4 જુલાઈ, 1902. ગંગા કિનારે વસેલા બેલુર મઠમાં સાંજ ધીમે-ધીમે ઢળી રહી હતી. રોજની જેમ સંન્યાસીઓ પોતાના કાર્યોમાં વ્યસ્ત હતા. કોઈને કદાચ અંદાજ પણ ન હતો કે થોડા જ કલાકોમાં ભારત એક એવા યુવા સંન્યાસીને ગુમાવવાનું હતું, જેણે માત્ર પોતાના જીવનથી નહીં, પરંતુ પોતાના વિચારો વડે આખા રાષ્ટ્રના મનમાં દટાઈ ગયેલી એક માનસિક ગુલામીને પડકાર ફેંક્યો હતો. માત્ર 39 વર્ષની વયે સ્વામી વિવેકાનંદે મહાસમાધિ લીધી. જીવન તો જાણે અધૂરું જ રહ્યું, પરંતુ જે કાર્ય માટે તેઓ આવ્યા હતા, તે કદાચ પૂર્ણ થઈ ચૂક્યું હતું.
આજે, તેમના નિધનના એક સદીથી પણ વધુ સમય પછી પ્રશ્ન એ નથી કે સ્વામી વિવેકાનંદ કોણ હતા. શાળાના વિદ્યાર્થીથી લઈને વૃદ્ધ સુધી લગભગ દરેક ભારતીય તેમનું નામ જાણે છે. પ્રશ્ન એ પણ નથી કે તેમણે શિકાગોમાં ‘સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા’ કહીને વિશ્વને મંત્રમુગ્ધ કર્યું હતું. એ બધું ઇતિહાસના પાનાંઓમાં નોંધાયેલું છે. સાચો પ્રશ્ન તો એ છે કે આખરે તેમણે એવું શું કર્યું કે ગુલામ ભારતને પોતાની જ સંસ્કૃતિ, પોતાના જ ધર્મ અને પોતાના જ અસ્તિત્વ પર ફરીથી વિશ્વાસ આવવા લાગ્યો?
કારણ કે કોઈપણ દેશ માત્ર તલવારથી ગુલામ બનતો નથી. તે પહેલાં તેનું મન ગુલામ બને છે. જ્યારે કોઈ પ્રજા પોતાની જ પરંપરાને હીન માનવા લાગે, પોતાની ભાષા, પોતાના ધર્મ અને પોતાના ઇતિહાસને શરમની વસ્તુ સમજવા લાગે, ત્યારે રાજકીય ગુલામી માત્ર તેનું પરિણામ હોય છે. ઓગણીસમી સદીનું ભારત કંઈક આવું જ હતું.
જ્યારે ભારતે પોતાને જ ઓછું આંકવાનું શરૂ કર્યું
અંગ્રેજોએ માત્ર ભારત પર શાસન નહોતું કર્યું, તેમણે ભારતીયોના મન પર પણ કબજો જમાવવાનો પ્રયત્ન કર્યો. પશ્ચિમી શિક્ષણનો અર્થ ધીમે-ધીમે એવો બની ગયો કે જે જેટલો પશ્ચિમી, તે એટલો આધુનિક. પોતાની પરંપરાઓને જૂની ગણવામાં આવતી, પોતાના ગ્રંથોને અંધશ્રદ્ધા સાથે જોડવામાં આવતા અને હિંદુ સમાજને પાછળ પડેલો સાબિત કરવા માટે અનેક પ્રકારના બૌદ્ધિક પ્રહારો થતા.
આ વાત સંપૂર્ણપણે એકતરફી પણ નહોતી. ભારતના જ ઘણા શિક્ષિત લોકો પશ્ચિમની ચમકથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમને પોતાની જ સંસ્કૃતિમાં ખામીઓ જ દેખાવા લાગી. અંગ્રેજો પાસે વિજ્ઞાન હતું, ઉદ્યોગ હતા, રાજકીય શક્તિ હતી, તેથી એમ માનવામાં આવતું કે તેમની સંસ્કૃતિ પણ શ્રેષ્ઠ જ હશે.
હિંદુ ધર્મની ચર્ચા ઘણી વખત એવી રીતે થતી કે જાણે તે માત્ર મૂર્તિપૂજા, અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજોનું બીજું નામ હોય. આવા સમયમાં જો કોઈ યુવાન ઊભો થઈને દુનિયાને કહે કે, “ના, ભારત પાસે એવું કંઈક છે જે દુનિયા પાસે નથી”, તો એ માત્ર ભાષણ નથી રહેતું, તે આત્મવિશ્વાસનું પુનર્જીવન બની રહે છે. આ યુવાન હતા નરેન્દ્રનાથ દત્ત, જેમને દુનિયાએ પછી સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખ્યા.
