હોમપેજદુનિયાફરતેથી ફસાયા બાદ ભારત પર દબાણ લાવવા મથતા પાકિસ્તાનને ભારતમાંથી મદદ કોણ...

ફરતેથી ફસાયા બાદ ભારત પર દબાણ લાવવા મથતા પાકિસ્તાનને ભારતમાંથી મદદ કોણ કરી રહ્યું છે?

તાજેતરમાં જે 117 ભારત અને પાકિસ્તાનીઓએ બંને દેશોના વડા પ્રધાનોને વાટાઘાટો શરૂ કરવાની વિનંતી સાથે પત્ર લખ્યો છે તેની પાછળનો સંદર્ભ સમજવા જેવો છે. વાસ્તવમાં આ ગેંગ આડકતરી રીતે પાકિસ્તાનને તેનો નરેટિવ સેટ કરવામાં, ભારત પર દબાણ લાવવામાં મદદ કરી રહી છે.

- Advertisement -

માત્ર આતંકવાદથી જ જેનું ગુજરાન ચાલે છે એવો પાડોશી દેશ પાકિસ્તાન ભારત સામે ત્રણ યુદ્ધો હાર્યો પછી આતંકવાદનો સહારો લેવાનો શરૂ કર્યો. સરહદપારથી આતંકવાદીઓ મોકલીને કાશ્મીરમાં અસ્થિરતા પેદા કરવામાં આવી. ભારતમાં વર્ષો સુધી શહેરોમાં બૉમ્બ ધડાકા થતા રહ્યા. આ તરફ ભારતની સરકારો પાકિસ્તાનને ડોઝિયરો મોકલતી રહી, વાતચીત અને વાટાઘાટો કરતી રહે. દરેક વખતે પાકિસ્તાન અવળચંડાઈ કરતું રહ્યું.

મોદીની સરકાર 2014માં આવ્યા પછી નીતિમાં ફેરફારો આવ્યા. ભારત શરૂઆતમાં ‘વેઇટ એન્ડ વૉચ’ મોડમાં હતું પણ પાકિસ્તાને પઠાણકોટ અને ઉરી જેવા હુમલાઓ કરીને એ વાતની સાબિતી આપી દીધી કે તેની પૂંછડી હવે વાંકી જ રહેશે. ભારતે પછીથી સર્જિકલ સ્ટ્રાઈક કરીને જડબાતોડ જવાબ આપવાનો શરૂ કર્યો. ત્યારપછી દરેક આવી ગુસ્તાખીનો ભારતે એટલી જ તીવ્રતાથી જવાબ આપ્યો છે.

22 એપ્રિલ, 2025ના દિવસે પાકિસ્તાની આતંકવાદીઓએ એ ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપ્યો જે ભારત અને ભારતીયો ક્યારેય ભૂલી શકે એમ નથી. પાકિસ્તાનની આવેલા આતંકવાદીઓએ પહલગામ ફરવા માટે ગયેલા પ્રવાસીઓમાંથી હિંદુઓને તેમના ધર્મ પૂછીપૂછીને માર્યા. 26ની હત્યા કરવામાં આવી. પાકિસ્તાનની આ અવળચંડાઈ તેને ભારે પડી, ભારતે ઑપરેશન સિંદૂર કરીને ઘરમાં ઘૂસીને આતંકવાદી અડ્ડાઓ નષ્ટ કર્યા. પછી પશ્ચિમ સરહદે ડ્રોન મોકલ્યાં તો દસ એરબેઝ પર મિસાઇલો મારવામાં આવી. આખરે પાકિસ્તાન અમેરિકા પાસે જઈને શસ્ત્રવિરામની ભીખ માગવા લાગ્યું.

- Advertisement -

ઑપરેશન સિંદૂર પહેલાં સરકારે પાકિસ્તાન સાથેના તમામ છેડા કાપી નાખ્યા હતા. રાજદ્વારીઓને તગેડી મૂકવાથી લઈને એવા ઘણા નિર્ણયો થયા. એમાં એક સૌથી મોટો અને મહત્ત્વનો નિર્ણય સિંધુજળ સમજૂતી સ્થગિત કરવાનો હતો.

શરૂઆતમાં પાકિસ્તાને આ સમજૂતી સ્થગિત કરવાના ભારતના નિર્ણયથી પોતાને કોઈ ફેર નહીં પડે એવું વલણ રાખ્યું હતું અને તેના નેતાઓ પણ એ જ સૂરમાં બોલતા હતા, પણ એક જ વર્ષમાં સાન ઠેકાણે આવી ગઈ છે. હવે પાકિસ્તાન પર દબાણ વધી રહ્યું છે. હમણાં જ એક ન્યૂઝ18ના રિપોર્ટમાં બહુ વિગતવાર જણાવાયું હતું કે કઈ રીતે સિંધુ જળ સમજૂતી અંગેના ભારતના નિર્ણય પછી પાકિસ્તાનમાં પાણીનું સંકટ તોળાતું હતું પણ પછીથી પૂર આવ્યું અને સ્થિતિ થોડીઘણી નિયંત્રણમાં રહી.

