
ઇન્સ્ટાગ્રામ પર બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી (Child Sexual Exploitative and Abuse Material – CSEAM) સુધી પહોંચવામાં મદદરૂપ થતી જાહેરાતો દેખાડવામાં આવતી હોવાના અહેવાલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે મેટા સામે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે (MeitY) મેટાને નોટિસ પાઠવીને આવી તમામ જાહેરાતો અને સામગ્રી તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ કંપની પાસેથી 7 દિવસની અંદર વિગતવાર જવાબ પણ માંગવામાં આવ્યો છે.
મેટા ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની છે. કેન્દ્ર સરકારે માત્ર વાંધાજનક જાહેરાતો દૂર કરવાનો જ આદેશ આપ્યો નથી, પરંતુ ઇન્સ્ટાગ્રામના એલ્ગોરિધમ દ્વારા આવી સામગ્રીને મળતા પ્રોત્સાહન (Algorithmic Amplification) સામે પણ તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા માટે નિર્દેશ આપ્યો છે.
આ કાર્યવાહી એક તપાસ અહેવાલ બાદ કરવામાં આવી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતો દ્વારા બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી ખરીદવાની ઑફર કરવામાં આવી રહી હતી.
રિપોર્ટ અનુસાર આવી જાહેરાતોમાં યુઝર્સને ટેલિગ્રામ ચેનલો તરફ મોકલવામાં આવતા હતા, જ્યાં માત્ર ₹99 જેટલી રકમમાં બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવતો હતો. કેટલીક જાહેરાતોમાં ‘rape video’ અને ‘child video’ જેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આવી કુલ 30 અલગ-અલગ જાહેરાતો જોવા મળી હતી. તેમાંની એક જાહેરાતમાં રડતી નાની બાળકીનું ચિત્ર પણ સામેલ હતું. BBCએ જ્યારે આ જાહેરાત અંગે ઇન્સ્ટાગ્રામનો સંપર્ક કર્યો ત્યારે પ્લેટફોર્મે તે પોતાની કમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સનું ઉલ્લંઘન કરતી નથી એવો જવાબ આપ્યો હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે.
મેટાના અધિકારીઓને બોલાવવામાં આવ્યા
મામલો સામે આવ્યા બાદ શુક્રવારે (3 જુલાઈ) કેન્દ્ર સરકારે મેટાના અધિકારીઓને તેડું મોકલ્યું હતું. કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને સમગ્ર મામલે મેટા પાસેથી સ્પષ્ટીકરણ માંગવા સૂચના આપી હતી.
હવે MeitYએ સત્તાવાર રીતે મેટાને 7 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે અને બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી સુધી પહોંચ સુલભ બનાવતી તમામ જાહેરાતો તથા કન્ટેન્ટ તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યો છે.
મેટાનો શું જવાબ?
મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીની Child Sexual Abuse Material (CSAM) સામે ‘ઝીરો ટોલરન્સ પોલિસી’ છે.
કંપનીએ જણાવ્યું કે તે એડવાન્સ્ડ AI ટેક્નોલોજીની મદદથી આવા કન્ટેન્ટને શોધીને દૂર કરે છે, પરંતુ 3.5 અબજથી વધુ યુઝર્સ વચ્ચે છુપાયેલા ગુનેગારો સતત નવા રસ્તાઓ અપનાવતા હોવાથી તેમની સામે સતત લડત ચાલુ રહે છે.
મેટાએ વધુમાં જણાવ્યું કે તેની નિષ્ણાત ટીમો નવા ટેક્નોલોજીકલ ઉપાયો વિકસાવી રહી છે, વાંધાજનક વેબસાઇટ્સની લિંક્સ બ્લોક કરી રહી છે અને અન્ય ટેક કંપનીઓ સાથે પણ માહિતી શેર કરી રહી છે જેથી આવી સામગ્રી સામે સંયુક્ત કાર્યવાહી થઈ શકે.
શું કહે છે કાયદો?
ભારતના માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ 67(B) હેઠળ બાળકો સાથે સંકળાયેલી યૌન શોષણની સામગ્રીનું પ્રકાશન, પ્રસારણ અથવા પ્રસારણમાં મદદ કરવી ગંભીર દંડનીય ગુનો છે.
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અનુસાર Child Sexual Exploitative and Abuse Material (CSEAM) એટલે એવી સામગ્રી જેમાં બાળકના યૌન શોષણ અથવા યૌન ઉત્પીડન સાથે જોડાયેલી તસવીરો અથવા અન્ય દૃશ્ય સામગ્રીનો સમાવેશ થતો હોય.