એક સંન્યાસી, જેણે પ્રશ્ન પૂછવાનું ક્યારેય છોડ્યું નહીં
સ્વામી વિવેકાનંદનો આધ્યાત્મિક પ્રવાસ અંધશ્રદ્ધાથી શરૂ થયો નહોતો. તેઓ પ્રશ્નોથી ભરેલા યુવાન હતા. દરેકને પૂછતા કે શું તમે ઈશ્વરને જોયા છે? શું આધ્યાત્મિકતા માત્ર પુસ્તકોમાં છે કે તેનો અનુભવ પણ થઈ શકે? આ પ્રશ્નોના જવાબ તેમને શ્રી રામકૃષ્ણ પરમહંસમાં મળ્યા. પરંતુ અહીંથી શરૂ થયેલી યાત્રા માત્ર સંન્યાસ સુધી મર્યાદિત રહી નહીં. ગુરુના નિધન પછી જ્યારે તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો, ત્યારે તેમણે બે ભારત જોયા.
એક ભારત હતું, જેના ઇતિહાસમાં વેદો હતા, ઉપનિષદો હતા, તક્ષશિલા અને નાલંદા હતી, શંકરાચાર્ય હતા, ચાણક્ય હતા અને બીજું ભારત હતું ગરીબીથી પીડાતું, આત્મવિશ્વાસ ગુમાવી ચૂકેલું અને પોતાને જ ઓછું માનવા લાગેલું. આ વિરોધાભાસે જ તેમના સમગ્ર જીવનનું ધ્યેય નક્કી કર્યું. તેમને સમજાયું કે ભારતની સૌથી મોટી સમસ્યા માત્ર ગરીબી નથી. સૌથી મોટું સંકટ એ છે કે ભારત પોતાને ઓળખવાનું ભૂલી ગયું છે.
શિકાગોમાં માત્ર ભાષણ નહોતું થયું, ભારતનો પરિચય થયો હતપ
11 સપ્ટેમ્બર, 1893ના રોજ અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદનું આયોજન થયું. ત્યાં અનેક ધર્મોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. એક અજાણ્યો ભારતીય સંન્યાસી પણ મંચ પર પહોંચ્યો. શરૂઆતના પાંચ શબ્દો- ‘Sisters and Brothers of America’ સાંભળતા જ સભાખંડ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. પરંતુ આ ભાષણનું મહત્ત્વ માત્ર એટલું નહોતું કે તેને લાંબુ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.
મહત્ત્વની વાત એ હતી કે પહેલી વખત પશ્ચિમના એક મોટા આંતરરાષ્ટ્રીય મંચ પરથી કોઈ ભારતીય સંન્યાસીએ હિંદુ પરંપરાને માફી માંગવાના સ્વરમાં નહીં, પરંતુ ગૌરવ સાથે રજૂ કરી. તેમણે કોઈ પંથને નીચો બતાવ્યો નહીં, કોઈ સાથે સ્પર્ધા કરી નહીં. તેમણે કહ્યું કે ભારતની પરંપરા સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવની છે. વિશ્વને સંઘર્ષ નહીં, સંવાદની જરૂર છે. આ ભાષણે માત્ર અમેરિકાને પ્રભાવિત કર્યું એવું માનવું અધૂરું છે.
તેની પ્રતિધ્વનિ ભારત સુધી પહોંચી અને કદાચ પ્રથમ વખત અનેક ભારતીયોને લાગ્યું કે દુનિયા સામે માથું ઊંચું રાખીને પણ પોતાની સંસ્કૃતિની વાત કરી શકાય છે.
પોતાની સંસ્કૃતિને ઓળખવાનો સંદેશ, દુનિયાને જીતવાનો નહીં
શિકાગો ભાષણ પછી સ્વામી વિવેકાનંદ રાતોરાત વિશ્વવિખ્યાત બની ગયા. અમેરિકાથી લઈને યુરોપ સુધી તેમના વ્યાખ્યાનોની ચર્ચા થવા લાગી. પશ્ચિમના અખબારો તેમને એક એવા ભારતીય સાધુ તરીકે રજૂ કરવા લાગ્યા, જેની વાણીમાં તર્ક હતો, વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ હતો અને વિચારમાં વિશ્વને જોડવાની શક્તિ હતી. પરંતુ જો કોઈને લાગતું હોય કે આ સફળતા પછી તેમનું ધ્યેય પશ્ચિમમાં જ લોકપ્રિય રહેવાનું હતું તો તે મોટી ભૂલ ગણાશે. વિવેકાનંદ માટે વિદેશની પ્રશંસા ક્યારેય અંતિમ લક્ષ્ય નહોતી. તેમનું મન તો ફરીથી ભારત તરફ જ ખેંચાઈ રહ્યું હતું, કારણ કે તેઓ જાણતા હતા કે જે દેશની ધરતીમાંથી આ વિચાર જન્મ્યો છે, તે દેશ પોતે જ પોતાના મૂલ્યને ભૂલી રહ્યો છે.
