
ભારત અને જાપાન વચ્ચેના વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત યાત્રાએ આવેલાં જાપાનનાં વડાં પ્રધાન સનાએ તાકાઈચી વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક બાદ બંને દેશોએ આર્થિક સુરક્ષા, ઊર્જા સુરક્ષા, AI, ફાર્માસ્યુટિકલ્સ અને સંરક્ષણ સહિતના અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં MoU પર હસ્તાક્ષર કર્યા છે. બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત-જાપાન વચ્ચેનો પરસ્પર વિશ્વાસ બંને દેશોની સૌથી મોટી તાકાત છે.
ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મોટો નિર્ણય લેતાં બંને દેશોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંબંધે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ટેક્નોલોજી ભાગીદારી હવે ભારત-જાપાન સહયોગનો સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ બનશે. જાપાનની અદ્યતન અને ચોકસાઈભરી ટેક્નોલોજી તથા ભારતની મજબૂત સોફ્ટવેર ક્ષમતાના સંયોજનથી વૈશ્વિક AI વિકાસને નવી ગતિ મળશે અને બંને દેશો ભવિષ્યની ટેક્નોલોજીમાં સાથે મળીને કામ કરશે.
સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્ર પર પણ ફોકસ
આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ આજે એક ઐતિહાસિક સફળતા મળી છે. ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં પ્રથમ કો-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતીથી બંને દેશો સંયુક્ત રીતે સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીનું નિર્માણ કરશે, જેનાથી ભારતની આત્મનિર્ભરતા અને જાપાન સાથેના વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બનશે.
ઊર્જા સુરક્ષા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ‘ભારત-જાપાન બાયોગેસ પહેલ’ શરૂ કરવામાં આવી છે. આ મહત્વકાંક્ષી કરાર અંતર્ગત ભારતમાં 1,000 બાયોગેસ અને ઓર્ગેનિક ખાતરના પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ વિકાસ, સમૃદ્ધિ અને ગ્રામીણ આજીવિકાને એક નવી તાકાત આપશે અને પર્યાવરણની સુરક્ષામાં મોટો ભાગ ભજવશે.
સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવા સહમતી
બેઠક દરમિયાન આર્થિક સુરક્ષા અને સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવા પર પણ સહમતી વ્યક્ત કરવામાં આવી છે. બંને દેશોએ સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ક્લીન એનર્જી અને માહિતી-સંચાર ટેક્નોલોજી (ICT) જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો નિર્ણય કર્યો. સાથે જ વેપાર, રોકાણ અને ઉદ્યોગ ક્ષેત્રે ભાગીદારીને વધુ ગતિ આપવા માટે પણ અનેક પગલાં લેવા પર ચર્ચા થઈ હતી.
નોંધનીય છે કે જાપાનનાં વડાં પ્રધાન સનાએ તાકાઈચીની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. તેઓ ત્રણ દિવસના પ્રવાસે ભારત આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાના આ સમયમાં બંને દેશો વ્યૂહાત્મક મુદ્દાઓ પર સમાન વિચારધારા ધરાવે છે. સાથે તેમણે જાપાનના ‘ફ્રી એન્ડ ઓપન ઇન્ડો-પેસિફિક’ (FOIP) વિઝનને વડાપ્રધાન મોદીની ‘મહાસાગર’ (MAHASAGAR) પહેલ સાથે જોડીને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, શાંતિ અને સ્થિરતા વધારવા માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે વધુ મજબૂત આર્થિક જોડાણ પર ભાર મૂકતાં જાપાનીઝ ઉદ્યોગપતિઓને આગામી દાયકામાં ભારતમાં 10 ટ્રિલિયન યેનથી વધુનું રોકાણ કરવાનું આહ્વાન કર્યું છે. આ સાથે જ તેમણે આગામી સમયમાં ભારતમાં કાર્યરત જાપાનીઝ કંપનીઓની સંખ્યા પણ બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેથી બંને દેશો વચ્ચે વેપાર અને રોજગારીની નવી તકો ઊભી થઈ શકે.

