયજીને વેદના થઈ, તેમને લાગ્યું કે જ્યાં સુધી ન્યાય ન થાય, ગુનેગારો ન પકડાય અને તેમને ઉચિત સજા ન મળે ત્યાં સુધી ટ્રસ્ટમાં રહેવું યોગ્ય નથી, એટલે તેમણે ત્યાગપત્ર આપ્યો હતો.”

સ્વામી ગોવિંદદેવગિરિએ કહ્યું કે, ત્યાગપત્ર માન્ય કરવો, ન કરવો એ અમારા હાથની વાત પણ ન હતી. કે પરાસરણે બેઠકમાં મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે ટ્રસ્ટના બંધારણ અનુસાર રાજીનામું જે ક્ષણે અપાય તે જ ક્ષણથી માન્ય ગણાવું જોઈએ. જેથી ચંપત રાયે શરૂઆતથી અત્યાર સુધી મંદિર માટે જે કામ કર્યું તેની નોંધ લઈને હાલની પરિસ્થિતિમાં તેમણે જે ઉદારતા દાખવી તેનું સન્માન કરતાં અમે તેમનો ત્યાગપત્ર સ્વીકારી લીધો છે.”

ટ્રસ્ટની આગામી બેઠક 22 જુલાઈના રોજ મળશે, ત્યાં સુધી SITનો અંતિમ અહેવાલ પણ આવી જવાની સંભાવના છે. આ બેઠકમાં SIT રિપોર્ટ ઉપર અને નવા ટ્રસ્ટીઓને સામેલ કરવા પર વિચાર કરવામાં આવશે.