ભારત પરત ફર્યા પછી તેમણે જે ભાષણો આપ્યાં, તેમાં એક વાત સતત સાંભળવા મળતી હતી કે ભારતીયોએ પહેલાં પોતાને ઓળખવાની જરૂર છે. પશ્ચિમ પાસેથી વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંગઠન શીખવામાં કોઈ વાંધો નથી, પરંતુ તે માટે પોતાની ઓળખ વેચી દેવાની જરૂર નથી. તેઓ વારંવાર કહેતા કે જે સમાજ પોતાની જ સંસ્કૃતિનો તિરસ્કાર કરે છે, તે ક્યારેય લાંબા સમય સુધી સન્માનપૂર્વક ઊભો રહી શકતો નથી. તેઓ ભારતને પશ્ચિમ સામે ઊભું કરવા નહોતા માંગતા, તેઓ ભારતને પોતાની જ નજરમાં ફરી ઊભું કરવા માંગતા હતા.
તેમનાં ભાષણોમાં વારંવાર એક શબ્દ આવતો- ‘શક્તિ’. આ શક્તિ માત્ર શરીરની નહોતી, માત્ર શસ્ત્રોની પણ નહોતી. તે મનની શક્તિ હતી, ચરિત્રની શક્તિ હતી અને પોતાના પર વિશ્વાસ રાખવાની શક્તિ હતી. કદાચ તેથી જ તેમણે યુવાનોને સંબોધતાં કહ્યું હતું કે શક્તિ વિનાનો ધર્મ પણ અધૂરો છે અને આત્મવિશ્વાસ વિનાનું જ્ઞાન પણ નિષ્પ્રાણ છે. તેમના માટે ધર્મનો અર્થ ભાગી જવું નહોતો, ધર્મનો અર્થ હતો માણસને અંદરથી મજબૂત બનાવવો.
વિવેકાનંદે માત્ર આધ્યાત્મિકતા નહીં, રાષ્ટ્રભાવનાને પણ નવી દિશા આપી
ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની વાત થાય ત્યારે મોટાભાગે રાજકીય નેતાઓના નામ યાદ આવે છે. પરંતુ વિચારનો ઇતિહાસ રાજકારણ કરતાં ઘણો ઊંડો હોય છે. સ્વામી વિવેકાનંદે કોઈ રાજકીય પક્ષ બનાવ્યો નહોતો, કોઈ ચૂંટણી લડી નહોતી, કોઈ સત્યાગ્રહ કર્યો નહોતો. છતાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વીકાર્યું કે તેમના વિચારોમાંથી તેમને પ્રેરણા મળી હતી.
સુભાષચંદ્ર બોઝે એક વખત કહ્યું હતું કે જો સ્વામી વિવેકાનંદ તે સમયે જીવિત હોત તો તેઓ તેમના ચરણોમાં બેસ્યા હોત. શ્રી અરવિંદોએ વિવેકાનંદને ભારતની આધ્યાત્મિક શક્તિના જાગરણનું પ્રતીક ગણાવ્યા હતા. ગાંધીએ પણ સ્વીકાર્યું હતું કે વિવેકાનંદનું સાહિત્ય વાંચ્યા પછી ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ અનેકગણો વધી ગયો હતો. આ બધું કોઈ સંયોગ નહોતું. કારણ કે વિવેકાનંદે રાજકીય સ્વતંત્રતા પહેલાં માનસિક સ્વતંત્રતાની વાત કરી હતી.
તેમના માટે રાષ્ટ્ર માત્ર નકશા પર દોરાયેલી સરહદોનું નામ નહોતું. રાષ્ટ્ર એ લોકોની સામૂહિક ચેતના હતી અને જો એ ચેતના જ નિરાશા, આત્મહીનતા અને પરાધીન માનસિકતાથી ઘેરાઈ જાય તો સ્વતંત્રતા પણ અધૂરી રહે.
‘દરિદ્રનારાયણ’થી લઈને શિક્ષણ સુધી- તેમના વિચારોનો વ્યાપ
ઘણી વખત સ્વામી વિવેકાનંદને માત્ર હિંદુ ધર્મના પ્રખર વક્તા તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ તેમના વિચારોનો વ્યાપ તેનાથી ઘણો વિશાળ હતો. તેઓ માનતા હતા કે ભૂખ્યા માણસને પહેલાં ભોજન જોઈએ, પછી ઉપદેશ. સમાજના સૌથી ગરીબ અને વંચિત લોકોની સેવા તેમણે ઈશ્વરની સેવા સમાન ગણાવી. તેથી જ રામકૃષ્ણ મિશનની સ્થાપના માત્ર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે નહોતી, શિક્ષણ, આરોગ્ય, આપત્તિ રાહત અને સમાજસેવા તેના કાર્યના કેન્દ્રમાં રહ્યા.