હવે પાકિસ્તાન સિંધુ જળ સમજૂતીને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવા માટે મથી રહ્યું છે, જેવું તેણે કાશ્મીર મુદ્દે કર્યું હતું. જેના માટે નરેટિવ વૉરફેર શરૂ કરવામાં આવ્યું છે. આશય એ છે કે ભારત પર ‘સિંધુ જળ સમજૂતી’ સ્થગિત કરવા મુદ્દે દબાણ લાવવામાં આવે અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ‘પાણીનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરનારું રાષ્ટ્ર’ તરીકે ચીતરવામાં આવે.

આ જ ક્રમમાં પાકિસ્તાને હમણાં એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ પણ યોજી, જેમાં તેના નેતાઓએ વૉટર ટ્રિટી અંગે જ બળાપો પણ કાઢ્યો છે અને બંને દેશો વચ્ચેના વિવાદને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાનો અને પરાણે દુનિયાને આમાં ઘૂસાડવાનો પ્રયાસ કર્યો. પણ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ પર લગામ નહીં લગાવે ત્યાં સુધી આ મુદ્દે કોઈ વાતચીત કરવામાં નહીં આવે.

પાકિસ્તાન બીજી પણ અનેક રીતે સપડાયું છે. પશ્ચિમ સરહદે અફઘાનિસ્તાન સાથે તેની ધમાલ ચાલે છે અને બંને વારેતહેવાર ધમાલ શોધતાં રહે છે. પાકિસ્તાનમાં આંતરિક રીતે પણ ઘણી ધમાલો ચાલે છે. બલોચો પહેલેથી મોરચો ખોલીને બેઠા છે અને છાશવારે સેના પર હુમલા કરતા રહે છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. હમણાં જ ત્યાંના પ્રદર્શનકારીઓએ કહ્યું કે તેઓ હવે અન્ય માર્ગો વિચારવા માંડશે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જેવાં સંગઠનો હુમલાઓ કરી રહ્યાં છે. હમણાં જ કરાંચીમાં પાકિસ્તાન રેન્જર્સના હેડક્વાર્ટર પર આત્મઘાતી હુમલો થયો હતો.

ફરતેથી સપડાયેલું પાકિસ્તાન હવે સિંધુ જળ સમજૂતી મુદ્દે ભારત પર દબાણ લાવવા માંગે છે અને આમાં મદદ કોણ કરી રહ્યું છે? અમુક ભારતના જ તથાકથિત પત્રકારો, નેતાઓ, રાજકારણીઓ અને ડિપ્લોમેટ.

ભારતમાંથી પાકિસ્તાનને આડકતરી રીતે મદદ કોણ પૂરી પાડી રહ્યું છે?

અત્યાર સુધીની લાંબી ચર્ચા એટલા માટે કરી કે તાજેતરમાં જે 117 ભારત અને પાકિસ્તાનીઓએ બંને દેશોના વડા પ્રધાનોને વાટાઘાટો શરૂ કરવાની વિનંતી સાથે પત્ર લખ્યો છે તેની પાછળનો સંદર્ભ સમજી શકાય. આ ગેંગ આડકતરી રીતે પાકિસ્તાનને તેનો નરેટિવ સેટ કરવામાં, ભારત પર દબાણ લાવવામાં મદદ કરી રહી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન દુનિયાની 1/5 વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને બંને દેશોમાં યુવાનોની મોટી વસ્તી છે. યુવાનોના ભવિષ્ય વિશે વિચારીને બંને દેશોએ ફરીથી શાંતિ સ્થપાય તે માટે વાટાઘાટો શરૂ કરવી જોઈએ. પણ પ્રશ્ન એ છે કે આ બધા નિર્ણયોથી ભારતને શું નુકસાન છે? પાકિસ્તાન સાથે વાતચીત ન કરવાથી ભારતને, ભારતના નાગરિકને કે ભારતના યુવાનને શું નુકસાન છે? કશું જ નહીં. બીજી તરફ જે કંઈ નુકસાન છે એ પાકિસ્તાનને છે. તો ભારતના તથાકથિત મહાનુભાવોને શું તકલીફ પડી છે?

નોંધવા જેવી વાત એ પણ છે કે આ જ ઇકોસિસ્ટમ બાકીના દિવસોમાં ‘સરકાર શું કરી રહી છે?’ અને ‘સરકાર દેશની સુરક્ષા કરી શકતી નથી’ જેવાં રોદણાં રડતી રહે છે. પણ જેવી સરકાર હાથ ઉગામે અને પાકિસ્તાનને તમાચા મારવાના શરૂ કરે એટલે અવળી દિશામાં રડવાનું શરૂ કરી દે છે. આવું જ ઑપરેશન સિંદૂર વખતે બન્યું હતું જ્યારે પહલગામ હુમલાના દિવસથી લઈને ઑપરેશન શરૂ થયું ત્યારસુધી આ ગેંગ સરકારને કાર્યવાહી ક્યારે થશે એવું પૂછતી રહી. જેવી સરકારે કાર્યવાહી શરૂ કરી એટલે ‘સ્ટોપ ધ વૉર’ની પોસ્ટોનો મારો ચલાવવાનો શરૂ કરી દીધો.