તેમના મતે શિક્ષણનો અર્થ માત્ર પરીક્ષામાં ગુણ લાવવાનો નહોતો. શિક્ષણ એવું હોવું જોઈએ જે માણસના ચરિત્રનું ઘડતર કરે, તેને પોતાના પગ પર ઊભા રહેવાનું શીખવે અને સમાજ માટે જવાબદારીની ભાવના જગાવે. આજના સમયમાં પણ જ્યારે શિક્ષણની ચર્ચા માત્ર નોકરી સુધી સીમિત થઈ જાય છે ત્યારે વિવેકાનંદના વિચારો અલગ જ દિશા બતાવતા દેખાય છે.
39 વર્ષનું જીવન, પરંતુ સદીઓની અમરતા
ઇતિહાસમાં કેટલાક લોકો લાંબું જીવન જીવે છે, પરંતુ તેમની અસર મર્યાદિત રહે છે. કેટલાક લોકોનું જીવન ટૂંકું હોય છે, છતાં તેમની વિચારધારા પેઢીઓ સુધી જીવંત રહે છે. સ્વામી વિવેકાનંદ કદાચ બીજા પ્રકારના મહાપુરુષ હતા.
માત્ર 39 વર્ષની વયે તેમનું અવસાન થયું. કોઈ રાજકીય સત્તા નહોતી, કોઈ સામ્રાજ્ય નહોતું, કોઈ સૈન્ય નહોતું. છતાં આજે પણ ભારતના લગભગ દરેક ખૂણે તેમનું નામ આદરથી લેવામાં આવે છે. તેનું કારણ માત્ર તેમનું વ્યક્તિત્વ નથી, તેનું કારણ એ છે કે તેમણે ભારતને પોતાનું પ્રતિબિંબ ફરીથી બતાવ્યું.
તેમણે ભારતીયોને ક્યારેય એમ કહ્યું નહોતું કે દુનિયા જીતો. તેમણે એટલું જ કહ્યું કે પહેલાં પોતાને ઓળખો. પોતાની પરંપરા વિશે જાણો. પોતાના ઇતિહાસને સમજો. પોતાના ધર્મને વાંચો. પોતાની શક્તિ પર વિશ્વાસ રાખો. કારણ કે જે સમાજ પોતાને ઓળખી લે છે, તેને દુનિયા સામે પોતાનો પરિચય આપવાની જરૂર રહેતી નથી.
આજે પણ વિવેકાનંદને કેમ યાદ કરવામાં આવે છે?
દર વર્ષે 4 જુલાઈ આવે છે, પુણ્યતિથિના કાર્યક્રમો યોજાય છે, તેમના ફોટા પર પુષ્પાંજલિ અપાય છે અને તેમના અવતરણો સોશિયલ મીડિયા પર ફરી એકવાર જોવા મળે છે. પરંતુ જો આ દિવસ માત્ર ઔપચારિકતા બનીને રહી જાય તો કદાચ વિવેકાનંદને સમજવામાં આપણે નિષ્ફળ જઈએ.
તેમનો સૌથી મોટો વારસો કોઈ એક ભાષણ નથી, કોઈ એક પુસ્તક નથી અને કોઈ એક સંસ્થા પણ નથી. તેમનો સૌથી મોટો વારસો એ આત્મવિશ્વાસ છે, જે તેમણે ગુલામીના અંધકારમાં જીવતા ભારતના મનમાં ફરી પ્રગટાવવાનો પ્રયાસ કર્યો હતો.
કદાચ એટલે જ સ્વામી વિવેકાનંદને યાદ કરવાનો અર્થ માત્ર એક મહાન સંન્યાસીને શ્રદ્ધાંજલિ આપવાનો નથી. તેનો અર્થ એ પણ છે કે આપણે પોતાને પૂછીએ કે શું આપણે આજે પણ પોતાની સંસ્કૃતિ, પોતાના જ્ઞાન અને પોતાની ઓળખ પર એટલો જ વિશ્વાસ રાખીએ છીએ, જેટલો વિશ્વાસ રાખવાનું તેમણે શીખવ્યું હતું? શક્ય છે કે આ પ્રશ્નનો જવાબ જ તેમની પુણ્યતિથિનું સાચું સ્મરણ બની રહે.