આ પત્ર લખનારાઓમાં અમુક જાણીતાં, અમુક અજાણ્યાં નામો છે. જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીનાં પણ નામ છે. બંને પાકિસ્તાન સાથે સરકારે વાતચીત કરવી જોઈએ એવું રટણ કરતાં રહ્યાં છે. આ વિવાદમાં બંનેનું વલણ શું હશે એ સમજવું હવે કઠિન કામ નથી. આ યાદીમાં કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર ન હોય તો જ આશ્ચર્ય થાય. તેમનું પણ નામ છે. અન્ય ડિપ્લોમેટ, રાજકારણીઓ પણ છે. પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ માટે લખનાર રોહિણી સિંઘ પણ હસ્તાક્ષર કરનારાઓમાં છે.

કોણ છે ઓ. પી શાહ?

પત્ર તૈયાર કરનાર સ્વઘોષિત ‘પીસ એન્ડ સોશિયલ એક્ટિવિસ્ટ’ ઓમપ્રકાશ શાહ છે. સેન્ટર ફોર પીસ એન્ડ પ્રોગ્રેસ નામના એક એનજીઓના અધ્યક્ષ છે. તેમની ટ્વિટર ટાઈમલાઈન જોશો તો સમજાશે કે પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાની ભયંકર તાલાવેલી છે.

ઓમપ્રકાશ શાહે ભૂતકાળમાં પાકિસ્તાનની અનેક વખત મુલાકાત લીધી છે. પોતે કાયમ પાકિસ્તાનના ડિપ્લોમેટના સંપર્કમાં રહે છે. જેની જાણકારી તેમણે પોતે X પોસ્ટ કરીને આપી છે.

જાન્યુઆરી 2026માં પણ ઓ.પી શાહે પાકિસ્તાન જવાનો પ્લાન બનાવ્યો હતો પણ પછીથી કહ્યું કે ‘અનિચ્છનીય કારણોસર’ તેઓ પ્રવાસ મોકૂફ રાખે છે. સાથે લખ્યું, ‘આશા રાખું છું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો સ્થાપિત થાય અને શાંતિ બની રહે તે માટેના પ્રયાસોના ભાગરૂપે હું જલ્દીથી પાકિસ્તાન જઈશ.’

ઓ. પી શાહની ટાઈમલાઈન પર અનેક પોસ્ટ જોવા મળશે, જેમાં તેમણે પાકિસ્તાનના હાઇકમિશનર કે અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હોય. ઉપરાંત પાકિસ્તાનની મુલાકાત દરમ્યાન પણ તેમણે અનેક અધિકારીઓની મુલાકાત લીધી હોવાની જાણકારી પોતાની X ટાઇમલાઇન પર આપી છે.

ફેબ્રુઆરી 2023માં ઓ. પી શાહે દિલ્હીમાં પાકિસ્તાનના તાત્કાલિક એક્ટિંગ હાઈકમિશનર આફતાબ હસન ખાનની મુલાકાત લીધી હતી. જેના વિશે તેઓ X પર લખે છે કે બંનેએ ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા માટે ‘નોટ એક્સચેન્જ કરી હતી.’

માર્ચ 2018ની એક પોસ્ટમાં લખે છે કે ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઈકમિશનર અશરફ કાઝી સાથે ઈસ્લામાબાદ ક્લબમાં મુલાકાત કરી અને ભારત-પાકિસ્તાનના સંબંધો પર ચર્ચા કરી.

તેઓ પાકિસ્તાન હાઇકમિશનર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પણ નિયમિત રીતે ભાગ લેતા રહ્યા છે.

માર્ચ 2023માં ગોવામાં યોજાયેલી SCOના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવ્યા ત્યારે ઓ. પી શાહે પોસ્ટ કરીને ભારોભાર પ્રશંસા વ્યક્ત કરી હતી અને સાથે લખ્યું કે ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓએ સાથે એક અલગ બેઠક પણ કરવી જોઈએ.

પાકિસ્તાની અધિકારીઓને નિયમિત મળતા રહેતા આ ઓ. પી શાહે હવે મોદીને પાકિસ્તાન સાથે ફરી વાતચીત શરૂ કરવા માટે વિનંતી કરતો પત્ર લખ્યો અને તેમાં ભારતના રાજકારણીઓ, પત્રકારો, ડિપ્લોમેટ વગેરેએ હસ્તાક્ષર કર્યા છે. એવા સમયે જ્યારે પાકિસ્તાન પહેલેથી દબાણનો સામનો કરી રહ્યું છે અને ‘સિંધુ જળ સમજૂતી’ મુદ્દે ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આવા પત્ર ફરતા કરવા એ સંયોગ ન હોય શકે!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં